Late Review – Contagion 9 વર્ષ પછી ફરી એકવાર સુપરહિટ થયેલી ફિલ્મ

0
440
Photo Courtesy: wall.alphacoders.com

Contagion (ઉચ્ચાર: કંટેજીયન), જે ઓશન્સ 11 જેવી સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર સ્ટીવન સોડરબર્ગ ની 2011ની ફિલ્મ છે, એ 2020માં ફરી એકવાર લોકપ્રિય થઇ છે. અમેરિકન આઈ ટયુન્સમાં પોપ્યુલર ફિલ્મોમાં સાતમા નંબરે છે અને વોર્નર બ્રધર્સના કહેવા પ્રમાણે હેરી પોટર પછી Contagion બીજા નંબરે છે, જે નવેમ્બર 2019માં 270માં નંબરે હતી. પાઈરસી અને ટોરેન્ટ સાઈટના કહેવા પ્રમાણે આ ફિલ્મના પેજ પર સામાન્ય કરતા 500 ગણો ટ્રાફિક છે. આ 9 વર્ષ જૂની ફિલ્મનું અચાનક લોકપ્રિય થવાનું કારણ શું?

Contagion નું થિયેટ્રિકલ પોસ્ટર: Courtesy IMDB

Late Review: Contagion (2011)

ભાષા: અંગ્રેજી 

નિર્દેશક: સ્ટીવન સોડરબર્ગ 

કલાકારો: મેરિયોન કોટીયાર્ડ(Marion Cotillard)(ડો. ઓરાન્ટેસ), મેટ ડેમન(મિચ એમહોફ), લોરેન્સ ફિશબોર્ન(ડો. ચીવર), જ્યુડ લૉ(અલાન ક્રમવિડ), ગ્વેનીથ પેલ્ટ્રો(બેથ એમહોફ), કેટ વિન્સલેટ(ડો. મિયર્સ), બ્રાયન ક્રેન્સ્ટન(રિયર એડમિરલ હેગર્ટી), જેનિફર એહલે(ડો. હેકસ્ટલ)

રન ટાઈમ: 106 મિનિટ (1 કલાક 46 મિનિટ)

સ્ટ્રીમિંગ લિંક: પ્રાઈમ વિડિયોઝ

https://www.primevideo.com/detail/0JXMPTDI3UA6OQ4UO75DU7I0QU/ref=atv_sr_def_c_unkc__1_1_1?sr=1-1&pageTypeIdSource=ASIN&pageTypeId=B07X3MYPDB&qid=1587281568

ફિલ્મ Contagion વિષે થોડું

આ ફિલ્મ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની વાત નથી, પણ એક ઘટના અને એ ઘટનાની અલગ અલગ લેવલ પર અલગ અલગ વ્યક્તિઓને કેવી અસરો થાય છે એના ઉપર છે. અને આ ઘટના છે એક વાયરસનો ચીનથી વિશ્વમાં બધે ભયંકર ફેલાવો. અત્યારે જે કારણે લોકડાઉનમાં લગભગ મહિના દિવસથી હું, તમે અને આપણે બધા જે રીતે સ્વસ્થ અને સુરક્ષિત  રહેવા ઘરમાં જ પુરાઈ રહ્યા છીએ એ કારણ એટલે કોરોના વાયરસની જેવી જ ઘટનાઓ આ ફિલ્મમાં કહેલી છે. એ વાયરસ કઈ રીતે આખા વિશ્વમાં ફેલાય છે, એની સામાન્ય લોકો પર કઈ રીતે અસર થાય છે, કઈ રીતે સરકારી એજન્સીઓ કપરા કાળમાં આ વાયરસ ને ફેલાતો રોકવા પોતાનાથી શક્ય એટલી મદદ કરે છે, પોતાનો, પોતાના લોકોનો આ વાયરસથી બચાવ કરવા લોકો કઈ હદ સુધી જઈ શકે છે અને એમાં અમુક લોકો કઈ રીતે પોતાના સ્વાર્થનો રોટલો શેકે છે એ 9 વર્ષ પહેલાની Contagionમાં એટલી અસરકારક રીતે દેખાડ્યું છે, જે આજે પણ કોરોના વાયરસના કાળમાં બદલાયું નથી.

