રસપ્રદ કથાઓઃ હેમંત ચૌહાણ – ગુંજા સા હૈ કોઈ ઈકતારા!

0
471
Photo Courtesy: YouTube

‘ઊંચી મેડી તે મારા સંતની રે..’, ‘તું રંગાઈ જાને રંગમાં..’, ‘ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડામાના..’, ‘શિવતાંડવ’, ‘તારે રહેવું ભાડાના મકાનમાં..’, ‘પંખીડાને આ પીંજરું..’, ‘હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય..’, ‘રાખના રમકડાં..’, ‘હે જગજનની મા જગદંબા..’, ‘હે રામ’ ધૂન, ‘ઓમ નમઃ શિવાય’ ધૂન અને બીજા ઘણાં એકમેકથી ચઢિયાતા ભજનો અને ભક્તિગીતો વિશે વાત થાય ત્યારે ગુજરાતીઓને સૌ પ્રથમ નામ યાદ આવે હેમંત ચૌહાણનું!

હેમંત ચૌહાણ – ગુજરાતી ભજનજગતનું અતિપ્રિય અને જાણીતું નામ. એવા કલાકાર જેણે એકતારાના આધારે ભજનને ઘરે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યુ. હેમંતભાઈ આજે ભજન સમ્રાટ તરીકે ઓળખાય છે અને ભારતવર્ષમાં સુગમ સંગીતના એક અગ્રણી ગાયક ગણાય છે. આવો જાણીયે હેમંતભાઈના જીવનની રસપ્રદ વાતો.

ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનું કાનપર નામનું ગામ. આ ગામમાં રામજીભાઈ ચૌહાણનું ઘર. રામજીભાઈ અતિજ્ઞાની. શાસ્ત્રો, રામાયણ, મહાભારત અને વેદોના જાણકાર. ભજનો અને શ્લોકો કંઠસ્થ. પત્ની સુમનબેન પણ ખૂબ જ શ્રદ્ધાળુ. ઘરનું વાતાવરણ હંમેશા ભક્તિમય. રામજીભાઈના પુત્ર રાજાભાઈ અને પુત્રવધુ સોનાબેને આ વારસો સંભાળ્યો. રાજાભાઈને ઘરે પાંચ સંતાન – ચાર દીકરા અને એક દીકરી. ચારમાંથી એક દીકરાનું નામ હેમંત.

હેમંતભાઈનો જન્મ 1955માં થયો. ઘરનું વાતાવરણ સંગીતમય હોવાથી તેમને ભજનો પ્રત્યે ખૂબ લગાવ. નિશાળમાં 1 થી 10 આંકડા બોલતા નહોતા આવડતા તે સમયે પણ શિક્ષક સામે તેઓએ બે લોકગીતો કંઠસ્થ કરીને સંભળાવ્યા હતા. ઘરે કોઈ સત્તાવાર તાલીમ મળતી નહોતી માટે કોલેજમાં હતા ત્યારે એક સંગીત અકાદમીમાં પ્રવેશ લઈને શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી. 1974માં અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડીગ્રી મેળવી પછી એક સરકારી વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં કારકુન તરીકે જોડાયા. બે વર્ષ તેમણે રાજકોટની સંગીત નાટ્યભારતની સંસ્થામાં તાલીમ પણ લીધી.

રજાના દિવસોમાં તેઓ ગુજરાતના ગામડાઓમાં જઈને ત્યાંના સંતોને, લોકગાયકોને અને ડાયરાના કલાકારોને મળતા. આકાશવાણીમાં જે લોકગીતો આવતાં તે પોતાની નોટબુકમાં લખીને પોતાની રીતે ગાતા.

હેમંતભાઈએ પોતાની ભજનયાત્રા રેડિયોથી શરૂ કરી. શરૂઆતમાં આકાશવાણીના કાર્યક્રમો મળ્યા પછી નાનામોટા લાઈવ ભજનના કાર્યક્રમો મળવા લાગ્યા. ત્યારબાદ લોકડાયરા અને ભજનસંધ્યાના મોટા કાર્યક્રમોની વણઝાર લાગી. દરમિયાન તેમના વિવાહ લીલાબેન સાથે થયા.

