પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ અને પાકિસ્તાનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લગભગ 1996 બાદ તેને એક પણ ICC ટુર્નામેન્ટની યજમાની કરવા નથી મળી, પરંતુ હવે PCB પોતાને ત્યાં ICC ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે અધીરું બન્યું છે.

દુબઈ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતાના દેશમાં સંયુક્તપણે ICC ટુર્નામેન્ટ યોજાય તે માટે અધીરું બન્યું છે. શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો થયા બાદ વર્ષો સુધી પાકિસ્તાન પોતાની હોમ સિરીઝ UAEમાં રમ્યું છે અને અત્યારે પણ જુજ ટીમો જ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે તૈયાર થાય છે.
PCBના ચેરમેન એહસાન મનીએ એક પોડકાસ્ટમાં જણાવ્યું છે કે PCB હાલમાં UAE ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચામાં છે અને તે 2023 થી 2031 વચ્ચે રમાનારી ICC ટુર્નામેન્ટ માટે સંયુક્ત દાવો કરવાની કોશિશ કરી રહ્યું છે. એહસાન મનીના જણાવ્યા અનુસાર જો UAE ક્રિકેટ બોર્ડ સાથેની વાતચીત સફળ જાય તો PCBને ઉપરોક્ત સમયગાળામાં એક અથવા બે ICC ટુર્નામેન્ટની યજમાની કરવાની તક મળી શકે તેમ છે.
ICCની અમુક ટુર્નામેન્ટમાં 15 થી 16 મેચો હોય છે જ્યારે અમુક ટુર્નામેન્ટમાં 30 થી 40 મેચો હોય છે. એહસાન મનીના માનવા અનુસાર જો PCB અને UAE ક્રિકેટ બોર્ડને સંયુક્તપણે આ ટુર્નામેન્ટના આયોજનની મંજૂરી મળી જશે તો બંને બોર્ડ સરખેભાગે મેચો વહેંચી લેશે.
ભૂતકાળમાં પાકિસ્તાન ભારત સાથે 1987 અને 1996માં પચાસ ઓવરના વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. હાલના સંજોગોમાં પાકિસ્તાન ભારત સાથે આવનારા ભવિષ્યમાં સાથે મળીને કોઈ ICC ટુર્નામેન્ટની યજમાની કરે તે અશક્ય છે.
જો કે એહસાન મનીએ PCB ICCની કઈ બે ટુર્નામેન્ટ UAE સાથે મળીને કરવાનું વિચારી રહ્યું છે તે અંગે કોઈજ સ્પષ્ટતા કરી નથી. પરંતુ એ શક્ય છે કે તેમનો પહેલો દાવ ઓછી લોકપ્રિય ટુર્નામેન્ટ જેવી કે મહિલા વિશ્વ કપ અથવા તો અન્ડર 19 વર્લ્ડ કપ હોઈ શકે છે, અથવાતો ICC વર્લ્ડ કપ ક્વોલીફાયર્સ પણ તેમના રડારમાં હોય એ શક્ય છે.
eછાપું