ગાંગુલી: જ્યારે માનવજીવન ભયમાં હોય ત્યારે ક્રિકેટે રાહ જોવી રહી

0
204
Photo Courtesy: sports.ndtv.com

BCCIના પ્રમુખ અને પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે કોરોનાની મહામારીના સમયમાં ક્રિકેટ રમાડવું શક્ય નથી અને ભારતમાં ક્રિકેટ શરુ થવા માટે હજી રાહ જોવાની જરૂર છે.

Photo Courtesy: sports.ndtv.com

કોલકાતા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી જે રીતે ફેલાઈ છે તેની અસર રમત જગત પર પણ પડી છે. આવા સમયમાં મોટાભાગના દેશોમાં રમતની કોઇપણ પ્રવૃત્તિ ચાલી નથી રહી અને ભારત પણ તેનાથી બાકાત નથી.

કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્ત્વનું પરીબળ છે એવામાં ભરેલા સ્ટેડિયમમાં ક્રિકેટ સહીત કોઇપણ રમત રમવી અશક્ય છે. જો કે જર્મનીમાં ચાલતી પ્રિમિયર ફૂટબોલ લીગ બુન્ડ્સ લીગા મે મહિનાના શરુ થઇ જશે તેવી જાહેરાત તેના આયોજકોએ કરી દીધી છે.

પરંતુ ભારતમાં આવા કપરા સમયમાં લાંબા ગાળા સુધી ક્રિકેટ નહીં રમાય તેવો ઈશારો BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કરી દીધો છે. સૌરવ ગાંગુલીએ બુન્ડ્સ લીગાના ઉદાહરણ પર જવાબ આપતા કહ્યું હતું કે જર્મની અને ભારતની પરિસ્થિતિની સરખામણી કરવી અયોગ્ય છે.

સૌરવ ગાંગુલીએ ઉમેર્યું હતું કે જ્યારે માનવજીવન પર ભય હોય ત્યારે રમતો જેમાં ક્રિકેટ પણ સામેલ છે તેણે રાહ જોવી રહી. જો કે કેટલાક ક્રિકેટરો ખાલી સ્ટેડિયમમાં મેચ રમાય તેવી આશા વ્યક્ત કરી ચૂક્યા છે.

આ વર્ષે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તેમજ રણજી ટ્રોફીની ફાઈનલનો અંતિમ દિવસ બંધ બારણે અને ખાલી સ્ટેડિયમોમાં રમાયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય ખેલાડીઓમાંથી એક એવા  હરભજન સિંગે કહ્યું હતું કે IPL કે અન્ય ક્રિકેટ મેચો દરમ્યાન પ્રવાસ કરતી વખતે અસંખ્ય લોકો એરપોર્ટ પર હોય છે આવા સમયમાં ક્રિકેટરોને ભયમાં મુકવાથી કોઈજ અર્થ સરતો નથી ભલે મેચ ખાલી સ્ટેડિયમમાં કેમ ન રમાય.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે કે 2020 અને 2021ના T20 વર્લ્ડ કપ જે અનુક્રમે  ઓસ્ટ્રેલિયા અને ભારતમાં રમાવાના છે તેની અદલાબદલી શક્ય છે. ગાવસ્કરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા આવનારા સપ્ટેમ્બર સુધી વિદેશીઓ માટે બંધ છે, આવામાં જો ભારતમાં કોરોનાનો ગ્રાફ ઘટીને સમાંતર થઇ જાય તો આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં અને બાદમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્લ્ડ કપ રમાડવા પર વિચાર થઇ શકે તેમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here