અલકમલકની વાતોઃ આઠ દાયકાથી બોલીવુડને વસ્ત્રો પૂરા પાડતા ‘મગનલાલ ડ્રેસવાલા’

0
372
Photo Courtesy: justdial.com

“We make Gods (અમે ભગવાન બનાવીયે છીએ)” – આ શબ્દો છે સારિકા ડ્રેસવાલાના. સારિકા ડ્રેસવાલા એ સુરેશભાઈ ડ્રેસવાલાની દીકરી છે જે ફેશન ડિઝાઈનીંગનું ભણ્યા પછી પોતાના કૌટુંબિક વ્યવસાયમાં જોડાઈ ગઈ છે. આ વ્યવસાય એટલે અવનવા પોશાક બનાવવાનો! ચાલો આ ધંધાનો ઈતિહાસ જાણીએ.

Photo Courtesy: justdial.com

1926ની વાત. હરિલાલ અને મગનલાલ નામના બે ભાઈ ગુજરાતના ગામડામાંથી મુંબઈમાં રૂપિયા રળવા આવ્યા. પૂર્વજોની શિખામણથી બંને ભાઈઓને દેશી પાઘડી અને ફેંટા બાંધતા આવડતું. બંને ભાઈઓએ મળીને એક નાની દુકાન ખોલી જેમાંથી રામલીલા ભજવનારા મંડળો રામના, સીતાના, લક્ષ્મણના, હનુમાનના અને રાવણના પોશાક (costumes) ભાડે લઈ જતાં. તે સમયે બોમ્બેમાં ભજવાતા આખી રાતના રામલીલાના શો માટેના લગભગ પોશાક આ દુકાનેથી જતાં. ભારતની ફિલ્મ ‘આલમ આરા’ માટે પણ તેમણે પોશાક આપેલા જેના કારણે સન 2008માં તેમનું નામ ‘લિમ્કા બુક ઑફ વર્લ્ડ રિકોર્ડ્સ’માં પણ નોંધાયેલું છે.

એક દિવસ બોલીવુડના એક ફિલ્મનિર્માતા અને નિર્દેશક કે. આસિફે મગનલાલને મળવા બોલાવ્યા. મગનલાલને કહ્યું કે અમે એક ઐતિહાસિક ફિલ્મ બનાવીયે છીએ એટલે તમારી જરૂર પડશે. બીજે દિવસે સેટ પર મગનલાલ આવ્યા ત્યારે ઘણાં લોકો તેમને ‘ટેલર’ કહીને બોલાવતા. મગનલાલને આ વાત ગમી નહીં અને કહી દીધું, ‘મૈ ટેલર નહીં હું, મેરી ખુદ કી દુકાન હૈ જહાં 100 ટેલર લોગ કામ કરતે હૈ. મૈં ‘ડ્રેસવાલા’ હું’ – બસ પછી તો ‘મગનલાલ ડ્રેસવાલા’ નામ પ્રચલિત થઈ ગયું.

‘દિન દોગુની રાત ચૌગુની’ પ્રગતિ કરતાં ‘મગનલાલ ડ્રેસવાલા’ને ફિલ્મોની ઓફરો આવવા લાગી. ઐતિહાસિક અને ધાર્મિક ફિલ્મોમાં પોશાક પહોંચાડવાનું કામ બંને ભાઈઓને ફાવી ગયું. કોઈ પણ ફિલ્મના નિર્દેશક મગનલાલને મળે એટલે ડીલ ‘ડન’ થઈ જાય. જે ચરિત્ર ભજવવાનું હોય તેનો ફોટો મગનલાલ લઈ આવે અને પોતાના કારીગરોને આપે. કારીગરો એકમેક સાથે ચર્ચા-વિચારણા કરે અને પોતાને આવડે તેવી ડિઝાઈનનું આદાનપ્રદાન કરે અને છેવટે સમયસર પોશાક પહોંચાડી દે.

મરાઠી અને હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ કલાકાર સચિન પિલગાંવકરની દીકરી શ્રેયા પિલગાંવકરે સન 2012માં ‘મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ’માં મગનલાલ ડ્રેસવાલાના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી બનાવેલી. આ ‘ડ્રેસવાલા’ નામની ડોક્યુમેન્ટ્રી સિંગાપોરની એક મિડીયા કંપની Channel News Asia એ પ્રસ્તુત કરેલી.

આ ડોક્યુમેન્ટ્રીમાં મગનલાલના પુત્ર સુરેશભાઈ વાત કરતાં કહે છે, “મુગલ-એ-આઝમ વખતે પૃથ્વીરાજ કપૂરે પહેરેલું બખ્તર લોખંડનું હતું જેનું વજન 30 કિલો હતું. પહેરતી વખતે બખ્તરના વજનને કારણે તેઓ થોડા વાંકા વળીને ચાલતાં. વર્ષો પછી ‘જોધા-અકબર’ ફિલ્મમાં ફરી પાછું હ્રિતિક રોશન માટે બખ્તર બનાવવા આશુતોષ ગોવારીકર અમારી પાસે આવ્યા ત્યારે અમે એલ્યુમિનિયમનું બખ્તર બનાવ્યું “જેનો વજન ખૂબ ઓછો હતો.” તેઓ એવું પણ કહે છે કે કોઈ પણ પ્રકારના ઐતિહાસિક વસ્ત્રો બનાવતા પહેલાં અમે સાહિત્ય, જૂની તસ્વીરો, પુસ્તકો વાંચીને ઘણું રીસર્ચ કરીએ છીએ.

