કોરોના સામેની લડાઈ આમ તો વિશ્વના દરેક દેશો લડી રહ્યા છે પરંતુ તેમાં પણ જો સહુથી શ્રેષ્ઠ આગેવાની કોઈએ લીધી હોય તો તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હોવાનું એક અમેરિકન સરવેમાં કહેવામાં આવ્યું છે.

અમદાવાદ: વિશ્વ આખું અત્યારે વૈશ્વિક મહામારી કોરોના સામે લડત આપી રહ્યું છે. આ લડત વિશ્વના મોટાભાગના દેશમાં લડાઈ રહી છે જેની આગેવાની જે-તે દેશના વડાપ્રધાન અથવાતો રાષ્ટ્રપતિ લઇ રહ્યા છે.
અમેરિકાની જાણીતી સરવે કંપની Morning Consult Approval Ratings દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં કોરોના સામે જો સહુથી નક્કર લડાઈ લડવામાં કોઈ વૈશ્વિક આગેવાન સફળ થયા હોય તો તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ સરવે અમેરિકાના નાગરીકો વચ્ચે કરવામાં આવ્યો હતો જેમાં કોરોના સામે લડી રહેલા વિકસિત અને વિકાસશીલ એમ બંને દેશોમાંથી કયા દેશના આગેવાન મક્કમ લડત આપી રહ્યા છે તેવો પ્રશ્ન તેમને કરવામાં આવ્યો હતો.
14 એપ્રિલના રોજ જાહેર થયેલા આ સરવેના પરિણામોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 68 એમ સહુથી વધુ એપ્રુવલ રેટિંગ્સ મળ્યા છે. જ્યારે સહુથી ઓછા એપ્રુવલ રેટિંગ્સ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ આ અપ્રુવલ રેટિંગ્સમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ આન્દ્રેઝ મેન્યુઅલ લોપેઝ ઓબ્રડોર છે જેમનું એપ્રુવલ રેટિંગ 36 છે. આ સરવે Morning Consult Approval Ratings દ્વારા સતત થતો રહે છે અને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં કોરોનાની લડાઈ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 62 એપ્રુવલ રેટિંગ મળ્યા હતા જે હાલમાં વધીને 68 થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન સરવેમાં સહુથી વધુ એપ્રુવલ રેટિંગ્સ મળવા પાછળ તેમના કેટલાક કડક નિર્ણયોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે જેમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો કડક અમલ પણ સામેલ છે.
eછાપું