રૂસ્વા મઝલુમીની એક મસ્ત પંક્તિ છેઃ “મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારો ય એક જમાનો હતો કોણ માનશે?”

ટેલિવિઝન સેટ લોકોના ઘરે ઘરે પહોંચ્યું અને ‘રામાયણ’, ‘મહાભારત’, ‘હમલોગ’, ‘બુનિયાદ’ અને ‘મુંગેરી લાલ કે હસીન સપને’ જેવા દૂરદર્શનના આઇકોનિક શોના લોકો ઘેલા બન્યા, તેના ઘણા વર્ષો પહેલા મનોરંજનના એક માધ્યમે એકચક્રી શાસન કરેલું. એ માધ્યમ હતું – રેડિયો! મોટાભાગના મધ્યમવર્ગીય ઘરોમાં, જ્યાં ટેલિવિઝન સેટ એક સ્વપ્ન માફક હતું, ત્યાં રેડિયોએ લોકોનું ભરપેટ મનોરંજન કરેલું. આ અદ્ભુત મનોરંજનના માધ્યમનો ઇતિહાસ એક રેડિયો પ્રોગ્રામના ઉલ્લેખ વિના અપૂર્ણ છે જેનું નામ છે ‘બિનાકા ગીતમાલા’!
એક એવો કાર્યક્રમ જે 40 વર્ષથી પણ વધુ સમય સુધી રેડિયો પર પ્રસારિત થયો અને લાખો શ્રોતાઓના હૃદય પર રાજ કર્યું. ફક્ત ભારતમાં જ નહીં પણ પણ સરહદો વટાવીને દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વના દેશો, પૂર્વ એશિયા અને યુરોપમાં પણ જેને લોકો પસંદ કરતાં. અઠવાડિયામાં એકવાર, દર બુધવારે, આખું કુટુંબ સાંજે જમવા માટે ભેગું થયું હોય ત્યારે ઘરનું કોઈ સદસ્ય 8 વાગ્યાના ટકોરે ‘રેડિયો સિલોન’ ટ્યુન કરતું. જો સમયસર ટ્યુન કરવામાં આવે તો ‘બિનાકા ટૂથપેસ્ટની જાહેરાતની અંતિમ લાઇનો સંભળાતી (જે આ કાર્યક્રમના સ્પોન્સર હતા). તે પછી, એક ઘેરો અને હૂંફાળો અવાજ રેડિયો સેટ પરથી સંભળાતોઃ “જી હાં બહેનો ઔર ભાઈયોં, મૈં આપકા દોસ્ત અમીન સાયાની બોલ રહા હૂં ઔર આપ સુન રહે હૈ બિનાકા ગીતમાલા.”
આ અવાજ રેડિયોના બીજા મોનોટોનસ અને કંટાળાજનક અવાજ કરતા અલગ હતો, અમીન સાયાની એક દયાળુ પરિવારમાં જન્મેલા. પિતા એક સમર્પિત ડૉક્ટર હતા જે ગરીબ દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરી અને તેમને દવાઓ ખરીદી કરી આપતા. માતા ગાંધીજીના અનુયાયી હતા અને તેમની દ્રષ્ટિનો પ્રચાર કરવા માટે એક સંસ્થા પણ ચલાવતા. બોમ્બેના સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી અમીને ડીગ્રી મેળવેલી અને ઑલ-ઈન્ડિયા-રેડિયોમાં હિન્દી બ્રોડકસ્ટરની નોકરી માટે અરજી કરી, પણ તેમનો અસ્વીકાર થયો. તેમને ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે ‘સ્ક્રિપ્ટ વાંચવાની તમારી ક્ષમતા સારી છે, પરંતુ મિસ્ટર સાયાની, તમારા ઉચ્ચારણમાં ઘણો બધો ગુજરાતી અને અંગ્રેજી લહેકો સાંભળવા મળે છે. અમને શુદ્ધ હિન્દી ઉચ્ચારણ કરનારની જરૂર છે.’
આ વાતથી નારાજ થઈને અમીન તેના મોટા ભાઈ અને માર્ગદર્શક હમીદ સાયાનીને મળ્યા. હમીદભાઈ તે વખતે રેડિયો સિલોનના નિર્માતા હતા. હમીદે અમીનને કહ્યું કે તે તેમના રેકોર્ડિંગ દરમિયાન હિન્દી કાર્યક્રમો સાંભળવાનું શરૂ કરે જેથી હિન્દી ભાષા બાબતે તેના ઉચ્ચારણ અને વાક્યો સુધરે. યોગાનુયોગ, આ રેકોર્ડિંગ્સ સેંટ ઝેવિયર્સ કોલેજની જ તકનીકી સંસ્થાના એક સ્ટુડિયોમાં થઈ. યુવાન અમીને ત્યાંથી પ્રસારણની કળા પણ શીખી.
