બાંદ્રા, સુરત કે ગાંધીનગર, કોરોના સામે સામુહિક સમજદારીનો અભાવ

1
330
Photo Courtesy: indiatoday.in

ગઈકાલની બાંદ્રા, સુરત અને ગાંધીનગરની ત્રણ અલગ અલગ ઘટનાઓએ એ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે કોરોના જેવી ભયંકર મહામારી સામે લડવા માટે આપણા બધામાં સામુહિક સમજદારીનો સંદતર અભાવ છે.

Photo Courtesy: indiatoday.in

હજી તો ગઈકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા બધાનો આભાર માનીને ગયા કે આપણા બધાના સહકારથી વૈશ્વિક મહામારી કોરોના ઉપર આપણે અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ઘણો કાબુ મેળવી શક્યા છીએ. પરંતુ બપોર પડતાની સાથેજ છેક મોડી રાત્રી સુધી એવા સમાચાર આવ્યા જેમણે વડાપ્રધાનના આ ધન્યવાદ પર પાણી ફેરવી દીધું.

પહેલા સમાચાર આવ્યા મુંબઈના બાંદ્રાથી જ્યાં સ્ટેશન પર નહીં નહીં તો ચારથી પાંચ હજાર જેટલા પરપ્રાંતીયો એકઠા થઇ ગયા પોતપોતાના ઘેર જવા માટે. ત્યારબાદ ખબર આવ્યા સુરતથી. અહીં પણ લોકડાઉન લંબાતા પરપ્રાંતીયો લોકડાઉનનો ભંગ કરતા રસ્તા પર આવી ગયા અને ઘેર જવાની માંગણી કરવા લાગ્યા. હજી તો આપણી ચિંતા આપણા મન પરનો કાબુ છોડે એ પહેલાં જ સમાચાર એવા આવ્યા કે અમદાવાદના એક ધારાસભ્ય એવા સમયે ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા જ્યારે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પેન્ડીંગ હતો અને છેવટે તેઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું.

આ ત્રણેય ઘટનાઓ થવા પાછળ અલગ અલગ કારણ હતા પરંતુ જવાબદાર માત્ર એક જ બાબત હતી અને એ હતી સમજદારીનો સદંતર અભવ્ય. મુંબઈની ઘટનામાં વોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા જવાબદાર હતી કે ટ્રેનની વ્યવસ્થા થઇ ગઈ છે અને આપણે બધાએ હવે ઘેર જવાનું છે. જ્યારે એ નક્કી જ હતું કે લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ હોય ત્યારે ટ્રેન તો શું સાયકલ લઈને પણ કોઈએ કશે જવાનું નથી ત્યારે આવા ફોરવર્ડને સાચા માની લેવાનું કારણ? સાંજ પડતા અફવા ફેલાવનાર વ્યક્તિ વિનય દુબેની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી.

સુરતની વાત કરીએ તો ત્રણ-ચાર દિવસ અગાઉ પણ સુરતમાં રાતના સમયે યુપી અને બિહારથી આવેલા મજૂરવર્ગના લોકોએ રસ્તા પર આવી અને ટાયરો બાળીને યા તો પોતાને રોજગારી આપવાની અથવાતો બે ટંકનું ભોજન આપવાની માંગ કરી હતી. ગઈકાલે વડાપ્રધાનનું લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત થવાની સાથેજ ફરીથી આ લોકો સુરતની સડકો પર આવી ગયા અને ઘરે જવાની માંગ કરવા લાગ્યા.

ગાંધીનગરમાં તો જે બન્યું એ આંખો પહોળી કરી નાખવા માટે પૂરતું હતું. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને અન્ય બે ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા અને એ પણ એવા સમયે જ્યારે ઇમરાન ખેડાવાલાને તાવ હતો અને જાણવા મળ્યા અનુસાર ગળામાં દુઃખાવો પણ હતો. આ બંને કોરોનાના જ લક્ષણો છે અને ઈમરાનભાઈનો કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ પણ પેન્ડીંગ હતો તેમ છતાં તેમને કયા કારણોસર મુખ્યમંત્રીને મળવાનું યોગ્ય લાગ્યું હશે તે વિચાર કોઇપણ શાણા વ્યક્તિને જરૂર આવે.

