બે પ્રકારના માણસો હોય છેઃ પહેલો પ્રકાર જેમાં માણસ વાતે વાતે મરી જાય. વધુ ઠંડી હોય તો કહે ‘ઓય માડી, મરી ગ્યા!’, બહુ ગરમી પડે તો કહે ‘આ વખતે તો મરી ગયા!’ અને બીજો પ્રકાર જેમાં માણસને જીવનની છેલ્લી ઘડી સુધી જીવવું હોય. તેમના માટે ઉંમર ફક્ત એક આંકડો છે. આવા લોકો રિટાયર્મેન્ટની ઉંમર સુધી કામ કરે અને પછી કોઈને કોઈ પ્રવૃત્તિમાં પોતાને વ્યસ્ત રાખે. આજે આવા જ એક દાદીની વાત કરવી છે જેમના જીવનનો મંત્ર હતોઃ ઉંમર તેનું કામ કરશે, આપણે આપણું કામ કરતું રહેવું.

વાત છે તામિલનાડુ રાજ્યના કોઈમ્બતુરના એક નાનકડા વિસ્તાર ‘ગણપથી’માં રહેતા વી. નાનામ્મલની! આ દાદીનું ગયા વર્ષે (2019માં) 26 ઓક્ટોબરના દિવસે અવસાન થયું ત્યારે તેમની ઉંમર 99 વર્ષની હતી. નાનામ્મલ દાદી સારુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ફીટનેસને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો હતો. 2019ના લગભગ ઓગસ્ટ મહિનામાં તેઓ પોતાના પલંગ પરથી નીચે પડ્યા અને ખાટલો પકડ્યો, પણ ત્યાં સુધી તેઓ હંમેશા યોગ કરતા. 99 વર્ષની ઉંમરે પણ તેમનું શરીર એકદમ સ્ફૂર્તિલું અને ફ્લેક્સિબલ હતું. દરરોજ તેઓ 50 થી પણ વધુ યોગાસનો સરળતાથી કરી શકતા.
વી. નાનામ્મલ દાદીનો જન્મ 24 ફેબ્રુઆરી 1920માં કોઈમ્બતુરના જ કાલિયાપુરમ વિસ્તારમાં એક ખેતીપ્રધાન કુટુંબમાં થયેલો. નાનામ્મલ દાદીના પિતા અને દાદા બંને રજીસ્ટર્ડ ભારતીય દવાના વ્યવસાયી હતા. કેરળમાં તેમના કુટુંબની માલિકીના નારિયેળ અને કાજુના ખેતરો હતા અને તેઓ ‘સિદ્ધ’ દવાનો વ્યવસાય કરતા હતા. (AYUSH – આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો ભારતીય જનતાને ખ્યાલ છે જ!).
પિતા એક માર્શલ આર્ટ્સના નિષ્ણાત પણ હતા. તે સમયમાં દીકરીઓને ઘરની બહાર જવાની મનાઈ હતી એટલે નાનામ્મ્લ દાદીએ ઘરમાં રહીને યોગ શીખવાનું શરૂ કર્યુ. 8 વર્ષની ઉંમરથી તેમની યોગની તાલીમ શરૂ થઈ. ધીમે ધીમે ઘરના દરેક સભ્યોને તેમણે યોગ શીખવાડ્યું. 13 વર્ષની ઉંમરે એક યોગની સ્પર્ધામાં ભાગ લીધો અને જીત્યા. બસ ત્યારથી યોગ તેમના જીવનનો મંત્ર બની ગયો.
