આજે વિશ્વ વારસો દિવસ છે એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે! આજે આપણા ગૌરવવંતા વારસાગત સ્થળોને યાદ કરવાની સાથે, આપણે આપણા સાંસ્કૃતિક વારસાને પણ યાદ કરીએ. ‘અમર ચિત્રકથા‘ આવા જ એક સાંસ્કૃતિક વારસાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. અસ્સલ ભારતીય હોય તેને ‘અમર ચિત્રકથા‘ વિશે ખબર ના હોય એવું ભાગ્યે જ બને. આ કથાઓ ભારતના પૌરાણિક પાત્રો, જીવનચરિત્રો, ધાર્મિક વાર્તાઓ અને સાંસ્કૃતિક કહાનીઓ પર આધારિત નાની મોટી નવલિકા અને નવલકથાઓ છે જેના સચિત્ર કોમિક ભારતની છવ્વ્સીસ ભાષાઓમાં પ્રકાશિત થાય છે.
એવું કહેવાય છે કે ‘અમર ચિત્રકથા‘ માટેનો વિચારબીજ અને પ્રસ્તાવ જી.કે. અનંતરામ નામના બેંગ્લોરના એક પુસ્તક વિક્રેતાએ કર્યો હતો. તેના પ્રસ્તાવના કારણે 1965 માં કન્નડ ભાષામાં પ્રથમ ‘અમર ચિત્રકથા‘ કોમિક્સનું નિર્માણ થયેલું. અંગ્રેજી ‘અમર ચિત્રકથા‘નું શીર્ષક 11માં અંકથી થયેલું કારણ કે પ્રથમ 10 અંક કન્નડ ભાષામાં હતા. ‘અમર ચિત્રકથા‘ ક્રમાંક 1 થી 10 પશ્ચિમી પરિકથાઓનું પુનઃઉત્પાદન હતું, જેમાં સિન્ડ્રેલા, અલાદ્દીનનો ચિરાગ, સ્લિપીંગ બ્યુટી જેવી પશ્ચિમી વાર્તાઓનો સમાવેશ થયેલો. આ કથાઓ કન્નડ ભાષામાં પ્રકાશિત થયા પછી હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, તમિલ, તેલુગુ અને મલયાલમ આ સાત ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થઈ.
‘અમર ચિત્રકથા‘નું મુખ્ય કાર્યાલય બોમ્બેમાં હતું જ્યાં મિરચંદાની નામના માણસે કન્નડ ચિત્રકથાઓની સફળતાને જોઈ. પોતાના મિત્ર અનંત પૈ સાથે વાત કરી. યોગાનુયોગ તે જ સમયે એવું બન્યું કે ફેબ્રુઆરી 1967 માં દૂરદર્શન પર એક સવાલ–જવાબ અને ઉખાણાની સ્પર્ધા પ્રસારિત થતી તેમાં એક બાળકને સવાલ પૂછવામાં આવ્યો કે ‘રામાયણમાં રામની માતા કોણ હતી?’ બાળકને જવાબ આવડ્યો નહીં. સ્પર્ધાના બધાં જ સહભાગીઓને ગ્રીક અને રોમન પૌરાણિક કથા સંબંધિત પ્રશ્નોના સહેલાઇથી જવાબ આવડી જતા.
અનંત પૈને આઘાત લાગ્યો કે ભારતીય વિદ્યાર્થીઓ ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓ પરના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકે છે, પરંતુ તેમના પોતાના ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને લોકકથાઓથી અજાણ છે. અનંત પૈને મિરચંદાનીની વાતમાં દમ લાગ્યો અને ભારતીય બાળકોને તેમના સાંસ્કૃતિક વારસા વિશે શીખવવાના પ્રયાસમાં અનંત પૈ દ્વારા આ ‘અમર ચિત્રકથા‘ કોમિકની ભારતીય ભાષાઓમાં શરૂઆત કરવામાં આવી.
