શું આંશિક છૂટછાટ આપીને સરકારે આપણને ભગવાન ભરોસે છોડી દીધા છે?

0
455
Photo Courtesy: twitter.com/narendramodi

લોકડાઉન દરમ્યાન આજથી અમુક વ્યાપારી સંસ્થાઓને પોતાના વ્યાપાર શરુ કરવાની છૂટ આપીને સરકારે હવે દેશને ભગવાન ભરોસે છોડી દીધો છે તેવી એક છાપ ઉભી થઇ છે શું તે યોગ્ય છે ખરી?

Photo Courtesy: twitter.com/narendramodi

બે દિવસ પહેલાં એટલેકે રાત્રીના સમયે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક આદેશ આપીને દેશભરમાં એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનમાં આંશિક છૂટછાટો આપી હતી. આ આદેશનું અધ્યયન કરીને ગુજરાત સરકારે પણ ગઈકાલે સાંજ સુધીમાં ગુજરાતમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેની સ્પષ્ટતા પણ કરી દીધી. પરંતુ સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ લાખોની સંખ્યામાં સોશિયલ મિડિયા દુગ્ગલ સાહેબો વસે છે તેમણે આ સમગ્ર આદેશને સમજ્યા વગર તેનું અધ્યયન અથવાતો મનન કર્યા વગર પોતાની એક્સપર્ટ સલાહો વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર વહેતી કરી દીધી અને પરિણામે જે ચિત્ર ઉભું થયું તે સરકારના આદેશ કરતા વિરુદ્ધ જ નીકળ્યું.

સોશિયલ મિડિયામાં જો આ આંશિક છૂટછાટો અંગે અસંખ્ય દુગ્ગલ સાહેબો દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવોનું એનાલીસીસ કરીએ તો એવું ચોક્કસ લાગે કે સરકારે હવે આપણને અમેરિકા, કેનેડા વગેરે દેશોની સરકારોની જેમ ભગવાન ભરોસે છોડી દીધા છે. સરકારે હવે કોરોના સામેની લડાઈમાં હથિયાર હેઠાં મૂકી દીધા છે એવા ફેસબુક સ્ટેટ્સ અને Tweet પણ જોવા મળ્યા. અરે! જ્યારે તબલીગી જમાતે ભેગા થઈને આખા દેશમાં કોરોના વાયરસ અચાનક જ ફેલાવવાના પ્રયાસો કર્યો ત્યારે પણ સરકારે પરિસ્થિતિ સામે મક્કમ લડાઈ કરીને તેના પર મહત્તમ કાબુ મેળવ્યો તો હવે જ્યારે કોરોના એક હદથી વધુ ઝડપથી નથી રહ્યો અને સાજા થનારાઓની સંખ્યા દરરોજ વધી રહી છે ત્યારે એ શા માટે હથિયાર હેઠા મૂકી દે? આ લડાઈ જેટલી ધારીએ છીએ એટલી સરળ અને ટૂંકી નથી આથી દરરોજ કોઈને કોઈ નવા આદેશો જોવા વાંચવા મળે તો તે જે-તે સમયે કોરોનાનો દેશમાં રહેલા પ્રસારને ધ્યાનમાં લઈને જ આપવામાં આવશે તેનું ધ્યાન રાખવું.

હવે આપણે વાત કરીએ કેન્દ્ર સરકારના આદેશની અને આપણે ગુજરાતમાં રહીએ છીએ તો તેના પર ગુજરાત સરકારે શું નિર્ણય લીધો તેના વિષે. આ બાબત પર ચર્ચા કરતા પહેલા કેટલાક સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ જેથી ગુજરાત સરકારની ગઈકાલની જાહેરાત વધુ સ્પષ્ટ થાય.

(બધા દુગ્ગલ સાહેબો ખાસ વાંચે)

સવાલ: શું લોકડાઉન પૂર્ણપણે હટાવી લેવામાં આવ્યું છે?

જવાબ: ના, તો પછી ગભરાવાની જરૂર નથી.

સવાલ: શું ગુજરાત સરકારની જાહેરાત બાદ લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ મળી ગઈ છે?

જવાબ: ના, તો પછી ગભરાવાની જરૂર નથી.

સવાલ: શું મોલ્સ, રેસ્ટોરાં, હોટેલો, કપડાંની દુકાનો, મોબાઈલ શોપ્સ, પાનના ગલ્લાઓ, મીઠાઈ – ફરસાણની દુકાનો વગેરે, જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થવાની શક્યતાઓ હોય છે એ આજથી ખુલવાની છે?

