લૉકડાઉનમાં પોલીસના માનવિય અભિગમથી ગુજરાતની જનતા થઈ ગદગદ

1
417

સમગ્ર  ગુજરાતમાં હાલમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે, આવા સમયમાં ગુજરાતી મિડીયામાં માત્ર પોલીસોની કડકાઈની જ તસવીર રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ કિન્નર આચાર્ય લઈને આવ્યા છે ગુજરાત પોલીસના ચાર માનવીય ચહેરાઓને.

 

બોર્ડર રેન્જના IG સુભાષ ત્રિવેદીએ 30 હજાર રાશન કિટનું વિતરણ કરાવ્યું, 25 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા: વડિલોને દવા, ટિફિન, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે

વડોદરામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે 800 વડિલોને સંભાળી લીધા છે: પ્રજ્ઞાચક્ષુઓની હોસ્ટેલમાં રોજ ટિફિન પહોંચાડવામાં આવે છે, અબોલ જીવો માટે ક્રાઈમ બ્રાન્ચને જવાબદારી

રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ હેડક્વાર્ટરમાં જ રસોડું ઉભું કરાવ્યું, દરરોજ 25 હજાર લોકોને ભોજન, અબોલ જીવો માટેની વ્યવસ્થા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ગઢવીએ સંભાળી લીધી

બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જિલ્લામાં ચાર હજાર વડિલોની સેવા: રોજ 15થી 20 હજારને ભોજન, શાકભાજીની 35 હજાર કિટ, રાશનની ત્રણ હજાર કિટનું વિતરણ

આજે એક અગત્યની વાત કરવી છે. આપણી નજર સામે છે, છતાં જે દેખાતું નથી એવા સત્યની વાત. શું તમે કદી વિચાર કર્યો, કે કોરોના વાઇરસ એવી પ્રથમ બીમારી છે, જેમાં ડૉક્ટર્સ જેટલી જ મહત્વની ભૂમિકા પોલીસની પણ છે! ઇન ફેક્ટ, ડૉક્ટર્સ તો તેનાં દર્દીઓની સારવાર જ કરી શકે, તેનો ફેલાવો અટકાવવામાં તો પોલીસનો જ મુખ્ય રોલ છે. ટૂંકમાં કહીએ તો, કોરોના સામેની લડાઈમાં પોલીસ જ નાયકની ભૂમિકા ભજવી રહી છે. સોશિયલ મીડિયા થકી દેશભરમાંથી આપણાં મોબાઈલમાં પોલીસની કર્મનિષ્ઠાના વિડીયોઝ આવી રહ્યાં છે. કચ્છના ગાંધીધામમાં IG સુભાષ ત્રિવેદી બંદોબસ્તનું જાતનિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યા ત્યારે લોકોએ ગેલેરીમાં અને અગાશીમાં ઉભા રહી તાળીઓના ગડગડાટથી તેમને સલામી આપી, રાજકોટનાં રેડઝોન જંગલેશ્વરમાં પોલીસ અધિકારી ગડુ પર લોકોએ જ પુષ્પવર્ષા કરી! પોલીસ પ્રત્યેનો અહોભાવ અને વિશ્વાસ, એ આ મહામારીની આડઅસર તરીકે સર્જાયેલી સુખદ ઘટના છે.

ગઈકાલે એક મિત્રએ પોલીસની ચિંતા કરતી એક પોસ્ટ મૂકી અને મને પણ મનમાં કશુંક ઊગ્યું. જરા વિચાર કરજો: આપણી આસપાસ કે થોડે દૂર કોરોનાનો એકાદ કેઇસ આવ્યો હોય તો પણ આપણે ફફડી ઉઠીએ છીએ, શાકભાજી પણ ડેટોલના પાણીમાં બોળી ને જ ઉપયોગમાં લઈએ છીએ અને મેંદો કે બેસનનું પૅકેટ લાવ્યા હોય તો એને પણ ડેટોલસ્નાન કરાવવાનું ભૂલતાં નથી. આપણો ડર અસ્થાને પણ નથી. પરંતુ દરરોજ કોરોનાગ્રસ્ત શહેરમાં ફરજ બજાવવા પહોંચી જતા પોલીસમેન કે પોલીસ અધિકારીની મનોસ્થિતિ કેવી હશે? તેમનાં પરિવારની માનસિક હાલત કેવી થતી હશે? આપણે સૌ એવું વિચારીએ છીએ કે, મને કંઈ થઈ જાય, એનો ડર નથી. પણ, પરિવારની ચિંતા થાય છે! શું એમનો પરિવાર નથી? કોરોનાનાં અભિશાપથી ખદબદતાં શહેરમાં તનતોડ, મનતોડ, દિમાગતોડ ડ્યૂટી નિપટાવી તેઓ ઘેર પહોંચે ત્યારે સૌથી પહેલી ચિંતા તેમને પરિવારની થતી હશે. કોઈપણ સ્થિતિમાં ફેમિલીને ચેપ ન લાગે એ માટે તેઓ કાળજી લેતા હશે.

