Late Review – ફ્લોપ છતાં Epic બની અંદાઝ અપના અપના

0
557
Photo Courtesy: YouTube

Late Review: અંદાઝ અપના અપના

Photo Courtesy: YouTube

કથા-પટકથા : રાજકુમાર સંતોષી

સંવાદ : રાજકુમાર સંતોષી અને દિલીપ શુક્લા

ગીતો : મજરૂહ સુલ્તાનપુરી

સંગીત : તુષાર ભાટિયા

નિર્માતા : વિનયકુમાર શુક્લા

નિર્દેશક : રાજકુમાર સંતોષી

રિલીઝ ડેટ: 11 એપ્રિલ, 1994

લંબાઈ : 161 મિનીટ્સ

કલાકારો

આમિરખાન (અમર), સલમાનખાન (પ્રેમ), રવિના ટંડન (રવિના), કરિશ્મા કપુર (કરિશ્મા), પરેશ રાવળ (રામગોપાલ બજાજ / શ્યામગોપાલ બજાજ ઉર્ફે તેજા), વિજુ ખોટે (રોબર્ટ), શેહઝાદખાન (ભલ્લા), જાવેદખાન (આનંદ અકેલા), દેવેન વર્મા (મુરલીમનોહર), જગદીપ (બાંકેલાલ ભોપાલી), હરીશ પટેલ (સેવારામ), ટીકુ તલસાણીયા (ઇન્સ્પેક્ટર) અને શક્તિ કપુર (ક્રાઈમ માસ્ટર ગોગો)

મહેમાન કલાકારો : મહેમુદ (જોહની), ગોવિંદા અને જુહી ચાવલા

ગીતો

“દો મસ્તાને ચાલે ઝીંદગી બનાને” (એસ.પી.બાલાસુબ્રમણ્યમ અને વિકી મહેતા)

“દિલ કરતા હૈ તેરે પાસ આઉં” – (મંગલ સિંગ)

“એલો જી સનમ હમ આ ગયે આજ ફિર દિલ લે કે” – (વિકી મહેતા અને બેહરોઝ ચેટરજી)

“યે રાત ઔર યે દૂરી” – (એસ.પી. બાલાસુબ્રમણ્યમ)

ઘણી બધી હિંમતો ભેગી કર્યાં પછી હું જાહેર કરી રહ્યો છું કે “આ ફિલ્મ એક હીટ ફિલ્મ હતી….” બદનસીબે લોકોનાં દિલોમાં નહી કે સિનેમાગૃહોમાં!! મેં પણ આ ફિલ્મ કદીય થિયેટરમાં નથી જોઈ પણ મારાં જીવનની સર્વશ્રેષ્ઠ પાંચ ફિલ્મો નાં લીસ્ટમાં આ ફિલ્મ જરૂર આવે. કબુલ કે આ ‘એક મેડ કોમેડી’ છે, નહી કે કલાકારોનાં વાનરવેડા દ્વારા પણ સંવાદોના હસતાં મુક્કાઓ દ્વારા. ફેસબુક અને ચેટિંગ ની ભાષા માં કહીએ તો સમગ્ર ફિલ્મ તમને ROFL કરાવે છે.

