ભવિષ્યની કલ્પના કરતી મજેદાર લઘુકથા: એક હતો ડોલર!

0
326

વિનીતની સ્કૂલ શટલ બહાર ઉભી રહી. તે દોડીને  તેને લેવા બહાર આવેલા દાદાજીને વળગી પડ્યો.

“દાદાજી, આજે તો કોઈ પાસ્ટની, તમારા જમાનાની એવી વાત કહો કે કાલે સ્કૂલમાં કહું અને તાળીઓ મેળવું.”

“બેટા, પહેલાં ઘરમાં તો આવ? ભૂખ નથી લાગી?”

પૌત્રના હાથમાંથી લેપટોપ અને પ્લે કીટ લેતાં દાદાજીએ કહ્યું અને વિનિતને માથે પ્રેમભર્યો હાથ ફેરવ્યો.

આ 2060ની સાલ હતી. સ્કૂલો પહેલાં ખૂબ ફી ને કારણે 2030 થી 40 ના દસકામાં વર્ચ્યુઅલ બની ગયેલી. બાળકોને વાલીઓ ઘેર જ ભણાવવું પસંદ કરતા. અમુક વર્ષ એ ચાલ્યું, ફુલ્યું ફાલ્યું. પણ અમુક સમસ્યાઓ ઉભી થઈ. એક તો, પહેલાં સ્ટાન્ડર્ડથી પ્રોગ્રામિંગ, ખૂબ વિશાળ અભ્યાસક્રમ. બાળક ઘેર બેસી ભણે અને ન આવડે તો જાય ક્યાં? અને બીજું, માણસને માણસની જીવિત કંપની જોઈએ. એકલું બાળક એ પોતાના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ક્યાંથી કાઢે? અને ઓનલાઈન શીખવનારાઓ તો સ્કૂલ કરતાં અનેક ગણો ચાર્જ લઈ લે.  જો કે હવે ક્યાં નોટમાં આપવાનું હતું? બધું જ વર્ચ્યુઅલ કરન્સીથી થતું.

ફરીથી સ્કૂલો ઉભી થઈ. હા, ટ્રાફિક એટલો તો વધી ગયેલો કે સ્કૂલોએ નાની, મોટી સાઈઝના ડ્રોન જેવી સ્કૂલ શટલો શરૂ કરેલી. 2020 ના વાચકને થાય કે તો તો અમદાવાદનો વિદ્યાર્થી દિલ્હીની પબ્લિક સ્કૂલમાં ભણી શકતો હશે. પણ ના, એ શક્ય ન હતું. ઇન્ટર સીટી ટ્રાફિક એટલો તો વધી ગયેલો કે લોકો  લગભગ 2 થી 5 હજાર કી.મી.  જવા ભૂગર્ભ ટ્યુબટ્રેઇનમાં આવજા કરતા. શહેરોનો વિસ્તાર અને ટ્રાફિક એટલા હતા કે સ્કાય ટેક્ષીઓ કે પ્રાઇવેટ સ્કાય કારો ની પણ નિશ્ચિત કરેલા અવકાશી માર્ગો પર ભીડ રહેતી.

2040 આસપાસ  દૂરનાં શહેરોમાં કે વિદેશ જવા પ્લેન ને બદલે એર શટલો શરૂ થઈ ગયેલી જે ખાસ બેટરીથી ચોક્કસ પ્રકારના પાણીમાંથી હાઇડ્રોજન ઓન વે  છૂટો પાડી તેનાથી દોડતી. આખી પૃથ્વી પર પેટ્રોલનો જથ્થો ખતમ થવા આવેલો પણ વૈજ્ઞાનિકોએ વિદ્યુતના ઉત્પાદનની અલગ અલગ રીતો શોધી રાખેલી. જ્યાં જ્યાં ગતિ ત્યાં ત્યાં કોઈ ને કોઈ જથ્થામાં વિદ્યુત. ભલે પાંચ દસ વોલ્ટ હોય. રમતોને ખાસ ઉત્તેજન અપાતું કેમ કે માનવજાત સ્વસ્થ રહે અને ખેલાડીઓની હલચલથી મેદાન નીચે મૂકેલાં સેન્સરો વિદ્યુત ઉત્પાદન કરે અને સંઘરે.

