રસપ્રદ કથાઓઃ ‘રુપા’ બ્રાન્ડના આંતરિક વસ્ત્રો – યે આરામ કા મામલા હૈ!

0
222
lancenlingerie.com

આપણે ત્યાં આંતરિક વસ્ત્રો (Innerwear) જમાને-જમાને બદલાતા રહ્યા છે પણ તેના વિશે ખુલીને વાત કરવાની આપણને શરમ આવતી હોય છે.

lancenlingerie.com

પહેલાં લંગોટનો જમાનો હતો અને પછી દરજીએ સીવેલી ચડ્ડીઓનો. આપણે આંતરિક વસ્ત્રોને પશ્ચિમી દેશો જેટલું મહત્ત્વ આપ્યું નથી. પશ્ચિમી દેશોમાં તો ‘ઈનરવેર’ને ફક્ત પોશાક નહીં પણ ફેશન તરીકે પણ જોવાય છે. જેમ જેમ વિકાસ થતો ગયો અને લોકોમાં ફેશન પ્રત્યે જાગૃતિ આવી, આંતરિક વસ્ત્રોને મહત્ત્વ અપાયું. વી.આઈ.પી. (VIP), લક્સ (Lux) અને અમૂલ (Amul) જેવી બ્રાન્ડ લોકોને અવનવા આંતરિક વસ્ત્રો પીરસતી થઈ. લોકોમાં આંતરિક વસ્ત્રોની વિવિધતા, કાપડ અને ડિઝાઈન વિશે પણ જાગૃતિ આવી. છતાં મોંઘા ઈનરવેર્સ ભારતની સામાન્ય જનતાને પરવડે એમ નહોતા. ત્યારે કલક્તાની ‘રુપા એન્ડ કંપની’એ આ માર્કેટમાં એક નવો ચીલો ચાતર્યો.

આપણે ‘રુપા’ શબ્દને આંતરિક વસ્ત્રોને જોડીને ઘણાં જોક્સ બનાવ્યા છે પણ આ કંપની માટે ‘રૂપા’ એ કોઈ છોકરીનું નામ નહોતું. ભારતના ‘રુપિયા’ શબ્દ પરથી આ કંપનીએ પોતાનું નામ  ‘રુપા’ રાખ્યું. આજે ‘રુપા’ એ ભારતની સૌથી મોટી અને પ્રખ્યાત ઈનરવેર્સની બ્રાન્ડ છે. આ કંપની પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે આંતરિક વસ્ત્રો, કેઝ્યુઅલ વેર, થર્મલવેર અને સ્લીપવેર બનાવે છે.

રૂપા પુરુષો માટે ગંજી (Vests), જાંગીયા (Briefs), ડ્રોઅર્સ, બર્મુડા, કેપ્રી, ટી-શર્ટ્સ, લાઉન્જ વેર, બોક્સર શોર્ટસ, અને નાઈટવેર ઉત્પન્ન કરે છે. જ્યારે સ્ત્રીઓ માટે બ્રા, પેન્ટી, કેમિસોલ્સ અને લેગિંગ્સ બનાવે છે. બાળકો માટે બાબા સ્યુટ, બ્લૂમર્સ, બર્મુડા અને ટી-શર્ટ્સ પણ બનાવે છે.

આ કંપની ત્રણ મારવાડી ભાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે – પી.આર. અગ્રવાલ (અધ્યક્ષ – ચેરમેન), જી.પી. અગ્રવાલ (ઉપાધ્યક્ષ – વાઈસ-ચેરમેન) અને કે.બી. અગ્રવાલ (વહીવટી સંચાલક – મેનેજિંગ ડિરેક્ટર).