અનંત પૈએ એક અદ્ભુત ટીમ બનાવી અને ‘અમર ચિત્રકથા‘ને ભારતવર્ષની એક મહાન બ્રાન્ડ બનાવી. તેમણે શરૂઆતમાં કેટલીક વાર્તાઓ જાતે લખી પરંતુ ટૂંક સમયમાં લેખકો અને સંપાદકોની મુખ્ય ટીમ બની ગઈ જેમાં સબ રાવ, લુઇસ ફર્નાન્ડિઝ અને કમલા ચંદ્રકાંત શામેલ હતા. આ લોકો્નું મુખ્ય કામ કોમિકના લખાણમાં ઇતિહાસની પ્રામાણિકતા અને સંતુલિત ચિત્રણનો પ્રયાસ કરવો, જે ‘અમર ચિત્રકથા‘ની ઓળખ બની ગઈ. માર્ગી શાસ્ત્રી, દેબરાણી મિત્રા અને સી.આર. શર્મા જેવા લેખકો પણ તેમની ક્રિએટીવ ટીમમાં જોડાયા. અનંત પૈ એ હવે મોટાભાગની સ્ક્રિપ્ટો પર સંપાદક અને સહ–લેખકની ભૂમિકા સંભાળી. રામ વાઈરકર, કૃષ્ણ, દિલીપ કદમ, સી.એમ. વિટણકર, સંજીવ વાઈરકર, સૌરેન રોય, સી.ડી. રાણે, અશોક ડોંગરે, વી.બી. હળબે, જેફરી ફોવર, પ્રતાપ મલ્લિક અને યુસુફ લિયન ઉર્ફ યુસુફ બેંગ્લોરવાળા પણ તેમની ટીમમાં જોડાયા.
પહેલી દસ શ્રેણી અંગ્રેજી વાર્તાઓ પર આધારિત હતી પરંતુ ક્રમાંક 11 થી ભારતીય કથાઓનો આધાર લેવામાં આવ્યો. ‘અમર ચિત્રકથા‘ જૂની શ્રેણી (ક્રમાંક 11 થી ક્રમાંક 436 સુધી) અને નવી શ્રેણી (ક્રમાંક 501 થી શરૂ) એમ બે શ્રેણીમાં પ્રકાશિત થઈ. સામાન્ય રીતે જૂની શ્રેણીના શીર્ષક નવી શ્રેણીમાં ફરીથી છાપવામાં આવ્યા પણ ડીલક્સ ફોર્મેટમાં. કોઈ કોઈ પાત્રો અને વાર્તાઓ (નેપોલિયન બોનાપાર્ટ, લૂઇસ પાશ્ચર વગેરે) ફક્ત જૂની શ્રેણીમાં જ હતા અને કેટલાક પાત્રો અને વાર્તાઓ (કલ્પના ચાવલા, જે.આર.ડી. ટાટા) ફક્ત નવી શ્રેણીમાં જ દેખાયા.
ક્યારેક ક્રમાંક 10001થી શરૂ થતાં ત્રણ કે પાંચ ભાગમાં સ્પેશિયલ અંકો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેમાં વાલ્મિકી રામાયણ, દશાવતાર, ઈસુ ખ્રિસ્તનો સમાવેશ થયો. તુલસીદાસ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને મહાત્મા ગાંધી જેવા અંકો કોઈ પણ પ્રકારના ક્રમાંક વગર પ્રકાશિત કરવામાં આવેલા.
કૃષ્ણ, શકુંતલા, પાંડવ, સાવિત્રી, રામ, નળ દમયંતિ, રાજા હરિશચંદ્ર, હનુમાન, રામના પુત્રો, ચાણક્ય, બુદ્ધ, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, કર્ણ, શિવ–પાર્વતી, વાસવદત્ત, શિવાજી, વિક્રમાદિત્ય, મીરાબાઈ, ભિષ્મ, અભિમન્યુ, પ્રહ્લાદ, પદ્મિની, ગુરુ નાનક, ઉલુપી, રાણી લક્ષ્મીબાઈ, ઉર્વશી, ઘટોત્કચ, કબીર, વાલ્મિકી, વિશ્વામિત્ર જેવા કેટલાય પૌરાણિક પાત્રોને ‘અમર ચિત્રકથા‘માં આવરી લેવાયા છે. 1970 ના દાયકાના અંત સુધીમાં, એક મહિનામાં લગભગ 700,000 નકલો વેચાતી એટલે કે એક વર્ષમાં 5૦ લાખ નકલો વેચાતી હતી.
