રસપ્રદ કથાઓ: જ્યારે ગુચ્ચીના બોર્ડરૂમમાં ભાઈઓ બથોબથ આવ્યા..

0
319
Photo Courtesy: 1000logos.net

સ્થાપનાઃ 1921

હેડ-ક્વાર્ટર્સઃ ફ્લોરેન્સ, ઈટાલી

સ્થાપકઃ ગુચ્ચીયો ગુચ્ચી (Guccio Gucci)

કુલ આવકઃ તેરસો કરોડ ડોલર ($13.66 billion)

Photo Courtesy: 1000logos.net

ગુચ્ચી એક ઈટાલીયન ફેશન પ્રતીક બનેલી જગપ્રસિદ્ધ બ્રાન્ડ છે, જેનાં મુખ્ય ઉત્પાદનોમાં લેધરબેગ, મુસાફરીમાં વપરાતા થેલાઓ/બેગો અને અશ્વારોહણને લગતાં સાધનોનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ગ્રાન્ડ બનેલી બ્રાન્ડ ‘ગુચ્ચી’ની શરૂઆત 1921માં થઈ.

26 માર્ચ 1881નો દિવસ. ઈટાલીમાં ચામડાં બનાવવાનું કામ કરતાં એક પરિવારમાં ગુચ્ચીયો નામના એક પુત્રનો જન્મ થયો. 1900ના દશકમાં લંડનની સેવોય હોટલમાં લિફ્ટ-બૉય તરીકે કામ કરતો ગુચ્ચીયો લિફ્ટમાં ધનિક સ્ત્રીઓને જોતો અને તેમના હાથમાં ચામડાની અવનવી બેગો જોઈને પ્રભાવિત થતો. લંડનની નોકરી છોડીને ગુચ્ચીયો પોતાના વતન ઈટાલીના ફ્લોરેન્સમાં પરત આવ્યો. ફ્લોરેન્સ આવીને ગુચ્ચીયોએ સન 1906માં એક નાની દુકાન ખોલીને ઘોડાની કાઠીઓ વેંચવાનું કામ શરૂ કર્યુ. એ જમાનામાં દૂર દૂરનાં સ્થળોએ સામાનની હેરફેર માટે ઘોડાઓ કામમાં આવતા. પરિવારમાં મળેલી તાલીમને કારણે ગુચ્ચીયો ચામડાનો એક કુશળ કારીગર તો હતો જ. ગુચ્ચીયોએ સામાનની હેરફેરમાં કામમાં આવે તેવી મોટી મોટી બેગ બનાવવાનું શરૂ કર્યું.

1938માં ઈટાલીના પાટનગર રોમમાં પહેલી રીટેલ શોપ ખુલ્લી મૂકી. આ દુકાનમાં ગુચ્ચીયોના પોતાના હાથે બનેલા કેટલાંય પ્રકારના ઉત્પાદનોનું વેચાણ શરૂ થયું. લગભગ દસેક વર્ષ પછી 1947માં ગુચ્ચીયોએ બનાવેલી બાંબુ હેન્ડલવાળી ચામડાની બેગ (લેધરબેગ) ઈટાલીના બજારમાંથી દુનિયાના ફેશન બજારમાં પ્રવેશી. પછી લાલ પટ્ટીવાળી બેગ ગુચ્ચીની ઓળખાણ બની લેકિન અભી પિક્ચર બાકી થા!

ગુચ્ચીને ઓળખાણ તો મળી પણ એક એવા ધક્કાની જરૂર હતી જેના કારણે ગુચ્ચીનું નામ વિશ્વપટલ પર છવાઈ જાય. લગભગ 1950ના દશકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પત્ની જેકલીને ગુચ્ચીની એક હેન્ડબેગનો ઉપયોગ કર્યો અને ગુચ્ચીની બ્રાન્ડ વિશ્વભરમાં છવાઈ ગઈ. દુનિયાની યુવતીઓ માટે એક સિગ્નેચર બની ગઈ હોય એમ ગુચ્ચીની હેન્ડબેગનો વપરાશ વધવા લાગ્યો અને ગુચ્ચી ઈટાલીની લોકલ બ્રાન્ડમાંથી એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ. જગતભરમાં ધનિક સ્ત્રીઓ, હોલીવુડની હીરોઈનો અને બીજી સુદૃઢ અને સુખી પરિવારોમાં ગુચ્ચીની સમૃદ્ધ અને વિચિત્ર ડિઝાઈનને કારણે પ્રસિદ્ધી મેળવી.

ગુચ્ચીના લોગો વિશે વાત કરીએ. ગુચ્ચીના લોગોમાં બે ‘G’ એકમેક સાથે જોડાયેલા છે. ‘ડબલ જી’ નો અર્થ ગુચ્ચીયો ગુચ્ચીના નામના પ્રથમ અંગ્રેજી અક્ષરો છે. આ લોગો ગુચ્ચીયોના પુત્ર અલ્ડોએ ડિઝાઈન કરેલો. આ ‘ડબલ-જી’નો લોગો અને ગુચ્ચીની આઈકોનિક પટ્ટી (જેમાં બે લીલી પટ્ટીઓ અને એક લાલ પટ્ટી છે) લગભગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવ્યાં. ગુચ્ચી ભલે શરૂઆતમાં ચામડાની વસ્તુઓ બનાવતી પણ સાથે જ ગૂંથેલા વસ્ત્રો, સિલ્કના વસ્ત્રો, જૂતાં અને હેન્ડબેગ બનાવવાનું શરૂ કરેલું. બીજા વિશ્વયુધ્ધ વખતે સામગ્રીની અછતને કારણે સુતરાઉ કપડું વાપરવાની શરૂઆત કરી.