આ વાર્તા પાંચ વ્યક્તિઓ આસપાસ આકાર લે છે, એક સામાન્ય માણસ મિચ એમહોફ જેણે આ વાયરસમાં પરિવારના લોકો ખોયા હોય છે. સરકારી એજન્સીનો વડો ડૉ. ચીવર જેના માથે આખા દેશને આ અજાણ્યા વાયરસને ઓળખવાની અને એનાથી લોકોને બચાવવાની જવાબદારી હોય છે. ડૉ. મિયર્સ જે ડૉ. ચીવરના આદેશથી આ વાયરસના પહેલા હોટસ્પોટ એવા મિનીઓપોલીસમાં આ વાયરસનાં મૂળની તપાસ કરવા અને આ વાયરસનો ફેલાવો રોકવાની વ્યવસ્થામાં મદદ કરવા ગયા હોય છે. ડૉ. ઓરાન્ટેસ ચીનમાં આ વાયરસનાં મૂળની તપાસ કરવા ગયા હોય છે અને આ વચ્ચે બ્લોગર કમ કન્સ્પિરસી થિયરીસ્ટ અલાન ક્રમવિડ આ વાયરસના ફેલાવાના શરૂઆતના દિવસોથીજ આ વાયરસ વિષે સતત અને સખત કવરેજ આપતો હોય છે. આખી ફિલ્મની વાર્તા એક પછી એક બધા પાત્રો આસપાસ ઘૂમતી રહે છે અને આ વાયરસની ગંભીરતા દેખાડતી રહે છે.

કથાસાર

હોંગકોંગની એક બિઝનેસ ટ્રીપમાંથી પાછી ફરેલી બેથ એમહોફ પોતાના ઘરે મિનિઓપોલીસ જતા પહેલા થોડી વાર માટે શિકાગો એના ભૂતપૂર્વ પ્રેમી પાસે રોકાય છે. ત્યાં એરપોર્ટ પર જ એને થોડો શરદી-ખાંસી નો અનુભવ થાય છે. બે-ત્રણ દિવસ પછી મિનિઓપોલીસ ખાતે આવેલા ઘરમાં એને અચાનકજ આંચકીઓ આવવા લાગે છે, અને એનો પતિ મિચ એમહોફ એને હોસ્પિટલમાં લઇ જાય છે. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એનું મૃત્યુ થાય છે જેનું કારણ હોસ્પિટલના લોકોને ખુદ ખબર પડતી નથી. એક તરફ બેથનું પોસ્ટમોર્ટમ ચાલતું હોય છે ત્યાં બેથના દીકરા ક્લાર્કનું પણ બેથ જેવાજ લક્ષણોથી મૃત્યુ થાય છે. કોઈ વાયરસની શંકાથી મીચને આઇસોલેશનમાં રાખવામાં આવે છે જ્યાં તપાસ દરમ્યાન એવું જાણવા મળે છે કે મીચને વાયરસનું સંક્રમણ નથી થયું અને એ હવે આ વાયરસથી સુરક્ષિત છે. મિચ થોડા સમયના આઇસોલેશન પછી પોતાની ટીનેજર દીકરી જોરી સાથે ઘરે પાછો ફરે છે.

આ તરફ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (આપણા ગૃહમંત્રાલય જેવું ખાતું) ના ઓફિસર્સ, સેન્ટ્રલ ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC) ના વડા ડૉ. ચીવરને મળે છે અને મિનીઓપોલીસ અને શિકાગોમાં અચાનક ફેલાયેલા આ વાયરસને કોઈ બાયો-ટેરર એટેક હોવા અંગેની શંકા વ્યક્ત કરે છે. હોમલેન્ડ સિક્યુરિટીના હેગર્ટીના મતે થેંક્સગિવિંગ (નવેમ્બર માં આવતો એક અમેરિકન તહેવાર)ના વીકેન્ડમાં ગભરાહટ ફેલાવવા કોઈ આવો વાયરસ મૂકી શકે છે. આ વાતની તપાસ કરવા ડૉ. ચીવર પોતાની ટીમની એક મેમ્બર ડૉ. ઈરીન મિયર્સને મિનિઓપોલીસ આ વાયરસની તપાસ કરવા અને આ વાયરસને રોકવાના પ્રયાસમાં ત્યાંની સંસ્થાઓને મદદ કરવા મોકલે છે.

