1940ની વાત. રાજસ્થાનનું નાનું ગામ શેખાવત જેમાં પહેલાં રજપૂતો રહેતા. ગામમાંથી ત્રણ વણિક ભાઈઓ મહાવીરપ્રસાદ પોદ્દાર, રામપ્રસાદ પોદ્દાર અને ધારાપ્રસાદ પોદ્દાર બોમ્બેમાં કામ કરવા આવ્યા. ત્રણેય યુવાનોએ આવીને સુતરાઉ કાપડનો વ્યવસાય કરતા. સુતરાઉ કાપડનો વેપાર કરીને બોમ્બેના સાડીઉદ્યોગ અને કૃષિઉદ્યોગને મદદ કરતા. ધીમે ધીમે સુતરાઉ કાપડનું કામ ચાલ્યું અને સારી એવી કમાણી થઈ. આ કમાણીમાંથી ત્રણેય ભાઈઓએ મળીને તે વખતના સાઉથ બોમ્બેના ડોક્યાર્ડ રોડમાં રબરની ફેક્ટરી સ્થાપી અને ‘સિયારામ પોદ્દાર’ જૂથની સ્થાપના કરી.

વર્ષો વીતી ગયા અને 1978માં આ જૂથે કાપડ ઉત્પાદન કરવા માટે એક કંપની સ્થાપી – સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડ (SSM). આ કંપનીએ તે વર્ષે 2 કરોડનું વેચાણ કર્યું અને 1979માં પબ્લિક ઈશ્યૂના માધ્યમથી 30 લાખ રુપિયાનું ભંડોળ ભેગું કર્યું. SSM ના પેરેન્ટ જૂથ ‘સિયારામ પોદ્દાર’ પાસે મૂડી હતી, ઉત્પાદનો હતા અને લગભગ 600 કરોડનું માર્કેટ કેપ હતું.
આજે SSM કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર રમેશ પોદ્દાર છે જે રામપ્રસાદ પોદ્દારના પુત્ર છે. રમેશભાઈ વિજ્ઞાન ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થયા અને 1978માં પોદ્દાર સેલ્સ કોર્પોરેશનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જ્યારે 1980માં તેઓ SSM કંપનીમાં જોડાયા ત્યારે કંપનીનું ટર્નઓવર 10 કરોડનું હતું. બે વર્ષ પછી 1982માં રમેશભાઈએ કાપડ બિઝનેસ સ્વતંત્ર રીતે પૂરેપૂરો સંભાળી લીધો ત્યારે આ 10 કરોડનું ટર્નઓવર પાંચગણુ કરીને 50 કરોડ રુપિયા કરી દીધું.
સિયારામે ભારતીય કાપડ ઉદ્યોગમાં મધ્યમવર્ગના પુરુષોની ઈચ્છા પૂરી કરી. બીજી દેશી અને વિદેશી કંપનીઓ જ્યારે ભારતમાં કાપડના બ્રાન્ડ પ્રત્યે પોતાના બજારને અને ગ્રાહકોને સમજતી હતી ત્યારે સિયારામે શાંતિપૂર્વક પોતાની ઉત્પાદનની ગતિ ચાલુ રાખી. લગભગ 1990માં ટેક્સટાઈલ (કાપડ) ઉદ્યોગમાં મંદીના અણસાર વર્તાવા લાગ્યા ત્યારે મોટી મોટી કાપડ કંપનીઓ બેંકમાંથી લોન લઈ બજારમાં ટકવા માટે ફાંફાં મારવા લાગી.
સિયારામે કોઈ પણ લોન લીધા વિના પોતાનું કાપડ ઉત્પાદન વધારતા રહ્યું. મંદીની પીચ પર પોતાની ક્ષમતા વધારીને પોતાનું માર્કેટીંગ પણ તગડું કર્યું. આ એક અદ્ભૂત સ્ટ્રેટેજી છે જે આજે પણ ઘણી કંપનીઓ અપનાવે છે. જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે ખર્ચ ઓછો કરીને જો પોતાની ક્ષમતા પર ધ્યાન આપવામાં આવે તો તેજી આવતાની સાથે જ તમે બધી જ રીતે તૈયાર હશો. મંદીમાં બજારનું નિયંત્રણ આપણા હાથમાં નથી હોતું પણ આપણું પરફોર્મન્સ તો આપણા હાથમાં હોય છે.