આ ત્રણેય ઘટનાઓમાં આપણી તમામની સાર્વત્રિક સમજણનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. એવું નથી કે આ પહેલીવાર બન્યું છે. જ્યારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પણ દિલ્હીમાંથી પરપ્રાંતીયોનું વિશાળ પલાયન જોવા મળ્યું હતું અને તેને ખાળવામાં દિલ્હી સરકાર નિષ્ફળ નીવડી હતી. એ તો આપણા બધાના નસીબ સારા કે દિલ્હીથી યુપી પલાયન કરનારાઓમાંથી એકપણ કોરોના સંક્રમિત ન હતો નહીં તો દેશના સહુથી વિશાળ રાજ્યમાં કેવી અરાજકતા ફેલાઈ હોત? આથી આવું ફરીથી ન થાય તે માટે અન્ય રાજ્ય સરકારો તૈયાર રહે એ જરૂરી હતું.

તેમ છતાં જ્યારે મહામારીને કાબૂમાં લેવા માટે કોઇપણ રાજ્યની સરકાર અન્યત્ર ધ્યાન ન રાખી શકે તો માધ્યમો એટલેકે મિડિયાએ પોતાની જવાબદારી લેવાની જરૂર હતી. પરંતુ આપણું મિડિયા “અમારું કામ તો ‘સાચી’ માહિતી આપવાનું છે” કહીને કાયમ છટકી જતું હોય છે. જ્યારે પહેલીવારના લોકડાઉન બાદ સમગ્ર ગુજરાતમાંથી પલાયન કરીને ઉત્તર ગુજરાત સુધી પહોંચેલા મજૂરભાઈઓને “તમને શું તકલીફ પડી રહી છે?” “રાજ્ય સરકારને અમારો પ્રશ્ન છે” વગેરે જેવા કાયમના સવાલો કરતા મિડિયાકર્મીઓને જોઇને મનમાં એક જ સવાલ થયો હતો કે આવા સમયમાં બધુંજ સરકાર પર ઢોળવાને બદલે પોતે આ મજૂરભાઈઓને કોરોનાની ભયાનકતા વિષે થોડું શિક્ષણ ન આપી શક્યા હોત? શું “અમારી ચેનલ આપ તમામને ઘરેજ રહેવાની અપીલ કરે છે” કે પછી “અમે બહાર છીએ કારણકે તમને અમે પળેપળની ખબર આપી શકીએ અને તમે ઘરે જ રહો” એટલા પૂરતી જ મિડિયાની જવાબદારી છે?

જ્યાં સુધી સુરતની વાત છે તો સુરતમાં ચાર દિવસ અગાઉ ચેતવણી તો મળી જ ગઈ હતી કે પરપ્રાંતીયો હવે જાલ્યા જલાય એમ નથી, તો એવા સમયમાં ત્યાંની સામાજીક સંસ્થાઓ સાથે સરકારે મળીને જાગૃતિ અભિયાન શરુ કરવાની જરુર ન હતી? પરપ્રાંતના લોકો મુર્ખ નથી પણ ભોળા અવશ્ય હોય છે, આથી તેમને પણ જો તેઓ અત્યારે આ શહેર છોડીને પોતાને ઘરે જશે તો કોરોના તેમના અને તેમના પરિવારને કેવું મોટું નુકશાન કરી શકે છે એ ભયાનક ચિત્ર જો એમને યોગ્ય રીતે બતાવવામાં આવ્યું હોત તો એમાંથી એક પણ વ્યક્તિ ત્યાંથી ખસ્યો ન હોત તે ચોક્કસ છે.

સુરતની જ વાત કરીએ તો અહીંના સંસદસભ્ય સી.આર. પાટીલ અને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પોતાના સમાજસેવી કાર્યો માટે ખૂબ લોકપ્રિય છે. ગઈકાલે એમની મુલાકાતો જોઈ ત્યારે એમણે બંનેએ દાવો કર્યો હતો કે ચાર દિવસ પહેલાની ઘટના બાદ તેમણે તમામ પરપ્રાંતીયોને બંને સમય જમવાનું મળી રહે તેની પૂરતી વ્યવસ્થા કરી છે. સુરતની એક વ્યાપારી સંસ્થાના અધ્યક્ષે પણ એક ટીવી ડિબેટમાં ગઈકાલે સવારે આ જ વાતનો પડઘો પાડ્યો હતો. તો પછી શું ફરીથી એમના પલાયન કરવાના પ્રયાસ પાછળ કોઈ રાજકારણ છે? જો બાંદ્રાની ઘટના પાછળ વોટ્સએપ  મેસેજ જવાબદાર હોય તો સુરત પાછળ પણ કેમ ન હોઈ શકે? રાજ્ય સરકારે તેની તપાસ કરાવવી જરૂરી છે.

