તમે હજારો વખત શોલે ફિલ્મ જોઈ હશે, પરંતુ શું તમને ખબર છે કે ફિલ્મ શોલેમાં કોરોના ભગાડવાના ઉપાયો પણ ગુપચુપ આપી દેવામાં આવ્યા હતા અને એ પણ લગભગ 45 વર્ષ અગાઉ!!
દરેક વ્યક્તિ અત્યારે એ શોધવામાં વ્યસ્ત છે કે કોઈ પુસ્તક કે મુવીમાં કોરોનાનો રેફરન્સ મળવો જોઈએ જેથી એને COVID-19 સાથે જોડી શકાય. ઘણા બધા પુસ્તક દ્વારા કોરોનાની ભવિષ્યવાણી અગાઉથી થઇ હતી. અમુક વેબ સીરીઝ દ્રારા પણ કોરોનાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી પણ તમને ક્યારેય કોઈએ એવું નહિ સમજાવ્યુ હોય કે વર્ષો પહેલા આવેલા શોલે મુવીમાં રામગઢમાં કોરોના વાયરસથી બચવાનાં ઘણા ઉપાયો દર્શાવ્યા છે અને કોરોના ઉપર રામગઢ વાસીઓએ વિજય મેળવ્યો હતો.
સૌ પ્રથમ તો ધર્મેન્દ્ર અને અમિતાભ બન્ને એક જ સ્કુટર ઉપર જઈ શકતા હતા તેમ છતાં સાઈડકારવાળું સ્કુટર બતાવીને સોશિયલ ડીસ્ટન્સ રાખવાનો મેસેજ મુવીમાં આપવામાં આવ્યો છે. તદઉપરાંત સાંભા પહાડ ઉપર બધાથી દુર પોતાને સેલ્ફ કવોરનટાઇન કરે છે એ પણ બિરદાવવા લાયક છે.
કાલિયા વગેરે ડાકુઓ એકજ ઘોડા ઉપર લુંટ કરવા રામગઢ જઈ શક્યા હોત પરંતુ તેઓ પોત પોતાના અલગ ઘોડા વાપરે છે જેથી વાયરસ ફેલાય નહીં. એ વખતે પણ 144મી કલમનું પાલન કરવા ત્રણ ડાકુ જ રામગઢ જાય છે. એ વખતે માસ્ક નહતા એટલે ડાકુ તરીકે મોઢે કપડું બાંધે છે જેથી વાયરસ ઇન્ફેકશનથી બચી શકાય. ગબ્બર જ્યારે પૂછે છે કે વો દો ઔર તુમ તીન ફિર ભી લોટ આયે વો ભી ખાલી હાથ મતલબ હાથ ખાલી રાખવા જોઈએ કોઇપણ વસ્તુને વાયરસ હોઈ શકે છે, અડકતા બચવું જોઈએ એવો સંદેશો મુવીમાં આવે છે.
એ વખતે પણ મીઠાનાં ઉપયોગથી કોરોનાથી બચી શકાય છે એવા મેસેજ ફરતા થયા હશે એટલે જ્યારે ગબ્બર કાલિયાને પૂછે છે કે ‘તેરા ક્યા હોગા કાલિયા’ ત્યારે કાલીયો કહે છે સરદાર મેને આપ કા નમક ખાયા હૈ. ગબ્બર એ વખતે પાન – મસાલા ખાઈને થુકતો બતાવ્યો છે જે એક ગુપ્ત મેસેજ છે કે આ રીતે ગમે ત્યાં થુક્વાથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે જેના પરથી સીખ લઈને અત્યારથી જ ગમે ત્યાં થુક્નારને દંડ ની જોગવાઈ કરવામાં આવી છે.
