કોરોનાની રામાયણ અને મહાભારતનું રાજકારણ!

0
315
Photo Courtesy: latestly.com

21 દિવસના લોકડાઉન દરમ્યાન પ્રજાનો મોટો ભાગ ઘરમાં જ રહે અને કંટાળે નહીં તેના માટે કેન્દ્ર સરકારે રામાયણ અને મહાભારત સિરીયલોને ફરીથી ઓન એર કરી છે, પરંતુ એક ખાસ ઈકોસિસ્ટમને તેનાથી મરચાં લાગી ગયા છે.

Photo Courtesy: latestly.com

ગત શનિવારથી દૂરદર્શન પર તેની સહુથી લોકપ્રિય અને અત્યંત સફળ એવી બે સિરીયલો અનુક્રમે રામાયણ અને મહાભારતને ફરીથી શરુ કરવામાં આવી. આમ કરવા પાછળનો મૂળ હેતુ દેશવ્યાપી લોકડાઉનનું પાલન કરી રહેલા ભારતીયો ઘરમાં બેઠાબેઠા કંટાળે નહીં અને તેમને વગર કારણે બહાર નીકળવાના કારણો ઓછા થાય. પરંતુ. કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમને આ ગમ્યું નહીં અને કાયમની જેમ વિરોધ એટલે વિરોધનો ઝંડો લઈને મેદાનમાં ઉતરી પડ્યા, અલબત સોશિયલ મિડિયાના મેદાનમાં કારણકે સાચા મેદાનમાં તો અત્યારે ઉતરાય એવી પરિસ્થિતિ નથી.

પહેલા તો આપણે જાણીએ કે કેન્દ્ર સરકારને આ સિરિયલોનું પુનઃપ્રસારણ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? આમ અચાનક જ તેણે રામાયણ અને મહાભારતને ફરીથી ઓન એર કરવાનો નિર્ણય લઇ લીધો નથી. બન્યું એવું કે જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગા પ્રવચનમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય જાહેર કર્યો ત્યારથીજ સોશિયલ મિડીયામાં ખાસકરીને Twitter પર આ બંને મહાકાવ્યો પરની મહાસિરીયલો ફરીથી શરુ કરવાનો ગણગણાટ શરુ થઇ ગયો હતો અને આ ગણગણાટ શરુ થવાના કલાકોમાં જ સરકારને તેના વિષે ખ્યાલ આવી ગયો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાસ ઝાવડેકરે તરતજ આ બંને સિરીયલોના નિર્માતાઓ સાથે ચર્ચા શરુ કરી અને તેમની મંજૂરી મળવાની સાથેજ આ બંને સિરીયલો ફરીથી શરુ કરવાની જાહેરાત તેમણે ખુદ Twitter પર આવીને કરી. આ જાહેરાત અનુસાર રામાયણ DD National પર દરરોજ સવારે અને રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે અને મહાભારત દરરોજ બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે DD Bharati પ્રસારિત કરવામાં આવી રહી છે.

આ જાહેરાતને વ્યાપક અને હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો તો સરકારે બોનસમાં બ્યોમકેશ બક્ષી અને શાહરૂખ ખાનની એક્ટિંગ કારકિર્દીની શરૂઆતની સર્કસ સિરીયલો પણ શરુ કરાવી. પરંતુ અહીં કેન્દ્ર સરકારની દરેક બાબતોનો વિરોધ કરવાના સમ ખાઈને બેસેલા કોંગ્રેસ પાર્ટીના કેટલાક આગેવાનો અને તેમની ઈકોસિસ્ટમના ભાડુઆતોએ કર્કશ કલબલાટ કરવાનો શરુ કરી દીધો. જે રીતે દેશમાં આ સમગ્ર ઈકોસિસ્ટમ આટલા વર્ષો સુધી કામ કરી રહી છે એ જ તર્જ પર તેણે આ મામલે પણ વિરોધ દર્શાવવાનો શરુ કર્યો.

આ તમામનો એક જ સૂર હતો કે સરકારની પ્રાથમિકતા કોરોના વાયરસ સામે લડવા કરતા રામાયણ અને મહાભારત સિરીયલો દેખાડવાની છે. જો ભારતમાં અત્યારે સોશિયલ મિડિયાની ગેરહાજરી હોત અને માત્ર મેઈન સ્ટ્રીમ મિડિયા જ હોત તો આ ઈકોસિસ્ટમની આ નકારાત્મકતા ધારી અસર જરૂર ઉભી કરી શકી હોત, પરંતુ ભગવાનની દયાથી ભારતમાં સોશિયલ મિડિયા માત્ર હાજરાહજૂર જ નથી પરંતુ અત્યંત મજબૂત પણ છે.

આથી સામાન્ય જન આ ઈકોસિસ્ટમના કાયમી વિષવમનથી વાકેફ થઇ ગયો છે અને આ વખતે પણ એની કારી ફાવી નથી. આપણે જાણીએ છીએ કે હાલમાં કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકારો દિવસ અને રાત ભેગા કરીને કોરોના વાયરસને હરાવવા માટે કાર્ય કરી રહી છે. દેશની લગભગ તમામ રાજ્ય સરકારોએ એવી વ્યવસ્થા ઉભી કરી દીધી છે કે જેથી સામાન્ય જન ઘરમાં જ રહે અને તેમ છતાં તેને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળતી રહે.