જવાબ: ના, તો પછી ગભરાવાની જરૂર નથી.

સવાલ: જે દુકાનો ખોલવાની હા પાડી છે જેવી કે પંકચરની દુકાનો, ચશ્માંની દુકાનો, રીચાર્જની દુકાનો, સ્ટેશનરીની દુકાનો, ઇલેક્ટ્રિકની દુકાન અને AC રીપેરની દુકાન શું ત્યાં આપણે અને અન્યો દરરોજ જવાના છીએ?

જવાબ: ના, તો પછી ગભરાવાની જરૂર નથી.

જો આ બધા મહત્ત્વના સવાલોના જવાબ ના માં જ હોય તો પછી ગભરાઈ જવાની કે સરકાર પર છાણા થાપવાની જરૂર કેમ ઉભી થઇ એ જ ખબર નથી પડતી. જો આમ જ હોય તો ગઈકાલ સુધીના લોકડાઉનમાં અને હવેના લોકડાઉનમાં શો ફેર પડ્યો? પહેલા પણ દૂધની, દવાઓની અને કરીયાણા વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી હતી અને આજથી પણ રહેશે, ફેરફાર થયો છે એ એટલો જ છે કે અન્ય જીવનજરૂરી વસ્તુઓની દુકાનોનો ઉમેરો કરવામાં આવ્યો છે જે મહિનાથી બંધ હોવાથી લોકોને તેના કારણે તકલીફ પડી હશે તેમાં રાહત આપી શકાય.

ઘણા એવા હશે જેના સ્કુટરો, બાઈક્સ, કાર અથવાતો સાઈકલોમાં લોકડાઉન દરમ્યાન પંચર પડ્યા હશે એમને જીવનજરૂરી ચીજો લેવા જવામાં અત્યારસુધી જે તકલીફ પડી હશે તે દૂર થશે. જે વડીલો કે અન્યો જેમને ચશ્માં વગર એક મિનીટ પણ નથી ચાલી શકતું તેમના જો ચશ્માં તૂટી ગયા હોય કે તેમાં કોઈ તકલીફ હશે તો તે સરખાં કરાવવા તેઓ જઈ શકશે. આપણે જાણીએ છીએ આપણે બધા એપ કે વેબસાઈટ દ્વારા રીચાર્જ નથી કરાવી શકતા અને લોકડાઉન દરમ્યાન જેમનું રીચાર્જ પૂરું થઇ ગયું હશે તો એ લોકો રીચાર્જની દુકાને જઈને રીચાર્જ કરાવી શકશે.

ઉનાળો હવે ભારતભરમાં શિખર પર પહોંચી રહ્યો છે આવામાં લોકડાઉન દરમ્યાન જ જેમના ઘરના પંખા, AC બંધ પડી ગયા હોય અથવાતો ઘરના કોઈ મહત્ત્વના રૂમમાં જ લાઈટ ન થતી હોય તો ઈલેક્ટ્રીશીયનને હવે બોલાવી શકાશે અને એ તકલીફ દૂર થઇ શકશે.

હા, સ્ટેશનરીની દુકાને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જુન મહિનાથી ગુજરાતમાં શાળાઓનું નવું સત્ર શરુ થશે તેવી જાહેરાત ગુજરાત સરકાર કરી ચૂકી છે આથી બાળકોના અભ્યાસના પુસ્તકો અને નોટબુક વગેરે લેવા માટે આ દુકાનો પર ધસારો થઇ શકે તેમ છે. અહીં એ સ્ટેશનરી શોપના માલિક અને ગ્રાહકો આ બંનેએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક હાથે પાલન થાય. બધું તો સરકાર ન કરે, થોડું તો આપણે પણ કરી શકીએને?

આપણા બધામાં સામાન્ય સમજ હોય જ છે તેમ છતાં આપણે પેલા દુગ્ગલ સાહેબોની જેમ એમ કેમ ન સમજી શક્યા કે જ્યાં ભીડ થવાની શક્યતાઓ વધુ છે જાહેર સ્થાનો અથવાતો જે દુકાનો ખોલવાની હજી જરૂર નથી તે બંધ જ રહેવાની છે. ન તો મોલ્સ ખુલવાના છે, ન તો થિયેટર્સ, ન તો પાનના ગલ્લા કે ન તો મીઠાઈ-ફરસાણની દુકાનો. જે કોઈ દુકાનો ખુલ્લી રહેવાની છે તે તમામની જરૂરીયાત આપણને રોજીંદા જીવનમાં નથી પડતી અને જો લોકડાઉનમાં તકલીફ પડી હોય તો તેને દૂર કરવા માટે જ તેને ખોલવામાં આવી છે. આથી ત્યાં પણ ભીડ નહીં થાય.

