Home ભારત રસપ્રદ કથાઓઃ અસલી મસાલે સચ સચ, MDH MDH!

રસપ્રદ કથાઓઃ અસલી મસાલે સચ સચ, MDH MDH!

0
182
Photo Courtesy: economictimes.com

ટી.વી. સામે બેઠા હોઈએ અને કોઈ પણ ચેનલ હોય, કોઈ પણ પ્રોગ્રામ કે સિરીયલ હોય એક જાહેરાત લગભગ દરેક ભારતીય માણસે જોઈ હશે – MDH મસાલાની. આ જાહેરાતમાં એક દાદા લાલ ફેંટો, ઝભ્ભો, કોટી અને ગળામાં મોતીઓની માળા પહેરેલા જોવા મળશે. આ દાદાનું નામ છે – ધરમપાલ ગુલાટી!

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં 27 માર્ચ 1923 ના રોજ થયો હતો. તેમના પિતા મહાશય ચુન્નીલાલ અને માતા ચન્નન દેવી પરોપકારી, ધાર્મિક વિચારધારા વાળાઅને આર્ય સમાજના અનુયાયી હતા. વર્ષ 1933 માં, તેમણે 5મું ધોરણ પૂર્ણ કર્યા પહેલાં જ શાળા છોડી દીધી. 1937 માં, તેમણે તેમના પિતાની મદદથી અરીસા વેચવાનો, સાબુ વેચવાનો, સુથારકામ, કાપડનો વ્યાપાર, ચોખાનું વેચાણ અને હાર્ડવેરનો બિઝનેસ કર્યો.

પરંતુ તેમનો કોઈ પણ વ્યવસાય લાંબો સમય ચાલી શક્યો નહીં. માટે તેઓ ફરીથી પિતા સાથે તેમના વ્યવસાયમાં જોડાયા. તેમના પિતા મહાશય ચુન્નીલાલ ગુલાટીએ વર્ષ 1919માં જ સિયાલકોટમાં જ એક મસાલા કંપનીની સ્થાપના કરી હતી જેનું નામ હતું – ‘મહાશિયાં દી હટ્ટી’ (MDH)! તેઓનો પરિવાર ત્યારે ‘દેગી મિર્ચ વાલે’ નામથી ઓળખાતો હતો.

ધરમપાલ ગુલાટી અને તેમનો પરિવાર ભારતના ભાગલા વખતે ભારત સ્થળાંતરીત થયો. સંપૂર્ણ પરિવારે થોડો સમય અમૃતસરના શરણાર્થી શિબિર (રેફયુજી કેમ્પ)માં વિતાવ્યો, અને પછી કામની શોધમાં 27 સપ્ટેમ્બર, 1947 ના રોજ તેઓ દિલ્હી આવ્યા. તે સમયે તેમની પાસે માત્ર 1500 રુપિયા હતા. આ રકમમાંથી તેમણે 650 રુપિયામાં એક ઘોડાગાડી (ટોંગો) ખરીદ્યો અને તેને ‘દિલ્હી રેલ્વે સ્ટેશનથી કુતુબ રોડ’ અને ‘કરોલ બાગથી બારા હિન્દુ રાવ’ આ જગ્યાઓ માટે ફક્ત બે આનાની સવારીઓ માટે લઈ જતા.

થોડા દિવસો પછી અજમલ ખાન રોડ, કરોલ બાગ, નવી દિલ્હી ખાતે 14 ફુટ બાય 9 ફુટના એક નાના લાકડાનું ખોખું (દુકાન/હટ્ટી) ખરીદ્યું. ત્યાં તેમણે પોતાનો મસાલાનો કૌટુંબિક વ્યવસાય શરૂ કર્યો અને ફરીથી સિયાલકોટની ‘મહાશિયાં દી હટ્ટી’નું બેનર ઉભું કર્યું. ફરી લોકો તેમને ‘દેગી મિર્ચ વાલે’ નામથી ઓળખવા લાગ્યા. 1953માં, ધરમપાલ દાદાએ ચાંદની ચોકમાં બીજી દુકાન ભાડે રાખી. 1959 માં, નવી દિલ્હીના કીર્તિ નગરમાં એમડીએચના મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે જમીન ખરીદી. આમ તેઓ પોતાના વ્યાપારનો પગપેસારો કરતા ગયા.

કંપનીના વિસ્તરણના ભાગ રૂપે, MDHએ દિલ્હી અને ગુરુગ્રામમાં મસાલાના ત્રણ એકમ, પાપડ અને નિકાસ માટે નાગૌર (રાજસ્થાન)માં એકમ, મેથી અને મસાલાના છોડ માટે સોજાત (રાજસ્થાન) ખાતે મોટા પ્રમાણમાં સ્વચાલિત મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપ્યા છે. ગાઝિયાબાદ, અમૃતસર અને લુધિયાણા ખાતે પણ તેમની શાખાઓ ગોઠવવામાં આવી છે.

