રસપ્રદ કથાઓઃ આઈ લવ યુ ‘રસના’

0
322
Photo Courtesy: dailybusinessnews.blogspot.com

કોઈ તમને શરબત ભરીને એક ગ્લાસ આપે અને કહે “આ લ્યો, ઝાફે પીવો.” તો તમારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન થશે કે ‘ઝાફે’ વળી શું? આ શરબત જ છે ને?

Photo Courtesy: dailybusinessnews.blogspot.com

1976માં ‘પાયોમા ઈન્ડસ્ટ્રીઝ’ નામની કંપનીના માલિક અરિઝ ખંભાતા એ શરબતના પેકેટ બજારમાં વેચવા માટે મૂક્યા અને નામ આપ્યું ‘ઝાફે’. પરંતુ ‘ઝાફે’ નામ શરબત સાથે જામતું નહોતું. અરિઝના પુત્ર પિરુઝ ખંભાતાએ આ બ્રાન્ડનું નામ બદલવાનો નિર્ણય લીધો અને નવું નામ આપ્યું – રસના! રસના એટલે રસવાળું.

1977માં વધુ એક કમાલ થઈ. તે સમયે જનતા પાર્ટીની સરકાર હતી અને સરકારે ભારતમાં ‘કોકા-કોલા’ના વિતરણ પર પ્રતિબંધ લગાવેલો. પિરુઝબાવાએ મોકો જોઈને ચોકો મારી દીધો અને આ તક ઝડપી લીધી. લગભગ 18 વર્ષની ઉંમરથી પિરુઝ પોતાના પિતા અરિઝ ખંભાતા સાથે તેમના વ્યવસાયમાં સાથ આપતા હતા. નવી પેઢી અને નવા ફોર્મ્યુલાની ખબર હતી એટલે પિરુઝે ‘રેડી ટુ ઈટ’ (એટલે કે એક ચમચી પાઉડર લો અને પાણી ભરેલા ગ્લાસમાં નાખો કે તરત જ પીવાલાયક શરબત તૈયાર) પાઉડર અને બાટલીમાં પ્રવાહી ફળોનો જ્યુસ બનાવવાનું શરૂ કર્યુ.

લગભગ 16 વર્ષ પછી એટલે કે 1993માં જ્યારે કોકા-કોલાના વેચાણ પરથી પ્રતિબંધ હટ્યો અને બજારમાં પુનઃપ્રવેશ થયો, તબ તક તો ચિડિયા ચુગ ગઈ ખેત! ઘરે ઘરે રસનાનો સ્વાદ પહોંચી ગયો હતો. દરેક દિગ્ગજ (યુનિલીવર, પેપ્સી વગેરે) કંપનીઓએ પણ પાઉડર રુઉપમાં પોતાના ઠંડા પીણા રજૂ કર્યા પણ રસનાને કોઈ હરાવી ન શક્યું. રસનાનો માર્કેટ શેર આજે 90% થી પણ ઉપર છે.

શરૂઆતના ફળોના જ્યુસ પછી રસનાએ એનર્જી ડ્રીંક્સ, ચા, અથાણા, ચટણી, ફરસાણ, ફાસ્ટફૂડ, હેલ્થ ડ્રીંક્સ – આ દરેક ક્ષેત્રે પદાર્પણ કર્યું અને સ્થાપિત બ્રાન્ડને લીધે બધું જ માર્કેટમાં સફળ થયું.

રસનાને આટલી સફળતા મળવામાં તેમની જાહેરાતોનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ‘આઈ લવ યુ રસના’ વાળી જાહેરાત લગભગ આપણે દરેકે જોયેલી હશે. દૂરદર્શનના જમાનાથી રસના કંપનીની આ ટેગલાઈન રહી છે. હવે આ પંચલાઈન બદલાઈને Relish a Gain (જીતનો સ્વાદ) બની છે પણ પહેલીવાળી પંચલાઈન જેવી મજા નહીં.

પહેલી રસના ગર્લનું નામ હતું અંકિતા ઝવેરી. અંકિતા આજે કન્નડ, તેલુગુ અને તમિળ ફિલ્મોની એક સફળ હીરોઈન છે. વિકીપિડીયા પર અંકિતાનું બીજું નામ ‘રસના બેબી’ લખેલું છે. અંકિતા મોટી થઈ પછી બીજી રસના ગર્લનો પ્રવેશ થયો જેનું નામ તરુણી સચદેવા. આ છોકરીને રસનાની જાહેરાત પછી લગભગ 60 અલગ અલગ જાહેરાતમાં કામ મળ્યું. એટલું જ નહીં અમિતાભ બચ્ચન સાથે ‘પા’ ફિલ્મમાં કામ કરવાની તક પણ મળી. કમનસીબે નેપાળના એક વિમાન ક્રેશમાં તરુણીનું અવસાન થયું. આ સિવાય રસનાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કપિલ દેવ, વીરેન્દ્ર સહેવાગ, વિવિયન રિચાર્ડસ જેવા ક્રિકેટરોને પણ કામ આપ્યું. આજે તેમની વેબસાઈટ પર રોહિત શર્માનો ફોટો છે.

રસનાનો સૌથી મોટો હકારાત્મક પાસું છે તેના રીટેલર્સ. રસનાની પહોંચ ભારતાના ગામડે ગામડે સુધી હતી. ગામડાના નાના કરિયાણા સ્ટોરમાં પણ રસનાનું પેકેટ મળે અને તેની કિંમત પણ નજીવી (10 રુપિયાથી ઓછી). એટલે ભારતના આમ-આદમી સુધી પહોંચવામાં રસના સફળ થયું. આજે પણ શહેરોના મોટા સ્ટોર (જેમ કે મોર, બીગ-બઝાર, ડી-માર્ટ)માં જેટલું વેચાણ થાય છે તેનાથી અધિક ગામડાઓની નાની કરિયાણાની દુકાનોમાંથી થાય છે.

એક જ એવું ડ્રીંક હતું જેમાં રસના નિષ્ફળ ગઈ. સન 2000માં રસનાએ ઓરેન્જોલ્ટ (Oranjolt) નામનું એક ડ્રીંક બજારમાં રિલીઝ કર્યું. આ પીણાની ખાસિયત એવી હતી કે તેને 24 કલાક ચાલુ ફ્રીજમાં જ મૂકી રાખવું પડે. ગામડામાં આ શક્ય નહોતું અને ઘણાં દુકાનદારો રાત્રે ફ્રીજ બંધ કરી રાખતા, જેના કારણે આ પીણું ખરાબ થઈ જતું.

આજે લગભગ 45 દેશોમાં રસના પહોંચ્યું છે – બાંગ્લાદેશ, ઈજિપ્ત, દુબઈ, સાઉદી અરેબિયા જેવા દરેક દેશમાં રસના બનાવવાના એકમ છે. રસનાના ગુજરાતમાં 5 અને હિમાચલ પ્રદેશમાં 1 ઉત્પાદનના કેન્દ્રો છે.  ઓરેન્જ (સંતરા)ના ફ્લેવરથી શરૂ થયેલી રસનાની સફર આજે ગુલાબ, મેન્ગો, જામફળ, લીંબુ, તરબૂચ સુધી પહોંચી છે.

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/Rasna

https://rasnainternational.com/

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here