બીજું, જ્યારે લોકડાઉન પૂર્ણપણે ખોલવામાં આવ્યું જ નથી તો આ ‘હાય હાય’ કરવાની જરૂર કેમ પડી એ જ સમજાતું નથી. એક પણ ઓફિસ ખોલવામાં આવી નથી એટલે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળવાના જ નથી તો પછી જો આપણે કામ વગર હજી પણ 3 મે સુધી બહાર નહીં નીકળીએ એતો પછી કોરોનાનો ફેલાવો કેવી રીતે વધશે એવા સાદાસીધા તર્કનો જવાબ ખુદને તો આપી જુઓ મારા દુગ્ગલ સાહેબ? પણ હા જો આપણને જ બહાર નીકળવાનો કીડો હોય તો પછી પોલીસના અખરોટ તોડ્યા સિવાય બીજું કોઈ કશું ન કરી શકે.

ગુજરાત સરકારે ગઈકાલે સ્પષ્ટ કર્યું છે કે રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં પૂર્વવત પરિસ્થિતિ જ જળવાઈ રહેશે, જ્યાં કોઈને અંદર આવવાની કે બહાર જવાની મંજૂરી નથી એટલેકે કાલે જાહેર થયેલી કએક પણ છૂટછાટનો લાભ આ વિસ્તારના નાગરિકોને નહીં મળે. એટલે દુકાન ભલે ગ્રીન ઝોનમાં હોય પરંતુ જો દુકાનદાર રેડ ઝોનમાં રહેતો હશે તો એ પોતાની દુકાન ખોલી નહીં શકે.

હવે કેટલાક લોકો એમ કહે છે કે પ્રશાસને રેડ ઝોન અથવાતો કન્ટેઇનમેન્ટ ઝોન ભલે બનાવ્યા પરંતુ અહીં લોકો મનાઈ હોવા છતાં આ ઝોનમાંથી બહાર નીકળીને ગ્રીન ઝોનમાં પહોંચી જાય છે તેનું શું? એ બધા તો કોરોના ફેલાવશે જ ને? વાત સાચી પણ અહીં માત્ર સરકારની કે પોલીસની જ જવાબદારી છે? લોકડાઉનના પહેલા જ દિવસથી સરકાર અને પોલીસ બે હાથ જોડીને વિનંતી કરીને કહી રહી છે કે ભાઈસાબ, ઘરમાં જ રહો પરંતુ તેમ છતાં રેડ ઝોન અથવાતો કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેવા છતાં જો આપણે આપણી જવાબદારી ન સમજીને પોલીસને થાપ આપીને ગ્રીન ઝોનમાં જઈને ત્યાં રહેતા લોકો માટે ખતરો બનીને પોરસાઈ રહ્યા છીએ તો આપણને આપણા સંસ્કાર લજવતા શરમ ન આવવી જોઈએ? જો આવા લોકો ગ્રીન ઝોનમાં આવતા હોય તો જે-તે ગ્રીન ઝોનમાં રહેતા જાગૃત નાગરિક તરીકે આપણને જાણ થતા પોલીસને આપણે ફરિયાદ ન કરીએ તો આપણો પણ વાંક તો ખરોને?

ઘણા લોકો આ આંશિક છૂટછાટને રમઝાન મહિના સાથે જોડી રહ્યા છે. આ એવા જ લોકો છે જેમણે વડાપ્રધાનનું લોકડાઉનને આગળ વધારવાનું સંબોધન નહોતું સાંભળ્યું કે નહોતું સમજ્યું. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે 20 એપ્રિલ પછી જ્યાં જરૂર હશે ત્યાં અને તેટલીજ છૂટછાટ આપવામાં આવશે. જો તમને યાદ હોય તો ગુજરાતના વિવિધ શહેરોમાં કયા રેડ ઝોન છે, કયા ઓરેન્જ ઝોન છે અને કયા ગ્રીન ઝોન છે એના ક્રિએટીવ્ઝ સોશિયલ મિડીયામાં લગભગ 18-19 એપ્રિલની આસપાસ ફરવા લાગ્યા હતા. ત્યારે તો આપણે આપણા વિસ્તારને ગ્રીન ઝોનમાં જોઇને રાહત અનુભવતા હતા કે હાશ આપણને થોડી સરળતા રહેશે. તો પછી હવે જ્યારે ખરેખર સરળતા મળી છે તો તેનો વિરોધ કરવાનો? બીજું, વડાપ્રધાને 20મી થી છૂટછાટ આપશે એમ કહ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારનો છૂટછાટ અંગેનો આદેશ 24મી એ આવ્યો અને ગુજરાત સરકારે ગઈકાલે એટલેકે 25મી એ પોતાની રીતે આ આદેશ જાહેર કર્યો, તો એનો મતલબ એ કે બંને સરકારોએ ચારથી પાંચ દિવસના ભારે મનોમંથન બાદ કશું વિચારીને જ ઉપરોક્ત છૂટછાટો આપી હશેને? આમાં સરકારે આપણને ભગવાન ભરોસે છોડી દીધા એવું ક્યાંથી કહી શકાય?