આખા દેશમાંથી અનેક વિડીયોઝ સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ લૉકડાઉનનો સખ્ત અમલ કરાવવા જાતજાતનાં કિમીયાઓ અજમાવી રહી છે. ક્યાંક લાઠીઓ વરસાવવી પડે છે, કોઈ જગ્યાએ ફરવા નીકળી પડેલા લોકોને તિલક-ચાંદલો કરી, આરતી ઉતારી ને તેમને ઢંઢોળવા પ્રયાસો કરી રહી છે. કોઈ સ્થળે યમરાજની વેશભૂષા ધારણ કરી પોલીસ શેરીઓમાં ફરે છે અને કહે છે કે, હું કોરોના છું, બહાર આવશો તો તમને ભરખી જઈશ! જરૂર પડ્યે ધોકા મારી ને અને આવશ્યકતા પડ્યે પંપાળી ને પોલીસ આપણને સમજાવી રહી છે. અને આ બધું કોનાં માટે છે? 42 ડીગ્રી તાપમાન મધ્યે રોડ પર સવારથી સાંજ ખડકાઈ રહેવું અને જડ જેવા બુડથલો સાથે લમણાં લેવામાં તેમને કોઈ આનંદ આવતો હશે? ના. હરગીઝ નહીં. તેમની જોબ થેન્કલેસ છે. પણ, એ જોબ છે. ક્યારેક બે-ચાર કલાક સુધી આવા તાપ વચ્ચે રોડ પર ઉભા રહેવા પ્રયત્ન કરજો. બધું સમજાઈ જશે. હું તો અર્ધો કલાક પણ નથી રહી શકતો.

સૌથી વધુ અગત્યની વાત એ છે કે, આવા વિકટ સંજોગો અને સ્ટ્રેસ વચ્ચે પણ પોલીસ તેનો માનવીય અભિગમ ભૂલી નથી. કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવાં સરહદી જિલ્લાઓ સંભાળતા બોર્ડર રેન્જનાં IG સુભાષ ત્રિવેદીએ પોતાનાં વિસ્તારોમાં લૉકડાઉનનું તો સખ્તાઈથી પાલન કરાવ્યું જ છે, સાથેસાથે અત્યંત માનવીય અભિગમ દાખવી લોકોનાં આંસુ પણ લૂછયા છે. પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પોલીસ દ્વારા લગભગ 30 હજાર રાશન કિટનું વિતરણ થયું છે, 25 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા થઈ છે અને ચારેય જિલ્લાઓમાં થઈ ને દસ હજાર કરતા વધુ વૃદ્ધોની રૂબરૂ મુલાકાત લઈ ને પોલીસ તંત્રએ તેમની વ્યથા સાંભળી છે. વયોવૃદ્ધ વડિલોને પોલીસ દ્વારા દવાઓ પહોંચાડવામાં આવે છે, કેટલાક વૃદ્ધ દર્દીઓને કેન્સરની દવાઓ ખાસ બહારગામથી મંગાવવાની વ્યવસ્થા પણ પોલીસે કરી આપી છે. આનાંથી વધુ પોલીસ બીજું શું કરી શકે! પોઝિટિવ પોલિસિંગનું જેવું જવલંત ઉદાહરણ આ કોરોના ક્રાઈસિસ સમયે ભારતમાં જોવા મળ્યું છે, તેવું જગતમાં અન્ય ક્યાંય જોવા નહીં મળે.

રાજકોટ પણ પાછળ નથી. રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના નેતૃત્વમાં પોલીસ હેડક્વાર્ટરમાં બોલબાલા ટ્રસ્ટનું રસોડું ચાલે છે, જ્યાંથી રોજ 25 હજાર શ્રમિકોને ભોજન પહોંચાડવામાં આવે છે. અગાઉ જેઓ ટિફિન પર જ નિર્ભર હતા, તેવા વડીલોને ઘેરબેઠાં ટિફિન મળી જાય એવી વ્યવસ્થા તેમણે ગોઠવી છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ. એમ. ગઢવી પારેવાને ચણ, રખડતાં શ્વાનોને બિસ્કિટ અને માછલીને લોટ પહોંચાડવાનું સદ્કાર્ય કરી રહ્યા છે. આ બધું કામ કરવામાં લૉકડાઉનનું પાલન કરાવવાનું મૂળ કામ વિક્ષિપ્ત ન થાય તેની કાળજી પણ તેઓ લે છે. સહેલું નથી. પણ, આવા કાર્યોના અનેક ફાયદા છે. જીવદયાપ્રેમીઓ ઘરથી બહાર ન નીકળે એ સૌથી મોટો ફાયદો. રસ્તા પર જેટલાં ઓછા લોકો હોય એટલી પોલીસને આસાની રહે.

