વર્ષોથી મોટા કાનવાળું અને બે દાંત દેખાતા હોય તેવું એક સસલું ‘કર્રમ કુર્રમ કુર્રમ કર્રમ’ બોલતું એક જાહેરાતમાં દેખાય છે. 1990ના દાયકામાં આ જાહેરાતે ટેલિવિઝનની દુનિયામાં ધૂમ મચાવી દીધેલી. આ જાહેરાતના ઈતિહાસ કરતાં પણ જે કંપનીની તે જાહેરાત હતી તે કંપનીનો ઈતિહાસ ખરેખર જાણવા લાયક છે. ‘લિજ્જત પાપડ’ એ ભારતની સૌથી જૂની સહકારી સંસ્થાઓમાંની એક એવી સંસ્થા છે જે આજે પાપડ સિવાય મસાલા, ખાખરા, રોટલીઓ, ડિટરજન્ટ પાવડર, ડિટરજન્ટ સાબુ અને લિક્વિડ ડિટરજન્ટનું ઉત્પાદન કરે છે. આવો વાત કરીએ 43,000 મહિલાઓને રોજગારી આપનાર ‘લિજ્જત પાપડ’ની.

વાત છે સાત ગુજરાતી મહિલાઓની જે બોમ્બેના ગિરગામમાં લોહાણા નિવાસમાં રહેતી. આ મહિલાઓના નામઃ જસવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજમબેન નારણદાસ કુંડળીયા, ભાનુબેન તન્ના, લાગુબેન અમૃતલાલ ગોકાણી, જયાબેન વિઠલાણી અને ચંદ્રાબેન ગાવડે. આ સાતેય મહિલા પોતાની એકમાત્ર કુશળતા (રસોઈકળા)નો ઉપયોગ કરીને એક ટકાઉ આજીવિકા મેળવવાના પ્રયત્નો કરી રહી હતી.
તે વખતે લક્ષ્મીદાસ નામના એક ભાઈ પાપડનો વ્યવસાય કરતાં પણ તેમને બહુ ખોટ જતી હતી. પેલી સાત બહેનોને આ વાતની ખબર પડી પણ તેમની પાસે નાણાં નહોતા. તેમણે તે વખતના એક સમાજ સેવક અને ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’ના સભ્ય છગનલાલ કરમશી પારેખ (છગનબાપા) પાસેથી 80 રૂપિયા ઉધાર લીધા અને લક્ષ્મીદાસભાઈના પાપડના ધંધાને આગળ વધારવાની શરૂઆત કરી. 80 રૂપિયામાંથી પાપડ બનાવવા માટે જરૂરી સામગ્રી અને મૂળભૂત સુવિધાઓની ખરીદી કરી અને 15 માર્ચ 1959 ના રોજ, સાતેય બહેનો લોહાણા નિવાસ બિલ્ડીંગના ધાબા પર એકઠી થઈ અને પાપડના 4 પેકેટ બનાવ્યા. આ ચાર પાપડના પેકેટ તેમણે ભૂલેશ્વરના એક જાણીતા વેપારીને વેચ્યા.
પાપડ વેચવાનું શરૂ કર્યુ પછી છગનબાપા તેમના માર્ગદર્શક બન્યા. શરૂઆતમાં તે મહિલાઓ સસ્તા દરે વેચવા માટે પાપડના બે જુદા જુદા પ્રકારો બનાવતી પણ છગનબાપાએ તેમને એકસરખા સ્વાદવાળા પાપડ બનાવવાની સલાહ આપી અને કહ્યું કે ગુણવત્તા પર ક્યારેય સમાધાન નહીં કરતા. પાપડના કામને એક વ્યવસાયિક ઉદ્યોગ તરીકે ચલાવવા અને લે-વેચના યોગ્ય હિસાબ રાખવાની પણ તેમણે સલાહ આપી.
લિજ્જત પાપડ એક સહકારી સિસ્ટમ તરીકે વિસ્તરી. ત્રણ જ મહિનામાં 25 જેટલી મહિલાઓ પાપડ બનાવતી થઈ ગઈ. ટૂંક સમયમાં મહિલાઓએ વ્યવસાય માટે કેટલાક ઉપકરણો (વાસણો, કબાટ, સ્ટવ વગેરે) ખરીદ્યા અને પ્રથમ વર્ષમાં આ સંગઠનનું વાર્ષિક વેચાણ 6196 રૂપિયા થઈ ગયું. પાપડ બનાવીને પેકેટ ભરાઈ જાય પછી તૂટેલા પાપડ લોહાણા નિવાસમાં જ પાડોશીઓમાં વહેંચી દેવાતા.
પ્રથમ વર્ષ દરમિયાન, મહિલાએ સારી મહેનત કરી પણ વરસાદની ઋતુમાં ચાર મહિના ઉત્પાદન બંધ રહ્યું કારણ કે વરસાદી વાતાવરણને કારણે પાપડ સૂકાતા નહોતા. પછીના વર્ષે એક કિમિયો કર્યો – મહિલાઓએ એક પલંગ અને એક મોટો સ્ટવ ખરીદ્યા. પાપડ પલંગની ઉપર અને સ્ટવ પલંગની નીચે રાખતા જેથી વરસાદ હોવા છતાં સુકાવાની પ્રક્રિયા બંધ ન રહે.