રેડિયો સિલોનના રેકોર્ડિંગ દરમિયાન અમીનની મુલાકાત બાલગોવિંદ શ્રીવાસ્તવ સાથે થઈ. તેઓ ‘ઓવલટાઈન ફુલવારી’ નામના એક શોના નિર્માતા હતા. એક વાર ઓવલટાઇનની જાહેરાત માટેના અવાજથી નાખુશ શ્રીવાસ્તવ સ્ટેજ પર પહોંચ્યા અને પૂછ્યું કે સ્ટુડીયો પ્રેક્ષકોમાંથી કોઈને સ્ક્રિપ્ટ વાંચવાની ઈચ્છા છે?
અમીન સ્વૈચ્છિક રીતે ઊભા થયા અને સ્ટેજ પર ગયા. તે મોટા અવાજે સ્ક્રીપ્ટ વાંચવા લાગ્યા અને તરત જ શ્રીવાસ્તવે પોતાના કાન બંધ કરીને કહ્યું, ‘આ યુદ્ધ નથી, થોડું ધીમે બોલો.’ અમીને બીજી વાર પ્રયત્ન કર્યો અને શ્રીવાસ્તવ પ્રભાવિત કર્યા. અને આ રીતે લગભગ 1950 ના દાયકામાં, અમીનને રેડિયો પર કામ કરવાની ઑફર મળી.આ પછી અમીન દર અઠવાડિયે જાહેરાત વાંચતા. રેડિયો સિલોન ધીમે ધીમે 1951થી લોકોના ઘરોમાં પ્રવેશવા લાગ્યું.
તે વખતે પશ્ચિમના અંગ્રેજી ગીતોના કાઉન્ટડાઉનનો એક શો ‘બિનાકા હિટ પરેડ’ ઓલરેડી પ્રસારિત થતો હતો. તેની સફળતા ધ્યાનમાં રાખીને તેવી જ બ્રાન્ડ ધરાવતો પણ હિન્દી ગીતોનો એક કાર્યક્રમ પ્રસારિત કરવાનું નક્કી થયું. શોના પ્રાયોજકોએ ઓછા અનુભવી એવા વ્યક્તિની શોધ કરવાનું શરૂ કર્યું, જે સ્ક્રિપ્ટ લખી શકે, તેમને લોકો સમક્ષ પ્રસ્તુત કરે, શ્રોતાઓના પત્રો વાંચે, શ્રોતાઓની વિનંતીઓનો એક ચાર્ટ તૈયાર કરે અને શ્રોતાઓના પ્રતિસાદના આધારે દરેક ગીતની લોકપ્રિયતાનું વિશ્લેષણ પણ કરે. આ બધું કરવાનો પગાર એક અઠવાડિયાના 25 રૂપિયા!
અમીને આ તક ઝડપી લીધી એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!
30 મિનિટનો ‘બિનાકા ગીતમાલા’ કાર્યક્રમ, 1952 થી 1989 દરમિયાન ‘રેડિયો સિલોન’ પર અને પછી 1989 થી 1994 ઓલ-ઈન્ડિયા-રેડિયોના ‘વિવિધ ભારતી’ નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. પહેલા અઠવાડિયે શોમાં 200 જેટલા પત્રો આવ્યા પરંતુ બીજા જ અઠવાડિયામાં, પત્રોની સંખ્યા વધીને 9,000 સુધી પહોંચી. પછીના અઠવાડિયામાં અધધધ 60,000 પત્રો આવ્યા. શો હવે સુપરહીટ સાબિત થઈ ગયો હતો. શ્રોતાઓની સંખ્યા એક વખત 9 લાખથી વધીને 20 લાખ સુધી પહોંચી ગઈ હતી. જે રેડિયો ઉપકરણ ‘રેડિયો સિલોન’નું સ્ટેશન ન પકડે તે ઉપકરણો બજારમાં વેચાતા જ નહીં.
શરૂઆત થઈ ત્યારે ‘બિનાકા ગીતમાલા’એ સાત સમકાલીન ગીતો વગાડતા (એ પણ કોઈ ખાસ ક્રમમાં નહીં). પરંતુ થોડાં જ દિવસોમાં જનતાના પ્રતિસાદ અને લોકપ્રિયતાના આધારે ગીતોને રેન્કિંગ આપવાનું શરૂ થયું. ગીતના ચાર્ટના દરેક પગથિયાને અમીનભાઈ ‘પાયદાન’ કહેતા. ગીતો આ પાયદાન પરથી ઉપર ચઢતા અથવા તો નીચે ઊતરતા. જ્યારે ટોચનું ગીત આવે ત્યારે અમિન સાયાની બોલતા – વો ગાના જો ‘બિનાકા ગીતમાલા’ કે પાયદાન કી ચોટી પર હૈ… અને લોકોમાં એક રહસ્ય જળવાઈ રહેતું. ‘બિનાકા ગીતમાલા’ની સૂચિમાં પ્રથમ નંબરે રહેવું એ તે સમયના સંગીતના નિર્માતાઓ અને નિર્દેશકો માટે ગૌરવની નિશાની હતી.
