સત્તાપલટો: કોરોના ગમેત્યારે ઇમરાન ખાનનો ભોગ લેવા માટે તૈયાર

0
276
Photo Courtesy: suchtv.pk

પાકિસ્તાનની સેના ઘણા સમયથી સત્તાપલટા માટે તૈયારી કરી રહી છે પરંતુ કોરોનાને કાબુમાં લેવા બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની નાકામી આ સત્તાપલટો કરવા માટે હવે મજબૂત કારણ બની રહી છે.

Photo Courtesy: suchtv.pk

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોનાએ અહીંના નાગરિકોની હાલત અત્યંત ખરાબ કરી દીધી છે. પાકિસ્તાનમાં ભલે 250ની આસપાસની સંખ્યામાં જ મૃત્યુ થયા હોય પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સાચો આંકડો આનાથી ઘણો મોટો અને ભયજનક છે.

કોરોના સામે મજબૂત લડત આપવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સદંતર નિષ્ફળ નીવડ્યા છે જેને કારણે પાકિસ્તાની સેના તેમનાથી બિલકુલ ખુશ નથી. પાકિસ્તાની મિડિયા અને સત્તાધીશોમાં એક ચર્ચા દરરોજ ચાલી રહી છે કે હવે કોરોનાને કારણે ઇમરાન ખાનનો બહુ જલ્દીથી ભોગ લેવામાં આવી શકે છે.

સૈનિક અથવાતો લશ્કરી શાસન એ પાકિસ્તાન માટે નવી વાત નથી અને આ વખતે સૈન્ય સત્તાપલટાની આગેવાની ઇમરાન ખાનના જ લાડકા એવા જનરલ કમર બાજવા લઇ શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે. કમર બાજવા કોરોના સામે ઇમરાન ખાનની લાચારી ઉપરાંત ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની નાબુદી બાદ પાકિસ્તાન સરકાર દ્વારા ભારત વિરુદ્ધ વૈશ્વિક મત ઉભો કરવામાં મળેલી સદંતર નિષ્ફળતા માટે પણ પોતાના વડાપ્રધાનને જવાબદાર માને છે.

કોરોના જ્યારે પાકિસ્તાનમાં દાખલ થયો હતો ત્યારે પહેલેથી જ નબળી એવી પાકિસ્તાની અર્થવ્યવસ્થાનો હવાલો આપીને ઇમરાન ખાને લોકડાઉન અમલમાં મુકવું યોગ્ય માન્યું ન હતું. ત્યારબાદ પરિસ્થિતિ કાબુ બહાર જતા જોઇને પાકિસ્તાની સેનાએ દખલ કરતા પાકિસ્તાનના રાજ્યોની સરકારો સાથે મળીને લોકડાઉન અમલમાં મુક્યું હતું.

આ ઉપરાંત લોકડાઉનને કારણે પાકિસ્તાની અર્થવ્યવસ્થાને થનારા નુકશાનની ભરપાઈ માટે વિશ્વના શ્રીમંત દેશો તેમજ IMF પાસેથી મદદ લેવામાં પણ ઇમરાન ખાન પાછા પડ્યા હોવાથી પણ સેના નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ તમામ કારણોનો હવાલો દઈને પાકિસ્તાની મિડિયા એમ કહી રહ્યું છે કે બહુ જલ્દીથી પાકિસ્તાનમાં સેના બળવો કરશે.

જો ઇમરાન ખાનને આ બળવા બાદ ઘેર બેસવાનું આવશે તો સેના પોતાના મનગમતા વ્યક્તિને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરશે અથવાતો જનરલ બાજવા ખુદ પાકિસ્તાનના સર્વેસર્વા બની જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here