શું અમદાવાદમાં કોરોનાના આંકડા ખરેખર ભયજનક છે ખરા?

0
420
Photo Courtesy: tv9gujarti.in

ડિસ્ક્લેમર: આ આર્ટીકલ તજજ્ઞ દ્વારા લખવામાં આવ્યો નથી. આ આર્ટીકલનો આધાર અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને ગુજરાત સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની છેલ્લા બે-ત્રણ દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પ્રસ્તુત કરવામાં આવેલા કેટલાક આંકડાઓને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરે છે.

Photo Courtesy: tv9gujarti.in

“ગુજરાતમાં વધી રહેલો કોરોનાનો કહેર!”

“અમદાવાદ બન્યું દેશનું ત્રીજું સહુથી મોટું હોટસ્પોટ.”

“કોરોનાથી સુરતની પરિસ્થિતિ બની ગંભીર.”

આ પ્રકારની હેડલાઈન્સ તમે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતી ન્યૂઝ ચેનલો પર વાંચી રહ્યા હશો. મજા પડે એવી વાત એવી છે કે આ પ્રકારના વાક્યો આપણા ટીવી સ્ક્રિન પર ત્યારે પણ ચમકતા હોય છે જ્યારે ગુજરાત સરકારના અગ્ર સચિવ જયંતિ રવિ અને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમ આવી રીતે કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે તેની વિગતે સમજણ આપી રહ્યા હોય અને છેલ્લે એવા વાક્યો પણ ઉમેરતા હોય કે “આમ થવું સ્વાભાવિક છે” અથવાતો “આનાથી આપણે ડરવાની બિલકુલ જરૂર નથી.”

તો શું ખરેખર મિડિયા આપણને ડરાવી રહ્યું છે? કે પછી ઉપરોક્ત બંને ઉચ્ચ અધિકારીઓ આપણને ખોટેખોટું સમજાવી રહ્યા છે? ભારતના કે ગુજરાતના મિડિયા પર કેટલો ભરોસો કરવો એ દરેકની વ્યક્તિગત સમજણ પર છોડી શકાય, પરંતુ મહામારીના આ ભયાનક કાળમાં આપણી પાસે સરકારના આંકડાઓ અથવાતો સરકાર દ્વારા આપવામાં આવતી હૈયાધારણને માનવા સીવાય અન્ય કોઈ માર્ગ છે ખરો? નથીને? તો ચાલો આગળ વધીએ.

અમદાવાદમાં બેશક દરરોજ કોરોના સંક્રમિત કેસો વધી જ રહ્યા છે. પરંતુ શું કમ્યુનિટી સ્પ્રેડ જે આ રોગ ફેલાવવા માટે અત્યંત ખતરનાક હથિયાર છે તે થયું છે ખરું? આ સવાલનો જવાબ હા અને ના બંનેમાં છે. હા એટલા માટે કારણકે લગભગ પંદર દિવસથી પણ વધુ સમય અગાઉ અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અમદાવાદ શહેરની અંદર જ (મોટાભાગે કોટ વિસ્તાર) હોટ સ્પોટ્સ ઓળખી કાઢ્યા હતા અને તેને સીલ કરી દીધા હતા. આ હોટસ્પોટ્સ વિસ્તારો એવા વિસ્તારો હતા જ્યાં સહુથી વધુ સંખ્યામાં સંક્રમિત લોકો હતા. હવે આ વિસ્તારોને સીલ કરી દેવાથી સંક્રમિત વ્યક્તિ ન તો એ વિસ્તારની હદમાંથી બહાર નીકળી શકે કે ન તો કોઈ સ્વસ્થ વ્યક્તિ તેની અંદર ઘુસી શકે આટલી હકીકત દરેકના મનમાં સ્પષ્ટ થઇ જવી જોઈએ.