લીલાબેનના આગ્રહથી વર્ષો સુધી હેમંતભાઈએ રાત-દિવસ મહેનત કરી. રાત્રે કાર્યક્રમ અને દિવસે નોકરી. ભજનના કાર્યક્રમો તો હંગામી આવક આપે પણ જો નોકરી કરતા હોઈએ તો દર મહિને પગાર મળે અને નિત્ય આવક થતી રહે, આવું 12 વર્ષ ચાલ્યું પછી એક દિવસ કચેરીમાં હેમંતભાઈ બેઠા હતા. અચાનક કંઈક યાદ આવતા ખાનામાંથી એક ભજનની ચોપડી કાઢી અને ભજન ગાવા લાગ્યા. કચેરીના મોટાસાહેબ તેમના ટેબલ પાસે આવીને ઊભા રહ્યા, પણ ભજનમાં લીન હેમંતભાઈને ખબર ન પડી. ઘણો સમય થયો એટલે અધિકારીએ હેમંતભાઈના ખભે હાથ રાખીને કહ્યું, “મિસ્ટર ચૌહાણ, કાં ભજન ગાવાનું રાખો, જાં નોકરી કરવાનું રાખો. બંને સાથે તો કેમ થાય?”

હેમંતભાઈએ આ વાત સમજાઈ. સાંજે ઘરે આવ્યા અને બીજા દિવસથી કચેરી જવાનું છોડી દીધું. કચેરીએ રાજીનામું મોકલીને ભજને ખોળે શરણ લીધું.

આજે તેઓ મહિનાના લગભગ વીસેક કાર્યક્રમો કરે છે. તેઓ ભજન ગાય તો છે જ પણ પોતે ભજન લખે પણ છે. અત્યાર સુધી તેમણે લગભગ 6000 જેટલા ભજનો ગાયા છે. પોતાના સમાજ માટે તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મરણમાં ‘ભારતનો ભીમરાવ’ અને ‘બંધારણ કોણ લખે?’ નામના બે આલ્બમ પણ બહાર પાડ્યા છે. ‘કેસર ચંદન; ફિલ્મ માટે ગાયેલા ગીત ‘ઝણણ ઝણણ ઝાલરી વાગે’ માટે અને ‘પંખીડા ઓ પંખીડા’ માટે તેમને ‘બેસ્ટ પ્લેબેક સિંગર’નો એવોર્ડ પણ મળેલો છે.

હેમંત ચૌહાણ ‘દાસી જીવણ’ના ભજનો ગાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો પહેલો ભજન આલ્બમ ‘દાસી જીવણના ભજનો’ ગુજરાતભરમાં ખૂબ જ લોકપ્રિય થયેલો. દાસી જીવણ સિવાય હેમંતભાઈએ મીરા, કબીર, હરિદાસ અને પાનબાઈના ભજનો પણ ગાયા છે.

હેમંતભાઈ ભારત સિવાય ગ્રીસ, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, જાપાન અને કેનેડામાં પણ કાર્યક્રમ કર્યા છે. 2007માં નોર્થ અમેરિકામાં કરેલી ‘કાઠિયાવાડી લોકડાયરો અને ભજન સંધ્યા’ની ટૂર ખૂબ જ પ્રસિદ્ધ થયેલી. હેમંતભાઈને ગુજરાત સરકારે ‘ ગુજરાત ગૌરવ’ પુરસ્કારથી પોંખ્યા છે અને ભારત સરકારે 2012માં સાંસ્કૃતિક ક્ષેત્રે સર્વોચ્ચ ગણાતો કેન્દ્રીય સંગીત નાટક અકાદમીનો ‘અકાદમી રત્ન’ પુરસ્કાર આપ્યો છે.

આટઆટલી સિદ્ધીઓ અને પ્રસિદ્ધીઓ મેળવી હોવા છતાં આજે પણ હેમંતભાઈ સાદગી અને નમ્રતાથી પોતાનું જીવન જીવે છે.

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/Hemant_Chauhan

http://www.speakbindas.com/hemant-chauhan/

હેમંતભાઈનો ઈન્ટરવ્યુઃ https://youtu.be/cwX0xkt3SIc

હેમંતભાઈને વ્યક્તિગત માહિતીઃ મનોજ શુક્લનો લેખ ‘એકતારાની સંગાથે ભક્તિની સફર..’, ‘ખુલ્લી વાત ખુલીને’ કોલમ, દિવ્યભાસ્કર કળશ પૂર્તી, 21/11/2012

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here