વિશ્વભરમાં ચાલી રહેલા લોકડાઉન દરમ્યાન વ્યાપાર જગતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જે મુજબ ફેસબુક અને રિલાયન્સ Jio વચ્ચે રોકાણનો એક મોટો કરાર કરવામાં આવ્યો છે.

મુંબઈ: જો તમને એવું લાગતું હોય કે કોરોનાને કારણે અમલમાં મુકવામાં આવેલા વૈશ્વિક લોકડાઉનને લીધે દુનિયા રોકાઈ ગઈ છે તો તમારી માન્યતા ખોટી છે. આજે વહેલી સવારે રિલાયન્સ Jio અને ફેસબુક દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત અનુસાર ફેસબુક અને Jio વચ્ચે એક વ્યાપારિક કરાર કરવામાં આવ્યો છે જે અનુસાર ફેસબુક રિલાયન્સ Jioમાં 43 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધુ રકમનું રોકાણ કરશે. આ કરાર પર હસ્તાક્ષર થયા બાદ અને તેના અમલીકરણ બાદ રિલાયન્સ Jioમાં ફેસબુકની હિસ્સેદારી લગભગ 10% જેટલી થઇ જશે.
આટલુંજ નહીં આ કરારના અમલમાં આવ્યા બાદ ફેસબુક રિલાયન્સ Jioનો સહુથી મોટો શેરહોલ્ડર બની જશે. ફેસબુકનું આ કરાર અંગે કહેવું છે કે Jio દ્વારા ભારતમાં જે પરિવર્તન લાવવામાં આવ્યું છે તેનાથી તે આકર્ષિત થયું છે અને તે Jioમાં 5.7 બિલીયન અમેરિકન ડોલર્સ એટલેકે રૂ. 43,574 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે.
ફેસબુકે આગળ જણાવ્યું હતું કે બહુ ઓછા સમયમાં Jio દ્વારા લગભગ 38 કરોડ ભારતીયોને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડ્યા છે જેને કારણે Jio દ્વારા તે અગાઉ કરતા વધુ મોટી સંખ્યામાં ભારતીયો સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ બન્યું છે. ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે પણ આ જ લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે લોકડાઉન દરમ્યાન ડિજીટલ પ્લેટફોર્મ્સનું મહત્ત્વ પહેલા કરતા અનેકગણું વધ્યું છે અને આથી લોકો કોઇપણ પ્રકારના સંકોચ કે ડર વગર તેની સાથે જોડાઈ શકે તે હેતુ સર તેઓ ભારતીયોના વ્યવસાયને મદદ કરવા માટે Jio સાથે જોડાઈ રહ્યા છે.
માર્ક ઝકરબર્ગે આ કરાર માટે મુકેશ અંબાણી તેમજ તેમની સંપૂર્ણ Jio ટીમને ધન્યવાદ આપ્યા હતા અને તેઓ તેમની સાથે મળીને કામ કરવા માટે પોતે ઉત્સાહિત હોવાનું પણ જણાવ્યું હતું.
eછાપું