9 વાગ્યે 9 મિનીટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનો ભાવાર્થ

1
321
Photo Courtesy: YouTube

આવતીકાલે ભારતીયોને રાત્રે 9 વાગ્યે 9 મિનીટ સુધી પોતાના ઘરની લાઈટ્સ બંધ કરીને દીપ, મીણબત્તી પ્રગટાવીને કે પછી મોબાઈલની ફ્લેશલાઈટ અથવાતો ટોર્ચ ચાલુ કરવાની અપીલ કરવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના શું છે?

Photo Courtesy: YouTube

ગઈકાલે સવારે નવ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ અગિયાર મિનીટનો એક વિડીયો સંદેશ આપણા બધાને શેર કર્યો હતો. તેઓ આ સંદેશ આપશે તેવી જાહેરાત તેમણે લગભગ અઢાર-ઓગણીસ કલાક અગાઉજ કરી દીધી હતી. આથી આ સમગ્ર અઢાર-ઓગણીસ કલાક દરમ્યાન તેઓ શું કહેશે તે અંગે ગરમાગરમ અટકળો સોશિયલ મિડીયામાં થવા લાગી હતી.

આપણે બધા છેવટે તો મનુષ્ય છીએ એટલે એ સ્વાભાવિક છે કે આપણને ગમે એવું જ આપણને સાંભળવા મળે એવી ઈચ્છા આપણને સહુને હોય. આથી આ પ્રકારની અટકળો કરનારા મનુષ્યોમાં પણ બે હિસ્સા પડી ગયા હતા. એક હિસ્સો એવો હતો જેમને ગરીબોની, મજુરોની અને મધ્યમવર્ગની એટલી બધી ચિંતા છે કે તેમણે પોતાના અથવાતો પોતાની ગમતી પાર્ટીના શાસનકાળ દરમ્યાન એવી જડબેસલાક વ્યવસ્થા ઉભી ન કરી કે એમને આવી ચિંતા ક્યારેય ઉભીજ ન થાય એ તેમણે સુનિશ્ચિત ન કર્યું અને છેવટે લગભગ છ વર્ષથી દેશની કમાન સંભાળી રહેલી નરેન્દ્ર મોદી સરકાર પાસેજ સઘળી આશા રાખવા લાગ્યા.

બીજા પ્રકારના મનુષ્યો એ હતા જેમણે છેલ્લા ત્રણ દિવસથી તબલીગી જમાતનો કાળો કેર ટીવી પર જોયો હતો, ઉપરાંત એક સમુદાય વિશેષ દ્વારા પોતાનીજ સેવા અને સંભાળ કરવા આવેલા ડોક્ટરો પર પથ્થરમારો કરવાના, તેમના પર થૂંકવાના, તેમની સામે નગ્ન થઈને અભદ્ર વર્તન કરવાના અને ભોજન માટે તઘલખી માંગણીઓ કરવાના સમાચારો અસંખ્ય સમાચારો જોયા હતા આથી તેઓ ખિન્ન હોવા ઉપરાંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા હતા અને તેમને નરેન્દ્ર મોદી પોતાના સંદેશમાં આ લોકો સામે સરકાર વધુને વધુ કડક પગલાં લેશે તેવી જાહેરાત કરશે એવી આશા લઈને બેઠા હતા.

હવે જે લોકો મોદી પાસેથી આર્થિક પેકેજની આશા રાખી રહ્યા હતા તેમણે મોદી સરકારની કાર્યપદ્ધતીનો કોરોના વાયરસના આગમન પછીનો એટલેકે તાજેતરનો ઈતિહાસ ફરીથી વાંચવો જોઈતો હતો. અત્યારસુધી બે વખત સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યા છે અને બંને વખત નાણામંત્રીએ જાહેર કર્યા છે મોદીએ નહીં એ વસ્તુ આ લોકો ભૂલી ગયા. પેલું કહેવાય છે ને કે જેનું કામ જે કરે! અને આથી અત્યારથી જ એ વાતની મનમાં ગાંઠ વાળી લેવી કે મોદી જ્યારે પણ દેશને સંબોધન કરશે ત્યારે તેઓ વ્યાપક વિષયને જ આવરી લેશે અને પછીજ એમને સાંભળવા બેસવું.

