તબલીગી જમાતની ગુનાહિત બેદરકારી સામે પણ આંખ આડા કાન?

0
270
Photo Courtesy: swarajyamag.com

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતે લગભગ અઢી હજાર લોકોને એક ધાર્મિક કાર્યક્રમમાં ભેગા કરીને સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દીધો છે કારણકે આ કાર્યક્રમને લીધે દેશભરમાં કોરોનાનો કાતિલ પંજો વિસ્તરી શકે છે.

Photo Courtesy: swarajyamag.com

જ્યારે દુનિયા આખી કોરોના મહામારી સામે ડરતાં ડરતાં લડી રહી છે અને દરરોજ તેનાથી અસર પામેલા લોકો તેમજ મૃત્યુ પામતા લોકોનો આંક વધતો જ જાય છે ત્યારે સમાન્ય સમજ એમ કહે છે કે ડોક્ટરો અને વિવિધ સરકારો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું કડક પાલન કરવામાં આવે. ચીનમાં તો આ વાયરસ છેક ગયા વર્ષના નવેમ્બર મહિનાથી દેખા દઈ ચૂક્યો હતો અને  ત્યારબાદ તે ઈરાન અને યુરોપના દેશોમાં પ્રવેશ્યો અને માર્ચ મહિનાની શરૂઆતમાં તે અમેરિકામાં પણ ઘુસી ગયો.

ટૂંકમાં ભારત જેવા દેશ જેણે આ આખું તાંડવ લગભગ ત્રણ મહિનાથી પણ વધુ સમયથી જોયું અને તેને એ અંગે પગલાં લેવા માટે એટલોજ સમય મળ્યો તેણે સામાન્ય બુદ્ધિ વાપરીને એટલીસ્ટ સામાજીક અંતર રાખવાનું હતું, હતુંને હતું જ. માર્ચ મહિનાની શરૂઆતથી જ દેશમાં એ ચણભણાટ શરુ થઇ જ ગયો હતો કે ભારત પણ આ કોરોનાના કાતિલ પંજાથી બચી શકશે નહીં. કદાચ એટલેજ ગયા મહિનાની શરૂઆતમાં જ  વિવિધ કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાઓ એક પછી એક રદ્દ થવાના શરુ થઇ ગયા હતા.

હિંદુ મંદિરોએ આ અંગે પહેલ શરુ કરી હતી. વિવિધ મંદિરોએ લગભગ 13-14 માર્ચની આસપાસ સરકારની માર્ગદર્શિકા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં અથવાતો નિજ મંદિરમાં ગણતરીના લોકોને જ પ્રવેશ આપવાનું અને મંદિરની અંદર અને મંદિરની બહાર લાગતી લાઈનમાં પણ ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવાનું ફરજીયાત રાખ્યું. પરંતુ જેમ જેમ કોરોના વાયરસનાં પગલાં મજબૂત રીતે દેશમાં પ્રસરવા લાગ્યા કે વિવિધ રાજ્ય સરકારોએ મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થાનોને બંધ કરવાનો નિર્ણય લીધો.

ગુજરાત સરકારે પણ 19મી માર્ચે એક આદેશ બહાર પાડીને બીજા દિવસથી મંદિરો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો. જાગૃત નાગરિક તરીકે તમામ મંદિરોના વ્યવસ્થાપકો અને સામાન્ય હિંદુઓએ આ આદેશ સહર્ષ માથે ચડાવ્યો હતો. ગુજરાતના અતિશય લોકપ્રિય કથાકાર અને ધર્મગુરુ મોરારિબાપુએ પણ તેમની રાજુલાની કથા જે 14 માર્ચથી શરુ થઈ હતી તેને ત્રણ દિવસ બાદ 15 દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આમ હિંદુ ધાર્મિક સ્થળોના વ્યવસ્થાપકો અને આગેવાનોએ રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે ધાર્મિક પ્રવૃત્તિઓ લાંબા સમય પહેલા જ સરકારના કહેવાથી સદંતર થંભાવી દીધી હતી.

22મી માર્ચે વડાપ્રધાનની અપીલ પર સમગ્ર દેશે જનતા કરફ્યુનું જડબેસલાક પાલન કરી બતાવ્યું હતું. આ બધુંજ દર્શાવે છે કે દેશના મોટાભાગના લોકો એ બાબતે ગંભીર હતા કે કોરોના વાયરસ જે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વાયુવેગે અન્યોમાં ફેલાય છે તેને જો હરાવવો હોય તો સામાજીક અંતર રાખવું એ એક માત્ર ઉપાય છે. આ પ્રકારની ગંભીરતા રાખવા માટે સામાન્ય સમજની જ આવશ્યકતા હોય છે. જો કે તેમ છતાં શરૂઆતમાં જ્યારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકો ગંભીર ન હતા અને તેમના વિરુદ્ધ ચેતવણી, ડંડાવાળી કે પછી કાયદેસરની કાર્યવાહી તો થઇજ. આ પણ એક સંકેત હતો કે ભલે ગમે તે થાય પણ આપણે ઘરમાં જ રહેવાનું છે, અને ઘરની બહાર માત્ર જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જ નીકળવાનું છે.