સહુથી વધુ હસવું એ વાતનું આવે છે કે જે લોકો લોકડાઉનનો વિરોધ કરતા હતા અને કહેતા હતા કે લોકડાઉનથી કશું વળવાનું નથી, ખાસ કરીને કેટલાક વરિષ્ઠ અને જાણીતા પત્રકારો, એ લોકો જ હવે આ આંશિક છૂટછાટનો પણ વિરોધ કરી રહ્યા છે. ટૂંકમાં જે થાળીમાં લાડુ એ થાળી આપણા પિતાશ્રીની એમજ ને? જે લોકો વધુ સમય સુધી લોકડાઉન રહે તો ભારતને કેવા આર્થિક સંકટનો સામનો કરવો પડશે અથવાતો ભારતના લોકોની માનસિકતા પર કેવી નકારાત્મક અસરો પડશે અને શું લોકડાઉન જ એક ઉપાય છે? શું બે-ત્રણ વર્ષ સુધી લોકડાઉન ચાલુ રાખશો? એવી વાતો કરનારાઓ અને એવા સવાલો કરનારાઓ જ હવે લોકોમાં આ આંશિક છૂટછાટને વગર સમજે (સમજ્યા તો ત્યારેય ક્યાં હતા?) દુગ્ગલ સાહેબો બનીને પેનિક ફેલાવી રહ્યા છે.

સો વાતની એક વાત, જો સરકારી આદેશોની રત્તીભારની સમજણ આપણને ન પડતી હોય તો કોઈ જાણકારને એક ફોન કરીને પૂછી લેવાય અને જો ત્યાંથી પણ સંતોષકારક જવાબ ન મળે તો મૂંગા રહેવાય, પરંતુ સોશિયલ મિડિયામાં આપણી અર્ધબુદ્ધિની જાહેરાત કરીને પેનિક તો ન જ ફેલાવાય. સરકારે કોઈની પણ સામે હથિયાર હેઠા નથી મુક્યા એ વાત યાદ રાખજો. પરંતુ કોરોના સાથે જીવવું એ આપણી જીવનશૈલી બની જશે એ પણ એટલુંજ સત્ય છે. સરકાર કહે કે ન કહે, લોકડાઉન રહે કે ન રહે, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, છે અને છે જ!

આથી આવનારા દોઢથી બે વર્ષ, એટલેકે જ્યાં સુધી કોરોનાની પ્રતિકારક રસી ન શોધાય અને આપણા બજારમાં સરળતાથી ન મળવા લાગે ત્યાં સુધી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, હાથ ન મેળવવા અને નમસ્તે કરવા, માસ્ક પહેરવું, એકબીજાથી છ ફૂટનું અંતર જાળવવું અને જરૂર ન હોય તો ઘરની બહાર ન જ નીકળવું. આ બધું આપણી જીવનશૈલીમાં આપણે ઉતારવું જ રહ્યું એના વગર આપણી પાસે અન્ય કોઈજ રસ્તો નથી. આવનારા બે વર્ષમાં ચીકુનગુનિયા, ડેન્ગ્યુ વગેરે વાયરલ રોગની જેમ કોરોના પણ લોકોને થશે, પરંતુ આશા કરીએ કે ત્રણ મહિના પછી ભારતમાં કોરોનાના કેસની સંખ્યા એટલી ઓછી થઇ જાય કે વિવિધ રાજ્ય સરકારો અને હોસ્પિટલોને ઈલાજ કરવામાં એટલી તકલીફ ન પડે જેટલી અત્યારે પડી રહી છે.

1500નું જ્ઞાન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 14 એપ્રિલ 2020નું સંબોધન

૨૬ એપ્રિલ ૨૦૨૦, રવિવાર (અખાત્રીજ)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here