રસપ્રદ કથાઓઃ કાશ્મીર કી કલીયોં કી ક્વીન – નુસરત જહાં આરા

0
296
Photo Courtesy: dailyexcelsior.com

નુસરત જહાં આરા એ કાશ્મીરનો એક એવો ચહેરો છે જેણે ઘણી કાશ્મીરી મહિલાઓને રોજિંદા ઘરકામથી મુક્ત થવા અને પેન્શનવાળી સરકારી નોકરીઓ સુરક્ષિત કરવા વ્યવસાયના ક્ષેત્રે વિકાસ માટે પ્રોત્સાહન એવું આપ્યું છે. આવું કાશ્મીર જેવા ખીણપ્રદેશમાં સામાન્ય બાબત નથી. 14 ફેબ્રુઆરી 2019ના રોજ માં કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા પછી ઘરે-ઘરે પુલવામાનું નામ પ્રચલિત બન્યું. પણ પુલવામા હજી પણ એક બાબતે પ્રસિદ્ધ છે. નુસરત જહાં આરા કાશ્મીરના પુલવામા જિલ્લાના દાદુરા ગામમાં જન્મેલી એક છોકરી છે.

Photo Courtesy: dailyexcelsior.com

કાશ્મીર ઘાટીમાં મુસ્લિમ છોકરીને આજથી 25-30 વર્ષ પહેલાં ઘરની બહાર કદમ મૂકવા પણ ન મળતું તેવા વખતે આ છોકરીને તેના માતાપિતાએ ભણાવી અને પગભર થવા માટે પ્રોત્સાહન પણ આપ્યું. 1998માં નુસરતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માંથી કોમ્પ્યુટર સાયન્સની ડીગ્રી લીધી. સ્નાતક થયા પછી જમ્મુ-કાશ્મીર અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં સરકારી નોકરી કરી. કોમ્પ્યુટર સ્નાતક હોવા છતાં તેણીએ સરકારી નોકરી લીધી, કેમ કે તેણીના સમયના મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ સરકારી નોકરી જ પસંદ કરતા હતા. જો કે નુસરતને થોડાં જ વર્ષોમાં સમજાઈ ગયું કે આ 9 થી 5 ની સરકારી નોકરી તેના માટે નથી, તેનું પેશન કંઈક અલગ કરવાનું હતું.

જેઓ કાશ્મીરમાં રહ્યા નથી તેમની જાણકારી માટે કહી દઉં કે કાશ્મીરમાં સરકારી નોકરી છોડી દેવી એ એટલું સહેલું નથી. સલામત-નિવૃત્તિ-પેન્શન જેવા કમ્ફર્ટ-ઝોનમાંથી બહાર આવવાની કોઈ ઈચ્છા બતાવે તો સમાજ તમારા નિર્ણયની કડક નિંદા કરવા લાગે. લોકો તમને ટોણા મારીને હેરાન કરી મૂકે. પોતાનો વ્યવસાય કરવો જોઈએ કે નહીં અને તેની સાથે સંકળાયેલા જોખમોની વાતો લઈને સંબંધીઓની આખી જમાત ઘરે આવી ધસે. પરંતુ નુસરત આવા માનસિક ત્રાસથી દૂર રહી. તેણીએ પોતે માનસિક રીતે એટલે સજ્જ હતી કે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાથી તેણીને કોઈ રોકી શક્યું નહી.

કાશ્મીરની બીજી મહિલાઓ તરફ નુસરતે જોયું તો ખબર પડી કે લગભગ દર બીજી મહિલા પોતાનું બુટિક ચલાવે છે. નુસરતને આવા કોઈ વ્યવસાયનો ભાગ બનવાની જરા પણ ઈચ્છા નહોતી. ઝડપથી કાશ્મીરના જુદા જુદા વિસ્તારોનો સર્વે કર્યો ત્યારે તેણીને સમજાયું કે જે પુષ્પોની સુંદરતા દરેક ખીણમાં ફેલાયેલી છે તે તાજા તોડેલા ફૂલો વેચનારો એક પણ સ્ટોર નથી! આ જ તે રળિયામણી ઘડી હતી જ્યારે નુસરતે પોતાનું મન બનાવ્યું અને એક નાનું સાહસ શરૂ કર્યું.

નુસરત ઘાટીના ફ્લોરીકલ્ચર ક્ષેત્રની પ્રથમ મહિલા ઉદ્યોગસાહસિક બની. આ સરળ નહોતું. મૂડી ભેગી કરવા માટેના કોઈ પણ બીજા સાધન નહોતા અને સરકાર પણ ટેકો આપવા તૈયાર ન હતી. તેણીએ પોતાની સંપૂર્ણ બચત અને આત્મા કામમાં લગાડી દીધી.