કથાસાર

અમર અને પ્રેમ, આ બન્ને યુવાનો મફતિયા પૈસા કમાવામાં માને છે. પોતાનાં પિતાશ્રીઓનાં ધંધામાં એમને મદદ કરવાને બદલે, આખો દિવસ સહેલાઈથી કોઈપણ તકલીફ વીના પૈસા કેમ મળે એનાં જ સપનાં આ બન્ને જોતાં હોય છે. એક દિવસ છાપા દ્વારા આ બન્ને ને કરોડપતિ રામગોપાલ બજાજની કુંવારી દિકરી રવિના, જે ભારત પરણવા આવવાની છે એના સમાચારની જાણ થાય છે. બસ હવે એમને માટે તો સ્વર્ગ ફક્ત બે ઈંચ જ દુર થઇ ગયું, પણ રવિનાને મળવા માટે એમને ઉટી જવું પડે એમ છે અને એને માટે સારા એવાં પૈસાની જરૂર છે. આ માટે તેઓ બન્ને પોતાનાં પીતાશ્રીઓ ની દુકાનો એમની જાણ બહાર બરોબર વેંચી દે છે. આ બન્ને પહેલીવાર ઉટી જતી બસમાં ભેગાં થાય છે અને પાકાં દોસ્ત થઇ ગયાં હોવાનો ડોળ કરે છે. પણ જયારે તેમને ખ્યાલ આવે છે કે બન્ને ની મંઝીલ તો એક જ છે ત્યારે એ  બન્ને એકબીજાનાં દુશ્મન બની જાય છે. બસ અને પછી શરુ થાય છે એકબીજાને પછાડવા ની અને રવિના સામે સ્માર્ટ સાબિત થવાની રમત. આ માટે તેમને આનંદ અકેલા અને ધર્મશાળાનાં માલિક સેવારામ ની મદદ પણ મળે છે. પણ થાય છે એવું કે રવિનાનાં સ્વર્ગવાસી મુનીમ હરીશંકરની પુત્રી કરિશ્મા પ્રેમને પ્રેમ કરવા માંડે છે.આ રમત ચાલતી રહે છે અને છેવટે પ્રેમ રવિના પર પોતાનો દાવો જતો કરે છે અને અમર-રવિના અને પ્રેમ-કરિશ્મા ની જોડી બની જાય છે.

આજ સમયે રવિનાના પિતા રામગોપાલ બજાજ ની એન્ટ્રી થાય છે. રામગોપાલ લંડનની પોતાની સમગ્ર મિલકત વેંચી ને હીરામાં કન્વર્ટ કરી ને આવ્યાં છે. રામગોપાલનો એક જોડિયો પણ લબાડ ભાઈ પણ છે, શ્યામગોપાલ ઉર્ફે તેજા, એને આ બાબત ની જાણ થાય છે અને એ રામગોપાલ ને કિડનેપ કરી લે છે અને પોતે રામગોપાલ બની ને ઘરમાં હીરા નો કબજો લેવા ઘુસી જાય છે. પણ અહીં એક પ્રોબ્લેમ છે. મોગેમ્બો નો ભત્રીજો ક્રાઈમ માસ્ટર ગોગો, પાસે થી તેજા એ દસ લાખ રૂપિયા ઉધાર લીધાં હોય છે. ગોગો ને પણ આ કરોડોનાં હીરો બાબતે ભાળ મળી ગઈ છે એટલે એ તેજા સહીત બધાં ને કિડનેપ કરી લે છે…….

રિવ્યુ

મેં જોયેલી સર્વશ્રેષ્ઠ કોમેડીઝ માંની આ એક કોમેડી છે, હું તો આને ‘પડોસન’, ‘ચુપકે ચુપકે’ કે ‘બોમ્બે ટુ ગોઆ’ જેવી ઉત્કૃષ્ટ કોમેડીઝ ની સાથે એક લાઈનમાં મુકીશ. ફ્રેમ બાય ફ્રેમ આ ફિલ્મ તમને સતત હસાવે રાખે છે. પહેલાં જ સીન માં જયારે આમીર અને જુહીના લગ્ન ની વાત હોય કે પછી અમર-પ્રેમ ની એમનાં પિતાઓ સાથે ની ટપાટપી હોય કે મહેમુદ સલમાનનાં સંવાદોની આપ-લે હોય કે બસમાં આમીર-સલમાનની જુગલબંદી હોય કે પોલીસ સ્ટેશનમાં ટીકુભાઈ સાથે બન્નેની મસ્તી હોય કે રવિનાના ઘરમાં ઘુસવાના આમિરનાં ત્રાગાં હોય આ બદ્ધામાં ખુબ મજા આવે છે.આગળ પણ રવિના ને પામવા જે રીતે આમિર-સલમાન એકબીજાને પછાડવાની કોશિષ કરે છે કે પછી જયારે ખરેખરી રવિના અને કરિશ્મા કોણ છે એની ખબર પડે છે ત્યારે બન્ને નાં રી-એક્શન્સ હોય કે પરેશ રાવળ જે રીતે એમનો ઇન્ટરવ્યુ (?!) લે છે કે પછી ફિલ્મનો ક્લાઈમેક્સ…ઉફ્ફ્ફ શું શું કહું? હસી હસી ને પેટ દુઃખી જાય.

