અલકમલકની વાતોઃ 52 અઠવાડિયામાં 52 નોકરી બદલનાર વ્યક્તિ

0
329
Photo Courtesy: signywilson.com

શોન એઈકન (Sean Aiken) નામનો કેનેડાનો યુવક. સન 2005 માં કેનેડાના બ્રિટીશ કોલમ્બિયા સ્થિત નોર્થ વાનકુવરની કેપિલાનો યુનિવર્સિટીમાંથી વ્યવસાયિક વહીવટ (Business Administration)ની ડિગ્રી સાથે સ્નાતક થયો. 4.0ના GPA સાથે વર્ગમાં પ્રથમ ક્રમાંકે આવ્યો. વર્ગના વિદ્યાર્થીઓએ ડીગ્રી લેતી વખતે પદવીદાન સમારંભમાં છેલ્લું વિદાયનું ભાષણ આપવા માટે શોનને પસંદ કર્યો. બધાંને એમ હતું કે વર્ગનો શ્રેષ્ઠ વિદ્યાર્થી તો કોઈ મોટી કંપનીમાં તગડા પગારની જોબ લેશે અને કામ કરવામાં મગ્ન થઈ જશે.

Photo Courtesy: signywilson.com

પરંતુ પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. શોન ઘણો બેચેન હતો. સ્નાતક થયા પછી, શોનને ડર, અસ્વસ્થતા અને અન્ય લોકોની અપેક્ષા સાથે સંઘર્ષ કરવો પડ્યો. “મારે શું કરવું જોઈએ?” એ યક્ષપ્રશ્ન તેની સામે હતો પણ જવાબ જડતો નહોતો. એક દિવસ, કૌટુંબિક રાત્રિભોજન દરમિયાન, શોનના પિતાએ તેને કહ્યું, “શોન, તું શું કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, ફક્ત ખાત્રી કરજે કે તું જે કંઈ કરે છે તે કામમાં તારો ઉત્સાહ અને પેશન હોય.”

પપ્પાની આ વાત સાંભળીને થોડા જ દિવસોમાં શોને એક જ નોકરી કરવાનો બદલે એક અખતરો કર્યો. શોને દર અઠવાડિયે એક નવી નોકરી કરવાનો વિચાર કર્યો. તેણે ઓનલાઈન ઓફર મૂકી કે વિશ્વમાં ક્યાંય પણ, કોઈ પણ શોનને એક અઠવાડિયા માટે નોકરી આપી શકે છે. આ કામ માટે તે જેટલા પણ પૈસા કમાશે તે એક ટ્રસ્ટને ફાળવવામાં આવશે, જેનું નામ હતું Make Poverty History!

જેવી આ વાત ફેલાઈ, શોનને અવનવી નોકરીની ઓફરો આવવા લાગી અને શોનના આ અભિયાનમાં એમ્પ્લોયર્સની લાઈન લાગી. શોન પાસે આઈડીયા તો હતો પણ તેને નાણાંની પણ જરૂર લાગી. દરેક જગ્યાએ આવવા-જવાની મુસાફરી, રહેવાનો ખર્ચ, ખાવાનો ખર્ચ દરેક માટે ધનની અછત હતી. પરંતુ આ પ્રોજેક્ટ દરમિયાન તેની મુસાફરીઓ અને જીવન નિર્વાહના મૂળ ખર્ચ કેનેડિયન જોબ સર્ચ એન્જિન, નાઇસજોબ.સીએ (NiceJob.ca) દ્વારા પ્રાયોજિત કરાયા. આ જ સમયથી તેની 52 અઠવાડિયાની એક યાત્રા શરૂ થઈ.

One Week Job project નામનો આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2007 માં શરૂ કરવામાં આવ્યો. શોન એઈકનનો એક મિત્ર છે ઈયાન મેકેન્ઝી, જે ફિલ્મ નિર્માતા પણ છે. ઈયાને શોનની આ 52 અઠવાડિયાની યાત્રામાં તેનો સાથ આપ્યો. દરેક અઠવાડિયે બંને સાથે મુસાફરી કરતા. શોનની દરેક અઠવાડિયાની નોકરીની વિગતવાર નોંધ લીધી, કેટલાક ફોટા તો કેટલાક વિડીયો લીધા.