તો, વિનીત  અમદાવાદનાં તેનાં ઘરમાં  દાદા સાથે આવ્યો.

તેનાં માતા પિતા એક મુંબઈ પાસે અને એક કચ્છથી ઉપર, એક વખતના પાકિસ્તાન દેશમાં કહેવાતા કરાંચીમાં નોકરી કરતાં. પાકિસ્તાન તેના મિત્ર ચીનના રવાડે ચડી જૈવિક હથિયારનો ભારત પર ઉપયોગ કરવા ગયું પણ ચાઇનામાં એક વેળા સત્યાનાશ કરી ગયેલ કોરોના વાયરસની અનેક ગણી ઘાતક આવૃતિએ પાકિસ્તાન ભારત તરફ તે છોડે તે પહેલાં તેની જ પ્રજાનો સફાયો કરી નાખેલો, ભારતીય વૈજ્ઞાનિકોએ સામે છોડેલ માત્ર પ્રતિકારક વાઇરસ કેરિયરો દ્વારા. એ કેરિયરો પણ કયા? જલ્દીથી વૃદ્ધિ પામતા, ‘મલ્ટીપ્લાય’ થતા તીડો. પાકિસ્તાનની ઘણી વસ્તી એમાં નાશ પામી. ભારતે તેને બચાવી પોતાને ત્યાં શરણ આપી શમાવી લીધેલું. આમેય, 2022માં ભારતમાં પસાર થયેલ NCR કાયદા અને ઝુંબેશ બાદ સાબિત થયેલું કે ઘણા ખરા પાકિસ્તાનીઓ આમેય ડ્યુઅલ સિટીઝનશીપ ગેરકાયદે ધરાવતા હતા.

આ સંજોગોમાં કરાંચીથી દૂર નોકરી કરતી વિનિતની બાયોલોજીસ્ટ મમ્મીએ નાના વિનિતને લઈ દાદાજી પાસે અમદાવાદ સેટલ થવાનું નક્કી કરેલું. મુંબઈથી દુર, વાશી થી પણ મધદરિયે નોકરી કરતા વિનિતના પિતા અને વિનિતની માતા હવે એક લેબ અને ઔષધિ ઉત્પાદક કારખાનું અમદાવાદની ભાગોળે (એટલે કે એક વખતના લાલ દરવાજાથી 125 કી.મી. દૂર) કરેલું. બન્ને સાંજે સાત વાગે તો આવવાનાં હતાં.

અમુક લોકો બાળકોને સીધો ખોરાક પેટમાં અને તે રીતે શરીરમાં શોષાઈ જઈ તાત્કાલિક પોષણ મળે તે માટે ટેબ્લેટ જ આપતાં પણ તેને કારણે નવા જ અજાણ્યા રોગો ઉદ્ભવેલા અને કયારેક બાળકની અસામાન્ય વૃદ્ધિ થઈ જતી એટલે વહેલી ઉઠી વિનિતની મમ્મી તેના માટે ટ્રેડિશનલ ભાખરી શાક ને મળતો ક્રશ શાકનો ડફ આટામાં ભેળવી શેકીને બનાવી રાખતી. હજુ પોષણ માટે દૂધ સર્વમાન્ય હતું અને શહેરથી દૂર અલાયદી જગ્યાએ વિશાળ સહકારી ડેરી ફાર્મમાં તેનું ઉત્પાદન થઈ 5 થી 10 લીટરના ટેટ્રા પેકમાં  મોલમાં મળતું જે તેઓ લઈ આવતાં અને વિનીત સ્કૂલથી આવી એ પીતો.

દાદાજીએ વિનિતને એ લંચ આપ્યું, પોતે ખાધું અને વિનિતને પાસે બેસાડી તેની ફરમાઈશ મુજબ કાલે સ્કૂલમાં કહેવા લેપટોપ ખોલી, સામે ભીંત પર હવામાં ટીવી જેવો દ્રશ્ય શ્રાવ્ય વ્યુ રચી વાર્તા કહેવા લાગ્યા.