કોઈ એક શહેરની જ વાત નથી, લગભગ દરેક શહેરમાં પોલીસનો આવો સંવેદનાસભર ચહેરો જોવા મળ્યો છે. વડોદરામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના વડપણ હેઠળ શહેર પોલીસે 800 સિનિયર સિટિઝન્સની તમામ જવાબદારીઓ ઉઠાવી લીધી છે. તેમનું ખાવાપીવાનું, દવા, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ… આ બધું જ પોલીસ સ્ટાફ તેમને પહોંચાડે છે. ઘરમાં જ સતત રહેવાથી હતાશા જેવું લાગે તો ડૉક્ટર પાસે તેમનું કાઉન્સેલિંગ પણ પોલીસ જ કરાવી આપે છે. અહીંની પ્રજ્ઞાચક્ષુઓની હોસ્ટેલમાં 50 જેટલા બ્લાઇન્ડ લોકોને વડોદરાની ક્રાઈમ બ્રાન્ચ ભોજન વગેરે પહોંચાડે છે, શહેરમાં સેંકડો બેઘર લોકો છે, કોઈ ફ્લાયઓવરની નીચે રહેતા હોય છે, કોઈ મંદિર આસપાસ… આ બધાંને પોલીસ દ્વારા નિયમિત ભોજન મોકલવામાં આવે છે. ઉપરાંત દરરોજ 100 નંબર પર સેંકડો કૉલ ભોજન માટે આવે છે, આ બધાંને પણ ખાવાપીવાનું નિયત સમયે પહોંચી જાય છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ અબોલ પશુઓના પેટ ભરવા સક્રિય છે.

ગુજરાત-સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને શહેરોનો ડેટા મારી પાસે નથી. તેની જરૂર પણ નથી. ગુજરાતનાં ઓલમોસ્ટ દરેક શહેર અને પ્રત્યેક જિલ્લામાં પોલીસ આવી ઉમદા કામગીરી કરી રહી છે. બોટાદ જિલ્લામાં S.P. હર્ષદ મહેતાનાં માર્ગદર્શનમાં જિલ્લાનાં લગભગ ચાર હજાર વયોવૃદ્ધ વડીલોને આઇડેન્ટિફાય કર્યાં છે. આ વડીલોમાંથી કેટલાક એવા છે, જેમની આગળપાછળ કોઈ નથી, ઘણાં એવા પણ છે, જેમનાં સંતાનો અન્ય કોઈ જગ્યાએ કે વિદેશ રહેતા હોય. આ બધા વડીલોને ભોજન-દવા વગેરે પહોંચાડવાની જવાબદારી પોલીસ તંત્રએ ઉઠાવી લીધી છે. જિલ્લા પોલીસ તંત્ર રોજ લગભગ 15થી 20 હજાર ગરીબો-શ્રમિકોને જમાડે છે, આજ સુધી લગભગ સાડા ત્રણ લાખ લોકોને તેમણે ભોજન પૂરું પાડ્યું છે, જરૂરિયાતમંદોમાં શાકભાજીની 35 હજાર કિટ અને રાશનની ત્રણ હજાર જેટલી કીટ લોકોને  પહોંચતી કરી છે.

ઘણાં ભરમ ભાંગી રહ્યા છે. આપણે તો સાંભળ્યું હતું કે, પશ્ચિમી રાષ્ટ્રોમાં એક-એક મનુષ્યનાં પ્રાણનું મૂલ્ય છે અને એક નાગરિકનો જીવ બચાવવા તેઓ કરોડો ડોલર પણ હોમી દે છે, આજે એ જ પશ્ચિમી દેશો અર્થતંત્રને દોડતું રાખવા પોતાનાં નાગરિકોને જીવજંતુની જેમ મરવા દે છે. મેં અને તમે તો સાંભળ્યું હતું કે, જગતની મહાસત્તાઓની પોલીસ પાસે આપણી પોલીસનું કશું જ ન આવે. આજે પુન:વિચાર કરવાનું મન થાય છે. કઈ પોલીસને વધુ કાર્યક્ષમ ગણવી: શું લેટેસ્ટ ગન્સથી સજ્જ અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતી પણ મોલ્સ પાસે ધમાલ ન થાય એનો ખ્યાલ રાખતી પોલીસ મહાન છે? કે પછી મર્યાદિત સાધનો વચ્ચે પણ લૉકડાઉનનો અમલ કરાવતી અને લાચાર લોકોને ઘેર રાશન તથા ભોજન પહોંચાડતી પોલીસ વધુ ધન્યવાદને પાત્ર છે? લૉકડાઉનમાં પોલીસ માટે દરેક મોરચે લડવું આસાન નથી. લોકોને ઘેર બેસાડવા, ક્રાઈમ પર કાબુ રાખવો, રૂટિન કામગીરી પણ ચાલું અને ભોજન, રાશન, દવાઓ પણ પહોંચાડવી. સમાજનાં વડીલોનું પોતાનાં ઘરનાં મોભીની માફક ધ્યાન રાખવું. આવી સ્થિતિમાં કામ કરતી પોલીસ ફોર્સ અને અધિકારીઓ માટે… એક સલામ તો બનતા હૈ!

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here