MDH આજે 150 થી વધુ વિવિધ પેકેજોમાં 62 ઉત્પાદનોની શ્રેણી સમગ્ર વિશ્વના ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર છે. સતત વધતી માંગને પહોંચી વળવા માટે પાંચ સ્ટેટ-ઑફ-આર્ટ એકમ સ્થાપ્યા છે. આ કંપની એકસમાન સ્વાદ અને ગુણવત્તા જાળવવા માટે કાચો માલ સીધા ઉત્પાદનના કેન્દ્રો પરથી ખરીદે છે. કાચો માલ સાફસૂફ અને પરીક્ષણ કરી વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે સંપૂર્ણ સ્વયંચાલિત મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે.

કરોડો રૂપિયાના મસાલા આધુનિક મશીનરી દ્વારા બનાવીને પેક કરવામાં આવે છે. દુનિયામાં 1000 થી વધુ સ્ટોકિસ્ટ અને 4 લાખથી વધુ રિટેલ ડીલરોના નેટવર્ક દ્વારા ભારત અને વિદેશમાં આ મસાલા વેચાય છે. આ મશીનોમાં હવે એક દિવસમાં જુદા જુદા વજનના (10 ગ્રામ થી 500 ગ્રામ) સુંદર પેકેજીંગમાં ભરેલા 30 ટન મસાલા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

MDH મસાલા અને મિશ્રણો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે. અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગ્ડમ, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા, જાપાન, યુ.એ.ઇ. અને સાઉદી અરેબિયામાં તેમની નિકાસ કરવામાં આવે છે. લંડનમાં તેમની પોતાની ઓફિસો છે જ્યારે શારજાહ ખાતે ઉત્પાદનના એકમ છે. MDH 12% માર્કેટ શેર સાથે ભારતીય બજારમાં બીજા ક્રમાંકે આવે છે. પહેલા ક્રમાંકે એસ નરેન્દ્રકુમારના ‘એવરેસ્ટ મસાલા’ છે.

આટલી ઉંમરે પણ (જ્યારે તેના મોટાભાગના સાથીઓ નિવૃત્ત થઈ ગયા છે) 96 વર્ષીય ધરમપાલ દાદા રોજ પોતાના કારખાનાઓમાં, બજારોમાં અને ડીલરોને મળવા જાય છે. પોતાનો લગભગ 90% પગાર ‘મહાશય ચુન્નીલાલ ચેરીટેબલ ટ્રસ્ટ’ના બેનર હેઠળ ચેરિટીમાં આપે છે. આ ટ્રસ્ટ દિલ્હીમાં 250 બેડની હોસ્પિટલ ચલાવે છે, સાથે ઝૂંપડપટ્ટીવાસીઓ અને ચાર શાળાઓ માટે મોબાઇલ હોસ્પિટલ પણ ચલાવે છે.

મહાશય ધરમપાલના નેતૃત્વ હેઠળ MDH ઇન્ટરનેશનલ સ્કૂલ, મહાશય ચુન્નીલાલ સરસ્વતી શિશુ મંદિર (તેમના પિતાના નામ પરથી), માતા લીલાવતી કન્યા વિદ્યાલય (તેમના સ્વ. પત્નીના નામ પરથી), અને મહાશય ધરમપાલ વિદ્યા મંદિર વગેરે સહિત 20 થી વધુ શાળાઓ તેમણે વિકસાવી છે. નવેમ્બર 1975 માં આર્યસમાજ, સુભાષનગર ખાતે 10 બેડની આંખની એક હોસ્પિટલ શરૂ કરી. પછી જાન્યુઆરી 1984 માં, નવી દિલ્હીના જનકપુરીમાં તેમની માતા ચન્નન દેવીના સ્મરણાર્થે 20 બેડની હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. આહે તેમની પાસે આશરે 5 એકર જમીનમાં 300 બેડનું હોસ્પિટલ છે જે એમઆરઆઈ, સીટી સ્કેન, હાર્ટ વિંગ, ન્યુરો સાયન્સિસ, આઈવીએફ વગેરેથી સજ્જ છે.

ધરમપાલ દાદાએ આઝાદીના સમયમાં સ્થાપ્યું હતું પણ MDH નામ આજે કરોડો રસોડાનો એક અત્યંત મહત્ત્વનો ભાગ બની ગયો છે. 2019 માં ભારત સરકારે મહાશય ધરમપાલ ગુલાટીને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મભૂષણ’થી સન્માનિત કર્યા છે. તેમની આત્મકથા ‘तांगेवाला कैसे बना मसालों का शहंशाह’ ઓનલાઈન ખરીદવા માટે ઉપલબ્ધ છે. (લિંકઃ https://mdhspices.com/autobiography/)

સંદર્ભઃ

https://mdhspices.com/about-us/

https://www.sautuk.com/start-up/story-of-mdh-owner-dharampal-gulati/

https://mdhspices.com/mdh-mahashaya-ji/

https://en.wikipedia.org/wiki/MDH_(spice_company)

https://en.wikipedia.org/wiki/Mahashay_Dharampal_Gulati

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!