“જો બેટા, આ છે રૂપિયાની નોટ. અને આ છે ડોલરની નોટ. તો આજની વાત છે, ‘એક હતો ડોલર’.”

“તું હિસ્ટ્રીમાં ભણી ગયો છે ને, કે છેક પ્રાચીન કાળથી સિક્કાઓ અને નોટો પૈસા આપવા લેવા વપરાતા?” દાદાજીએ કહ્યું.

“હા. હરપ્પન સંસ્કૃતિનું હું ભણી ગયો છું. આપણા દેશમાં  પણ શેરશાહ સુરી, મોગલો વગેરે બાદશાહોએ કાઢેલા સિક્કાઓ વિશે પણ.” વિનિતે કહ્યું.

“આપણે ત્યાં કયું ચલણ હતું? કે છે?”

“દાદાજી, રૂપિયો. એના સો પૈસા થતા. રૂપિયાની નોટો 10, 20, 100.. એમ બે હજારની પણ હતી.

અરે દાદા, એક વખત સરકારે અમુક નોટો કેન્સલ કરેલી અને મોટી મોટી લાઈનો નવા પૈસા લેવા થયેલી એ સાચું?”

“હા બેટા. હું પણ ઉભેલો. જે પૈસાનો કોઈ હિસાબ ન હોય કે કોણે આપ્યું, શા માટે આપ્યું, કોને એ મળ્યું, એને કાળું નાણું કહેવાય. એ બહુ વધી ગયેલું અને નોટો સરકાર છાપતી એને બદલે ખાનગી લોકો છાપી મુકવા મંડેલા એટલે સરકારે તેવું કરવું પડેલું.” દાદાજીએ 10 વર્ષનો વિનીત સમજે એમ સમજાવ્યું.

“હવે બેટા, બધા દેશો એક બીજાને પૈસા ચૂકવે તેનો એક નિશ્ચિત દર રહેતો. એમાં પણ જે દેશ પાસે સોનાનો વધુ જથ્થો એ વધુ ધનિક. એમાં વળી હું તારી જેવડો હતો ત્યારે ગલ્ફ કન્ટ્રીઝ માં પેટ્રોલ નીકળ્યું.”

“દાદા, ગલ્ફ કન્ટ્રીઝ ક્યાં છે?” વિનિતે પૂછ્યું.

દાદાએ ભીંત પર દેખાતા ટીવીમાં વર્લ્ડ મેપ કાઢી, સ્ક્રોલ કરી ભારતથી પશ્ચિમે લઈ જઈ સાઉદી, દુબઇ, ઓમાન વગેરે દેશો આવતાં રિમોટથી ઝૂમ કર્યું.

“જો. આ ગલ્ફ કન્ટ્રીઝ. એ વખતે ખૂબ ધનિક હતા પણ આજે પેટ્રોલ લગભગ સમાપ્ત થતાં તેઓ નાના મોટા ઉદ્યોગો ઉપર છે. એમની પાસેથી માલ લઈ એમને કહો, કે પોષતા દેશોમાં આપણો ભારત એક છે. એટલે જ આપણે ખેતી, ખોરાક, કાપડ અને અમુક મશીનો તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વસ્તુઓ બનાવી દુનિયાની પૈસાની દ્રષ્ટિએ મહાસત્તા છીએ. મોટા માણસ. સમજાયું?”

વિનિતે ડોકું હલાવ્યું.

“હવે અમેરિકા તારી સ્કૂલના દાદા, બુલી સ્ટુડન્ટ જેવો. એ કહે અમે ધનિક. બ્રિટન કહે અમે ધનિક. એમાં  ગલ્ફ કન્ટ્રીઝ કુદયા. તેઓ કહે અમે ધનિક.