ફિલ્મ Contagion નું દ્રશ્ય, જેમાં દર્શાવ્યું છે કે વાયરસનો ફેલાવો કઈ રીતે શરુ થઇ રહ્યો છે. Courtesy: Looper.com

આ વાયરસ મિનિઓપોલીસ અને શિકાગો સહીત દુનિયામાં બધે ફેલાવા મંડ્યો હોય છે અને એ વાયરસના શરૂઆતના લક્ષણો અને બહુ મોટો ફેલાવો ચીનમાં પણ થયો હોય છે. એટલે ચીનમાં આ વાયરસનું મૂળ શોધવા અને આ વાયરસનો પહેલો દર્દી (Index Patient) શોધવા WHO તરફથી ડૉ. લિયોનોરા ઓરાન્ટેસ ગયા હોય છે. મિનિઓપોલીસ અને શિકાગોમાં બેથ એમહોફ ના બધા કોન્ટેક્ટને આ વાયરસનું સંક્રમણ થયું હતું અને બેથની ચીનની ટ્રાવેલ હિસ્ટ્રી ની ખબર પડતા બેથની ટ્રાવેલ હિસ્ટ્રી અને વિડીયો ફુટેજની મદદથી પહેલો દર્દી શોધવાની તપાસ શરુ થાય છે. તપાસના અંતે બેથ એમહોફ આ વાયરસની પહેલી દર્દી હોવાનું સામે આવે છે. જેવી આ તપાસ પાટે છે અને ડૉ ઓરાન્ટેસ અમેરિકા જવા પાછા આવે છે ત્યાં ડૉ ઓરાન્ટેસના ચીની સાથી સૂન ફેંગ એનું અપહરણ કરી લે છે અને જ્યાં સુધી આ રોગ સામે લડતા એના ગ્રામવાસીઓ માટે દવા નહિ મળે ત્યાં સુધી એને નહિ છોડે એવી જાહેરાત પણ કરે છે.

Contagion ફિલ્મ નું દ્રશ્ય: ડૉ. ઓરાન્ટેસ નું અપહરણ કરી રહેલા ચીની ઓ Courtesy: Mid Day

આ તરફ મિનિઓપોલીસમાં ડૉ. મિયર્સ પોતે આ વાયરસના સંક્રમણમાં આવે છે અને પોતે ગંભીર રીતે બીમાર પડે છે અને વાયરસથી મૃત્યુ પામે છે. આ વાયરસના શરૂઆતના લક્ષણોનો એક વિડીયો બહુ પહેલા બ્લોગર કમ કન્સ્પિરસી થિયરીસ્ટ એવા અલાન ક્રમવિડને મળે છે, જે રોજ વાયરસ વિષે અપડેટ આપતો રહે છે. એના એક વીડિયોમાં એ એવો દાવો કરે છે કે પોતાને આ વાયરસ હતો અને એક હોમિયોપેથીક દવા ફોર્સીથિયા થી એ સાજો થયો હોવાનો દાવો કરે છે. આના લીધે આ દવા લેવા ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સમાં લોકોનો ધસારો શરુ થાય છે અને લૂંટફાટ મચી રહે છે.

આ દરમ્યાન અમેરિકાના ઘણા શહેરો ક્વોરન્ટીન થઇ રહ્યા હોય છે. જેમ થોડા સમય પહેલા અમેરિકી સુપર માર્કેટ્સમાં સેનિટાઇઝર અને ટોયલેટ પેપર ની લૂંટફાટ મચી હતી એવી જ લૂંટફાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળે છે. સાજા લોકો પોતાના ઘરોમાં કેદ થઇ રહ્યા છે અને બીજા લોકો સાથેનો વ્યવહાર બને એટલો ટાળે છે. મિચ એમહોફ પણ આવી સ્થિતિમાં છે, એ એની દીકરી જોરી સાથે પોતાના ઘરમાં કેદ છે. એ પોતે આ ભયાવહ સ્થિતિ, ખાલી થયેલા મોલ્સ, ખાલી ઘર, નાકાબંદી થયેલા રસ્તાઓ, લૂંટફાટ બધાનો સાક્ષી બને છે.