સન 1953માં ગુચ્ચીયો ગુચ્ચીનું દેહાંત થયું અને પિતાનો વ્યાપાર પુત્રોએ સંભાળ્યો. ગુચ્ચીયોના ત્રણ પુત્રો – આલ્ડો, વાસ્કો અને રોડાલ્ફોએ મળીને આ બ્રાન્ડને આગળ વધારી. લગભગ 1965 સુધીમાં ત્રણેય ભાઈઓએ મળીને કાંડા ઘડિયાળ, ઝવેરાત અને ચશ્માન ઉત્પાદનો પણ પોતાની બ્રાન્ડમાં જોડી દીધાં. સિત્તેરના દશકમાં ગુચ્ચી બ્રાન્ડની લોકપ્રિયતા ચરમસીમાએ હતી પરંતુ કેટલાક અજીબ નિર્ણયો અને પારિવારિક ઝઘડાઓને કારણે ગુચ્ચી બ્રાન્ડ ધ્વસ્ત થવા લાગી.

1979માં ગુચ્ચી ગ્રુપ દેવાળિયાની સ્થિતિમાં આવી ગયું. દિવસો જતાં પરિસ્થિતિ બગડવા લાગી. કંપનીમાં ભાગીદારીના મુદ્દે ગુચ્ચીયોના પુત્રો વચ્ચે વિવાદ વધ્યો. વિવાદની ચરમસીમા તો એ કે એકવાર બોર્ડ ઑફ ડિરેક્ટરની મિટીંગમાં બોલાચાલી થયાં બાદ એક ભાઈએ બીજા ભાઈ પર ટેલીફોન ફેંકી માર્યો. ભાઈઓ બથોબથ આવ્યા. દસ-બાર વર્ષના ગાળામાં જેટલી પ્રસિદ્ધી ગુચ્ચીએ નહોતી મેળવી તેના કરતાં વધુ ‘ન જોઈતી’ પ્રસિદ્ધી ભાઈ-ભાઈના ઝઘડા અને હાથાપાઈના વિવાદને કારણે મળી.

1983માં રોડોલ્ફો ગુચ્ચીનું પણ અવસાન થયું અને ગુચ્ચી પરિવારના વારસદાર તરીકે રોડોલ્ફોના પુત્ર મોરિસિયો (Maurizio) ગુચ્ચીએ કંપનીના સંચાલનની દોરી સંભાળી. તેના કાર્યકાળ દરમિયાન પારિવારક રાજકારણને કારણે ટેક્સચોરીનો વિવાદ સર્જાયો, વિદેશી રોકાણકારોને થતી મુશ્કેલીઓને કારણે એક ભાઈ આલ્ડોને જેલની સજા પણ થઈ. છેવટે મોરિસિયોએ પરિવારના સભ્યો પર ભરોસો કરવા કરતાં બહારના લોકો પર ભરોસો કરવાનું શરૂ કર્યું. કંપનીના ઊંચા પદો પર મોટા પગારો આપી બહારની દુનિયાના શ્રેષ્ઠ લોકોને લાવ્યા. અમેરિકન ફેશન ડિઝાઈનર ટોમ ફોર્ડ (Tom Ford)ને રેડી-ટુ-વેઅર વસ્ત્રો ડિઝાઈન કરવા કંપનીમાં લાવવામાં આવ્યો. ચારેક વર્ષ પછી તેને ક્રિએટીવ ડિરેક્ટરની પદવી આપી.

પરિણામે 1995 સુધીમાં ગુચ્ચી ફરી એકવાર દુનિયાની પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડ બની ગઈ. આજે ગુચ્ચીના પૂરી દુનિયામાં 300 જેટલા સ્ટોર્સ છે જેનું સંચાલન ખુદ ગુચ્ચી જ કરે છે. સન 2004માં ટોમે પોતાનું ગુચ્ચી સાથેનું છેલ્લું કલેક્શન લોકો સમક્ષ મૂક્યું. સન 2006થી ફ્રીડા ગિયાનિની (Frida Giannini)નામની ફેશન ડીઝાઈનરે ગુચ્ચીમાં પ્રવેશ કર્યો. તેણીએ પુરુષ અને સ્ત્રીઓના રેડી-ટુ-વેર પોશાકની કમાન સંભાળી અને 2014 સુધી કાર્યરત રહી.

ફ્રીડાએ ગુચ્ચીમાંથી વિદાય લીધી અને 2015માં અલેસાન્ડ્રો મિશેલ(Alessandro Michele)ને ક્રિએટીવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. મિશેલ ઓલરેડી ગુચ્ચી સાથે છેલ્લાં 12 વર્ષથી જોડાયેલાં હતાં. મિશેલના નેતૃત્વ નીચે 2017માં ગુચ્ચીએ અત્યાર સુધીનો સૌથી વધુ વકરો કર્યો અને લગભગ 11%નો પ્રોફિટમાં ફાયદો કરાવ્યો.

ગુચ્ચી આજે દુનિયાના હિપ-હોપ આર્ટીસ્ટ, રૅપર, ગાયક-ગાયિકાઓ માટે એક મૂળભૂત પસંદગી બની ગઈ છે. ગુચ્ચીનો શબ્દનો અર્થ થાય છે – doing wel (બધું સારું થઈ રહ્યું છે).

સંદર્ભઃ

https://www.highsnobiety.com/tag/gucci/

https://en.wikipedia.org/wiki/Guccio_Gucci

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here