રસપ્રદ કથાઓઃ એક સમયે ‘વેસેલિન’ની દર મિનિટે એક શીશી વેચાતી…

0
200
Photo Courtesy: goodhousekeeping.com

વેસેલિન એક 150 વર્ષ જૂની બ્રાન્ડ છે એમ કોઈ કહે તો માનશો? આજે તેમની વેબસાઈટ પર Helping Dry Skin Through The Centuries એવી ટેગલાઈન છે. ખરેખર સૂકી ત્વચાને રાહત આપી વિશ્વના લગભગ દરેક ઘરમાં ઘર કરી ગયેલી આ બ્રાન્ડની શોધ સન 1870માં થયેલી.

સર રોબર્ટ ઓગસ્ટસ ચેસબ્રોનો જન્મ 9 જાન્યુઆરી 1837માં થયો. લંડનમાં જન્મેલા રોબર્ટના માતાપિતા બંને અમેરિકન હતા. પોતે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા એટલે જીવનનિર્વાહ માટે રોબર્ટ એક મેડિકલ સ્ટોરમાં કેમિસ્ટ તરીકે જોડાયા. પોતાની કારકિર્દીની શરૂઆતમાં રોબર્ટે વ્હેલ માછલીના તેલમાંથી કેરોસીન બનાવવાની શરૂઆત કરી. કેરોસીન વેચતા વેચતા ખબર પડી કે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના તિટુસવિલે (Titusville) વિસ્તારમાં દરિયાકિનારે નવું પેટ્રોલિયમ મળી આવ્યું છે.

રોબર્ટનો રસ આ વાતમાં જાગ્યો અને ઘરેથી નીકળીને રોબર્ટ તિટુસવિલે પહોંચ્યો. પહોંચી તો ગયો પણ મોટા દરિયાકિનારે તે પેટ્રોલિયમ શોધવું ક્યાં? દિવસો સુધી દરિયાકિનારે આંટા માર્યા પછી રોબર્ટનું ધ્યાન દરિયામાંથી તેલ કાઢવાના વિશાળ કૂવાના ખોદકામ તરફ ગયું. તેલના ખોદકામ દરમિયાન કર્મચારીઓને કાચા તેલની સાથે સાથે એક મીણ જેવું દેખાતું ‘રોડ વેક્સ’ (Rod wax) મળ્યું. આ ચીકણો પદાર્થ ખોદકામના સાધનોની આસપાસ જાડું પડ બની રહેતો. કેટલાક કર્મચારીઓ આ મીણ જેવા પદાર્થને પોતાના જખ્મો પર લગાડતા, જેનાથી તેમની ત્વચાની બળતરા દૂર થતી.

રોબર્ટને આ વાતની નવાઈ લાગી. આ અંગે વધુ તપાસ કરી તો ખબર પડી કે તે મીણ જેવા પદાર્થમાં કેટલાક ખનિજ તત્ત્વો છે જે મલમ તરીકે કામ કરે છે. આ પદાર્થને પોતાની સાથે લઈ જઈ ઘરમાં રહેલી પ્રયોગશાળામાં રોબર્ટે તપાસ હાથ ધરી. અવનવા પ્રયોગો અને વિશ્લેષણો કરતાં રોબર્ટને 10 વર્ષ લાગ્યા. છેવટે 1859માં તે પદાર્થમાંથી આછા સફેદ રંગનો તેલ જેવો ચીકણો પદાર્થ નીકળ્યો. આ જેલી જેવા પદાર્થેની થોડી વિશેષતાઓ હતીઃ (1) આ પદાર્થ અર્ધ નક્કર (semi-solid) હતો એટલે પાણી જેવો પ્રવાહી પણ નહીં અને એકદમ ઘાટો પણ નહીં. (2) આ પદાર્થને કોઈ રંગ કે સુગંધ નહોતી. (3) પાણી સાથે આ પદાર્થ ભળતો નહોતો (4) કોઈ ડબ્બામાં ભરવામાં આવે તો ચોંટતો પણ નહોતો.

