સરકાર પાસે લોકડાઉન લંબાવ્યા સીવાય કોઈ બીજો વિકલ્પ છે ખરો?

0
319
Photo Courtesy: economictimes.indiatimes.com

આખો દેશ 15મી એપ્રિલની કાગડોળે રાહ જોઈ રહ્યો છે કારણકે એ દિવસે 21 દિવસના લોકડાઉનનો અંતિમ દિવસ છે, પરંતુ શું એવું થશે ખરું?

Photo Courtesy: economictimes.indiatimes.com

ગયા મહિનાની 24 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની સમયસીમા પૂર્ણ થવાને આજનો દિવસ ગણી લઈએ તો માત્ર 7 દિવસ જ બાકી છે. ગઈકાલે સાંજથીજ સોશિયલ મિડીયામાં તેમજ મુખ્યધારાના મિડીયામાં આ લોકડાઉન હજીપણ બીજા 15 દિવસ એટલેકે 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી શકે છે તેવી ચર્ચા શરુ થઇ ગઈ છે.

જે રીતે દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે અને અગાઉ કોરોનાના કેસો બમણા થવામાં 7 દિવસ થતા તે હવે ઘટીને લગભગ 4 દિવસ જેટલા થઇ જતા કદાચ સરકાર પાસે અન્ય કોઈજ વિકલ્પ બચ્યો નથી. આપણને પણ ખબર છે અને સરકારને પણ ખબર છે કે આ લોકડાઉનથી સહુથી વધારે કોઈ તકલીફમાં મુકાયા છે તો તે છે આપણા દેશનો ગરીબ વર્ગ અને મધ્યમવર્ગ (ઉચ્ચ મધ્યમવર્ગ સીવાયનો વર્ગ).

આ લોકડાઉનને દેશભરમાં કારણે એવા ઘણા નહીં પરંતુ લાખો ગરીબો જરૂર હશે જેમને ભોજન વગર ચલાવવું પડતું હશે, તો મધ્યમવર્ગના લોકોને પણ તાણીતુસીને ઘર ચલાવવું પડતું હશે કારણકે એ લોકોને તો માંગવાની પણ શરમ નડતી હશે. આપણા ગુજરાતનું એ સદનસીબ છે કે કાયમ આપત્તિના સમયે સેવાની સરવાણીઓ એવી ફૂટી નીકળે છે કે જેના થકી બહુ ઓછા લોકો એવા હોય છે જે રાત્રે થોડું જમ્યા વગર ઊંઘી જતા હશે.

આ એવા લોકો છે જે દિવસે જે કમાય તે જ રાત્રે ભોજનમાં ખર્ચ કરી દેતા હોય છે. તો ખેડૂતો અને ઉદ્યોગકારોને પણ મોટેભાગે તમાચો મારીને ગાલ લાલ રાખવાની જ સ્થિતિ છે. શક્ય છે કે શાકભાજી પકવતા ખેડૂતોને લોકડાઉન પહેલાની સરખામણીએ પોતાના ઉત્પાદનોનું વેચાણ અડધા જેટલું અથવાતો તેનાથી પણ વધુ ઘટી ગયું હશે. તો ઉદ્યોગો બંધ થઇ જતા, ઉત્પાદન બંધ થઇ જતા તેનું વેચાણ બંધ થયું છે અને આથી ઉદ્યોગકારોને પણ તકલીફ છે. તેઓ જોકે હજીસુધી તો પોતાના કર્મચારીઓને પગાર પણ આપી રહ્યા છે જેનું સ્વાગત થવું જ જોઈએ.

આ બધીજ તકલીફો છે જ એ સ્વીકારવું રહ્યું, પરંતુ જેમ આગળ આપણે ચર્ચા કરી તેમ કોરોનાનો ફેલાવો તો બમણી ગતિએ વધી જ રહ્યો છે. તેમ છતાં આપણા માટે રાહતની બાબત એવી છે કે લોકડાઉન કદાચ યોગ્ય સમયે જાહેર થયું હતું એટલે કોરોનાની ફેલાવાની ગતિ હાલમાં બમણી થઇ હોવા છતાં મૃત્યુઆંક કાબૂમાં છે. જો તબલીગી જમાતનો બનાવ ન બન્યો હોત તો પરિસ્થિતિ હજીપણ ઘણી સારી થઇ શકી હોત એ પણ એટલુંજ સત્ય છે.

પરંતુ તબલીગી જમાતનો બનાવ બન્યો જ છે એ સ્વીકારીને હવે આગળ વધવું રહ્યું. હજી પણ ઘણા જમાતીઓ સંતાઈ રહ્યા છે જે આપણા મનમાં ડર ફેલાવે એ સ્વાભાવિક છે. કદાચ આ ડર જ એક મહત્ત્વનું કારણ છે કે સમગ્ર દેશમાં આવતી 15મી પછી પણ લોકડાઉન વધારવામાં આવી શકે છે. તેલંગાણા, પંજાબ અને ગોવા જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ તો કેન્દ્રનો નિર્ણય ગમે તે હોય પરંતુ પોતે પોતાના રાજ્યમાં લોકડાઉનનો સમય વધારવા માટે અત્યારથી જ પોતાનું મન બનાવી ચૂક્યા છે અને હાલમાં રાજ્યમાં કોરોનાના જે ઝડપે કેસ વધ્યા છે તેને ધ્યાનમાં લઈને કદાચ ગુજરાતના મુખ્યમંત્રી પણ તેમાં જોડાય તો નવાઈ નહીં.

