મોટાભાગના મધ્યમવર્ગીય ભારતીયો કોઈ પણ મોટી કંપનીમાં ઊંચી પદવી પર પહોંચી જાય અથવા દુનિયાના કોઈપણ શહેરમાં હોય, પોતાના શહેરની મનગમતી વાનગી માટે હંમેશા તેમનો પ્રેમ અકબંધ રહે છે. આપણે ગુજરાતીઓને ઢોકળા, ફાફડા, ગાંઠીયા જેવી વાનગીઓ ભાવતી હોય અને અજાણ્યા શહેરમાં જઈને અચાનક તે મળી જાય તો ખુશીની લહેર આવી જાય. મુંબઈગરાઓ માટે ‘વડાપાઉં’ પણ એવું જ કામ કરે છે. એવું કહેવાય છે કે મુંબઈની અડધી જનતા દિવસમાં એક વાર તો પાઉં ખાતી હશે.

મુંબઈમાં આજે હજારો પરિવારો પેઢી-દર-પેઢીથી વડાપાઉં વેચીન પોતાનું ઘર ચલાવે છે. શહેરના દરેક પરાંના દરેક ચોકે તમને વડાપાઉંની રેંકડી મળશે. આવી વાનગી જેને ઘરે ઘરે લોકો જાણતા હોય અને આટલો વિસ્તૃત વ્યવસાય ઓલરેડી હોય તેવામાં એ જ વાનગીને લઈને એક બ્રાન્ડ ઊભી કરવી કોઈ ખાવાના ખેલ નથી. આ વાત છે ‘ગોલી વડાપાઉં’ની!
બે મિત્રો. એકનું નામ વ્યંકટેશ અય્યર અને બીજાનું નામ શિવદાસ મેનન (ધ્યાન રહે બંને મિત્રો દક્ષિણ ભારતીય અને વાત મહારાષ્ટ્રના મુંબઈની). વ્યંકટેશ 1989થી સેન્ચુરિયન બેંકમાં મેનેજમેન્ટના ટ્રેઈની તરીકે જોડાયેલા. ચાર વર્ષ કામ કરીને ‘બાલાજી કોર્પોરેટ સર્વિસીઝ’ નામની એક નાણાકીય પેઢી સ્થાપી. આ પેઢીમાં તેઓ રિટેલર્સ માટે ફંડ ભેગું કરતાં. 1995માં નક્કી કર્યું કે કોઈ ખાદ્યપદાર્થનું રિટેલ વેચાણ કરવું. તે સમયે ભારતમાં મેકડોનાલ્ડસ, પીઝા હર્ટ, ડોમિનોઝ જેવી ફૂડ ચેઈનની શરૂઆત થઈ જ હતી.
પોતે મુંબઈમાં વર્ષોથી રહેતા એટલે મુંબઈના લોકોની પસંદ તેમને ખબર હતી. મુંબઈના લોકો ફટાફટ મળી રહે એવા નાસ્તાને વધુ પસંદ કરે છે એ વાતની તેને જાણ હતી. આ વાત તેણે પોતાના મિત્ર શિવદાસને કરી. શિવદાસ તે સમયે કેલોગ્સ (Kellogs) ઈન્ડિયાના સી.ઈ.ઓ. હતા. બંને એક દિવસ મુંબઈની લોકલ ટ્રેનમાંથી ઊતરીને CST સ્ટેશન પરથી નીકળતા હતા ત્યાં મેકડોનાલ્ડસનું એક આઉટલેટ જોયું. એ જ આઉટલેટની બાજુમાં એક વડાપાઉં વેચનારની રેંકડી હતી. આશ્ચર્યજનક રીતે વડાપાઉંની રેંકડી પર મેકડોનાલ્ડના આઉટલેટ કરતાં વધુ ગીરદી હતી.
શિવદાસે આ જોઈને તરત કહ્યું કે ‘વડાપાઉં’ એ મુંબઈની ઓળખ છે તેના જ આધારે આપણે આગળ વધીએ.