હવે રોબર્ટને ખબર પડી કે આને બજારમાં મૂકીને રૂપિયા રળવા જોઈએ. તેણે શરૂઆત પોતાના શરીરથી જ કરી. જાહેરમાં જઈને તે પોતાના શરીર પર ઘા પાડતો અને પછી પેલા ચીકણા પદાર્થની મદદથી તેને સારું કરી દેતો. લોકોને જોઈને રસ તો જાગ્યો પણ કોઈ કિંમત ચૂકવવા તૈયાર નહોતું. છેવટે રોબર્ટે સેંકડો સેમ્પલ મફતમાં મેડિકલ દુકાનોમાં અને ડોક્ટરોને આપ્યા. બજારમાં હવે લોકોને તેની જાણ થઈ અને ધીમે ધીમે આદત પડી ગઈ. હવે રોબર્ટે પોતાના એક મિત્ર સાથે ચર્ચા-વિચારણા કરીને પ્રોડક્ટને નામ આપ્યું – વેસેલિન! ‘વેસેલિન’ નામ જર્મન શબ્દ વેસર (Wasser) એટલે પાણી અને ગ્રીક શબ્દ ઓઈલ (Oil) એટલે તેલ પરથી આવેલો છે.

વેસેલિને થોડા જ સમયમાં અમેરિકામાં ધૂમ મચાવી દીધી. 1872માં એક નાનો એકમ સ્થાપીને રોબર્ટે વેસેલિનની પેટેન્ટ કરાવી. પોતાના પ્રોડક્ટને રોબર્ટ ઘોડાગાડી પર વેચતો. આજે પણ વેસેલિનની વેબસાઈટ પર ઘોડાગાડીનો ફોટો છે. જેવા મફતના સેમ્પલ ખતમ થયા, લોકોએ મેડિકલ શોપ્સમાં વેસેલિનની માંગ કરી. હવે તેઓ કિંમત ચૂકવીને વેસેલિન લેવા તૈયાર હતા.

આ જ સમયમાં આમ આદમી તો ઠીક પણ ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા પણ વેસેલિન વાપરતા થયા. તેઓ દરરોજ વેસેલિન વગાડતા. તેમને જોઈને યુરોપની માતાઓ પોતાના સંતાનોને ડાઈપરથી થતા ચકામાને મટાડવા વેસેલિન વાપરવા લાગી. લગભગ 1883માં લોકોને ખબર પડે કે ફક્ત ઘા રુઝાવવા નહીં પણ સૂકી ત્વચાને નરમાશ મેળવવા પણ વેસેલિન વાપરી શકાય છે. ઉત્તર ધ્રુવમાં આ વાતની ખબર પડતાં વેસેલિનની માંગમાં મોટો ઉછાળો આવ્યો. વેસેલિન ઠંડીમાં જામતું નહોતું એ કારણ મૂળભૂત સાબિત થયું.

આ જ સમયે રાણી વિક્ટોરિયાએ રોબર્ટને ‘નાઈટહુડ’નું બિરુદ આપ્યું. આ એવો સમય હતો કે કંપની દર મિનિટે વેસેલિનની એક શીશી વેચતી હતી. વેસેલિનની પ્રગતિને વેગ આપવા એક અનન્ય બનાવ બન્યો – પ્રથમ વિશ્વયુદ્ધ! યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો માટે વેસેલિન ખૂબ કામ લાગી. દરેક સૈનિકની મેડિકલ-કીટમાં એક વેસેલિનની શીશી રાખવામાં આવતી. આને લીધે વેસેલિનને દેશભક્તિના પ્રતીક તરીકે ઓળખાણ મળી.

તે જ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધમાં વેસેલિન વધુ લોકો સુધી પહોંચી. 1933માં રોબર્ટનું અવસાન થયું પણ વેસેલિને વિશ્વભરમાં ભારે જમાવટ કરી દીધેલી. રોબર્ટ 96 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એવું કહેવાય છે કે તેઓ દરરોજ એક ચમચી વેસેલિન ખાતા હતા.

રોબર્ટના અવસાન પછી વેસેલિને પોન્ડસ (PONDS) સાથે સમજૂતી કરી અને પોન્ડસ બ્રાન્ડ હેઠળ પોતાના પ્રોડક્ટ વેચવાના શરૂ કર્યા. તે પછી પ્રવાહી સ્વરૂપે લોશન બનાવવાની શરૂઆત થઈ. દરમિયાન વેસેલિને ભારત અને ચીનમાં પગપેસારો કર્યો. ભારતમાં જુદા જુદા રંગની, જુદી જુદી સુગંધવાળી વેસેલિનની ક્રીમ મળવા લાગી જે મૂળ વેસેલિન કરતા તદ્દન જુદી હતી. મૂળ વેસેલિનને તો રંગ કે વાસ નહોતી. આજે વેસેલિનના મોશ્ચરાઈઝર અને ડીયોડ્રન્ટ પણ મળે છે.

સંદર્ભઃ

https://en.wikipedia.org/wiki/Robert_Chesebrough

https://www.vaseline.com/us/en

https://www.ripleys.com/weird-news/robert-chesebrough/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here