નૈરોબી (કેન્યા)ની છોકરી અને અમૃતસર (પંજાબ)ના છોકરા વચ્ચે પ્રેમ. બંને પ્રેમલગ્ન કરીને કેનેડામાં સ્થાયી થયા. ત્યાં તેમને એક દીકરો અને દીકરી અવતર્યા. દીકરાનું નામ નીલ પસરીચા. 1979માં જન્મેલા નીલભાઈ આજે લેખક, ઉદ્યોગસાહસિક, પોડકાસ્ટ કરનાર, જાહેર વક્તા છે. તેમની TEDx ટોક એ અત્યાર સુધીના સૌથી પ્રેરણાદાયક ટોકના લિસ્ટમાં નવમા ક્રમે આવે છે (કુલ 30 લાખ વ્યુઝ). 2018ના વર્ષમાં નીલને કેનેડાનો “40 under 40” એવોર્ડ મળેલો છે.

નીલે ક્વીન્સ યુનિવર્સિટી (કેનેડા)માંથી બી.કોમ. કર્યું, ન્યુયોર્કમાં રમૂજી લખાણો લખ્યા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) કંપનીમાં માર્કેટીંગ સંભાળ્યું, હાર્વર્ડ યુનિવર્સિટી (અમેરિકા)માંથી સ્નાતક થયા, કેનેડામાં વોલમાર્ટના અગ્રણી બન્યા અને 2016માં પોતાની એક સંસ્થાની સ્થાપના કરીઃ Institute for Global Happiness. આ સંસ્થા દ્વારા નીલે ઓફિસોમાં અને કાર્યસ્થળોમાં સુખ અને ખુશી કઈ રીતે વધારવી તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ.
પરંતુ નીલે પોતાની સંસ્થા શરૂ કરી તે પહેલાં રોજબરોજના છાપાઓમાં એક જ પ્રકારના સમાચારો વાંચતા – ઉત્તરધ્રુવ પરનો બરફ પીગળી રહ્યો છે, ગ્લોબલ વાર્મિંગ, અર્થતંત્ર નબળું પડી રહ્યું છે, ત્રીજું વિશ્વયુદ્ધ નજીક છે વગેરે વગેરે… આવા સમાચારોથી કંટાળીને નીલે 20 જૂન 2008ના દિવસે એક બ્લોગની શરૂઆત કરી. આ બ્લોગ પર નીલ દરરોજ (સોમથી શુક્ર) એક પોસ્ટ લખતા. બ્લોગનું નામ આપ્યું – 1000 Awesome Things (1000 અદ્ભુત વાતો).
રોજબરોજના કામના માનસિક તણાવ વચ્ચે આપણી આસપાસ બનતી નાની નાની સુખરૂપ બાબતો તરફ ધ્યાન આપવામાં આવે તો આપણો તણાવ ઓછો થાય, એ વાતને મુખ્ય સૂત્ર બનાવીને આ બ્લોગ રોજ લખાવા લાગ્યો. દરેક બ્લોગ ખૂબ જ થોડા શબ્દોમાં ઘણું કહી જતા. બ્લોગની શરૂઆત થઈ ત્યારે પહેલો બ્લોગ હતોઃ Broccoflower. આ બ્લોગમાં નીલે કરિયાણા-શાકભાજીની દુકાનમાં જોયેલા બ્રોકોલી જેવા ફૂલકોબીની વાત કરી. બીજે દિવસે વેફરના પેકેટમાં રહેલી છેલ્લી ત્રિકોણ આકારની વેફર વિશે, ત્રીજે દિવસે કંઈક નવું, ચોથે દિવસે કંઈક અલગ….દિન બઢતે ગયે અને કારવા બનતા ગયા. કુલ 1000 વાતો 19 અપ્રિલ 2012ના દિવસે પૂર્ણ થઈ.