આટલું બધું થઇ ગયું હોવા છતાં, બધા જ સંકેતો સ્પષ્ટ હોવા છતાં તબલીગી જમાતે દિલ્હીના ભારત નગર વિસ્તારમાં જે મરકઝ નિઝામુદ્દીનનો એક ભાગ છે ત્યાં પોતાનો ધાર્મિક મેળાવડો 19મી માર્ચે એટલેકે જનતા કરફ્યુના દિવસે જ આયોજીત કર્યો. આમ તો આ કાર્યક્રમ 25મી સુધી ચાલવાનો હતો પરંતુ 24મી એ સાંજે વડાપ્રધાને મધ્યરાત્રીથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ ગયા, કારણકે ત્યારબાદ દેશમાં બસ, રેલવે કે હવાઈ સેવા તો બંધ થવાની જ હતી પરંતુ માર્ગ પરનો વાહનવ્યવહાર પણ કાયદાવાળાઓની આંખ નીચે જ ચાલી શકવાનો હતો.

આ કાર્યક્રમમાં જાણવા મળ્યા અનુસાર 2500 જેટલા લોકો જેમાં વિદેશી નાગરીકો પણ હતા, ભેગા થયા હતા! આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ વિદેશથી ભારતમાં આવ્યો છે તેમ છતાં અહીં વિદેશી નાગરીકોને સામેલ કરવા દેવામાં આવ્યા હતા. ઉપરોક્ત આંકડો કોઇપણ વ્યક્તિની કરોડરજ્જુમાંથી લખલખું પસાર કરી દેવા માટે પૂરતો છે. કોરોનાગ્રસ્ત એક વ્યક્તિ આડકતરી રીતે 16 હાજર લોકોને ચેપ લગાડી શકે છે, એવું ડોક્ટરો કહી રહ્યા છે, હવે 2500ના આંકડાને 16 હજાર વડે ગુણીએ તો કેવું ચિત્ર ઉભું થાય છે એ તમેજ જોઈ લો.

આ બધું થઇ ગયા બાદ અને દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યા બાદ તબલીગી જમાતના વ્યવસ્થાપકો એવો દાવો કરી રહ્યા છે અને એ પણ ‘કાગઝ દિખા કર’ કે તેમણે આ અંગે દિલ્હી પોલીસ પાસેથી આગોતરી મંજૂરી લીધી હતી. સવાલ એ છે કે આ કાર્યક્રમના થોડા દિવસ અગાઉજ દિલ્હી સરકારે કોઇપણ કાર્યક્રમમાં 25થી વધુ લોકોને એકઠા ન થવા દેવાનો આદેશ બહાર પાડ્યો હતો શું એ આ વ્યવસ્થાપકોને કાને નહોતું પડ્યું? ચલો છોડો, એ પણ જવા દઈએ પણ કાર્યક્રમના ચાર પાંચ દિવસ અગાઉજ હિંદુ મંદિરો બંધ થઇ ગયા હતા અને હિંદુ મેળાવડાઓ મોકૂફ થવાનું શરુ થઇ ગયું હતું, શું તબલીગી જમાતના લોકોને એનું સંજ્ઞાન લેવાની તકલીફ લેવાની પણ જરૂર ન લાગી? શું આ વખતે જ પોલીસ મંજુરી યોગ્ય લાગી અને સામાન્ય સમજ નહીં?

આજે પણ હજી તબલીગી જમાતના એ મરકઝમાં 1000 લોકો છે એવો દિલ્હી પોલીસનો વિડીયો સામે આવ્યો છે. વિચાર કરો 1500 જણાએ સમગ્ર દેશમાં કોરોનાને આડકતરી રીતે ફેલાવી દીધો અને હજી 1000 લોકો જે કોરોના ફેલાવવા માટે સક્ષમ છે તેઓ તો બહાર આવ્યા જ નથી. શું આ ગુનાહિત માનસિકતા નથી? ગઈકાલે આ લોકોનો ટેસ્ટ કરાવવા માટે જ્યારે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે અમુક લોકો ડોક્ટર પર અથવાતો જમીન પર થુંકવા લાગ્યા હતા! આટલી હદની ગુનાહિત માનસિકતા?