પી.આર.અગ્રવાલનો જન્મ રાજસ્થાનના સીકર ગામમાં થયેલો. પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવીને તેઓ કલકત્તા ગયા. તેમના પૂર્વજો, દાદા, પરદાદા ઓલરેડી કલકત્તામાં હતા કારણ કે તે જમાનામાં કલકત્તા મુખ્ય વ્યાવસાયિક કેન્દ્ર ગણાતું. કલક્ત્તા જઈને પી. આર. અગ્રવાલે મિટ્રીકની પરીક્ષા પાસ કરી અને સિટી કોલેજમાંથી ડીગ્રી મેળવી. તેમના પિતા કલકત્તાના બડા બજારમાં હોઝિયરી વેચતા હતા, ત્યાં તેમની સાથે પી.આર. અગ્રવાલ પણ જોડાયા. પિતા સાથે રહીને માર્કેટની સમજ, ખરીદ-વેચાણના હિસાબ વગેરેમાં તેમની ઉત્તમ તાલીમ થઈ.

1957માં બિનોદ હોઝિયરી નામની એક ટ્રેડિંગ કંપની બનાવી જે એક કંપની પાસેથી માલ લઈને બીજી કંપનીને આપે અને પોતે કમિશન મેળવે. ટ્રેડિંગ કરતી વખતે તેમને કપડાની સમજ આવી અને ખબર પડી કે આંતરિક વસ્ત્રોનું માર્કેટ ભારતમાં ધૂમ મચાવે તેવું છે. પોતાના પિતરાઈ ભાઈઓ (જી.પી. અગ્રવાલ અને કે.બી. અગ્રવાલ) સાથે 1968માં કલકત્તા માં પુરુષોના અંડરવેર્સ બનાવવાનું શરૂ કર્યું. કંપનીનું નામ આપ્યું – રુપા! કલકત્તા પછી તામિલનાડુના તિરુપુરમાં તેમણે પોતાની ફેક્ટરી શરૂ કરી. 1984માં લગભગ પાંચેક કરોડની ઈક્વીટી સાથે ‘રુપા’ કંપનીને શેરબજારમાં રજિસ્ટર કરાવી.

પુરુષોના આંતરિક વસ્ત્રો બનાવતી વખતે તેમને ખ્યાલ આવ્યો કે સ્ત્રીઓના આંતરિક વસ્ત્રો બનાવીએ તો તે બજાર પર પણ કબજો કરી શકાય. એટલે ‘ફિમેલ ઈનરવેર્સ’ બનાવવાનું કામ શરૂ કર્યું.

આજે ‘રુપા’ની લોકપ્રિય બ્રાન્ડમાં Frontline, FL 7, Softline, Euro, Bumchums, Torrido, Thermocot અને Macroman પ્રસિદ્ધ છે. કંપની જાહેરાત માટે ચિક્કાર રુપિયા વાપરે છે અને એટલે જ સંજય દત્ત, ગોવિંદા, ઐશ્વર્યા રાય, હ્રિતિક રોશન, રણવીર સિંઘ, અનુષ્કા શર્મા, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેવા લોકલાડીલા અને મોંઘાદાટ કલાકારો તેમની જાહેરાતોમાં હોય છે.

રુપા કંપની ની ઉપ્તાદન ક્ષમતા દરરોજના 9 લાખ નંગ બનાવવાની છે અને દેશભરમાં તેઓ 70 હજાર કરતા પણ વધુ રિટેલર્સ સુધી પહોંચે છે. ભારત ઉપરાંત દુબઈ, મસ્કત, દોહા જેવા મધ્યપૂર્વના દેશો અને યુરોપમાં પણ ‘રુપા’ કંપનીએ પોતાનો પગપેસારો કરેલો છે.

‘રુપા’ કંપનીને અઢળક એવોર્ડ મળેલા છે. 2010માં ‘માસ્ટર બ્રાંડ’, 2011માં ઇન્ડિયન પાવર બ્રાન્ડ અને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ , 2013માં ટાઇમ રિસર્ચ બિઝનેસ લીડરશીપ એવોર્ડ, 2013 માં કેન્દ્રીય કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા વણાટ ક્ષેત્રના સૌથી મોટા નિર્માતા, 2014માં લિમ્કા બુક ઑફ રેકોર્ડસ અને 2015માં શ્રેષ્ઠ કોર્પોરેટ બ્રાન્ડનો એવોર્ડ મળેલો છે.

સંદર્ભ્ઃ

http://rupa.co.in/

https://www.campaignindia.in/article/innerwear-market-has-evolved-with-media-reach/423618

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here