આ ફિલ્મ આમિર અને સલમાનના ‘સુવર્ણકાળ’ દરમ્યાન આવી હતી. આમિરખાનની ‘દિલ’ અને સલમાનની ‘મૈને પ્યાર કિયા’ પછી ની સળંગ હીટ ફિલ્મો આવી હતી અને એકરીતે જોઈએ તો આમિર અને સલમાન વચ્ચે ટોપ પર પહોંચવાની હરીફાઈ લાગેલી હતી એ સમયે. આ ફિલ્મ પછી આમિરખાને થોડી અને સલમાનખાને ઘણી કૉમેડી ફિલ્મોમાં કામ કર્યું પણ ‘અમર’ અને ‘પ્રેમ’ નું અમરત્વ બન્ને માંથી કોઈ પણ અત્યાર સુધી માપી નથી શક્યું એ હકીકત છે. આ ફિલ્મ ને બનવામાં કદાચ ખુબ સમય લાગ્યો હશે એટલે આખી ફિલ્મ દરમ્યાન તમને આમિર-સલમાનની હેરસ્ટાઈલમાં દેખીતો ફર્ક દેખાશે.

‘૩ ઈડિયટ્સ’ માં આમિરખાને જબરદસ્ત કૉમેડી કરી છે, પણ જયારે કૉમિક ટાઈમિંગ ની વાત આવે ત્યારે આમિરની એ કળા આ ફિલ્મ માં વધુ સારી રીતે બહાર આવી છે. ફિલ્મની શરૂઆતમાંજ દેવેન વર્મા સાથેની એની બોલાચાલી થી છેક છેલ્લે સુધી એ જબરદસ્ત અભિનય કરે છે અને અમર નો બિન્દાસ્ત એટીટ્યુડ જીવી જાય છે. બિન્દાસ્તપણા સાથે જયારે એ સલમાનને ‘ઘોડે કા જુલાબ’ આપે છે ત્યારે એની ‘શઠ નિર્દોષતા’ પણ ખુબ ઓસ્સ્મ છે!! પણ ફિલ્મમાં એનું સર્વશ્રેષ્ઠ જયારે એને અસલી રવિના કોણ છે એ ખબર પડે છે ત્યારે છે. જે રીતે એ ખુશી ને અચાનક દુઃખમાં પરિવર્તિત થવાનાં ભાવ આપે છે એ તો કદાચ આમિર જ આપી શકે. યાદ રહે આમિર ની કારકિર્દી એ વખતે હજી સ્થિર ન હતી અને એવાં સમયે એણે જે રીતે કોમેડીના સરતાજો પરેશ રાવળ અને શક્તિ કપુર સાથે મેચિંગ કર્યું છે એ અદભુત છે.

સામે છેડે સલમાનખાને એકદમ અન્ડર પ્લે કર્યું છે પણ જેણે આ ફિલ્મ જોઈ છે એ મારી સાથે સહમત થશે જ કે એણે આ અઘરું કામ સુપેરે પાર પાડ્યું છે. નોર્મલી જયારે બે મોટા અદાકારો એક ફિલ્મમાં હોય તો એલોકો એકબીજાની જગ્યા છીનવી લેવાની કોશિષ કરે પણ અહીં તો સલમાને પોતાની જવાબદારી સાથે ચોંટી રહ્યો છે. આમિરને એણે આરામથી છવાઈ જવા દીધો છે અને પાછળ રહી ને પણ પોતાનો કક્કો ખરો કરાવ્યો છે. કારીકીર્દીની શરૂઆતમાં આવો રોલ કરી ને મારાં મતે તો સલમાને એક મોટું રિસ્ક જ લીધું હતું. સલમાન આ ફિલ્માં આપણા પાડોશીનાં જ કોઈ છોકરા જેવો જ લાગે છે. આ ફિલ્મનાં એક સંવાદમાં એનાં પિતા સલીમખાન માટે પણ એક ટિપ્પણી આમિર દ્વારા , ફિલ્મ શોલે બાબતે કરાઈ છે , “હા ઇસકે બાપ ને લિખી હૈ” થઇ છે, એને પણ સલમાને એકદમ ખેલદિલીથી સ્વીકારી છે. કુડોઝ!!