બંને મિત્રો કોર્પોરેટ જગતમાં કામ કરી ચૂકેલા એટલે બ્રાન્ડીંગ અને માર્કેટીંગનું જબરું જ્ઞાન હતું. બંને મિત્રોએ પોતાના મિત્રવર્તુળમાં આ વાત કરી તો લોકોએ મજાક ઊડાડી. મુંબઈના બીજા મિત્રોએ બમ્બઈયા હિન્દીમાં કહ્યું, “વડાપાઉં કે નામ પે ગોલી દે રહા હૈ ક્યા?” (ગોલી દેવી એટલે કોઈ બાબતે લોકોને ઉલ્લુ બનાવવા) – વ્યંકટેશ અને શિવદાસે આ નામ પકડી લીધુ અને જન્મ થયો ‘ગોલી વડાપાઉં’નો!
સન 2004માં બંનેએ મુંબઈથી 43 કિલોમીટર દૂર કલ્યાણમાં એક 500 સ્ક્વેરફૂટનું વિશાળ રસોડું તૈયાર કર્યું અને 18 કર્મચારીઓ સાથે ‘ગોલી વડાપાઉં’ની શરૂઆત કરી. એક વર્ષ સુધી બંને ભાગીદારોએ મુંબઈને નાની મોટી 100 દુકાનોના વડાપાઉં ચાખ્યા. દરેકની ચટણીનો સ્વાદ અલગ, વડાનો સ્વાદ અલગ, ભાવ પણ અલગ!
પહેલાં વર્ષે ગોલી વડાપાઉંને જબરી ખોટ ગઈ કારણ કે એકસરખી ક્વાલિટીના વડાપાઉં બનતાં જ નહોતા. કોઈ દિવસ ગળ્યું વધી જાય તો કોઈ દિવસ ખારાશ! લગભગ 2006માં આ વાતનો ઉકેલ મળ્યો. વિશ્વભરમાં મેકડોનાલ્ડ માટે ‘રેડી-ટુ-ઈટ’ પેટીસ બનાવનાર શિકાગોની કંપની વિસ્ટા પ્રોસેસ્ડ ફૂડ્સ (Vista Processed Foods) સાથે તેમણે કરાર કર્યા. વિસ્ટાએ ‘ગોલી વડાપાઉં’ માટે વડા બનાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો.
બંને મિત્રોએ હવે બ્રાન્ડીંગ, માર્કેટીંગ અને પ્રમોશન પર ધ્યાન આપ્યું. ‘ગોલી વડાપાઉં’ના નામ સાથે જ તેમણે “વડાપાઉં નંબર ૧” એવી ટેગલાઈન જોડી દીધી. મુંબઈમાં ગણેશ-ઉત્સવ દરમિયાન સૌથી મોટા વડાપાઉં બનાવીને તેને ‘ગોલી ગણપતિ’ નામ આપ્યું. ફેસબુક, ટ્વીટર અને ઓનલાઈન પ્રમોશન પણ શરું કર્યું.
આજે ગોલી વડાપાઉંના અગિયાર રાજ્યોમાં 40થી વધુ શહેરોમાં 150 જેટલા આઉટલેટ છે. પ્રત્યેક આઉટલેટમાં રોજના એવરેજ 1300 જેટલા વડાપાઉં વેચાય છે. અને ‘ગોલી વડાપાઉં’નું વાર્ષિક ટર્નઓવર 60 કરોડથી પણ વધુ છે. કુલ 200 કર્મચારીઓ સાથે ગોલી વડાપાઉં એક જાણીતી બ્રાન્ડ બની ગઈ. આશ્ચર્યની વાત એ છે કે મુંબઈથી શરૂ થયેલી આ બ્રાન્ડનો આજે 50 ટકા જેટલો ધંધો કર્ણાટકના બેંગ્લોરમાંથી થાય છે. તેમની વેબસાઈટ પણ લખેલું છેઃ The common man’s choice since 2004!
સંદર્ભઃ
https://en.wikipedia.org/wiki/Goli_Vada_Pav
eછાપું