મોઢે બોલું મા, સાચેય નાનક સાંભરે…કવિ દુલા ભાયા કાગની આ પંક્તિ ‘મા’ અને ‘બાળપણ’નો સીધો સંબંધ દર્શાવે છે. ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વના દરેક સાહિત્યમાં ‘મા’ વિશે અઢળક લખાયું છે અને લખાતું રહેશે. આવી જ એક વાત આજે કરવી છે, જે પોતાના બાળક માટે અજાણ્યા લોકોને એક અજીબ વિનંતી કરે છે.

આવી જ વાત છે અમેરિકાના એક ચાર વર્ષના બાળક નોહ ફિશર (Noah Fisher)ની. નોહની માતા લિંડસે ફિશર (Lindsey Fisher) અમેરિકામાં રહે છે અને તેના 4 વર્ષના દીકરા નોહને અચાનક આંખોમાં દર્દ શરૂ થાય છે. ડોક્ટરી તપાસમાં માલૂમ પડે છે કે નોહને બંને આંખમાં સમસ્યા છે અને જાડા કાચવાળા ચશ્મા પહેરવા પડશે. માતા-પિતા બંને આ વાતે સહમત થાય છે અને નોહ માટે ચશ્મા બનાવડાવે છે, પણ નોહ ચશ્મા પહેરવા રાજી નથી થતો.
ચાર વર્ષનો નોહ તેની માતાને વિનંતી કરે છે કે પ્લીઝ મને ચશ્મા નહીં પહેરાવ. તેની માતા તેને પૂછે છે કે કેમ નથી પહેરવા, ત્યારે નોહ રડવા લાગે છે. નોહને રડતો જોઈ માતાનું હ્રદય દ્રવી ઊઠે છે અને નોહને ફરી પૂછે છે. ત્યારે નોહ પોતાના મીઠડા અવાજે રડતાં રડતાં કહે છે – કારણ કે બધાં મને જોઈને હસવા લાગશે!
કોઈ યુવાન અને આધેડ વયના માણસને અચાનક ચશ્મા પહેરવા પડે ત્યારે પણ નાક પર લટકતા બે કાચ ખૂબ જ ખૂંચે છે. તો બિચારા નોહની શું વિસાત? સાચી વાત છે. તમે જો ચશ્મા પહેરતા હશો તો તમારા માટે એક પ્રશ્ન છેઃ કોઈ કારણસર તમારે ચશ્મા પહેરવા પડશે એ વાત પહેલી વાર ખબર પડી ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હતી? તમે પહેલી વાર ચશ્મા પહેર્યા ત્યારે તમને કેવું લાગ્યું? કેવા વિચારો આવ્યા – ચશ્મા કેવા લાગશે, લોકો શું કહેશે? વગેરે વગેરે.
લિંડસે ફિશરે નોહની વાત સમજી અને એક કિમીયો કાઢ્યો. તેણે ફેસબુક પર એક પેજ બનાવ્યું અને નામ આપ્યું – Glasses for Noah.
આ પેજના વર્ણનમાં લખ્યું: Our sweet 4-year old, Noah, just got glasses and is having a hard time adjusting. The saddest part is that he doesn’t want to wear them because, as he keeps telling us that “everyone will laugh at him”. Soooo… Let’s show Noah how awesome glasses really are by posting some pictures for him to see you in your glasses!
(અમારા 4 વર્ષ ના મીઠડા નોહને તાજેતરમાં જ ચશ્મા લાગ્યા છે પણ તે તેને બંધબેસતા નથી. સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે ‘લોકો તેની સામે જોઈને હસશે’ એવા ડરથી નોહને ચશ્મા પહેરવા નથી. તો તમે બધાં તમારા પોતાનો ચશ્માવાળો ફોટો અહીં પોસ્ટ કરો અને નોહને કહો કે ચશ્મા કેવા અદ્ભૂત હોય છે!)
નોહની માતાએ આ પેજ ફક્ત તેના પરિવારજનો અને મિત્રો માટે શરૂ કર્યું હતું પરંતુ સોશિયલ મિડીયાનો પ્રભાવ તેણીની આ વિનંતી અજાણ્યા લોકો સુધી લઈ ગયું. આખા અમેરિકામાંથી હજારો લોકોએ પેજ લાઈક કર્યુ અને સેંકડો લોકોએ પોતાનો ચશ્મા પહેરેલો ફોટો પોસ્ટ કર્યો અને સાથે પ્રેરણાદાયક કંઈક સંદેશ પણ આપ્યો. આવા કેટલાક ઉદાહરણો અહીં મૂકું છું:
1) એક ચશ્મીશ ભાઈએ હનુમાનની જેમ છાતી ફાડીને પોતાનું શર્ટ ખોલીને અંદરનું ટીશર્ટ બતાવ્યું – જેમાં સુપરમેનનું પ્રતીક હતું. તેનો સંદેશ હતોઃ સુપરહીરો હોય તે જ ચશ્મા પહેરે.