લેબોરેટરીના વાતાવરણમાં આ વાયરસ પોતાના સંપર્કમાં આવતા બધાજ જીવોનો બહુ ઝડપથી ખાત્મો બોલાવી રહ્યો હોવાના લીધે આ વાયરસની દવા શોધવી અને એનું ટેસ્ટિંગ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. પણ પોતાના ઓર્ડર્સને અવગણીને પણ પોતાની લેબોરેટરી ચાલુ રાખી કેલિફોર્નિયાની યુનિવર્સીટીના પ્રોફેસર ઇયાન સુઝમેન આ દવાની રસીનું મૂળ મટીરીયલ શોધવામાં મદદ કરે છે અને ડૉ. ચીવરની આસિસ્ટન્ટ ડૉ.એલી હેકસ્ટલ આ વાયરસની દવા ઉપર પ્રયોગ શરુ કરે છે. ધીરે ધીરે એને વાયરસની દવા મળે છે પણ એનો પ્રયોગ કરવામાં આવતી અડચણો અને એના નિયમો થી કંટાળી ડૉ. હેકસ્ટલ આ દવાનો પ્રયોગ પોતે કરે છે. ડોઝ લીધા પછી ડૉ. હેકસ્ટલ પોતાના વાયરસગ્રસ્ત પિતા અને બીજા અમુક લોકોને મળે છે, અને આ છતાંય એમને વાયરસનું સંક્રમણ નથી થતું, એટલે જે દવા નો ડોઝ ડૉ. હેકસ્ટલે લીધો હોય છે એને આ મહામારી (Contagion) MEV-1 ની દવા તરીકે જાહેર કરવામાં આવે છે.

ફિલ્મનું એક દ્રશ્ય જેમાં ક્રમવિડ સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક મટીરીયલ નું વિતરણ કરી રહ્યો છે. Courtesy: Vanity Fair

આ તરફ અલાન ક્રમવિડ અને ડૉ. ચીવર પર એક લાઈવ પ્રોગ્રામમાં એકબીજા પર આરોપ લાગે છે. ક્રમવિડ ડૉ ચીવર પર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકે છે અને ડૉ. ચીવર ક્રમવિડ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂકે છે. CDC ની તપાસમાં ખબર પડે છે કે ક્રમવિડ ને કદી વાયરસનું સંક્રમણ હતું જ નહિ એટલે એને લોકોને અને ફોર્સીથિયા વિષે ખોટી માહિતી ફેલાવી શેરમાર્કેટ ના ફ્રોડ ના આરોપસર ધરપકડ કરે છે.

અહીંયા નવા વાયરસ MEV-1 વિરુદ્ધની રસી નું ઉત્પાદન શરુ થઇ ગયું હોય છે અને લોકોને આ રસી એના જન્મદિવસ પ્રમાણે લોટરી પ્રથાથી ધીરે ધીરે આ રસી આપવાનું શરુ થાય છે. જોકે આ દરમ્યાન 2.5 લાખ કરતાંય વધારે લોકો ના મોત થઇ ગયા હોય છે. આ તરફ દવા મળવાના લીધે ડૉ ઓરાન્ટેસને પણ છોડી મુકવામાં આવે છે પણ એરપોર્ટ પર ખબર પડે છે કે ચીની અપહરણકર્તાઓ આપેલી દવા ઓરીજીનલ દવાના બદલે પ્લેસીબો (એવી દવા જે ખરી અસર કરવાના બદલે એનો દેખાડો જ કરે) આપી છે. એટલે ડૉ. ઓરાન્ટેસ એરપોર્ટ થી પાછા ફરે છે.

ફિલ્મ Contagion માં વાયરસ ના ફેલાવાનું મૂળ સમજાવતું દ્રશ્ય. Courtesy: LADBible

ફિલ્મની મુખ્ય વાર્તા અહીં પુરી થાય છે. ફિલ્મના અંતે આ વાયરસ કઈ રીતે એક ચામાચીડિયા માંથી બેથ સુધી પહોંચ્યો એ દર્શાવેલું છે. આ દ્રશ્ય ખરેખર જાણવા અને સમજવા જેવું છે.

