અલકમલકની વાતોઃ સતત 7 વર્ષ પોતાનો રેકોર્ડ જાળવી રાખનાર સપના બુક સ્ટોર!

0
402

સન 1937 ની વાત. સુરેશ છગનલાલ શાહ નામના એક ગરવા ગુજરાતીનો બોમ્બેના ઘાટકોપરમાં જન્મ થયો. તેના પૂર્વજો ગુજરાતના ધોરાજીમાં રહેતા. ઘરની આર્થિક હાલત સારી ન હોવાથી સુરેશે એસ.એસ.સી.ની પરીક્ષા પછી પરિવારને ટેકો આપવા માટે કોલેજ છોડી દીધી. 20 વર્ષની કુમળી ઉંમરે સુરેશ શાહે દાદર રેલ્વે સ્ટેશન પર કુલીની નોકરી સ્વીકારી. રોજે રોજ લોકોનો સામાન ઉપાડતા સુરેશને ઘણી તકલીફો થતી છતાં રોજી મળી રહેતી એટલે કામ શરૂ રાખ્યું.

સદનસીબે, એક દિવસ સુરેશને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે દાદર રેલ્વે સ્ટેશન પર મળવાની તક જડી. ચાચા નહેરુ સાથે ટૂંકી વાતચીત કરી અને સુરેશના મનમાં એક વિચાર આવ્યો અને તરત જ રેલ્વે સ્ટેશન પરની કુલીની નોકરી છોડી દીધી. એકાદ અઠવાડિયામાં સુરેશ એક પુસ્તક વિક્રેતા તરીકે મુંબઇની પોકેટ બુક ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં જોડાયો. તેણે તે કંપનીમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરી પણ તેના કામની લગન જોઈને ટૂંક સમયમાં જ તેને મેનેજર તરીકે પ્રમોશન મળ્યું. થોડાં જ દિવસોમાં સુરેશની તે જ કંપનીની મદ્રાસમાં સ્થાપિત નવી શાખાના વડા તરીકે બદલી થઈ ગઈ.

બધું બરાબર ચાલતું હતું પણ સુરેશને પોતાનો વ્યવસાય શરુ કરવાની ઈચ્છા હતી. સન 1965 માં 27 વર્ષની ઉંમરે ખિસ્સામાં 150 રૂપિયા લઈને પત્ની ભાનુમતી સાથે સુરેશ મદ્રાસથી બેંગ્લોર આવી ગયો. બે વર્ષ કન્નડ ભાષા શીખીને 26 જાન્યુઆરી, 1967 ના રોજ, બેંગ્લોરમાં સુરેશ શાહે પોતાનું બુકશોપ શરૂ કર્યુ. શરૂઆતમાં તેણે ફક્ત નાની ડિક્શનરી (શબ્દકોશ) વેચવાનું શરૂ કર્યું.

બેંગ્લોરના ફેમસ બજાર વિસ્તાર મજેસ્ટીક (ગાંધીનગર) ખાતે શરૂ થયેલી 10 × 10 ફૂટની ટચૂકડી દુકાન ટૂંક સમયમાં ભારતની સૌથી મોટો બુક સ્ટોર બની ગયો. તેમને પોતાને ભણવા મળ્યું નહોતું એટલે મદ્રાસમાં હતા ત્યારે તેમનું સ્વપ્ન આવનારી પેઢીને શિક્ષિત કરવાનું હતું. જ્યારે મદ્રાસમાં પત્ની સાથે સાંજે ભોજન લેવા બહાર જતાં તે રેસ્ટોરન્ટનું નામ ‘સ્વપ્ના’ હતું, અને તેના પરથી જ સુરેશ શાહે પોતાના પુસ્તક સ્ટોરનું નામ ‘સપના બુક સ્ટોર’ રાખ્યું.