ગુજરાતમાં પણ તબલીગીના બનાવ પછી કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત એવા ઘણા કિસ્સાઓ છે જેમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેમ છતાં કોરોનાનો ચેપ લાગ્યો હોય એવું બહાર આવ્યું છે. ગુજરાતના લગભગ અડધા જીલ્લાઓમાં કોરોનાનો ઓછામાં ઓછો એક દર્દી મળી આવ્યો છે એવું ગઈકાલના આંકડાઓ જણાવે છે.

આવા સંજોગોમાં એટલીસ્ટ આપણા ગુજરાતમાં તો લોકડાઉન 30મી એપ્રિલ સુધી વધશેજ એવું લાગી રહ્યું છે. તબલીગીના બનાવ ઉપરાંત ગુજરાતીઓમાં હજીપણ આ રોગની કાતિલ અસરો વિષે ગંભીરતા નથી જોવા મળી એવું પણ દેખાઈ રહ્યું છે. ન્યૂઝ ચેનલોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં હજી પણ લોકો કામ વગર ઘરની બહાર નીકળી પડે છે એવા વિડીયો બતાવાઈ રહ્યા છે. આ તત્વ પણ ગુજરાતમાં લોકડાઉનનો સમય વધારવા માટે પુરતું કારણ બનશે.

આમ જુઓ તો દેશ આખામાં પણ ગંભીરતા ઓછી જોવા મળે છે. ગઈકાલે ધારાવીનો એક વિડીયો શરીરમાં કમકમાટી ઉપજાવી ગયો જેમાં હજારો લોકો લાઈનમાં ઉભા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની ભરપૂર મજાક ઉડાવવામાં આવી હતી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એ ખ્યાલ આવ્યો કે દેશભરમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સહુથી વધુ અસરગ્રસ્તો છે અને આ જ રાજ્યનો મૃત્યુઆંક પણ દેશમાં સહુથી ઉંચો છે તેમ છતાં અહીંના લોકો બિન્ધાસ્ત અને એ પણ હજારોની સંખ્યામાં લાઈનો લગાવીને ઉભા રહ્યા છે.

આ બધીજ હકીકતો એકજ નિર્ણય તરફ દોરી જાય છે કે ભારતમાં હજીપણ લાંબા લોકડાઉનની જરૂર છે. ફ્રાન્સે પણ આ જ રીતે કર્યું હતું અને બ્રિટને તો છ મહિના સુધી લોકડાઉન લંબાઈ શકે છે એવી વાત કરી જ દીધી છે. તકલીફ પડશે જરૂર પડશે, પરંતુ એ સીવાય બીજો કોઈ છૂટકો પણ નથી. જે ચેઈન તોડવાની વાત કરીને વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યું હતું તે લોકોના ગંભીર ન થવાને કારણે તૂટી રહી હોય એવું હાલપૂરતું તો નથી લાગતું. ઉલટું ઉપર જણાવ્યા તેમ રોગીઓની સંખ્યા વધવાની ગતિ બમણી થઇ ગઈ છે.

એક વિકલ્પ એવો પણ છે જેના પર કદાચ ગઈકાલે વડાપ્રધાને પણ સંકેત આપ્યો હતો કે લોકડાઉન એવા વિસ્તારોમાંથી ઉઠાવી લેવામાં આવી શકે છે જ્યાં કોરોનાનો એક પણ કિસ્સો નથી. જો આમ થશે તો કરોડો દેશવાસીઓને રાહત થશે, પરંતુ આ 21 દરમ્યાન જો એ વિસ્તારોમાં કોઈ એક સંક્રમિત વ્યક્તિ જેની ઓળખ હજી સુધી થઇ નથી અને જેને હજી રોગના લક્ષણો પણ દેખાયા નથી એ આવી ગયો હોય અને આ પ્રકારે લોકડાઉન ઉઠાવ્યાના બીજા કે ત્રીજા દિવસે કે દસમા દિવસે તેનામાં આ મહારોગના લક્ષણો બહાર આવે તો? ધ્રુજારી છૂટી જાય છે ને એવો વિચાર પણ કરતા?

આમ આંશિક રીતે લોકડાઉન હળવું કરતા અગાઉ પણ સરકારોએ ખૂબ વિચાર કરવો પડશે અને માથાનું દહીં પણ કરવું પડશે. હકીકત દીવા જેવી સ્પષ્ટ છે જ્યાં સુધી દેશભરમાં કોરોનાના કેસો બમણા થવાની ગતિ અતિશય ઘટી ન જાય એટલેકે દર 15માં દિવસે કેસની સંખ્યા બમણી થતી હોય એવી પરિસ્થિતિ (આને ઉદાહરણ જ ગણવું, તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી) ઉભી નહીં થાય ત્યાંસુધી કેન્દ્ર અથવાતો કોઇપણ રાજ્ય સરકાર સંપૂર્ણ લોકડાઉન હટાવવાની કે આંશિક રીતે લોકડાઉનને હળવું કરવાનું વિચારી પણ ન શકે.

રહી વાત આપણી, તો આપણે માનસિકરીતે લોકડાઉન હજી પણ લંબાશે જ એવી તૈયારી રાખવી જેથી જ્યારે પણ એ પ્રકારની જાહેરાત થાય ત્યારે આપણને ધક્કો ઓછો લાગે. વધારવામાં આવેલા સમય દરમ્યાન પરિવાર સાથે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ જેથી મન બીઝી રહે એ પણ હવે વિચારી લેવું અને તેનું લીસ્ટ પણ બનાવી લેવું. અને હા, ઘરની બહાર તો ન જ નીકળવું.

ઘરમાં જ રહો, સ્વસ્થ રહો!

1500નું જ્ઞાન!

૯ એપ્રિલ ૨૦૨૦, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here