જ્યારે તમને ખબર છે કે કોરોનાનો ચેપ droplets એટલેકે મનુષ્યના થૂંક કે પછી નાકમાંથી નીકળતા કફને લીધે ફેલાય છે તેમ છતાં જો તમે ડોક્ટરો પર જેઓ ચોવીસ કલાક લોકોનો જીવ બચાવવા માટે હોસ્પિટલોમાં જ છે અને સંઘર્ષ કરી રહ્યા છે એમના પર અને રસ્તા પર થૂંકો છો તો પછી તમારા માટે જેલની સજા અથવાતો તેનાથી પણ કડક સજા જ અતિશય જરૂરી બની જાય છે.

આટલી હદની ગુનાહિત માનસિકતા જાહેર થઇ ગઈ હોવા છતાં આપણા લિબરલ સમાજને તેમને બચાવવાની જાણેકે ઉતાવળ થઇ ગઈ છે. ગઈકાલે સવારથીજ તબલીગી જમાતના મુદ્દાને હિંદુ-મુસલમાન ન બનાવવાની અપીલો થઇ રહી છે! શા માટે ભાઈ? તબલીગી જમાત કયા ધર્મનું જૂથ છે? જો એ લોકોને કારણે તેલંગાણામાં 6 લોકો કોરોનાને કારણે મરણને શરણ થયા તો એમના પર આરોપ મુકવામાં શરમ શેની?

આ  એજ લોકો છે જેઓ લગભગ પંદર દિવસ પહેલા, સમય બરોબર નોધી લેજો, પંદર દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં થતા રામનવમીના વાર્ષિક કાર્યક્રમને જો રદ્દ નહીં કરવામાં આવે તો કોરોનાને લીધે દેશમાં ભયંકર પરિણામો જોવા મળશે એવી ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા, કેમ આ હિંદુ-મુસ્લિમ નથી? આ એજ લોકો છે જેમને મંદિરો અગાઉથી ચેતીને દેશહિતમાં બંધ થઇ ગયા એ નહીં દેખાય પણ યોગી આદિત્યનાથે રામલલાને ટેન્ટમાંથી પાકા સ્થાનક પર મુક્યા એ તરત ગૂગલ કરીને લીંક મૂકી દેશે.

યોગી આદિત્યનાથનું એ પગલું ભરપૂર ટીકાને પાત્ર છે, છે અને છે જ! અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તેમજ અન્યત્ર લોકો જે રીતે બહાર આવીને ગરબા ગાઈને કે અન્ય રીતે ઉજવણી કરવા લાગ્યા હતા તેની અઘોર ટીકા થવી જ જોઈએ કારણકે તેઓ એને લાયક છે જ. ખાડિયાના બનાવમાં તો નહીં નહીં તો 40 લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે, તો તબલીગી જમાત પર હદ વટાવી ગયેલી બેદરકારી બદલ કેસ થાય તો અમુક લોકોને તકલીફ કેમ થાય છે?

મારા એક મિત્રનું આજે ફેસબુક સ્ટેટ્સ છે કે આજથી મોટાભાઈ (અમિત શાહ) પર માછલાં ધોવાનું શરુ થઇ જશે. એમનો આ કટાક્ષ અત્યંત યોગ્ય છે. કારણકે જ્યારે એક ખાસ સમાજ પર કાયદો તોડવા માટે કડક પગલાં લેવાનું શરુ થાય છે ત્યારે મિડિયા અને સમાજનો એક ખાસ ભાગ તેને સહન કરી શકતો નથી અને ગુનામાં લિપ્ત આરોપીઓનો પક્ષ લેવાનું શરુ કરી દે છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા ઈચ્છતા વ્યક્તિઓને ગાળો આપવા માંડે છે.

દેશભરના મજૂરોના પોતપોતાના વતન તરફ થયેલા પલાયનથી ઉભી પરિસ્થિતિ જો ઓછી ગંભીર ન હતી તો તબલીગી જમાતની આ બેદરકારીને કારણે ભારતમાં લોકડાઉનનો સમય ઈચ્છા ન હોવા છતાં સરકાર વધારી દે તો કોઈને પણ નવાઈ લાગવી ન જોઈએ. જો એમ થશે તો એ યોગ્ય જ હશે, જો એમ થશે તો હજીપણ ધંધા રોજગાર બંધ રહેશે અને દેશના નિર્દોષ અને ખાસ કરીને ગરીબ નાગરિકોને સહન કરવાનું આવશે. જો સરકાર લોકડાઉનનો સમય વધારે નહીં તો પણ જાગૃત નાગરિક તરીકે આપણે બીજું એક અઠવાડિયું સ્વયંભુ લોકડાઉન પાળવો જોઈએ, કારણકે હવે વાયરસનો ફેલાવો વધશે અને તેનાથી આપણે આપણી જાતને અને આપણા પરિવારને બચાવવાનો છે.

૧ એપ્રિલ ૨૦૨૦, બુધવાર (April Fools Day)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here