2) એક ત્રણ વર્ષની છોકરીનો ચશ્મા પહેરેલો ફોટો તેની માતાએ પોસ્ટ કર્યો.
3) એક છત્રીસ વર્ષની દીકરી અને માતા – બંનેએ ચશ્મા પહેરેલા ફોટા નોહના પેજ પર મૂક્યા.
4) બૅટમેનના હીરો ક્રિશ્ચિયન બેલનો ચશ્માવાળો એક ફોટો પોસ્ટ કરીને તેના એક સમર્થકે લખ્યું, “નોહ, જો બૅટમેન પણ ચશ્મા પહેરે છે”.
5) “હે નોહ! ફક્ત કૂલ લોકો જ ચશ્મા પહેરે છે !! બી પ્રાઉડ લિટલ મેન!” કહીને એક બીજા સમર્થકે પોતાનો ચશ્મા પહેરેલો ફોટો મૂક્યો.
6) બીજી એક માતાએ લખ્યું, “હાય નોહ, આ મારો નાનો છોકરો છે જેનું નામ કેનુ છે. 3 વર્ષની ઉંમરથી ચશ્મા પહેરવા પડ્યા અને આજે તે 9 વર્ષનો છે. અત્યાર સુધી તેને ક્યારેય ચશ્મા પહેરવાની કોઈ સમસ્યા આવી નથી, કોઈએ તેની ક્યારેય હાંસી નથી ઉડાડી કે ક્યારેય કોઈએ તેને નાપસંદ કર્યો નથી. કેનુ હંમેશાં સૌથી અજીબોગરીબ ફ્રેમ પણ વાપરે છે આ જો તેના ફોટાઓ.”
નોહની માતા રોજ રાત્રે નોહને જે તે દિવસે પોસ્ટ થયેલા ફોટાઓ અને સંદેશો સંભળાવતી. નોહને આ વાતથી પ્રોત્સાહન મળ્યું અને તેણે ચશ્મા પહેરવાના શરૂ કર્યા. Jonas Paul Eyewear નામની કંપનીએ થોડાં જ દિવસમાં નોહને નવી નવી ચશ્માની ફ્રેમ મોકલી અને Eric Barclay નામના લેખકે I Can See Just Fine નામનું પુસ્તક પણ મોકલ્યું. ધીમે ધીમે 30 દેશોમાંથી નોહને સંદેશાઓ મળ્યા. નોહના માતાપિતાએ આ પ્રકારના પ્રતિભાવની જરા પણ અપેક્ષા નહોતી.
નોહની માતાએ લખ્યુંઃ નોહ હવે તેના નવા ચશ્મામાં ઘણું સારું અનુભવી રહ્યો છે. અમને તે જોઈને અચરજ થઈ કે કઈ રીતે આ વર્ચ્યુઅલ સમાજના અજાણ્યા લોકોએ એક નાના બાળકની મદદ માટે પોતાના વ્યસ્ત દિવસોમાંથી સમય કાઢીને પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને સંદેશાઓ લખ્યા. આ લોકો નોહને કદી મળ્યા નથી પણ ફક્ત અને ફક્ત સોશિયલ મિડીયા દ્વારા જ જાણે છે. મને ખબર નથી કે હજી કેટલા ફોટા પોસ્ટ થશે અને કેટલા લાઈક મળશે, પણ જ્યાં સુધી ફોટા આવતાં જશે હું રોજ રાત્રે નોહને ફોટા બતાવતી જઈશ.
છેલ્લે એક ‘થેન્ક યુ’ નોંધ લખતાં નોહના માતા-પિતાએ લખ્યું, “Thank you SO much for all of the photos – Noah is LOVING them!! Facebook won’t let me share any more of your pictures at the moment – but please keep them coming! Y’all are amazing and we would give each of you a hug if we could!!!”
***
આ વાત સન 2013ની છે જ્યારે નોહ 4 વર્શનો હતો. આજે નોહના આ પેજને 79,548 લોકોએ લાઈક કરેલું છે અને 77,801 લોકો ફોલો કરે છે. તમે પણ તેના પેજની લટાર મારી આવો. નોહનું ફેસબુક પેજઃ https://www.facebook.com/glassesfornoah/
સંદર્ભઃ
eછાપું