વિપક્ષો તો હજી પણ મોદી સરકારની કાર્યપદ્ધતી સમજ્યા નથી એટલે તેણે તો ‘વિરોધ એટલે વિરોધ’ ના કાયમી મંત્રને અપનાવીને ફરીથી મોદીના ગઈકાલના મેસેજની નિમ્નકક્ષાની ટીખળ સાથે ટીકા કરી તો તબલીગી જમાતની પ્રવૃત્તિઓથી અકળાયેલા અને ગુસ્સે ભરાયેલા લોકો મોદી તબલીગી જમાત વિરુદ્ધ કડક પગલાં લેવાની જાહેરાત કરશે એવું નક્કી કરીને બેઠા હતા એમને પણ ઘોર નિરાશા જ સાંપડી. આ લોકો એ હકીકત ભૂલે છે કે ભારત વિશ્વની સહુથી વિશાળ લોકશાહી છે આથી એની જવાબદારી આવા કપરા કાળમાં વધી જતી હોય છે અને એટલેજ તેનો આગેવાન આ પ્રકારે જાહેરાત ન કરી શકે, પરંતુ હા, તે આ પ્રવૃત્તિઓને ડામવા કે સજા કરવા કાયદાને જ ખુલ્લો હાથ જરૂર આપી દે છે જે આપણે મરકઝમાં સામેલ થયેલા વિદેશીઓના વિસા રદ્દ કરવાના કે પછી તેમના બ્લેક લીસ્ટ કરવાના નિર્ણયમાં જોયું છે અને હજી પણ આવા કડક નિર્ણયો ભવિષ્યમાં આવતા જ રહેશે અને તેના પણ આપણે સાક્ષી બનવાના જ છીએ.

બુદ્ધિથી વૃષભ એવા કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે વડાપ્રધાનના સંદેશમાં ‘મજા ન આવી!!” વડાપ્રધાન કક્ષાનો વ્યક્તિ જો મહામારીના સમયમાં જેમાં લોકો ટપોટપ મરી રહ્યા હોય એવામાં પ્રજાનું મનોરંજન કરવા માટે ટીવી પર આવે એવી ઈચ્છા ધરાવનારાઓની બુદ્ધિમતા લોકડાઉન ભંગ કરનારા ઘનચક્કરોથી જરાય ઓછા નથી એ નોંધવું રહ્યું.

હવે વડાપ્રધાનના મેસેજ પર પરત આવીએ તો જે રીતે આપણને તમામને જનતા કરફ્યુના દિવસે સાંજે પાંચ વાગ્યે પાંચ મિનીટ થાળી વગાડીને કોરોના યોદ્ધાઓને સમર્થન કરવાનું કહ્યું હતું એ જ રીતે હવે આ આપણા બધા માટે વિનંતી કરવામાં આવી છે. આપણે છેલ્લા લગભગ અગિયાર દિવસથી અને ગુજરાતના લોકો તો ઓછામાં ઓછા પંદર દિવસથી ઘરની અંદર છીએ. આપણને એ પણ ખબર નથી કે આપણી આસપાસ શું થઇ રહ્યું છે. શું આપણા ઘરથી દસ ઘર દૂર કોઈને કોરોના થયો છે, શું આપણા મિત્રો સાજાસારા હશે? આવી ચિંતા થતી હોય એ સ્વાભાવિક છે. અને આથીજ જ્યારે રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનીટ માટે સર્વત્ર અંધારું થશે ત્યારે આપણે બધા આપણી ગેલેરી કે બારીમાં દીવડા કે પછી મીણબત્તી પ્રગટાવીશું કે મોબાઈલની ફ્લેશ લાઈટ અથવાતો ટોર્ચ ચમકાવીશું ત્યારે આપણા ઘરની સામે અને આસપાસ પણ આ જ પ્રકારનું દ્રશ્ય જોઇને આપણે એકલા નથી અને આ મહાયુદ્ધમાં આપણી સાથે આપણા વિસ્તારના તમામ લોકો છે એવી હકારાત્મક અનુભૂતિ થશે, આ સમજાય એટલોજ પ્રયાસ વડાપ્રધાનનો છે.

મારા મિત્ર મિતેશ પાઠક જેઓ વ્યવસાયે કોર્પોરેટ ટ્રેનર છે તેમણે આ અંગે બહુ સરસ અવલોકન કર્યું છે. વડાપ્રધાનના આ કોલ અંગે તેઓ કહે છે,

સામાન્ય સમજણ : પ્રવૃત્તિ શા માટે? ઘરમાં જ 21 દિવસ સુધી એકલતાનો અનુભવ કરતા લોકોને પરપઝફુલ એંગેજ રાખવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ. આઠ કલાકના ટ્રેનિંગ સેશનમાં આવી પ્રવૃત્તિઓ દર કલાકે કરાવવી પડે છે. સ્પાન ઓફ એટેન્શન (એડલ્ટ પાર્ટીસીપન્ટ માટે) 4045 મિનિટ નો હોય છે. એટલા માટે કોલેજમાં એક લેક્ચર 45 મિનિટ ના સમયગાળા માટે હોય છે. અને બીજું છે સ્પાન ઓફ કન્ટ્રોલ. 130 કરોડની વસ્તીને સાચવવી એમાં 24% બકડ અને બોથડ પ્રજા. સાઈકોલોજીકલ સ્ટેપ્સ છે.