‘બિનાકા ગીતમાલા’ના ચાર્ટ પર ટોપમાં રહેલા કેટલાક ગીતોમાં ‘મેરા જૂતા હૈ જાપાની…’, ‘ઐ દિલ હૈ મુશ્કીલ જીના યહાં…’, ‘સાવન કા મહિના પવન કરે શોર…’, ‘દમ મારો દમ…’, ‘ઓ સાથી રે…’, ‘ચિઠ્ઠી આયી હૈ આયી હૈ…’, ‘ચોલી કે પીછે ક્યા હૈ…’ જેવા સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે.
લાખો શ્રોતાઓ માટે, અમીન ફક્ત રેડિયો જોકી નહોતા, તે એક મિત્ર હતા જે તેમની પસંદના ગીતો વગાડતા, ગીત એકબીજાને સમર્પિત કરતા, તેમની હ્રદયસ્પર્શી વાતો અને પત્રો વાંચતા. સંગીત વિશેના ઉખાણા પૂછીને પણ તેમણે શ્રોતાઓનું મનોરંજન કર્યું. એક એવો સમય હતો કે લોકો શરત લગાડતા કે કયા ગીત અઠવાડિયાના ચાર્ટમાં ટોચ પર હશે. શોની લોકપ્રિયતાની કારણે રેડિયો સિલોને તેનો સમય અડધો કલાકથી એક કલાક સુધી લંબાવ્યો. આ શોમાં ભારતીય સંગીતનો જાદૂ, અર્થપૂર્ણ અને હ્રદયસ્પર્શી સરળ ગીતો, અમીન સાયાનીની અલગ રજૂઆત અને કલાકારોના મધુર સ્વર દરેકનું મિશ્રણ હતું.
લોકોનું ધ્યાન એવું રહેતું કે જો ‘બિનાકા ગીતમાલા’ કોઈ જાહેર જગ્યાએ મોટા અવાજે વગાડવામાં આવતું તો લોકોની ભીડ એકઠી થઈ જતી અને ટ્રાફિક જામ થઈ જતા. ‘બિનાકા’ એ બ્રાન્ડ પણ ત્યારે ખૂબ ફેમસ હતી. બિનાકાના ટૂથપેસ્ટ સાથે મફત રમકડાં અને વોટરપ્રૂફ સ્ટીકર આવતા જે બાળકોમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યા. બિનાકાની જાહેરાતમાં બહાદુર નિરજા ભનોતનો ફોટો હતો. પરંતુ બ્રાન્ડ ટેકઓવર અને સ્પોન્સરોના બદલાવના કારણે શોનું નામ ‘બિનાકા ગીતામાલા’થી ‘સિબાકા ગીતામાલા’ અને પછી ‘કોલગેટ-સિબાકા ગીતમાલા’ કરવામાં આવ્યું. પરંતુ એક વસ્તુ સતત સ્થિર રહી – અમીન સાયાનીનો અવાજ!
12 ડિસેમ્બર 1977 ના રોજ, ‘બિનાકા ગીતમાલા’એ બોમ્બેમાં એક સામાજિક મેળાવડામાં તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેમાં ઘણા જાણીતા સંગીતકારો, કવિઓ અને ગાયકો હાજર રહ્યા હતા. સન 2000 માં, ‘બિનાકા ગીતમાલા’એ સદીની સૌથી ઉત્કૃષ્ટ રેડિયો પ્રોગ્રામ માટે એડવર્ટાઇઝિંગ ક્લબનો ‘ગોલ્ડન એબી એવોર્ડ’ જીત્યો છે. મનોરંજનના ઈતિહાસમાં વિશ્વનો એવો કોઈ કાર્યક્રમ નથી જે ચાર દાયકાઓ સુધી લોકપ્રિય રહી શક્યો હોય. 2009 માં અમીન સાયાનીને ભારત સરકારે ‘પદ્મશ્રી’ના એવોર્ડથી નવાજ્યા છે.
સંદર્ભઃ
https://www.thebetterindia.com/171916/india-binaca-geetmala-radio-ceylon-history/
https://en.wikipedia.org/wiki/Binaca_Geetmala
https://web.archive.org/web/20060426173952/http://www.ameensayani.com/reviews/review_1.htm
1953 થી 1993 સુધીના બિનાકા ગીતમાલાના ટોપ ગીતોનું લીસ્ટઃ https://en.wikipedia.org/wiki/Binaca_Geetmala#Lists_of_top_songs_per_year
eછાપું