આથી કેન્દ્ર સરકારના નિર્દેશો અને સલાહનું બરોબર પાલન થઇ રહ્યું છે એ સપાટી પર સ્પષ્ટ દેખાય છે. યોગ્ય સમયે પહેલા જનતા કર્ફ્યું અને બાદમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરીને દેશમાં કોરોનાની દેખીતી એન્ટ્રીના લગભગ બે અઠવાડિયા પછી પણ આપણે ત્યાં તાજા આંકડા અનુસાર પરિસ્થિતિ અન્ય અત્યંત વિકસિત દેશો કરતા ઘણી કાબૂમાં છે. ઉપરાંત ઠેરઠેર સ્પેશિયલ કોરોના હોસ્પિટલો પણ ઉભી થઇ રહી છે જેમાં રેલવેના ડબ્બાઓ પણ સામેલ છે, એ સાબિત કરે છે કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા માત્ર અને માત્ર કોરોનાને કાબુ કરીને દેશવાસીઓને તેનો ભોગ બનતા અટકાવવાની જ છે.

ટીવી પર મહાભારત અને રામાયણનું પ્રસારણ કરવું એ સરકારની પ્રાથમિકતા બિલકુલ નથી, કોઇપણ જવાબદાર સરકારની હોઈ પણ ન શકે, એ તો ફક્ત ઉપરની રણનીતિનો જ એક ભાગ છે. પરંતુ આ ઈકોસિસ્ટમમાં રહીને દૈનિક ભથ્થાં મેળવતા વ્યક્તિઓ એ જ લોકો છે જેમણે જનતા કર્ફ્યું દરમ્યાન સાંજે પાંચ વાગ્યે પાંચ મિનીટ તાળી, થાળી, ઘંટ કે પછી શંખ વગાડવાની વડાપ્રધાનની અપીલની મશ્કરી કરી હતી. એમણે ડોક્ટરો, નર્સો, પોલીસ અને અન્ય કોરોના યોદ્ધાઓનો આભાર માનવાની આ પ્રવૃત્તિની પણ ટીખળ કરતા કહ્યું કે મોદી એમ કહે છે કે આમ કરવાથી કોરોના ભાગી જશે અને તેના મુર્ખ ભક્તો આવું માને પણ છે.

ફરીથી દેશમાં હાજર અને મજબૂત એવા સોશિયલ મિડિયાનો આભાર કે તેણે ઈકોસિસ્ટમના આ દુષ્પ્રચારને પણ ધ્વસ્ત કરી દીધો અને તેને મૂંગી કરી દીધી. હજી ઓછું હોય તેમ આ ઈકોસિસ્ટમના અમુક લોકોએ એવું કહેવાનું પણ ચાલુ કર્યું કે માત્ર રામાયણ કે મહાભારત જ કેમ આપણો દેશ તો ‘સેક્યુલર’ છે એટલે અલીફ લૈલા પણ દેખાડવી જોઈએ. અમુકે તો એમ પણ કહ્યું કે આ હિન્દુવાદી સરકાર છે એટલે જાણીજોઈને જવાહરલાલ નહેરુએ લખેલા પુસ્તક ‘Discovery of India’ પરથી વામપંથી શ્યામ બેનેગલે બનાવેલી ‘ભારત એક ખોજ’ નહીં જ દેખાડે.

પરંતુ આ લોકોને એટલી પણ ખબર નથી પડતી કે હજી તો આ શરૂઆત છે. દેશનો મોટો ભાગ ઘરમાં જ રહે અને આગળ જણાવ્યું તેમ સતત 21 દિવસ ઘરમાં બેસીને કંટાળી ન જાય તે માટે આ બંને સિરીયલો શરુ કરવામાં આવી છે. ભગવાન ન કરે અને લોકડાઉનનો સમય લંબાવવો પડે તો તમારી મનગમતી સિરીયલો પણ આવશેજ અને એ બંને પણ ભારતવાસીઓમાં એ સમયે અત્યંત લોકપ્રિય થઇ હતી એટલે એને પણ આવો જ જોરદાર પ્રતિસાદ  મળશે એમાં શંકાને સ્થાન નથી.

જો કે આ ઈકોસિસ્ટમને એટલી પણ ખબર ન હતી કે DD Bharati પર પહેલેથી જ બપોરે 1 વાગ્યે ‘ભારત એક ખોજ’ આ જ હિન્દુવાદી સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવતી જ હતી જે હાલમાં થયેલા ફેરફારને લીધે અન્ય સમય પર ખસેડવામાં આવી છે. પણ આ તો શું છે વિરોધ એટલે વિરોધ. આમને અંધ વિરોધીઓ પણ ન કહી શકાય કારણકે અંધ તો માત્ર ભક્તિ જ હોય છે ને?

“ઘરે રહો, સ્વસ્થ રહો અને કોરોનાને ભગાડો!”

૩૦ માર્ચ ૨૦૨૦, સોમવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here