9મહિનાના સ્વઘોષિત લોકડાઉનમાં રહેલા ધોનીનું હવે શું થશે?

0
129
Photo Courtesy: indiatimes.in

કોરોનાનો ફેલાવો દેશ અને વિદેશમાં આજની તારીખ સુધી તો વધી જ રહ્યો છે, આવા સંજોગોમાં આ વર્ષની IPL પર પોતાની આગામી કેરિયર પર નજર રાખીને બેસેલા પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું ભવિષ્ય શું હશે?

Photo Courtesy: indiatimes.in

આ કોલમમાં દરરોજ આપણે કરંટ અફેર્સની ચર્ચા કરીએ છીએ, પણ આજે જરાક અલગ વિષય પર ચર્ચા કરીએ. આજનો આપણો વિષય છે ક્રિકેટ અને એમાંય આપણા દેશના અત્યારસુધીના મહાન કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની અંગે ચર્ચા કરવાનો. છેલ્લા નવ મહિનાથી ટીમ ઇન્ડિયાના ચહીતા ‘ધોનીભાઈ’ ગાયબ છે, એટલેકે ક્રિકેટના મેદાન પરથી ગાયબ છે. વચ્ચે વચ્ચે સોશિયલ મિડીયામાં તેઓ જરૂર હાજરી પૂરાવી જાય છે, પરંતુ એમનું મુખ્ય કાર્ય જે છે એમાંથી તેઓ નદારદ છે.

ધોનીએ તેની છેલ્લી સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ ગયા વર્ષે 9મી જુલાઈએ રમી હતી. આ મેચ હતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઈનલ જેમાં ભારત 18 રને હાર્યું હતું. આ વર્લ્ડ કપ શરુ થયો એ પહેલાંથી જ ધોનીના ફોર્મ વિષે ચર્ચા અથવાતો ચણભણાટ શરુ થઇ ગયો હતો. ધોની ક્રિકેટ જગતે અત્યારસુધી જોયેલા મહાન ફિનીશર તરીકે પોતાનું સ્થાન પામી ચુક્યો હતો. પરંતુ વર્લ્ડ કપ અગાઉની અમુક સિરીઝથી તેનો આ ટચ જાણેકે ખોવાઈ ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે ધોની જાણેકે પરાણે પરાણે રમી રહ્યો છે.

તેમ છતાં ભારતના ક્રિકેટપ્રેમીઓ ખાસકરીને ધોનીના કટ્ટર ચાહકોને એવી આશા જરૂર હતી કે વર્લ્ડ કપ દરમ્યાન ધોની પોતાનો એ જૂનો ટચ ફરીથી જરૂર મેળવી લેશે. એ વર્લ્ડ કપમાં બે મેચો એવી હતી જ્યારે મેચ ફીનીશ કરવા એટલેકે જીતવા માટે ધોનીની ખાસ જરૂર હતી અને એ બંને મેચોમાં તે એમ કરવામાં નિષ્ફળ રહ્યો. એક તો હતી ઇંગ્લેન્ડ સામેની રાઉન્ડ રોબીન મેચ અને બીજી ઉપર જણાવી તે ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ.

ધોનીની બેટિંગની પહેલેથીજ એક રણનીતિ રહી છે કે શરૂઆતમાં ધીમું રમીને વિકેટ બચાવવી અને પીચ પર રહેલા પેસ, બાઉન્સ વગેરેથી બરોબર સેટ થઇ જવું અને પછી જેને આપણે સાદી ગુજરાતીમાં કહીએ છીએ એમ ધોકાવાળી ચાલુ કરી દેવી. પરંતુ જેમ આગળ ચર્ચા કરી એમ વર્લ્ડ કપ પહેલા અને વર્લ્ડ કપ દરમ્યાન જ્યારે ધોકાવાળી કરવાનો સમય આવે ત્યારે અગાઉની જેમ ધોની ગેપ શોધીને ચોગ્ગા મારવામાં કે પછી બેટમાં પાવર લાવીને છગ્ગા મારવામાં નિષ્ફળ જવા લાગ્યો હતો.

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ એ બંને મેચમાં ભારત છેક સુધી રમતમાં હતું, જો કે ન્યુઝીલેન્ડ સામે પરિસ્થિતિ એક સમયે પાતળી હતી અને ધોનીને બેટિંગ કરવા માટે પૂરતો સમય હોવા છતાં કાયમની જેમ સમયસર ગાડી ચોથા ગીયરમાં લઇ જવામાં સદંતર નિષ્ફળ જવાથી ભારત એ બંને મેચો હારી ગયું હતું. ન્યુઝીલેન્ડ સામે તો રવિન્દ્ર સિંહ જાડેજાએ લાજ રાખી હતી નહીં તો ભારત બહુ સસ્તામાં ઓલઆઉટ થઇ જાત.

