છેલ્લા બે મહિનાથી ભારતીય સેના જે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવી રહી છે તે એક સાથે બે પ્રકારના અને સાવ અલગ યુદ્ધ લડી રહી છે અને સફળતા મેળવી રહી છે.

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આજકાલ ભારતીય સેના બે પ્રકારના યુદ્ધ એકસાથે લડી રહી છે. ગત માર્ચ મહિનાથી સેના એક તરફ આતંકવાદીઓ અને બીજી તરફ કોરોના સામે એક સરખી લડાઈ લડી રહી છે.
આ મહિનાની શરૂઆતથી અત્યારસુધી ભારતીય સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 22 આતંકવાદીઓને ઠાર માર્યા છે. તો સેના અહીં કોરોનાને ફેલાવાથી રોકવા માટે પણ ભરપૂર પ્રયાસો કરી રહી છે.
ભારતીય સેનાના ડિફેન્સ PRO લેફ્ટનન્ટ કર્નલ અભિનવ નવનીત જે ઉધમપુર સ્થિત પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં જ ભારતીય સેના જે કાશ્મીર ખીણના અનંતનાગ અને પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ સામે લડી રહી હતી તેણે ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.
લે. કર્નલ અભિનવ નવનીતે એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતથી અત્યારસુધી સેના દ્વારા ઠાર મારવામાં આવેલા આતંકવાદીઓની સંખ્યા હવે 54 સુધી પહોંચી ગઈ છે. ખીણમાં સેનાએ જ્યારથી આક્રમક વ્યૂહ અપનાવ્યો છે ત્યારથી અહીં શાંતિનો સમય તો વધ્યો જ છે પરંતુ સાથે સાથે સુરક્ષા વ્યવસ્થા પણ અગાઉ કરતાં ઘણી મજબૂત બની છે અને આતંકવાદીઓ તેમજ તેમના આકાઓની સંખ્યા ઘટી છે.
એક અન્ય રિપોર્ટ અનુસાર પાકિસ્તાને છેલ્લા અમુક દિવસોમાં પોતાના 14 લોન્ચપેડ્સથી જમ્મુ અને કાશ્મીરમાં મોકલવામાં આવતા આતંકવાદીઓની સંખ્યા બમણી કરી દીધી છે. ગયા મહીને પાકિસ્તાને લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પર યુદ્વ વિરામનો વારંવાર ભંગ કરીને આતંકવાદીઓને ખીણમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા.
eછાપું