તાવ હોવાના અને ગળું દુઃખવાના કોરોનાના સ્વાભાવિક લક્ષણો ધરાવતા ઇમરાન ખેડાવાલાની પણ અહીં મોટી ભૂલ છે તો મુખ્યમંત્રીને મળતા પહેલા બે થી ત્રણ સ્તરના સિક્યોરીટી ચેકમાંથી દરેકને પસાર થવું પડે છે એ સિક્યોરીટી સ્ટાફની તો ખૂબ મોટી ભૂલ કહેવાય. શું આવા સમયે મુખ્યમંત્રીને બહારથી મળવા આવનાર દરેકનું થર્મલ ચેકિંગ નહીં થતું હોય? અને જો ન થતું હોય તો આવી મૂર્ખતા કરવા દેવાની જવાબદારી કોની? અને જો થતું હોય તો ઇમરાન ખેડાવાલાને તાવ હતો એ કેમ બહાર ન આવ્યું?

બીજું, દરરોજ કોઈને કોઈ મહાનુભાવ મુખ્યમંત્રી પાસે જઈને રાહતનો ચેક અર્પણ કરતો હોય એવો ફોટો જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો જોરજોરથી કરવામાં આવે છે તો આવા સમયે બંને પક્ષે આ પ્રકારની મુલાકાતો ન ગોઠવાય એ શક્ય નથી? શું ડિજીટલ ઇન્ડિયામાં મુખ્યમંત્રી રાહતકોશમાં ડિજીટલી ફાળો ન આપી શકાય? ફોટો પડાવવો જરૂરી છે? મુખ્યમંત્રી જો કોરોનાના દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરીને તેમના ખબર પૂછી શકતા હોય તો અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવવા માટે સંબંધિત ધારાસભ્યો સાથે ગાંધીનગર બેઠાબેઠા જ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા તેમને માહિતગાર ન કરી શક્યા હોત?

કહેવાય છે કે એ મીટીંગમાં મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ સામેલ હતા તે ઉપરાંત ટોચના અધિકારીઓ પણ હતા. વિચારો જો કોરોનાના દર્દીને મળ્યા બાદ સમાન્ય વ્યક્તિને 14 દિવસના ક્વોરંટાઈનની શરત કડક રીતે પાળવાની હોય અને આ જ નિયમ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી. ગૃહ રાજ્યમંત્રી અને તમામ ટોચના અધિકારીઓ પર પણ લાગુ પાડવામાં આવે અને આવવો જ જોઈએ, તો આવી કટોકટીમાં તાત્કાલિક નિર્ણયો કેવી રીતે લઇ શકાશે? જો હવે વિડીયો કોન્ફરન્સીંગ કામમાં આવવાનું છે તો એ પહેલાં કેમ નહીં?

આપણી સાર્વત્રિક સમજણના અભાવમાં આવા સમયે રાજકારણ ન કરવું એવી સીધીસાદી સમજણ પણ ક્યાંક ચરવા ગઈ હોય એવું લાગે છે. મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ બાંદ્રાની ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે! એમણે કહ્યું કે બે દિવસ અગાઉ જે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વડાપ્રધાન સાથે મીટીંગ થઇ હતી તેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના પરપ્રાંતીયોને ઘરે જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. પરંતુ આદિત્ય ઠાકરે એમ કેમ ભૂલી જાય છે કે એ વિનંતીનો સ્વીકાર થયો કે નહીં એની સ્પષ્ટતા થઇ હતી કે નહીં? અને જો સ્વીકાર થયો પણ હોય તો બાંદ્રા સ્ટેશને અચાનક પહોંચી ગયેલા 5 હજાર લોકોને તેમના પહેલા કેવી રીતે ખબર પડી ગઈ?

તો મિડિયાના અમુક લોકો જેમાં સ્થાનિક અને રાષ્ટ્રીય બંને મિડિયા સામેલ છે અને જે એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ પત્રકારત્વને જ સાચું પત્રકારત્વ માને છે તેમણે તબલીગી જમાતના બનાવ વખતે નરેન્દ્ર મોદીના “જ્યાં છો ત્યાં જ રહો” વાળા વાક્યનો આધાર લઈને જમાતીઓનો બચાવ કર્યો હતો અને આ જ લોકો હવે પરપ્રાંતીયોને ઘેર મોકલવા માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા સરકાર કરે તેવી વકીલાત કરી રહ્યા છે. આવા વિરોધાભાસી સ્ટેન્ડ માત્ર એન્ટી એસ્ટાબ્લીશમેન્ટ પત્રકારત્વ હોવા ઉપરાંત મૂર્ખતાનું પ્રદર્શન પણ છે જે એવું માને છે કે અમે જે કશું પણ લખીશું અને બોલીશું એ જનતા માની લેશે.