બસ એ મેચ બાદ ધોનીએ એક પણ સ્પર્ધાત્મક મેચ નથી રમી. વર્લ્ડ કપ બાદ ભારતની આખેઆખી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન પૂરી થઇ ગઈ અને ટીમ ઇન્ડિયા છેક ન્યુઝીલેન્ડ સુધી જઈને અંતરરાષ્ટ્રીય સિરીઝ રમી આવી પરંતુ ધોની ઘરની બહાર ન નીકળ્યો. જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીને ધોનીના ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ધોનીના IPL પરફોર્મન્સ પર આવનારા વર્લ્ડ T20 એટલેકે Twenty20ના વર્લ્ડ કપમાં તેની પસંદગી કરવામાં આવશે. અને એવું લાગતું પણ હતું કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી IPLમાં રમશે જ.

પરંતુ જ્યારે તમે તમારા કર્મ પ્રત્યે રસ ઓછો દાખવો ત્યારે તમારું નસીબ પણ તમારામાં કોઈજ રસ દાખવતું નથી. ધોનીએ વર્લ્ડ કપ પછી ક્રિકેટ પ્રત્યે એવી તો નીરસતા દાખવી કે કોરોના મહામારીને કારણે હવે IPL પણ મોકૂફ રખાઈ છે જેને કારણે એવા પૂરેપૂરા ચાન્સીઝ છે કે ધોનીને IPL રમવાનો ચાન્સ ન પણ મળે. અત્યાર સુધી જોકે ICC એ Twenty20 વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં નહીં રમાય એવું નથી કહ્યું પરંતુ BCCI એવું વિચારી રહી છે કે જો આ વર્લ્ડ કપ પાછળ જાય તો એ વિન્ડોનો લાભ લઈને IPL રમાડવી.

પરંતુ આ બધી શક્યતાઓ જ છે અને માની લઈએ કે કદાચ IPL આ વર્ષના અંતમાં રમાય પણ ખરી તો પણ Twenty20 વર્લ્ડ કપ 2021ની શરૂઆતમાં જ રમાય એની કેટલી શક્યતાઓ છે? ઓસ્ટ્રેલિયામાં સિઝન માર્ચ મહિનામાં પૂર્ણ થઇ જાય છે અને ભગવાન ન કરે અને કોરોનાનો ફેલાવો જો અગામી બે-ત્રણ મહિનામાં ન અટક્યો તો કદાચ ICC Twenty20 વર્લ્ડ કપને આવતા વર્ષના અંત સુધી પણ મોકૂફ કરી શકે છે.

તો આવા સંજોગોમાં ધોનીનું ભવિષ્ય શું? પહેલો સવાલ તો એ કે શું ટીમ ઇન્ડિયા ખરેખર ધોનીને મીસ કરે છે ખરી? તો તેનો સીધો જવાબ છે ના! ટેસ્ટમાં વૃદ્ધિમાન સહા અને વનડે તેમજ T20માં લોકેશ રાહુલ ખૂબ સારી કીપિંગ કરી રહ્યા છે. ત્યારે જો યુવાન ઋષભ પંતની પણ જગ્યા ટીમમાં પાક્કી ન હોય તો લગભગ વરસ દિ’થી ક્રિકેટથી દૂર ભાગી રહેલા ધોનીને ક્યાં ચાન્સ મળે અને એ પણ લોકેશ રાહુલની જગ્યાએ? જે પોતાના વિકેટકીપિંગ દ્વારા એક વધારાના બેટ્સમેનને સમાવવાની લક્ઝરી આપે છે?

લગભગ ગયા મહીને સુનિલ ગાવસ્કરે બહુ સરસ વાત કહી હતી કે તેમને લાગે છે કે ટીમ ઇન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને બહુ આગળ નીકળી ગઈ છે. આ વાત બિલકુલ સાચી છે અને જો આમ છે તો તેના માટે માત્ર ને માત્ર ધોની જ જવાબદાર છે. લગભગ ગત નવેમ્બર મહિનામાં કોઈ કાર્યક્રમમાંથી વિદાય લેતા ધોનીને કોઈ પત્રકારે તે ક્યારે ક્રિકેટ રમવા પરત થાય છે તેવો સવાલ કરતા તેણે જવાબ આપ્યો હતો કે “જાન્યુઆરી સુધી તો મને આ સવાલ ફરીથી પૂછતો જ નહીં!”