હવે વાત કરીએ અમદાવાદમાં દરરોજ વધતા જતા કેસીઝની. તો અમદાવાદના 99 કેસમાંથી 77 કેસ હોટસ્પોટ્સમાંથી મળી આવ્યા હતા. જ્યારે બાકીના 22 બહારના હતા. તો એ હકીકત સ્પષ્ટ છે કે કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં કાબુ હેઠળ છે. પરંતુ તેમ છતાં નવા કેસોની સંખ્યા વધી રહી છે તેની પાછળનું મૂળ કારણ છે કે કોર્પોરેશને છેલ્લા ત્રણ દિવસમાં ટેસ્ટીંગની સંખ્યા પણ ખૂબ વધારી દીધી છે. ગઈકાલના આંકડા અનુસાર અમદાવાદમાં દરરોજ દર દસ લાખની સંખ્યા સામે 2490 એટલેકે ઓલમોસ્ટ 2500 જેટલા વ્યક્તિઓના ટેસ્ટ થઇ રહ્યા છે. આની સામે સમગ્ર ગુજરાતની ટેસ્ટ કરવાની એવરેજ દર દસ લાખની વસ્તીએ 400 ની આસપાસ છે.

તો શું આટલા બધા લોકો સંક્રમિત હશે કે એમના ટેસ્ટ કરવા પડે? આવો સવાલ પણ મનમાં જરૂર આવે. આ સવાલનો જવાબ ના છે. વૈશ્વિક ડેટા એ સાબિત કરી ચૂક્યો છે કે કોરોના સંક્રમિત વ્યક્તિઓમાંથી 80% વ્યક્તિઓ એવી હોય છે જેમાં શરૂઆતમાં કોરોનાનું એક પણ લક્ષણ નથી હોતું. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ શહેર કમિશનર વિજય નહેરાએ સરળ ભાષામાં સમજાવ્યું કે બે પ્રકારના લોકોના ટેસ્ટ થતા હોય છે. એક તો એવા વ્યક્તિ જેને કોરોનાના લક્ષણ દેખાતા તે હોસ્પિટલમાં આવે છે અને ટેસ્ટ કરાવતા હોય છે અને બીજા એવા વ્યક્તિઓ હોય છે જેમની પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેલ્થ વિભાગ ખુદ જઈને ટેસ્ટ કરતો હોય છે.

જેમના ઘરે આવીને ટેસ્ટીંગ થતું હોય છે તેમનામાં કોરોનાના લક્ષણ નથી હોતા પરંતુ એ સંક્રમિત હોવાના પરિણામ ટેસ્ટીંગ બાદ જરૂર મળતા હોય છે. એટલે આ રીતે કોરોનાથી સંક્રમિત વ્યક્તિને એવા સ્ટેજ પર ઓળખી લેવામાં આવે છે જ્યારે તેનામાં કોરોનાના લક્ષણો ન હોય પરંતુ તેને ચેપ લાગ્યે હજી થોડો જ સમય થયો હોય છે જેથી તેની હાલત બગડે એ પહેલા જ તેનો ઉપચાર શરુ થઇ જતો હોય છે. વિજય નહેરાએ ગઈકાલે જે આંકડા આપ્યા એની ટકાવારી જોઈએ તો અમદાવાદના હાલના 1000+ કેસોમાંથી લગભગ 70-80% કેસ આ રીતે વહેલા ટેસ્ટીંગને લીધે જાણમાં આવ્યા છે. સરળ ભાષામાં કહીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી પહેલા જ પાળ બાંધી રહ્યું છે.

આથી, છેલ્લા ત્રણ દિવસમાં AMC દ્વારા આક્રમક ટેસ્ટીંગ શરુ કર્યું હોવાથી અચાનક જ કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો હોવાનું આપણને લાગે છે. પરંતુ જો શાંતિથી વિચારીએ તો એમ લાગે છે કે એક દિવસ તો આ આંકડો સામે આવવાનો જ હતો, કારણકે કોરોનાના લક્ષણો એક અભ્યાસ અનુસાર ચેપ લાગ્યાના ચોથા દિવસથી માંડીને ચૌદમાં દિવસ બાદ દેખાતા હોય છે. હવે જો આ પરિસ્થિતિમાં સંક્રમિત વ્યક્તિ કોઈ અન્ય રોગ જેવો કે કિડનીની બીમારી, ડાયાબીટીસ, હાર્ટ ટ્રબલ વગેરેથી પીડાતો હોય તો લક્ષણ દેખાવવાની સાથેજ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેના બચવાના ચાન્સીઝ કેટલા? તેના બદલે આ આક્રમક ટેસ્ટીંગને કારણે જે આંકડાઓ 14 દિવસ બાદ સામે આવત અને જેમાંથી મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા વધુ હોત તેને બદલે આજે જ આપણી સામે આવી ગયા જેથી આ વ્યક્તિઓને હવે યોગ્ય સારવાર મળશે અને પ્રભુની દયાથી આ તમામ સાજા પણ થઇ જશે.