જ્યારે 2000ની સાલમાં નુસરતે નોકરી છોડી, પછી પોતાના એક દિલ્હીમાં રહેતા મિત્ર પાસેથી ઉધારીમાં 40 હજાર રુપિયાના ફૂલો મંગાવીને કાશ્મીરની એક લોકલ હોટલમાં તેનું પ્રદર્શન યોજ્યું. તાજા દેશી-વિદેશી ફૂલો સ્થાનિક અને પ્રવાસી લોકોને ખૂબ જ ગમ્યા. કાશ્મીરની એક લોકલ સરકારી એજન્સીએ આ પ્રદર્શન જોઈને તેને ફ્રેશ ફૂલોના સપ્લાય માટેનો ઓર્ડર આપ્યો. 2001માં જમ્મુ-કાશ્મીર બેન્કે નુસરતને એક વર્ષ સુધી પોતાના કાર્યક્રમોમાં ફ્રેશ ફૂલો સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો અને નુસરત બેનની ગાડી ચાલવા લાગી.

ગાડી તો ચાલી પણ મુશ્કેલીઓ હવે વધવા લાગી. દિલ્હીથી ફૂલો લાવવામાં તેનો ખર્ચો વધી જતો અને પોતાને થતો નફો નજીવો હતો. કાશ્મીરનું વાતાવરણ ફૂલોની ખેતીને અનુરૂપ છે કે કેમ તે જાણવા તેણીએ નિષ્ણાંતોની સલાહ લીધી અને થોડું રીસર્ચ કર્યું. પરિણામ એવું આવ્યું કે તેણીને સમજાઈ ગયું કે ફૂલોની ખેતી સ્થાનિક રીતે થઈ શકે. Charity begins from home માનીને પોતાના પૂર્વજોના ઘરના પાછલા વરંડામાં જ ફૂલો ઉગાડવાનું શરૂ કર્યું. 2002માં તેણે ચાર ખેતરો ભાડે રાખ્યા અને ખેતીનું વિસ્તરણ કર્યું.

2004માં નુસરતને લગ્ન, રીસેપ્શન જેવા પ્રસંગોમાં સજાવટનું કામ મળવા લાગ્યું. ડેકોરેશનનું નુસરતને ફાવતું નહોતું એટલે 1994માં સ્થાપિત દેશની સૌથી મોટી ફ્લોરિસ્ટ કંપનીની ફ્રેન્ચાઈઝી લીધી – કંપનીનું નામઃ ફર્ન્સ એન્ડ પેટલ્સ (https://www.fnp.com/). પછી નુસરતે પોતાના ખેતર લઈ ફક્ત ફૂલોની જ નહીં પણ મસાલા, જડીબુટ્ટી, વિદેશી શાકભાજીની ખેતી પણ શરૂ કરી. નેધરલેન્ડ્સની એક એગ્રોટેક કંપની પાસેથી વેજીટેબલ હાઈબ્રીડ સીડ્સ માટે કરાર કર્યા અને ખેતીમાં વિશેષજ્ઞતા મેળવવા નુસરતે જમ્મુ-કાશ્મીર બેંક પાસેથી સવા કરોડાની લોન લઈ એક ગીન હાઉસ પણ વિકસીત કર્યું.

કાશ્મીરની ઘાટીમાં આજે નુસરત જહાં આરા એકમેવ મહિલા છે જે શાકભાજી અને ફળની મોડર્ન ખેતી કરે છે. એક ઈન્ટરવ્યુમાં નુસરતે કહેલું, “અમારા હાથથી બનાવેલ વ્યક્તિગત-સંભાળની અને ઘર-સંભાળની તમામ વસ્તુઓ સ્થાનિક રીતે ઉપલબ્ધ ઘટકો પર આધારિત છે. તેમાં વપરાતા દરેક પદાર્થો ક્યાં તો સ્થાનિક ખેડુતો દ્વારા ઉગાડવામાં આવે છે અથવા વન વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. આ ફળો, ફૂલો, જડીબુટ્ટીઓ અને આવશ્યક તેલો આયુર્વેદ અને વનસ્પતિશાસ્ત્રના સદીઓ-જૂના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પરિવર્તિત થાય છે.”

નુસરત કાશ્મીરમાં ‘કટ ફ્લાવર ક્વીન’ તરીકે ઓળખાય છે. આજે લગભગ પાંચેક કરોડ જેટલો વકરો નુસરત કરી લે છે જેમાં કાશ્મીર ઘાટીની મહિલાઓની મહેનત અને નુસરતનો પેશન મહત્ત્વનો ભાગ ભજવે છે. ટાટા-ટીઆઈએ તરફથી નુસરતને મહિલા સશક્તિકરણ સ્ત્રી-શક્તિ એવોર્ડથી નવાજવામાં આવી છે.

સંદર્ભઃ

https://www.kashmirbox.com/blogs/people-of-kashmir/flower-power-the-story-of-nusrat-jahan-ara

https://yourstory.com/2016/10/nusrat-jahan-ara?utm_pageloadtype=scroll

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here