યોગી: સેહરી કે ઇફતારને કોઇપણ હિસાબે મંજૂરી આપવામાં નહીં આવે

0
257
Photo Courtesy: ichowk.com

કોરોના મહામારી સામે મક્કમતાથી લડી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે આવનારા રમઝાન મહિના દરમિયાન પણ લોકડાઉનમાં કોઇપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે.

Photo Courtesy: ichowk.com

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતીકાલે અથવાતો પરમદિવસથી શરુ થનારા રમઝાન મહિના દરમિયાન સમગ્ર ઉત્તર પ્રદેશમાં કોઇપણ હિસાબે લોકોને એકઠા થવા દેવામાં નહીં આવે.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રમઝાન દરમ્યાન સેહરી કે ઈફ્તાર માટે કોઇપણ જગ્યાએ લોકોને મોટી સંખ્યામાં ભેગા થવાની છૂટ નહીં હોય. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના અલીગઢ, મુરાદાબાદ અને સહરાનપુર જેવા જીલ્લાઓ કોરોના માટે અત્યંત સંવેદનશીલ છે અને આ માટે કડક હાથે કામ લેવું જરૂરી છે.

ઉત્તર પ્રદેશમાં શરૂઆતમાં કોરોનાના દર્દીઓની પરિસ્થિતિ કાબુ હેઠળ હતી પરંતુ બાદમાં દિલ્હી ખાતે ભરાયેલા મરકઝમાંથી આવેલા જમાતીઓને કારણે અહીં હાલત બગડી હતી અને કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી ગઈ હતી.

આ અગાઉ દિલ્હીમાં રહેતા મજૂરોને પણ દિલ્હી સરકારે ઉત્તર પ્રદેશની સરહદ પર છોડી દીધા બાદ તેમને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ આપવાને કારણે રાજ્યમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બગડવાની શંકા ઉભી થઇ હતી, પરંતુ યોગી સરકારે યોગ્ય સમયે પગલાં લેતા એ પરિસ્થિતિને નિવારી શકાઈ હતી.

રાજ્યમાં કોરોનાના ફેલાવા અંગેની માહિતી આપતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રાજ્યના 22 જીલ્લાઓ એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી, જ્યારે 10 રાજ્યો જ્યાં પહેલા સંક્રમિત લોકો મળી આવ્યા હતા ત્યાં હાલમાં કોઈજ નવો કેસ બહાર આવ્યો નથી.

યોગી આદિત્યનાથનું કહેવું છે કે આ તમામ જીલ્લાઓ કોરોનામુક્ત રહે તે માટે પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ માટે સરકાર કોઇપણ સમાધાન કરવા માટે તૈયાર નથી.

રમઝાન દરમ્યાન સેહરી અને ઇફતાર પર મુકવામાં આવેલા પ્રતિબંધ પાછળ પણ યોગી આદિત્યનાથના કોરોના સામે લડવાના મક્કમ નિર્ધારને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here