શ્યામ બેનેગલની ઐતિહાસિક સિરીયલ ‘ભારત – એક ખોજ’ માટે મગનલાલ ડ્રેસવાલા ગ્રુપને હજારો કપડાં સીવવા પડ્યા હતા અને દર બે અઠવાડિયે સિરીયલમાં શાસનકાળ બદલાય એટલે જે તે કાળને અનુરૂપ પોશાક ડીઝાઈન કરવા પડે. તે જ પ્રમાણે ભારતવર્ષની પ્રચલિત સિરીયલો ‘રામાયણ’ અને ‘મહાભારત’ માટેના પોશાક પણ મગનલાલ ડ્રેસવાલા ટીમે જ બનાવ્યા હતા. આ સિવાય ‘રામરાજય’, ‘અનારકલી’, ઓસ્કારમાં નોમિનેટ થયેલી ‘લગાન’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ઝૂબેદા’, ‘દેવદાસ’, રાજા રવિ વર્માના જીવન પર બનેલી ‘રંગરસિયા’ જેવી 200 ફિલ્મોમાં મગનલાલ ડ્રેસવાલાએ જ ડ્રેસ પૂરાં પાડેલા છે.

કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લે ત્યારે તેમની ટીમ ફક્ત પોશાક (એટલે કે કપડાં) જ નહીં પણ પોતાની સાથે ધાતુના કારીગરો, મોચી, ફેંટા બાંધનારા, એમ્બ્રોયડેરી કરનારા એમ કુલ 100 થી 150 લોકોને રાખે. કોની જરૂર કયા સમયે પડશે તેની ખબર ન હોય એટલે આખી ટીમ ખડેપગે ઊભી રહે. મગનલાલની દુકાનના એક કારીગર કહે છે – શૂટીંગનું કામ તો બંબાવાળા (ફાયર બ્રિગેડ) જેવું છે. આગ લાગે એટલે ભાગો, સમય જોવાનો નહીં.

મગનલાલ ડ્રેસવાલાની નવી પેઢી (જેમ કે સારિકા અને તેના ભાઈઓ) નવા નવા પ્રોજેક્ટ પર જાતે કામ કરે છે. જેમ કે કરિશ્મા કપૂરની કમબેક ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’ માટે સારિકાએ કોશ્ચ્યુમ ડીઝાઈન કરેલા. નવી પેઢી ફક્ત ફિલ્મો, નાટકો અને સિરીયલોના પ્રોજેકટ સુધી સિમીત નથી રહી. જે તે ફિલ્મ રિલીઝ થાય પછી હીરો-હીરોઈને પહેરેલા વસ્ત્રો તેઓ માર્કેટમાં ડીઝાઈનર ક્લોથ્સ તરીકે મૂકી દે. કોર્પોરેટ જગતમાં અને કંપનીઓમાં ‘થીમ પાર્ટી’ઓમાં પણ તેઓ પોશાક સપ્લાય કરે છે. ઘણી વાર કોઈ પાર્ટી ન હોય, કોઈ શૂટીંગ ન હોય છતાં ફિલ્મી સિતારાઓના ચાહકો (fans) તેમની પાસે કપડાં ખરીદવા આવે છે – ફક્ત પોતાના કબાટમાં રાખવા માટે!

કાલબાદેવી મુંબઈમાં આજે 8 દાયકાઓથી ચાલતી આ દુકાન એન.આર.આઈ. ગુજરાતીઓ માટે પણ એક મુખ્ય સ્થાન બની રહ્યું છે કારણ કે મે-જૂનના મહિનામાં તેઓ વિદેશ લઈ જવા માટેના કપડાની ખરીદી મગનલાલ ડ્રેસવાલાને ત્યાંથી જ કરે છે.

અંગ્રેજીમાં એવું કહેવાય છે – Clothes make man! સાચ્ચે જ, પોશાક અને કપડાંએ જ આ પરિવારને બનાવ્યો છે.

સંદર્ભઃ

યુટ્યુબ પર ડોક્યુમેન્ટ્રી માણવા આ બે લિંક ક્લિક કરોઃ

https://www.youtube.com/watch?v=p5-elmWMsfc

https://www.youtube.com/watch?v=XyAw2UIBw6k&t=1s

તેમની વેબસાઈટ પરના ફોટાઓ જોવાનું ચૂકશો નહીં  – http://maganlaldresswalla.com/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here