રામગઢમાં પીવાના પાણીની ટાંકી પણ ઘણે ઉચે રાખવામાં આવી છે જેથી પાણીમાં વાયરસ ભળી ને લોકોને નુકશાનનાં પહોચાડે. તદઉપરાંત એ વખતે સેનેટાઈઝર ન હતા પણ સેનેટાઈઝરમાં વપરાતા આલ્કોહોલ દ્રારા ધર્મેન્દ્ર પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર આલ્કોહોલ ઢોળી સાફ કરે છે જે બતાવે છે કે એ લોકોને ત્યારે પણ કોરોના વાયરસમાં આલ્કોહોલ અને સેનેટાઈઝર આટલા ઉપયોગી બનશે એની જાણકારી હતી.
એ વખતનાં જેલર પણ કોરોના વાયરસ વિષે બધી માહિતી ધરાવતા હતા એટલે જ પોતાના સાથી પોલીસ ઓફિસરને “આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ” કહીને છુટા રાખતા હતા જેથી મહામારી પ્રસરતી અટકે.
એ વખતે અત્યારે જેમ કોરોના વિષે ખોટી માહિતી વોટ્સએપ માં ફરે છે એવી જ રીતે હરી રામ નાઈ એ વખતનું વોટ્સએપ હતો જે ખોટી માહિતી સ્પ્રેડ કરતો હતો. એહમદને ઘણું શહેર જવા સમજાવામાં આવે છે પણ એને કોરોના વિષેની જાણકારી હોવાથી એ રામગઢમાં રહીને વર્ક ફ્રોમ હોમ કરવા ઈચ્છતો હોય છે તો પણ દબાણ વશ થઈને શહેર જવા નીકળે છે અને પોતાના પ્રાણ ગુમાવે છે.
રામગઢમાં લોકોને એવી પણ ખબર હતી કે કદાચ લોકડાઉન પણ કરવું પડે એટલે બેન્કમાં રાખવાની જગ્યાએ ઠાકુરની ઘરની તિજોરીમાં રોકડ રૂપિયા રાખ્યા હતા. આ ઉપરાંત વાતો કરીને સમય પસાર કરવો પડશે જેથી બસંતીને વાતોડિયા સ્વભાવની બતાવામાં આવી હતી. એ વખતે હોળીનો તહેવાર બતાવવામાં આવ્યો છે પણ કોઈને પણ હોળીમાં કપૂર નાખતા બતાવવામાં આવ્યા નથી જે સમજાવે છે કે કપૂર નાખવાથી કોરોનાનો વાયરસ મરતો નથી.
એ જમાનામાં ઠાકુર બહારથી રામગઢ કોરોના વાયરસ લઈને આવ્યો હતો. વાયરસ ની કોઈ દવા કે ડોક્ટર એ વખતે હતા નહિ તથા માસ્ક પણ નહોતા એટલે ઠાકુર કોઈની જોડે હાથ મેળવીને વાયરસ ન ફેલાવે એ હેતુથી સમાજનાં વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ગબ્બરે ઠાકુર ના હાથ જ કાપી નાખ્યા હતા અને માસ્કની જગ્યાએ એને એક શાલ ભેટ આપી હતી જેથી ઠાકુરનો ચેપ રામગઢમાં ના ફેલાય. આ ઉપરાંત એ વખતે રામલાલે ઠાકુર સેલ્ફ કવોરનટાઈન રહે એ જોવાનું અભૂતપૂર્વ કાર્ય પણ કરેલું. મીણબતી ટોર્ચ લઈને રાત્રે નવ વાગે બાલ્કનીમાં ઉભા રહેવાનું તો હમણા આવ્યું શોલેમાં તો જ્યારે જય વાજું વગાડતો હોય છે ત્યારે રાત્રે નવ વાગે જ્યાં બચ્ચન ફાનસ ચાલુ કરીને મોદીજી એ જે અત્યારે કીધું એ જ કરેતી હોય છે.
વર્ષો પહેલા શોલે મુવીનાં રામગઢ વાસીઓએ કોરોના ઉપર વિજય મેળવ્યો હતો. તો આવો આપણે પણ શોલે મુવીમાં દર્શાવેલ ટીપ્સ અનુસરીને કોરોના વાયરસનો મુકાબલો કરીએ અને વીરુ નહિ પણ જય મેળવીએ.
લી – લઘર વઘર અમદાવાદી.
eછાપું