આખા વર્ષ દરમિયાન, શોને કેનેડા અને અમેરિકામાં વિવિધ પ્રકારની નોકરીઓ કરીઃ બાળમંદિરના શિક્ષક, અગ્નિશામક દળમાં આગ બુઝાવનાર, ફેશન બાયર, કાઉબોય, પ્રોગ્રામોમાં મિકી-ડોનાલ્ડ જેવા કપડાં પહેરીને માસ્કોટ તરીકે, શેરબજારમાં કામ કરતો વેપારી, બંજી જંપીંગનો ઇન્સ્ટ્રક્ટર, ડેરી ફાર્મર, એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ, કેક અને બ્રેડ બનાવનાર બેકરી વાળો, વગેરે વગેરે.

જ્યાં પણ તે વ્યવસાય શોધી શકે, તે ત્યાં જતો, કામ શીખવામાં લાગી જતો અને જે કામ હાથમાં હોય તેને ગંભીરતાથી કરતો. અઠવાડિયું પુરું એટલે આગળ વધતો. કોઈ કામ ગમતાં તો કોઈ ન ગમતાં. વ્યોમિંગમાં કાઉબોયથી માંડીને મેનહટનમાં એક ફેશન બાયર, ફ્લોરિડામાં ફાયર ફાઇટર, હવાઈમાં પાર્ક રેન્જર અને બેવર્લી હિલ્સમાં રીઅલ એસ્ટેટ એજન્ટ બનીને શોનને ફક્ત પોતાના વિશે જ નહીં, આસપાસના લોકો વિશે પણ શીખવા મળ્યું. લોકો કેવી રીતે પોતાની કારકિર્દી પસંદ કરે છે, શું તેમને સફળ બનાવે છે, અને સૌથી અગત્યનું, શું તેમને ખુશ કરે છે તે જાણવા મળ્યું.

52 અઠવાડિયા દરમિયાન શોને અનુભવેલા કેટલાક તથ્યોઃ

1) કેટલા માઇલ્સની મુસાફરી કરી: 46,685 માઇલ (લગભગ 75000 કિલોમીટર)
2) Make Poverty History માટે દાન કરાયેલ કુલ વેતન: 20,401.60 ડોલર

3) મુસાફરી ખર્ચ માટે પ્રાપ્ત કુલ સ્પોન્સરશીપ નાણાં: 10,000 ડોલર

4) બે નોકરીઓ વચ્ચેનું સૌથી વધુ અંતર: 4,298 માઇલ (6916 કિલોમીટર)
5) સૌથી લાંબી દૈનિક સફર: 2 કલાક, (32મું અઠવાડિયુ)

6) સૌથી ટૂંકી દૈનિક સફર: <1 મિનિટ (47મું અઠવાડિયું)

7) કેટલા પલંગ કે ફ્લોર પર સૂવાનો મોકો મળ્યો: 55
8) વિમાન પ્રવાસઃ 24, બસ પ્રવાસ: 9, ટ્રેન પ્રવાસ: 2
9) કુલ એક અઠવાડિયાની જોબ ઑફર્સ પ્રાપ્ત થઈ: 204

10) નાના બાળકો સાચવવાના (આયા તરીકે) કામની ઑફરઃ  16
11) સૌથી અસામાન્ય ઓફર: પુરૂષની માવજતના પ્રોડક્ટ્સનો સેલ્સમેન, પેઇન્ટ બોલનો રેફરી, લાઇવ પોલ્ટ્રી ફ્રામમાં કતલ કરનાર, ચર્ચાના પ્રિસ્ટ તરીકે, હરતા ફરતા કૂતરાની માવજત કરનારા, ટેટૂ હટાવનારના સહાયક તરીકે, સેલિબ્રિટી મેચમેકર, પોર્ન એક્ટર વગેરે વગેરે

આ અભિયાન દ્વારા શોને 52 અઠવાડિયામાં અંદાજે લગભગ 20 હજાર ડોલર એકઠા કર્યા. માર્ચ, 2008 માં તેનો પ્રોજેક્ટ સમાપ્ત થતાં, શોન આઈકને તેના સાહસ વિશે એક પુસ્તક લખ્યું, જેનું શીર્ષક ‘The One-Week Job Project’ છે. આ પુસ્તક 2010 માં અમેરિકામાં પેંગ્વિન કેનેડા અને રેન્ડમ હાઉસ પબ્લિશિંગ ગ્રુપ દ્વારા પ્રકાશિત થયું હતું.