રમેશભાઈ પોદ્દારે ખૂબ જ ઝીણવટપૂર્વક સિયારામને આગળ વધાર્યું છે. તેમની દરેક વ્યૂહરચના ખૂબ જ પૂર્વનિયોજીત રહેતી. કાપડ ઉત્પાદનની ક્ષમતા વધારવા તેમણે વિશ્વના મશીનો મંગાવીને ભારતમાં પોતાના એકમો સ્થાપ્યા. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ ચાર (તારાપુર, સિલ્વાસા, મુંબઈ અને દમણમાં) એકમો સ્થાપિત કર્યા બાદ 1998-99માં મૂડી ભંડોળનું મોટાપાયે રોકાણ કરીને પોતાના લૂમ્સ સ્થાપિત કર્યા (લૂમ્સ એટલે ઊન કે દોરાને વણાટ દ્વારા કાપડ બનાવવા માટેનું એક ઉપકરણ).
સિલ્વાસામાં 4 તો તારાપૂરમાં 8 લૂમ્સ સ્થાપિત કર્યા પછી અન્ય વિવિધ સહાયક મશિન ફીટ કરાવ્યા. સ્વિત્ઝર્લેન્ડ, ઈંગ્લેન્ડ, જર્મની, ઈટાલી અને જાપાનથી આયાત કરેલા મશીનોથી કાપડનું ઉત્પાદન ભારતમાં શરૂ કર્યુ. કપડાની વિવિધતા પણ કેવી? 100 ટકા સુતરાઉ, પોલિએસ્ટર, પોલિવૂલ, પોલિએસ્ટર વિસ્કોસ જેવા અલગ અલગ કાપડ બનાવામાં આવતું.
બ્રાન્ડિંગમાં પણ સિયારામે વૈશ્વિક બ્રાન્ડ સાથે જોડાણ કરી અલગ રણનીતિ અપનાવી છે. પોતાના નામ હેઠળ જે. હેમ્પસ્ટેડ (J. Hampstead), મિસ્ટેયર (Mistair), ઓક્ઝેમ્બર્ગ (Oxemberg) બ્રાન્ડ પણ તેઓ રજૂ કરી ચૂક્યા છે. 1991માં ઓક્ઝેમ્બર્ગ સાથે હાથ મળાવીને રેડીમેડ કાપડ ઉદ્યોગમાં જંપલાવ્યું. 1995માં ઈંગ્લેન્ડની જે. હેમ્પસ્ટેડ સાથે માર્કેટીંગના કરાર કર્યા અએન તેમની પાસેથી જરૂરી જાણકારી મેળવી ભારતમાં વૂલન સૂટિંગ્સ શરૂ કર્યું.
મિસ્ટેયર બ્રાન્ડ ફેશનેબલ સૂટના કાપડ માટે જાણીતી છે જેના નામ હેઠળ સન 2001માં લક્ઝુરિયા, લોર્ડસ એન્ડ કિંગ્સ જેવા વસ્ત્રો લોકો સમક્ષ મૂક્યા. 2013માં સિયારામને ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા ‘મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ’નો એવોર્ડ મળ્યો. 2014માં સિયા નામથી સ્ત્રીઓના કપડાની પણ બ્રાન્ડ શરૂ કરી.
24 સપ્ટેમ્બર 2015ના રોજ સિયારામે ઈટાલીયન બ્રાન્ડ કાડીની (Cadini) સાથે એક વૈશ્વિક સાહસ કર્યું. આ બ્રાન્ડ હેઠળ ગીઝા કોટન, લોન્ગ સ્ટેપલ કોટન, લિનેન, સિલ્ક અને લિનેનના જાકેટના કપડા રજૂ કર્યા. સિયારામના (ફેશન-ટુ-ફેશન) નામના અનન્ય શોરૂમ સ્થાપ્યા છે. તાજેતરમાં (2018માં) સિયારામે મોઝ્ઝો (Mozzo) નામની કેઝ્યુઅલ વસ્ત્રોની બ્રાન્ડ પણ માર્કેટમાં મૂકી.
પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પહેલાં ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લોકો સામે રજૂ કર્યા અને ત્યારબાદ હાલમાં સિયારામના બ્રાન્ડ એમ્બેસેડર છે રણવીર સિંઘ.
ભારત સિવાય સિયારામના જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકામાં પણ ઉત્પાદન કેન્દ્રો છે. સિયારામનું 80% બજાર ડોમેસ્ટીક એટલે કે ભારતની અંદર જ છે. દર વર્ષે સિયારામ 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરે છે. મુંબઈના કમલા મીલ્સ કમ્પાઉન્ડમાં તેમનું મુખ્ય મથક છે. આજે SSMનું માર્કેટ કેપ અંદાજે 937 કરોડનું છે. દુનિયા ભરમાં 170 જેટલા શોરૂમ અને 1 લાખ જેટલા આઉટલેટ્સ છે.
સંદર્ભઃ
https://www.siyaram.com/company
https://en.wikipedia.org/wiki/Siyaram_Silk_Mills
eછાપું