ફિલ્મમાં જો આ બન્ને સીવાય કોઈ અદાકાર ઉભરી ને બહાર આવે છે તો એ છે આપણાં પરેશભાઈ. મારાં મતે ‘હેરાફેરી’ અને આ ફિલ્મનો એમનો ડબલ રોલ એ અત્યાર સુધી એમનાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનો છે. રામ અને શ્યામ આ બન્ને બજાજો ને એમણે જુદીજુદી રીતે માસ્ટરફુલી ઉભાર્યા છે. સંવાદોમાં પણ “હમારા બજાજ” અને “ચલ ચલ નીચે ઉતર ગોદી વાલે નીચે ઉતર” આ બે સંવાદો માં પરેશભાઈ ખડખડાટ હસાવે છે. અને પોતાનાં મૂર્ખ લેફ્ટેનન્ટસ રોબર્ટ અને ભલ્લા ની મૂર્ખામીઓ ને કારણે એમને જે સહન કરવું પડે છે ત્યારે એમની વ્યાકુળતા હસાવવાની સાથે સાથે દયાભાવના પણ ઉપજાવે છે. કરિશ્મા કપુર અને રવિના ટંડન ધાર્યા કરતા સારી કૉમેડી કરે છે. સપોર્ટિંગ કાસ્ટ માં ટીકુ તલસાણીયા અને વિજુ ખોટે જબરદસ્ત! અજીત નો દીકરો શેહઝાદખાન પોતાનાં જ પિતાની મિમિક્રીમાં ખુબ મજા કરાવે છે. પણ સહુથી વધુ મજા કરાવે છે શક્તિ કપુર. જેમ મોગેમ્બો નાં રોલમાં તમે અમરીશ પુરી સીવાય બીજાં કોઈ ને કલ્પી ન શકો એમ એનાં ભત્રીજા ગોગો નાં રોલમાં શક્તિ કપુર સીવાય બીજાં કોઈ ની કલ્પના જ ન થઇ શકે. ફિલ્મ માં ટોટલ ૨૦ મિનીટ્સ માટે જ શક્તિ કપુર હાજર છે પણ એનાં વીના આ ફિલ્મ અધૂરી રે’ત. “આઉં લોલિતા’ પછી આ ફિલ્મનું “યે તેજા તેજા ક્યા હૈ યે તેજા તેજા” ખુબ પોપ્યુલર થયું છે. ફિલ્મનાં ત્રણ મહેમાન કલાકારો પણ ટૂંકા સમયમાં ખુબ હસાવે છે.

ફિલ્મનાં નિર્દેશક રાજકુમાર સંતોષી એમની સર્વ્તોમુખીતા ને કારણે મને ખુબ પસંદ છે. એક બાજુ ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી હિંસક ફિલ્મો , બીજી બાજુ ‘દામિની’ અને ‘લજ્જા’ જેવી શરીરનાં રુંવાડાં ઊભા કરી દેતી ફિલ્મો અને ત્રીજી બાજુ આ ફિલ્મ અને ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જેવી કૉમેડીઝ!! પાછી દરેક ફિલ્મ જોવાં જેવી જ હોય ક્યા જોયા છે આવા નિર્દેશક? સંતોષીભાઈ ની ફિલ્મો સંતોષ જ નથી આપતી પણ જેટલી વધુ મમળાવો એટલી વધુ મજા કરાવે છે. આ ફિલ્મમાં આટલાં મોટા કલાકારો હોવાં છતાંય એકદમ સ્લીક ફિલ્મ બનાવી છે અને ક્યાંય પણ થોડીક પણ ઈમોશનલ ફિલ્મ ન બનીજાય એનું ધ્યાન રાખ્યું છે. હેટ્સ ઓફફ ટુ હીમ !!

ચલતે-ચલતે

રોબર્ટ : યે વાસ્કો-દ-ગામા કી ગન હૈ

તેજા: કિસકે મામા કી ગન હૈ?

ફિલ્મ નો એક ROFLING સંવાદ !!

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here