સુરેશ શાહ આજે 81 વર્ષના છે અને રીટાર્યડ થયા છે. હાલમાં તેમનો મોટો પુત્ર નીતિન શાહ, મેનેજિંગ ડિરેક્ટર છે અને પૌત્ર નિજેશ શાહે સપના બુક હાઉસની જીવાદોરી સંભાળી છે. 26 વર્ષીય નિજેશ સપના બુક હાઉસના ગ્રૂપ પ્રેસિડેન્ટ છે. કંપનીના પરેશ સુરેશ શાહ, દિપક સુરેશ શાહ, નીતિન સુરેશ શાહ, ભાનુમતી સુરેશ શાહ અને સુરેશ શાહ નામના 5 ડિરેક્ટર છે.

‘સપના બુક હાઉસ’ આજે મુખ્યત્વે કર્ણાટક અને તમિળનાડુમાં ચાર લાખ ચોરસ ફૂટની કુલ જગ્યા ધરાવે છે, જેમાં પ્રત્યેક સ્ટોરનું સરેરાશ કદ 15,000 ચોરસ ફૂટ થી 20,000 ચોરસ ફૂટ છે. બંને રાજ્યોમાં મળીને તેમના મોટા કદના કુલ 20 સ્ટોર છે. તેઓ દર વર્ષે 60,000 ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને તેમનું રિટેલ ટર્નઓવર વાર્ષિક 220 કરોડ છે. આખા પરિવારની દૂરદ્રષ્ટિએ આજે ‘સપના બુક હાઉસ’ને આ મુકામ પર પહોંચાડ્યું છે.

પુસ્તકો વેચવાની સાથે 1994 માં સુરેશ શાહે કન્નડ પુસ્તકોનું પ્રકાશન શરૂ કર્યું જેની શરૂઆત અને વિચાર કન્નડ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. શિવારામ કરંઠને મળ્યા પછી આવ્યો. શરૂઆતમાં ડૉ. શિવરામના 3-4 શીર્ષક અને પછીના તેમના બધા જ શીર્ષક સપના કંપનીએ છાપ્યા. ધીરે ધીરે આ ક્ષેત્રમાં વૃદ્ધિ કરતાં આજે તેમની પાસે લગભગ 18,000 શીર્ષક છે અને તેઓ કર્ણાટક રાજ્યના કન્નડ પ્રકાશકોમાં પ્રથમ ક્રમે છે. કન્નડ ભાષાના તમામ પાઠયપુસ્તકો, ડિપ્લોમા, ઇજનેરી, અંગ્રેજી મૂળ પુસ્તકોના કોપિરાઇટ પરવાનગી સાથે કન્નડ ભાષામાં અનુવાદ વગેરે પુસ્તકો તેઓ છાપે છે.

આજકાલ ઓનલાઈન બુક્સ, મોબાઈલ એપ્સ અને ઓડિયો બુક્સનું ચલણ વધ્યું છે જેના કારણે બુકશોપ અને પુસ્તકાલયો બેંગ્લોર શહેરમાં બંધ થઈ રહ્યા છે. ભારતની ત્રણ મોટી બુક સ્ટોર શૃંખલા – ક્રોસવર્ડ, લેન્ડમાર્ક અને ઓક્સફર્ડ – એ છેલ્લા થોડાં વર્ષોમાં ઓછામાં ઓછું એક સ્ટોર બંધ કર્યું છે. દક્ષિણ દિલ્હીની લોકપ્રિય બુકશોપ ‘ફેક્ટ એન્ડ ફિકશન’ અને પૂણેમાં ‘ટ્વિસ્ટ એન્ડ ટેલ્સ’ ચાર વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી.

સ્પષ્ટ છે કે, આવા દિવસોમાં બુક સ્ટોર-માલિક બનવું સરળ નથી. આવામાં સપના બુક હાઉસે કેવી રીતે પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે? તેઓ ફક્ત પુસ્તકો વેચતા નથી. તેઓ પૂરા કુટુંબને કામ આવે તેવી મલ્ટિ-બ્રાન્ડ રિટેલ સ્ટોર તરીકે પોતાને માને છે. સરળ શબ્દોમાં કહીએ તો, તેઓ શિક્ષણ અને શૈક્ષણિક તકનીકીના ‘ઇકોસિસ્ટમ’ માટે ઘણી બધી વસ્તુઓ વેચે છે.