આ બધી ઘટનાઓ જોયા પછી એક વિચાર એવો પણ આવ્યો કે આજે પણ લોકો, મારા વિસ્તારની જ વાત કરું તો, કોરોના કેટલો ખતરનાક રોગ છે તેની ગંભીરતા સમજી નથી રહ્યા. આ એવા લોકો છે જે મોર્નિંગ વોક પર ઉપડી જાય છે. આ એવા લોકો છે જે અગાસીમાં ભજીયા પાર્ટી કરે છે. આ એવા લોકો છે જે શેરીમાં કે ફ્લેટના મેદાનમાં ક્રિકેટ રમે છે. અને સહુથી શરમજનક બાબત છે કે આ એવા લોકો છે જે ભણેલા છે અને જેમને હજી પણ એક મહિનો લોકડાઉન ખેંચાય તો ખાવાપીવાની કોઈજ તકલીફ પડવાની નથી.

જો આ સ્તરનો વ્યક્તિ પણ કોરોનાની ભયાનકતાને ગંભીરતાથી ન લેતો હોય અથવાતો જાણીજોઈને લેવા ન માંગતો હોય તો ભોળા અને ઓછું ભણેલા મજૂરોનો શો વાંક? આ લેખ વાંચનાર તમામ વાચકોને મારી વિનંતી છે કે હજી પણ મોડું નથી થયું. લોકડાઉન લંબાયું છે એટલે ઘરમાં જ છો તો ફરીથી ગુગલ મહારાજને થોડી તકલીફ આપો અને કોરોના શું છે, કેવી રીતે થાય છે અને કેટલી ઝડપથી ફેલાય છે અને તેનો ટેસ્ટ કેવી રીતે થાય છે, ક્વોરંટાઈન એટલે શું? આઇસોલેશન એટલે શું? ચીનમાં, ઈટાલીમાં, સ્પેનમાં, અમેરિકામાં આ રોગ આગલો ઝડપથી ફેલાવાના અને આટલા બધા લોકોના મરવાના કારણો જાણો અને આ બધું શોધીને બેથી ત્રણ વખત વાંચો અને થોડી ડરની લાગણી મનમાં જન્મ લે ત્યાંસુધી આપણે પોતે જો ઉપરોક્ત પરિસ્થિતિમાં હોઈએ તો આપણું શું થાય એની કલ્પના કરી જુઓ.

આટલુંજ નહીં પરંતુ આ બધી એક્સરસાઈઝ કર્યા પછી તમને જ્યારે આ રોગની ભયાનકતાનો ખ્યાલ આવી જાય ત્યારે તેના વિષે સોશિયલ મિડિયામાં વધુ નહીં પણ બે લીટી લખો. આ જ રીતે આપણે જ્ઞાન ફેલાવીને અન્ય લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા અંગે સમજાવી શકીશું. અને હા જો તમે કોઈ સમાજીક સંસ્થા સાથે જોડાયેલા હોવ કે એવા કોઈ વ્યક્તિને જાણતા હોવ તો માત્ર પરપ્રાંતીયો જ નહીં પરંતુ તમારી આસપાસ રહેતા કોઇપણ ગરીબ કે લોઅર મિડલ ક્લાસ પરિવારને વધુ નહીં તો બે સમયનું ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરો. કર્યું ક્યાંય જતું નથી એવું આપણા વડીલો કહી ગયા છે. વધુ નહીં તો આટલું કરવાથી આપણે આપણા જીવનના અંતે કદાચ શાંતિથી મૃત્યુને આવકારી શકીએ એટલા આશિર્વાદ તો ઉપરવાળા પાસેથી જરૂર મેળવી શકીશું.

ઘરમાં જ રહો, સ્વસ્થ રહો!

1500નું જ્ઞાન!

અફવા ફેલાવવી ગુનો છે, મિડિયાકર્મીઓ કૃપા કરીને આ વાક્ય પર ખાસ ધ્યાન આપે!

૧૫ એપ્રિલ ૨૦૨૦, બુધવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. ખૂબ સરસ અને સંપૂર્ણ સત્ય હકીકત.

    આપ પણ જ્યારે મીડિયા સામે જાવ ત્યારે આ સત્ય વાત કરતા રહેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here