ભારતના ક્રિકેટ ચાહક તરીકે અને ધોનીના ચાહક તરીકે અને જે રીતે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક જ અને ‘વટ કે સાથ’ રાજીનામું આપી દીધું હતું એ જોતાં એવી પાક્કી લાગણી હતી કે વર્લ્ડ કપનું ગમે તે પરિણામ આવે એ પૂર્ણ થવાની સાથેજ ધોની પોતાની નિવૃત્તિ જાહેર કરી દેશે. પરંતુ તેને બદલે તેણે ત્રણ મહિના ભારતીય સેના સાથે ગાળવાની જાહેરાત કરી અને પછી આરામ કરવાનું નક્કી કર્યું અને અત્યારે એની પોઝીશન એવી છે કે તેની ટીમને જરૂર નથી.

ધોનીએ પોતાની કેરિયરની સ્લોગ ઓવર્સ પણ એવીજ રીતે રમી જે રીતે તેણે પોતાની કેરિયરના છેલ્લા છ થી સાત મહિના ગાળ્યા. એટલેકે ધોકાવાળી કરવાનું છેક સુધી મુલતવી રાખ્યું પણ નક્કી સમયે એ શરુ ન કરી શકતા હવે તેની પરિસ્થિતિ શરમજનક થઇ ગઈ છે. એમાં પણ આ કોરોનાના આગમનને લીધે IPL પાછી ઠેલાતાં હવે ધોની પાસે કદાચ નિવૃત્તિની જાહેરાત કરવા સીવાય બીજો કોઈજ વિકલ્પ નથી અને એ પણ મેદાન પર નહીં પરંતુ કોઈ હોટલના બેન્કવેટ હોલમાં પ્રેસ કોન્ફરન્સ કરીને.

મહેન્દ્ર સિંહ ધોની બેશક મહાન ક્રિકેટર છે, પરંતુ ભારતમાં મહાન ક્રિકેટરોને મહાન વિદાય લેતા નથી આવડતી. સહુથી પહેલા વિજય મર્ચન્ટ અને સહુથી છેલ્લે સુનિલ ગાવસ્કર આ બે જ ઉદાહરણો છે આપણા ક્રિકેટમાં જેમણે સમય કરતાં પહેલા નિવૃત્તિની જાહેરાત કરી દીધી. બાકી કપિલ દેવ, સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દર સહેવાગ આ બધા સમયના સંકેતને ન સમજ્યા અને પેટ્રોલ રિઝર્વમાં આવ્યું ત્યારે છેક નિવૃત્તિ લઈને પોતાની મહાન કારકિર્દીઓને મહાન અંત ન આપી શક્યા.

સૌરવ ગાંગુલીને સાનમાં સમજાવી દેવામાં આવ્યું હતું એટલે તેણે પોતાની અંતિમ સિરીઝની અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી દીધું હતું કે તે આ સિરીઝ બાદ નહીં રમે. તેનો તેને ફાયદો પણ થયો કે આ સિરીઝની છેલ્લી મેચની છેલ્લી ઇનિંગમાં તે સમયના કેપ્ટન ધોનીએ તેને ત્રણ ઓવર સુધી કપ્તાની આપીને તેને માનભેર વિદાય આપી.

ગમેતેવી કટોકટીથી ભરેલી મેચ હોય પરંતુ તેમ છતાં પોતાના મગજ પર બરફ રાખીને સાચા નિર્ણયો લેવાની અદભુત શક્તિ ધરાવતો ધોની પોતાની નિવૃત્તિ અંગે શાંતિથી અને સાચા સમયે નિર્ણય લેવાનું ચૂકી ગયો એ વિચારીને પણ ખૂબ નવાઈ લાગે છે.

જ્યારે કોઇપણ મહાન ખેલાડીને તમે પ્રેમ કરો છો અને જે-તે સ્પોર્ટ્સ વિષે બહોળું જ્ઞાન ધરાવતા હોવ છો ત્યારે તેમની આવી વિદાય દુઃખ પણ પહોંચાડે છે. ધોનીને પણ આવનારી વિદાયનો માર્ગ પસંદ નહીં પડે, પરંતુ તેને એ પસંદ કરવા સિવાય બીજો કોઈજ વિકલ્પ છે જ નહીં કારણકે અહીં સુધી પહોંચવા માટે એ એકલો જ જવાબદાર છે.

1500નું જ્ઞાન!

નિવૃત્તિ ત્યારે લઇ લો જ્યારે લોકો તમને પૂછે ‘કેમ’ નહીં કે જ્યારે કહે ‘કેમ નહીં?’

– વિજય મર્ચન્ટ  

૧૦ એપ્રિલ ૨૦૨૦, શુક્રવાર (ગૂડ ફ્રાઈડે)

અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here