પરંતુ છેવટે લિબરલ તો લિબરલ છે, એમની તો દુનિયા જ અલગ છે. કરોડો કમાવી આપતી ઈકોસિસ્ટમના આ સક્ષમ સેવકો એમનો એજન્ડા એમ થોડો પડતો મુકે ખરા? તેમણે તરતજ જનતા કરફ્યુની જેમ મોદીની મશ્કરી કરવાનું શરુ કરી દીધું અને પોતાની અક્કલનું પ્રદર્શન કરતા કહ્યું કે મોદી એમ કહેવા માંગે છે કે અચાનક લાઈટો બંધ થઇ અને અચાનક ચાલુ થશે એટલે કોરોના ગભરાઈને મરી જશે અથવાતો ભાગી જશે. આવું જ કઈક તેમણે જનતા કરફ્યુ વખતે પણ થાળી વગાડવા બાબતે કહ્યું હતું. તમે જનતા કરફ્યુની અપીલ અથવાતો ગઈકાલનો મોદીનો મેસેજ આ બંને ફરીથી ધ્યાનપૂર્વક સાંભળશો તમને ક્યાંય એવું નહીં સંભળાય કે મોદીએ એમ કહ્યું છે કે આ બંને પ્રવૃત્તિઓથી કોરોના ભાગી જશે. પ્રથમ પગલું કોરોના યોદ્ધાઓના સન્માન માટે હતી અને બીજી પ્રવૃત્તિ આપણા સહુના મનોબળને વધારવા અને તેને મજબૂત બનાવવા માટેની છે.

લિબરલ ઈકોસિસ્ટમ હિંદુ ધર્મની ફિલસુફી જાણતી નથી, જાણવા માંગતી પણ નથી અને તે કાયમ આંધળાના ગોળીબારની જેમ તેની મશ્કરી જ કરતી રહેતી હોય છે, આપણા પુરાણો અને ધર્મગ્રંથોમાં એક શ્લોક છે જે આપણે શાળાની પ્રાર્થનામાં દરરોજ ગાતા હતા,

 

ॐ असतो मा सद्गमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्मामृतं गमय ॥
ॐ शान्ति शान्ति शान्तिः ॥”

 

– बृहदारण्यकोपनिषद् १.३.२८

 

જો આ શ્લોકનો અર્થ સમજાઈ જાય તો વડાપ્રધાને રવિવારની રાત્રીએ નવ વાગ્યે દીવડાઓ પ્રગટાવવાનો જે આગ્રહ કર્યો છે તેની પાછળનું કારણ સમજાઈ જશે કે, કોરોનાએ અત્યારે આપણા તમામના જીવનમાં જે અંધકાર ફેલાવ્યો છે તેને દૂર કરવા માટે આપણે વિવિધ પ્રકારના પ્રકાશ આપતા ઉપકરણોનો ઉપયોગ કરવાનો છે અને એ પણ ફક્ત નવ મિનીટ માટે.

આપણામાંથી મોટાભાગનાએ યુદ્ધ જોયા નથી, આ પણ એક યુદ્ધ છે અને આપણો આ પહેલો અનુભવ છે, યુદ્ધ આમ જ લડાય, જેમાં શારીરિક ક્ષમતા કરતા માનસિક મજબુતી અથવાતો સક્ષમ મનોબળ ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે. આપણા કોઈ નાનકડા કામનું નાનકડું વખાણ આપણને કેટલું ખુશ કરી દેતું હોય છે? અને આપણે આપણું કામ બમણા જોશથી ફરીથી કરવા લાગીએ છીએ, બસ આ થાળી વગાડવી કે દીપ પ્રગટાવવો એ મનોબળ વધારીને કોરોના જેવી મહામારી સામે બમણા જોશથી લડવાની પ્રેરણા આપવાનો પ્રયાસથી વધુ કશું જ નથી.

તેથી, ઘરે જ રહીએ અને સુરક્ષિત રહીએ.

૪ એપ્રિલ ૨૦૨૦, શનિવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here