શોન અને ઈયાને સાથે મળીને પોતાના બધાં અનુભવોની વિગતો એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં પણ રજૂ કરી. 2010 ના ઉનાળામાં, અમેરિકાના હેચફેસ્ટ ખાતે આ ડોક્યુમેન્ટ્રી ‘ધ વન-વીક જોબ’ પ્રોજેક્ટનું પ્રીમિયર થયું. ડોક્યુમેન્ટ્રી દેખાડ્યા પછી તરત જ આવા એક અઠવાડિયાના જોબ પ્રોગ્રામના પ્રારંભિક કાર્યક્રમ માટે ત્રણ સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી. એક ઓનલાઈન સ્પર્ધા દ્વારા જાહેર મતોના આધારે આ પ્રોગ્રામ માટેની જગ્યાઓ એનાયત કરવામાં આવી. પ્રથમ ત્રણ સહભાગીઓ ટોરોન્ટો, ટેક્સાસ અને ટેનેસીના હતા. દરેક સહભાગીને 3,000 ડોલર ની શિષ્યવૃત્તિ આપી અને આઠ અઠવાડિયામાં આઠ જુદી જુદી નોકરીઓ અજમાવવાનું કહેવામાં આવ્યું.

ધીમે ધીમે શોનને સમજાઈ ગયું કે તેણે ફક્ત એક યાત્રા શરૂ કરી નથી. તેણે એક આંદોલન શરૂ કર્યું છે. લાખો લોકોએ પોતાના જીવનમાં પ્રેરણા માટેની શોધમાં શોનની આ યાત્રાને અનુસરવાનું શરૂ કર્યું. કોલેજના વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે માર્ગદર્શન મળતા રાહત અનુભવી. જે ઓલરેડી જોબ કરતા હતા તેમણે પોતાના પેશનથી નવા જોબની શરૂઆત કરી. કેટલાક ફરી પાછા ડીગ્રી કોલેજમાં ભણવા ગયા અને પોતાનો પેશન શોધ્યો.

મીડિયાએ પણ શોનની આ અજીબોગરીબ વાર્તાને વ્યાપકપણે આવરી લીધી: ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ, રશેલ રે શો, ગુડ મોર્નિંગ અમેરિકા, સીએનએન, ટાઈમ, વોલ સ્ટ્રીટ જર્નલ, 20/20, સીબીસી, ગ્લોબ એન્ડ મેઇલ અને વિશ્વભરના અસંખ્ય અન્ય મિડીયાવાળાઓએ શોનનું કામ લોકો સમક્ષ મૂક્યું. 2011થી દરેક નાનીમોટી બિઝનેસ મિટીંગ અને પ્રોગ્રામોમાં શોનના પુસ્તક અને ડોક્યુમેન્ટ્રી દેખાડવાનું શરૂ કર્યુ.

ત્યાર પછી શોને એક પ્રોગ્રામ બનાવ્યો જેમાં અઠવાડિયામાં નોકરી કરીને લોકો પોતાના પેશનને જાણે. ઓસ્ટ્રેલિયા, ભારત, યુ.કે., વિયેતનામ અને યુ.એસ.એ.ના સહભાગીઓ સાથે એક અઠવાડિયાના જોબ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. 2013 ની શરૂઆતમાં શોને શિક્ષણમાં ક્રાંતિ લાવવાની ભાગીદારી સાથે પોર્ટલેન્ડ સ્થિત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર મિશેલ જોન્સ સાથે સહયોગ કરવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2016 માં, વેફાઇન્ડિંગ એકેડેમીએ બે વર્ષનો માન્યતા પ્રાપ્ત કોર્સ પણ શરૂ કર્યો.

શોન હાલમાં બ્રિટીશ કોલમ્બિયાના વાનકુવરમાં રહે છે. તે ઉત્તર અમેરિકાની શાળાઓ અને કોલેજોમાં જઈને પોતાના વક્તવ્યો દ્વારા બાળકોમાં અને યુવાનોમાં તેમનું પેશન શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. શોન ઘણા સંમેલનો, કંપનીઓ અને શાળાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેક્ષકો સામે બોલે છે કે તે તેના અનુભવમાંથી શું શીખ્યો છે. તેણે વિકસાવેલો અભ્યાસક્રમ અન્ય શિક્ષકો દ્વારા વિશ્વના વર્ગખંડોમાં ઉપયોગમાં લેવાય છે.

સંદર્ભઃ

https://www.oneweekjob.com/

શોને નક્કી કરેલો અભ્યાસક્રમઃ https://www.oneweekjob.com/curriculum

શોનનું પુસ્તક મેળવવાની લિંકઃ https://www.penguinrandomhouse.com/books/1285/the-one-week-job-project-by-sean-aiken/

72 મિનિટની ડોક્યુમેન્ટ્રીઃ https://www.snagfilms.com/films/title/one_week_job

શોને કરેલી 52 નોકરીઓનું લિસ્ટઃ https://www.oneweekjob.com/about-the-project/previous-jobs

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here