આ કામને મોઢેમોઢ ઘણી પ્રસિદ્ધી મળી અને પછી તેઓ ગુજરાતી અખબારોમાં પણ જાહેરાત આપવા માંડ્યા. આ પબ્લિસિટીએ લિજ્જત પાપડને તેની સદસ્યતા વધારવામાં મદદ કરી. તેની રચનાના બીજા જ વર્ષ સુધીમાં, 100 થી 150 મહિલાઓ જૂથમાં જોડાઈ, અને ત્રીજા વર્ષના અંત સુધીમાં તેમાં 300 થી વધુ સભ્યો હતા. હવે મૂળ સાત સ્થાપક સ્ત્રીઓનું ધાબુ આટલા સભ્યો સમાવવા સક્ષમ નહોતું. તેથી બધાં સભ્યો હવે પાપડ બાંધવાનો લોટ પોતાના ઘરોમાં લઈ જતા અને બનાવેલા પાપડ વજન અને પેકેજીંગ માટે લોહાણા નિવાસમાં પાછા લાવવામાં આવતા.
હજી સુધી પાપડને ‘લિજ્જત પાપડ’ નામ મળ્યું નહોતું. પાપડ વ્યવસાયને નામ આપવા હેતુ એક સ્પર્ધા યોજવામાં આવી અને ધીરજબેન રૂપારેલ નામની એક મહિલાએ નામ સૂચવ્યુંઃ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ! (અર્થાત સ્ત્રીઓ ઘરે રહીને પાપડનો ઉદ્યોગ ચલાવે). 1962–63 સુધીમાં, પાપડનું વાર્ષિક વેચાણ 1 લાખ 82,000 રૂપિયા થયું. જુલાઈ 1966 માં, લિજ્જત પાપડે ‘સોસાયટી નોંધણી અધિનિયમ 1860’ હેઠળ પોતાની નોંધણી કરાવી. તે જ મહિનામાં ખાદી વિકાસ અને ગ્રામ ઉદ્યોગ કમિશન (ભારત સરકાર) દ્વારા લિજ્જતને એક માન્યતા મળી. તેને “ગ્રામોદ્યોગ” તરીકે પણ માન્યતા આપવામાં આવી. આ ઉદ્યોગની આગળા વધારવા ભારત સરકારે 8 લાખ રૂપિયાની મદદ કરી.
પાપડ સિવાય લિજ્જતે ખાખરા (1974), મસાલા (1976), બેકરી ઉત્પાદનો (1979) જેવા અન્ય પદાર્થોનું ઉત્પાદન પણ શરૂ કર્યું. 1970ના દાયકામાં, લિજ્જતે લોટની મિલો (1975), પ્રિન્ટિંગ વિભાગ (1977) અને પેકિંગ વિભાગ (1978) પણ સ્થાપ્યા. 1987 માં, લિજ્જતે મુંબઇના પરા બાન્દ્રામાં કમલ એપાર્ટમેન્ટ્સમાં નવું મકાન ખરીદ્યું. બીજે જ વર્ષે, લિજ્જતે સસા (સસલું શબ્દનો મરાઠી શબ્દ) ડીટરજન્ટ અને સાબુ બનાવવાની શરૂઆત કરી. માર્ચ 1996 માં, મુંબઈમાં લિજ્જતની 50 મી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું.
1990ના દાયકામાં, લિજ્જતે વિદેશી મુલાકાતીઓ અને અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું. યુગાન્ડાના વાઇસ પ્રેસિડેન્ટ, ડો.સ્પેસિઓસા વંદિરા-કાઝિબ્વે, જાન્યુઆરી 1996 માં લિજ્જતની કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લીધી, કારણ કે તે યુગાન્ડામાં એક સમાન સંસ્થા શરૂ કરવા માંગતી હતી. લિજ્જતે યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, સિંગાપોર, નેધરલેન્ડ, થાઇલેન્ડ અને અન્ય દેશોમાં વેપારી આયાતકારોની મદદથી તેમના ઉત્પાદનોની નિકાસ શરૂ કરી.
લિજ્જત પાપડની સંસ્થાને આ દરેક પળે શ્રી પુરષોત્તમ દામોદર દત્તાણી (દત્તાણીબાપા) નામના એક સમાજસેવકનું મોટું યોગદાન મળ્યું છે. તેમણે આ સંસ્થાને સાચો માર્ગ બતાવ્યો અને પોતાના અંતિમ શ્વાસ સુધી માર્ગદર્શન આપ્યું.
આજે કરોડો ઘરોના રસોડા સુધી આ નામ પહોંચી ગયું છે. ફક્ત 80 રૂપિયાની લોન લઈને શરૂ થયેલો શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ આજે 800 કરોડનો વ્યવસાય બની ગયો છે. લિજ્જત પાપડ ઉદ્યોગને “બેસ્ટ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યુશન”નો એવોર્ડ, ધી ઇકોનોમિક ટાઇમ્સ તરફથી કોર્પોરેટ એક્સેલન્સમાં “ધ વુમન બિહાઇન્ડ લિજ્જત પાપડ” અને “બિઝનેસવુમન ઑફ ધ યર” એવોર્ડ આપવામાં આવ્યો.
સંદર્ભઃ
જૂની લિજ્જત પાપડની જાહેરાતઃ https://www.youtube.com/watch?v=CFDkFq8yHEQ
છગનબાપા અને દત્તાણીબાપાના ફોટાની લીંકઃ http://www.lijjat.com/Organisation/AboutUs.aspx
https://in.finance.yahoo.com/news/amazing-lijjat-papad-story-rs-80-rs-800-crore-130350826.html
http://in.rediff.com/money/2005/apr/15spec.htm
eછાપું