‘સપના બુક હાઉસ’ના દરેક સ્ટોરમાં આશરે 5.5 લાખ પુસ્તકો છે, જેમાં ફક્ત 40% શૈક્ષણિક પુસ્તકો છે. તે સિવાય તેઓ સ્ટેશનરી, ગ્રીટિંગ કાર્ડ્સ, ઓડિયોબુક્સ, મેગેઝિન, ફિલ્મોની ડીવીડી, સંગીત, બેબી પ્રોડક્ટ્સ, સ્પોર્ટસની વસ્તુઓ, ગિફ્ટ આઈટમ્સ, ચોકલેટ્સ, એક્સબોક્સ જેવી ગેમ, સાપસીડી-કેરમ જેવી બોર્ડગેમ્સ પણ વેચે છે.

‘સપના બુક સ્ટોરે’ પોતાના પુસ્તકો વેચવા બે નવા મોડેલ બજારમાં શરૂ કર્યા છેઃ સપના એક્સપ્રેસ (Sapna Express) અને સપના કિઓસ્ક (Sapna Kiosk). સપના એક્સપ્રેસ એટલે 500-1,500 ચોરસ ફૂટ્ની જગ્યામાં જે તે વિસ્તારની ચોક્કસ અને વિશિષ્ટ આવશ્યકતાઓને પૂરી કરવી. દાખલા તરીકે જો એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારમાં દુકાન ખોલી તો ફક્ત એન્જિનિયરિંગના પુસ્તકો જ રાખવા. જો મેડિકલ કોલેજ વિસ્તાર હોય તો તેને લાગતા પુસ્તકો.

સપના કિઓસ્ક ફોર્મેટ હેઠળ, ભારતભરના ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય કરિયાણાની દુકાનો, શાળાઓ, પુસ્તકાલયોમાં ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ આપવામાં આવે. તેમાં ‘સપના બુક હાઉસ’માં ઉપલ્બ્ધ હોય તેવા 2 કરોડ શીર્ષકોની સંપૂર્ણ સૂચિ હોય. દાખલા તરીકે, કોઈ પણ કરિયાણાની ખરીદી માટે ઇરોડ (તમિલનાડુ) માં કિરાનાની દુકાન પર આવે તો તમિળમાં તેમની સૂચિ દ્વારા બ્રાઉઝ કરી શકે અને જરૂરી કોઈ પુસ્તક માટે ઓનલાઈન ઓર્ડર આપી શકે.

રસપ્રદ વાત એ છે કે સપના બુક હાઉસની સફળતાની વાર્તા હવે બેંગ્લોર યુનિવર્સિટીના કેસ સ્ટડીનો એક ભાગ છે. સતત સાત વર્ષ સુધી લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં સૌથી મોટા સ્ટોર તરીકે ‘સપના બુક સ્ટોર’નો ઉલ્લેખ થયો છે.

દર વર્ષે એક નવેમ્બરના દિવસે કર્ણાટકમાં ‘કન્નડ રાજ્યોત્સવ’ ઊજવાય છે. 2013માં પહેલી નવેમ્બરે સુરેશ શાહે કન્નડ ભાષામાં લખતા 57 લેખકોનાં 57 પુસ્તકો એક સાથે પ્રકાશિત કર્યા. કર્ણાટક સરકારે સુરેશ શાહના ‘સપના બુક હાઉસ’ને 2008 માં સૌથી મોટા કન્નડ પુસ્તક પ્રકાશક તરીકે ‘કર્ણાટક રાજ્યોત્સવ’ નો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કર્યો છે. આ ઍવોર્ડ મેળવનારા સુરેશ ભાઈ એકમાત્ર ગુજરાતી છે.

સંદર્ભઃ

https://www.financialexpress.com/india-news/the-incredible-story-of-52-year-old-bookstore-sapna-book-house/826966/

https://www.sapnaonline.com/show/about-us-n

http://theceoinsights.com/2015/03/13/mr-nijesh-shah-founder-a-ceo-sapna-infoway-pvt-ltd/

https://bengaluru.citizenmatters.in/4356-treating-bengaluru-to-books-for-decades-sapna-book-house-4356

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here