પછી બધા દેશોના પૈસાનો વહીવટ જુએ એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કહે જેની પાસે સરકારના હાથમાં સોના નો સહુથી વધુ જથ્થો તે બીજા દેશોને ગમે તેટલું દેવું હોય, ચૂકવી શકે એટલે એ વધુ પૈસાદાર એમ ઠરાવ્યું. અમેરિકાનો ડોલર આપણા રૂપિયા જેવો. એ સહુથી સ્ટ્રોંગ ગણાયો.

જો, આ ડોલરની નોટ.”

“તો આજે કેમ એવું કાંઈ નથી? અમેરિકા એટલે મોટો પૈસાદાર દેશ અને ભારત એટલે નાનો એવું કેમ નથી?” વિનિતે પૂછ્યું.

“બે વાત છે. ભારતમાં કચ્છ સરહદે મોટો ધરતીકંપ 2026 માં થયો એમાં રણ પાસે દરિયાની ખાડીમાંથી સોનું નીકળ્યું. બીજી ખાણ મળી આવી હિમાલયની કૈલાસ માનસરોવર નજીકથી. એ તો તને ખબર છે ને, કે ભારતે ચીન પાસેથી કૈલાસ માનસરોવર જીતી લીધેલું?”

“હા. મારા સરે એની વાત ફિલ્મ બતાવી કરેલી. આપણા સિયાચીનની પણ વાત કરેલી.”

“અને બીજું એ બન્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં આપણે આગળ નીકળી ગયા. 2010 માં જે પૈસા ઉપાડવા એટીએમ આવ્યાં, આગળ જતાં ડિજિટલ કરન્સીના આપણે ત્યાં એટલા વ્યવહારો થયા કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે એને, ડિજિટલ કરન્સીને કાયદેસર કરન્સી ગણવી પડી.

હવે સોનાનો જથ્થો એક વખત પેલી નોટબંધી ની જેમ જેટલો હોય તેનું, એક વાર આગળ કહ્યું તે  મોનેટરી ફંડ દ્વારા સહુ દેશોને પેમેન્ટ કરી દેવા કહેવાયું. અમે પત્તાં ની ગેઇમ રમતા, તને ક્યારેક એ બતાવીશ. એમ કાર્ડસ  ઓપન. અમેરિકા પાસે કહેલો એટલો જથ્થો નીકળ્યો જ નહીં.  ધુપ્પલ ચલાવતા હતા. ગલ્ફ કન્ટ્રીઝ પેટ્રોલ સામે હતું તેટલું સોનું ખરીદી ચૂકેલા. પણ એનો જથ્થો ઓછો પડ્યો. ભારતનો સહુથી વધુ. એટલે ભારત સહુથી ઊંચી આર્થિક મહાસત્તા.

ભારત દેશે તો પોતાની ડિજિટલ આપ લે, નેટ બેન્કિંગ, neft , rtgs,  upi ને એવી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ કરાવી દીધી. કોઈ દેશ કોઈને ડોલરમાં ચૂકવે જ નહીં. વર્ચ્યુઅલ કરન્સી કહે તે. બધું જ ઓનલાઈન.

પછી  મોનેટરી ફંડએ કાયદેસર કરી ક્રિપ્ટો કરન્સી.

પેલી નોટ એક વાર કોઈ કમાય એટલે એ બીજાને આપે. જેમ કે તને પપ્પા પોકેટમની આપે, તું એ ફ્રુટવાળાને, એ શટલવાળાને.. એમ ચક્કર ચાલે. અહીં તો એક ટોકન બને. ધારો કે તું ઇનામ જીત્યો. તું કોઈને આપે એટલે એ  નોટ પુરી. કે ટોકન પુરો. કોણ શું કમાયું, ક્યાંથી ને ક્યાં ખરચ્યું તેનો કાયમી રેકોર્ડ કલાઉડ કોમ્પ્યુટિંગ દ્વારા રહે.”

“હા. આવતા વર્ષે અમને કલાઉડ કોમ્પ્યુટીંગ ભણવામાં આવશે.” વિનિતે કહ્યું.