નાનામ્મલ દાદીના પતિ ડોક્ટર હતા. લગ્ન બાદ બંનેએ સાથે મળીને કુદરતી દવા બનાવતા શીખ્યા. નાનામ્મલ દાદીને કુલ પાંચ સંતાનો, 12 પૌત્ર-પૌત્રીઓ અને 11 પ્રપૌત્ર-પૌત્રીઓ છે. પરિવારના ચાલીસેક જણને તેમણે યોગ શીખવ્યા અને આજે તેમના એક પુત્ર વી. બાલકૃષ્ણન પણ યોગ શીખવે છે. તેમના કહેવા પ્રમાણે “દાદીએ લગભગ 10 લાખ વિદ્યાર્થીઓને યોગ શીખવ્યો છે જેમાંથી દસ હજાર વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ ચલાવીને બીજાને યોગ શીખવે છે. છેલ્લી ઘડી સુધી તેમની સ્મરણશક્તિ, આંખોનું તેજ ને શ્રવણશક્તિ તેજ હતા કારણ કે તેઓ બાળપણથી જ શીર્ષાસન કરતા. તેમના કેટલાક વિદ્યાર્થીઓએ ચીન, ઓસ્ટ્રેલિયા, યુ.કે, સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં સુવર્ણ પદક જીતેલા છે.”

નાનામ્મલ દાદીની દિનચર્યા જાણવા જેવી છે. તે દરરોજ સવારે 5 વાગ્યે ઊઠી જતા અને લીમડાની ડાળખીથી દાંત સાફ કરતા. પછી યોગા કરીને સવારના નાસ્તામાં તેઓ હંમેશાં નાચણી, ઘઉં અને બાજરીના મિશ્રણમાંથી બનેલા ‘સાથુ માવુ કાંજી’ (પોરીજ) નો વાટકો ભરીને ખાતા. બપોરના જમવામાં દરરોજ પોતાના ઘરે ઊગાડેલા લીલા શાકભાજી ખાય – પાલક તો તેમના ખોરાકમાં રોજ જ હોય.
ઉનાળાના મહિનાઓ દરમિયાન, તે હંમેશાં એવા શાકભાજી ખાય જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. પોતાની સાથે કુટુંબના દરેક, યુવાન અને વૃદ્ધને, નાસ્તામાં તેઓ કાંજી ખવડાવતા. કોઈ વાર નાળિયેરનું છીણ, એલચી પાવડર અને ગોળ પણ ઉમેરે. રાત્રિનું ભોજન સાત વાગ્યા પહેલા જમી લે. પોતાને ચા પીવાનું મન થાય તો મધ, ગોળ અને આદુની ચા બનાવીને પીતા. તેમણે તેમના જીવનકાળમાં ક્યારેય કોઈ હોસ્પિટલની મુલાકાત લીધી નહોતી.
2016માં આ દાદીને ‘નારી શક્તિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમને ભારતના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપ્યો. દરેક વિજેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલા ભોજન માટે પણ આમંત્રણ હતું. દિલ્હીમાં તેમણે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધી માટે યોગનો ડેમો પણ આપ્યો હતો જ્યાં 300 જેટલા પ્રેક્ષકો હતા.
નાનામ્મલ દાદીને કર્ણાટક સરકારે ‘યોગ રત્ન એવોર્ડ’ પણ આપેલો. તે પ્રાપ્ત કરતી વખતે, દાદીએ લગભગ 20,000 પ્રેક્ષકોની સામે પોતાના યોગ રજૂ કરેલા. 2018માં દાદીને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો. તે મેળવતી વખતે તેઓ અત્યાર સુધીના સૌથી વધુ ઉંમર વાળા એવોર્ડ વિજેતા બન્યા.
જીવીત હતા ત્યાં સુધી વી. નાનામ્મલ દાદીએ 100 થી પણ વધુ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. માત્ર આપણા જ દેશમાં નહીં, પરંતુ વિદેશોમાંથી પણ તેમને યોગ સ્પર્ધાની ઓફર આવતી પણ પોતે ફક્ત તામિળ ભાષા જાણતા હોવાથી તેમણે તે બધી ઓફરનો અસ્વીકાર કર્યો.
સંદર્ભઃ
https://en.wikipedia.org/wiki/V._Nanammal
eછાપું