આ ‘1000 અદ્ભુત વાતો’માંથી થોડા ઉદાહરણો અહીં મૂકું છું:
તમને ખબર પણ ન હોય એવા ખોવાયેલા રુપિયા અચાનક મળી જાય (#995), વેઈટર તમારા બોલાવ્યા પહેલાં જ તમારો ગ્લાસ ફ્રીમાં ભરી જાય (#994), એરોપ્લેનમાં બાથરૂમમાંના ફ્લશ (#975), સંતરાની છાલ એક જ વારમાં નીકળી જાય (#908), લાંબો હવાઈ પ્રવાસ અથવા સ્વિમીંગ કર્યા પછી તમારા કાનના પડદા ખૂલે ત્યારે (#832), થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ અને તમારી સીટ પર બંને બાજુએ હાથ રાખવા આર્મરેસ્ટ મળે (#791), તમે બસસ્ટોપ પર પહોંચો અને તે જ ઘડીએ બસ આવે (#755),
બાળકનું ડાયપર કાઢો ત્યારે ખબર પડે કે ડાયપર એટલું પણ ખરાબ નથી થયું જેટલું તમે વિચારતા હતા (#730), જ્યારે તમારી માટે કોઈ લિફ્ટનો દરવાજો પકડી રાખે (#689), કોઈ જગ્યાએ તમે અને તમારા સાથીદાર ફોટો પડાવવા ઈચ્છતા હોય અને કોઈ અજાણ્યું વ્યક્તિ આવીને ફોટો પાડી દે (#670), તમારું નાક વહેતું હોય અને કોઈ તમને રુમાલ કે ટીશ્યુ આપે (#636), અડધી રાત્રે તમે પાર્ટીમાંથી ઘરે આવો ત્યારે તમને ઘર સુધી મુકવા આવેલી વ્યક્તિ તમે ઘરની અંદર પહોંચો નહીં ત્યાં સુધી ઘરની બહાર ઊભી રહે (#615), કીબોર્ડ પર કોઈ નવો શોર્ટકટ અચાનક જાતે જ શીખો ત્યારે (#572),
શુક્રવારે ઓફિસમાંથી રજા લેવી (#480), તમે અને તમારો પાળેલો કૂતરો સાથે હોય અને તમે અચાનક પાદીને કૂતરા પર આરોપ મૂકો (#427), નાના બાળકો તમને હાથના સ્નાયુ (muscle) દેખાડે (#366), ઓફિસમાં તમારા સહ-કર્મચારીઓ સાથે રમૂજ કરો ત્યારે (#308), રાત્રે 3 વાગ્યે મિત્ર સાથે વાત કરો (#234), નાગડો વરસાદ (તડકો અને વરસાદ બંને સાથે) પડે ત્યારે (#215), જ્યારે કોઈ મિટીંગ સમય કરતાં વહેલી પૂરી થઈ જાય (#168), તમારા બોયફ્રેન્ડ કે ગર્લફેન્ડના બાળપણના ફોટા જુઓ ત્યારે (#145),
તમારા માતાપિતાને નાચતા જુઓ ત્યારે (#100), ડિજીટલ જમાનામાં તમારી પાસે હોય તે બધા ઈલેક્ટ્રોનિક સાધનો (મોબાઈલફોન, લેપટોપ, આઈ-પેડ, ટેબ્લેટ વગેરે) ફુલ ચાર્જ થયેલા હોય (#76), વૃદ્ધો જ્યારે બાળકોની જેમ વર્તે ત્યારે (#37), બહાર જમવા કે પાર્ટીમાં ગયા હોય અને જે તે રેસ્ટોરેન્ટ બંધ ન થાય ત્યાં સુધી ત્યાં રહેવા મળે (#16), તમારી ઈચ્છા પ્રમાણે થવું (#1) વગેરે વગેરે…
નીલ પસરીચાનો આ બ્લોગ અત્યંત ખ્યાતિ પામેલો બ્લોગ છે. આ બ્લોગ એક દિવસમાં 60 હજાર લોકો જુએ છે. 2009 અને 2010માં આ બ્લોગને પ્રખ્યાત વેબી એવોર્ડ મળેલા છે. PC Magazine ના 50 બેસ્ટ બ્લોગ અને 100 બેસ્ટ વેબસાઈટમાં પણ આ બ્લોગનું નામ છે. આ બ્લોગ પરથી 2010માં The Book of Awesome, 2011માં The Book of (Even More) Awesome અને The Book of (Holiday) Awesome રિલીઝ કરાઈ. આ પુસ્તકો The Today Show, BBC, CNN,The Guardian, Reader’s Digest, Entertainment Weekly, The New Yorker જેવા પ્રચલિત મેગેઝીન અને અખબારોમાં પણ વખણાયેલી છે.
સંદર્ભઃ
https://en.wikipedia.org/wiki/1000_Awesome_Things
https://en.wikipedia.org/wiki/Neil_Pasricha
eછાપું