‘અમર ચિત્રકથા‘ને વિશ્વભરમાં તેના ‘ટ્રેઝર્સ ઑફ ઇન્ડિયા‘ નામના કાર્યક્રમ હેઠળ રજૂ કરવામાં આવી. અમર ચિત્રકથાની સાથે, અંકલ પૈ (અનંત પૈને બાળકો ‘અંકલ પૈ‘ના હુલામણા નામથી ઓળખતા) એ ‘ટિંકલ‘ નામનું એક મેગેઝિન પણ શરૂ કર્યું, જેમાં હાસ્યવાર્તાઓ અને શાળાના બાળકોને નિયમિત રૂચિની આવડ રહે તેવી કોલમ હોય. બાળકોને તેમાંથી ‘શીખવાની‘ મજા તો મળે જ પણ બાળકોને ટિંકલની એક અલગ ઘેલછા છે, હતી અને રહેતી. ‘શિકારી શંભુ‘ અને ‘સુપંડી‘ જેવા પાત્રો બાળકોના ફેવરિટ છે, જે શરૂઆતથી જ ટિંકલ પરિવારનો ભાગ રહ્યા છે અને આજ સુધી છે. નવી શરૂ થયેલી શ્રેણીઓમાં બાળકો માટે સામાયિક સિવાય ટીશર્ટ્સ અને મોબાઈલ ફોનના કવર પણ શામેલ છે.
‘અમર ચિત્રકથા‘ની છત્રછાયામાં જ ‘નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન‘ અને ‘નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર‘ આ બંને સામાયિકો પર્યાવરણીય અને વૈજ્ઞાનિક સંશોધન અને ઇકોલોજીકલ સંરક્ષણમાં મોખરે રહ્યા છે. તેની અદભૂત ફોટોગ્રાફી અને શૈક્ષણિક સામગ્રી આવતી કાલના ઉભરતા શોધક અને સ્વપ્નદ્રષ્ટા બાળકો માટે એક ગિફ્ટ સમાન છે. ટ્રાવેલર સામાયિક મુસાફરીમાં વિવિધતા, જુના સ્થળો પર નવો દેખાવ, નવી મુસાફરીની તકો, પર્યાવરણ–પર્યટન જેવા મુદ્દાઓ પ્રકાશિત કરે છે.
કોઈ પણ પ્રચલિત વસ્તુની લોકો નિંદા ન કરે તો તે સફળ ન થાય. ‘અમર ચિત્રકથા‘ સાથે પણ એવું થયેલું છે. ‘અમર ચિત્રકથા‘ની ટીકા મુખ્યત્વે બે મુખ્ય મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત છે: સામ્યવાદ વિરોધી વિચારધારા અને લઘુમતીઓનું ચિત્રણ. લગભગ ટીકામાં એવું તારણ આવ્યું કે ‘અમર ચિત્રકથા‘ હિન્દુ રાષ્ટ્રવાદની થીમ સાથે વ્યાપકપણે સંકળાયેલી છે. વાર્તાઓની ઘણી વાર ઇતિહાસના વિકૃત નિરૂપણ તરીકેની ટીકા પણ કરવામાં આવી છે, જેમાં બહાદુર હિંદુ રાજાઓના પાત્રોને ‘સારા‘ અને મુસ્લિમ પાત્રોને ‘ખરાબ‘ દર્શાવવામાં આવ્યા. તેમ છતાં પ્રકાશકોએ રઝિયા સુલતાન, બચ્ચા ખાન, પ્રખ્યાત પક્ષીવૈજ્ઞાનિક સલીમ અલી અને બીજી ઘણી મુસ્લિમ સમુદાયની મહાન હસ્તીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક નવી નવી શ્રેણી રજૂ કરી છે.
આ કોમિક શ્રેણીનો હેતુ ફક્ત અને ફક્ત ભારતીય પુરાણકથાઓ વિશે જાગૃતિ લાવવાનો અને જ્ઞાન ફેલાવવાનો હતો. આમાં મહાકાવ્યો, પૌરાણિક કથાઓ, દંતકથાઓ અને રમૂજ સહિત વિવિધ શૈલીઓ પર ધ્યાન કેન્દ્રિત થયું. યુદ્ધમાં સફળ થનારા બહાદુરની વાર્તાઓ પણ ખૂબ પ્રચલિત બની. આજની તારીખમાં 1 અબજથી પણ વધુ નકલો વેચાઈ છે. ભારતના તમામ મોટા પુસ્તક રિટેલરો પાસે, સેંકડો નાના બુક સ્ટોર્સમાં અને હજારો વિક્રેતાઓમાં ‘અમર ચિત્રકથા‘ ખૂબ લોકપ્રિય છે.
સંદર્ભઃ
https://www.amarchitrakatha.com/in/
https://en.wikipedia.org/wiki/List_of_Amar_Chitra_Katha_comics
eછાપું