“પાછું તારા પૈસા તું આપે ને સાચો માણસ લે એના માટે એ વ્યવહારનું એન્ક્રીપશન થાય. એટલે કે ગણિતની ભાષામાં ઉલટ સુલટ થઈ જાય. વચ્ચે કોઈ અડપલું કરવા જાય તો ખબર પણ ન પડે કે આ શું છે. એના ઉપર કન્ટ્રોલ તો આપણી રિઝર્વબેન્ક રાખે અને દેશો વચ્ચેના વ્યવહારો ઉપર પેલો મોનેટરી ફંડ.”

“પણ દાદાજી, કોઈ એમાં ફ્રોડ કરે, એ ઓનલાઈન કોઈ હેક કરે તો?”

“ક્રિપ્ટો કરન્સીના વ્યવહારોમાં હું ને તું વાત કરીએ એમ બે મશીનો જ વાત કરે.  એને ઈન્ટરનેટ ઓફ થીંગ્સ કહે છે. માણસે કશું ઓપરેટ જ નહીં કરવાનું.”

“તો દાદાજી, મશીન ભલે ભૂલ ન કરે, એને અક્કલ નથી. એન્ક્રીપશન વાળા વ્યવહારમાં પણ ભૂલ થાય, કોઈ વ્યવહાર એક છેડે સફળ પણ બીજે  છેડે ફેઈલ જાય તો? અને એ બધા મશીનો ઉપર અંકુશ કોણ રાખે? બીજું સુપર મશીન?”

“હા. લગભગ એવું જ. એ વ્યવહાર ને હવે સ્માર્ટ કોન્ટ્રેક્ટ કહે છે. એન્ક્રીપ્ટ વ્યવહાર પતે એટલે એનો રેકોર્ડ રહે. એમ તો અનંત રેકોર્ડ, અનંત સ્પેસ ખાય અને એનું સ્ટોરહાઉસ કોઈ હેક કરે તો? એટલે એની ઉપર પણ ભારતમાં રિઝર્વ બેંકનું ખાસ ખાતું અને દુનિયામાં ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ વ્યવહારની શરતોનું પાલન જુએ છે અને ડેટા પેલો મોનેટરી ફંડ એક થી વધુ જગ્યાએ સુરક્ષિત રાખે. અમુક વ્યવહારો સમયે સમયે ભૂંસી પણ નાખે.

આજે તો એ ડિજિટલ કરન્સી નું બીટકોઈન સ્વરૂપે જ સ્ટોક એક્સચેન્જ પણ બન્યું છે. સ્ટોક એક્સચેન્જ શું તે તને થોડો મોટો થા એટલે સમજાવીશ. પૈસા વધુ કમાવાની જગ્યા એમ સમજ.

પણ એક વાત નક્કી છે. આજે નોટ ને બદલે બધે જ ડિજિટલ વ્યવહારો જ ચાલે છે.”

“વાહ મઝાનું. દાદાજી! તો પેલા બીચારા ડોલરનું કોઈ કામ ન રહ્યું.”

“એમ તો ખાસ સંજોગો સિવાય આપણા દેશમાં આપણા રૂપિયાનું કે કોઈ પણ દેશમાં તેમની કરન્સીનું. એટલે ઇન્ટરનેશનલ લેવલે ક્રિપ્ટો કરન્સી આવી ગઈ. જેનું નામ જ ‘ડિજી મની’ પડ્યું.

આજે બધે એ ડિજિમની જ ચાલે છે. અને બિચારો ડોલર?”

“દાદાજી, મ્યુઝિયમમાં પડ્યો છે અને બીજે આ તમે બતાવી એ ઇમેજમાં. વોશિંગ્ટન વિચાર કરતા બેસી રહ્યા દેખાય છે કે આ શું થઈ ગયું?

કાલે સ્કૂલમાં પ્રોગ્રામમાં એ જ બતાવીશ. એક હતો ડોલર. હતો, હવે નથી. એના આત્મા શાંત થઈને પડ્યો છે.”

આમ કહેતો વિનીત તેનું બેટ લઈ નીચે સેન્સરો વાળાં ગ્રાઉન્ડમાં રમવા દોડી ગયો.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here