રીવ્યુ

આ ફિલ્મ થોડી આર્ટહાઉસ ફિલ્મ જેવી છે. પણ એક વાયરસ કઈ રીતે ફેલાય છે અને લોકોને એની શું અસર થાય છે એ ખરેખર જોવા જેવું છે. Contagion માં નિર્દેશક સ્ટીવન સોડરબર્ગે એક મોટી સ્ટાર કાસ્ટ ભેગી કરી છે. મેટ ડેમન, જ્યુડ લૉ, કેટ વિન્સલેટ, મેરિઓન કોટીયાર્ડ, ગ્વેનીથ પેલ્ટ્રો જેવા સ્ટાર્સ ઘણા સમયથી એ લિસ્ટ સ્ટાર્સ ગણાતા હતા. ઉપરાંત રિયર એડમિરલ હેગર્ટીનાં નાનકડા રોલમાં દેખાયેલા બ્રાયન ક્રેન્સ્ટન પણ બ્રેકીંગ બેડની સફળતાને લીધે પોતાની લોકપ્રિયતાની ટોચે હતા. આ બધા એક્ટર્સની એક્ટિંગ બહુ સારી છે. ઉપરાંત આ ફિલ્મમાં એક મોટી ઘટનામાં ઉચ્ચ કક્ષાએ લેવાતા નિર્ણયોની સામાન્ય માણસ પર કઈ રીતે અસર પડે છે એ પણ મિચ એમહોફના અને એની દીકરી જોરીના પાત્રો દ્વારા બહુ સારી રીતે સમજાવ્યું છે. અત્યારે લોક ડાઉન અને અફરાતફરીના માહોલમાં આપણે એક કે બીજી રીતે મિચ કે જોરી સાથે કનેક્ટ થઇ શકીએ એવું પાત્રાલેખન છે.

ઉપરાંત ઉચ્ચકક્ષાએ બેઠેલા લોકોના પાત્રોમાં પણ જબરો વિરોધાભાસ છે. જે ક્રમવિડ વાયરસના સમાચાર અને એની ગંભીરતાને ઝડપથી ઓળખી બતાવે છે અને લોકોને જાગૃત કરે છે એ જ ક્રમવિડ આ લોકપ્રિયતાના દુરુપયોગ બાબતે જેલમાં જાય છે અને એના એક જૂઠાણાંના લીધે લૂંટફાટ મચી જાય છે. જે ડૉ ચીવર રાત-દિવસ અને તહેવારો ભૂલીને આ વાયરસની પાછળ પડી જાય છે એ જ ડૉ ચીવર ડર અને સ્વાર્થના લીધે પોતાના પદ નો દુરુપયોગ કરતો પણ જોવા મળે છે. અને માનવજાતના ભલા માટે પોતાના જીવ અને નોકરીને જોખમમાં મુકતા લોકો પણ જોયા છે.

એ ફિલ્મમાં દેખાડેલી 80% પરિસ્થિતિ અત્યારે આપણી સાથે થઇ રહી છે. આ ફિલ્મ એના ઓરીજીનલ થિયેટ્રિકલ રનમાં તો હિટ ગઈ જ હતી. પણ અત્યારે 9 વર્ષ પછી પણવાયરસના ફેલાવાની વૈજ્ઞાનિક અને સામાજિક પરિસ્થિતિને સચોટતાથી દેખાડવાના ઇનામ રૂપે અત્યારે પણ હિટ જઈ રહી છે. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે આજે પણ આ ફિલ્મ, નિષ્ણાતોના મત સહીત બીજી ઘણી બધી બાબતોનો દુનિયા ભર માંથી અમુક બુદ્ધિના બળદિયાઓ અવગણી રહ્યા છે. અને એ અક્કલમઠ્ઠાઓની ભૂલ અને એરોગન્સનું પરિણામ અત્યારે જગતની 70-80% પ્રજા પોતાના ઘરમાં મહિના (અને અમુક કેસ માં એનાથી ય વધારે) દિવસોથી પોતાના ઘરમાં બંધ રહીને ભોગવે છે.

અને આ ફિલ્મ પણ એ જ વાત ભાર દઈને કહે છે. આ રોગચાળાના સમયમાં જે પોતાના ઘરમાં છે, કામ સિવાય બહાર નથી નીકળતા, લોકો સાથેના સંપર્કથી દૂર રહે છે, અને ભલે પોતાના સગા વહાલા હોય, એને પણ રોગ થયો છે એ ધારી એની સાથે દૂરી બનાવે છે એ જ જીવતા રહે છે. ફિલ્મમાં એ દેખાડ્યું જ છે, કે અત્યારે કડકાઈ થી દૂરી રાખશો તો થોડા સમય પછી એ જ લોકોની સાથે તમે નિકટતા માણી શકશો.

 

એટલે જ ઘરમાં રહો, સુરક્ષિત રહો.

 

શક્તિ ઇઝ ઓલવેઝ વિથ યુ….

 

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here