આપણે બધાંજ સાઉથ કોરિયાનું ઉદાહરણ વાંચીને ખુશ થતા હોઈએ છીએ કે તેણે કેટલી ઝડપથી કોરોના પર કાબુ મેળવી લીધો. પરંતુ સાઉથ કોરિયાની સફળતા પાછળનું એક કારણ આ આક્રમક ટેસ્ટીંગ પણ છે. હવે આ જ પદ્ધતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અપનાવી છે. આથી હજી બીજા ત્રણ દિવસથી માંડીને અઠવાડિયા સુધી અમદાવાદમાં કેસની સંખ્યાનો આંકડો મોટા કૂદકાઓ મારતો જ રહેશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ ત્યારબાદ જ્યારે મોટાભાગના અમદાવાદના હોટસ્પોટ્સમાં ટેસ્ટીંગ પૂર્ણ થઇ જશે ત્યારબાદ આ આંકડો નાટકીય રીતે નીચે પણ આવશે.

પરંતુ, તેનો મતલબ બિલકુલ નથી કે આપણે બેદરકાર બનીએ. ઉપર હોટસ્પોટ્સ સિવાયના વિસ્તારોમાં જોવામાં આવેલી કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તેમને ચેપ તો આવા હોટસ્પોટ્સ અથવાતો ગુજરાત કે ભારત બહારથી આવેલા વ્યક્તિઓથી જ લાગ્યો છે. આ ઉપરાંત કોરોના સામે અકસીર એવી પ્લાઝમાની સારવાર પણ ગુજરાતમાં શરુ થઇ ગઈ છે એટલે રાહતની લાગણી થાય એ પણ સ્વાભાવિક છે, પરંતુ આપણે હજીપણ social distancing જાળવવાનું છે જ, માત્ર 3 મે સુધી જ નહીં પરંતુ ત્યારબાદ પણ આવનારા ઘણા મહિનાઓ સુધી.

જો ગુજરાતમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 1700ને પાર ગઈ છે અને આપણો મૃત્યુદર સમગ્ર દેશમાં ત્રીજો છે એમ કહીને આપણને ગભરાવવામાં આવતા હોય તો 100થી વધુ લોકો સાજા થઈને પણ ઘરે ગયા છે. જો એક જ દિવસમાં 250થી પણ વધુ લોકો ગઈકાલે સંક્રમિત થયા છે તો પંદર દિવસ પછી આ જ લોકો સાજા થઈને એટલેકે એકજ દિવસમાં 250 લોકો સાજા થઈને ઘરે પરત પણ થવાના છે અને ધીમેધીમે આ બધા લોકોના પ્લાઝમા અથવાતો આમાંથી મોટાભાગના લોકોના પ્લાઝમા કોરોના સામે ગંભીર લડાઈ લડતા લોકોને કામમાં આવવાના છે.

તેમ છતાં, જેમ વિજય નહેરાએ બે દિવસ પહેલા કહ્યું કે તમારી સામે આવનારો દરેક વ્યક્તિ કોરોના સંક્રમિત છે એવું જ્યાં સુધી દરેક વ્યક્તિ મનમાં નહીં વિચારે ત્યાં સુધી આ રોગનો ચેપ ફેલાતો જ રહેવાનો છે. આથી ડરો નહીં પરંતુ થોડુંક ગભરાજો ખરા. કોરોનાથી મરનારા કરતા બચી જનારાઓ વધુ છે, પરંતુ આપણી બેદરકારીને લીધે પંદર દિવસ જે ડોક્ટરો આ મહામારીને કારણે ગંભીરરીતે બીમાર વ્યક્તિની સારવારમાં પોતાના પંદર દિવસ આપવાના હતા એ આપણને આપે એવું તો આપણે શા માટે કરવું જોઈએ?

તો? ઘરે જ રહો અને સુરક્ષિત રહો.

1500નું જ્ઞાન

કોરોના ટેસ્ટીંગનું અમદાવાદ મોડલ આવનારા દિવસોમાં દેશના દરેક શહેરે અપનાવવું જ પડશે.

– વિજય નહેરા (કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

૨૦ એપ્રિલ ૨૦૨૦, સોમવાર

અમદાવાદ

eછાપું       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here