અલકમલકની વાતોઃ રમકડાં રમીને કરોડોની કમાણી કરનારો 8 વર્ષનો છોકરો

0
352

આજકાલની પેઢી માટે સૌથી મોટા કલાકાર અને સિતારાઓ ફિલ્મો અને નાટકોના નહીં પણ યુટ્યુબ પર વિડીયો બનાવનારા છે. વિડીયો બનાવીને લાખો કરોડો રૂપિયા કમાતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. એક છોકરો રમકડા રમતા રમતા વિશ્વભરના બાળકોનો પ્રિય બની ગયો અને 2017માં 1.1 કરોડ ડોલર, 2018માં 2.2 કરોડ ડોલર અને 2019માં 2.6 કરોડ ડોલર કમાઈ લીધા. તે છોકરાનું નામ છે – રાયન કાઝી (Ryan Kazi)

રાયનની યુટ્યુબ ચેનલનું નામ છે – Ryan’s World જેના અઢી કરોડ જેટલા સબસ્ક્રાયબર છે. રાયન એક એશિયન પરિવારનો દીકરો છે અને તેની સાચી અટક ગુઆન (Guan) છે પણ યુટ્યુબ માટે તેના માતાપિતાએ અટક બદલાવીને કાજી (Kaji) રાખવાનું પસંદ કર્યું.

રાયન 3 વર્ષનો હતો ત્યારથી તેના માતાપિતા તેની સાથે રમકડાં રમતા અને વિડીયો ઉતારતા. રાયન પોતે પણ યુટ્યુબ પર રમકડા વેચનારી કંપનીના વિડીયો જોતો (દા.ત. EvanTubeHD નામની એક કંપનીના વિડીયો) અને પોતાની મમ્મીને પૂછતો – ઘણાં બધા બાળકો યુટ્યુબ પર છે તો હું કેમ નથી? રાયનનો સવાલ વિચારવા યોગ્ય હતો. રાયનની મમ્મીએ તેના પતિને વાર કરી અને સન 2015થી રાયનના વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવાના શરૂ કર્યા. રાયનની માતા એક હાઈસ્કૂલમમાં રસાયણશાસ્ત્ર ભણાવતી હતી પરંતુ રાયનના વિડીયોને મળેલો પ્રતિસાદ જોઈને તેણે પોતાની શિક્ષિકાની નોકરી છોડીને ફુલ-ટાઈમ રાયનની ચેનલ માટે કામ કરવાનું શરૂ કર્યુ.

આ આખી અવિશ્વસનીય મુસાફરી એક સરળ 15 મિનિટના એક વિડીયોથી શરૂ થયેલી. રાયનના સૌ પ્રથમ વિડિઓમાં, તેણે ફક્ત એક લેગો બોક્સ ખોલીને તેને ગોઠવીને એક ટ્રેન બનાવેલી. ધીમે ધીમે રાયનભાઈની ગાડી ચાલી. દર મહિને જોનારાની સંખ્યા બમણી થવા લાગી. લગભગ ચાર જ મહિનામાં, રાયનની ચેનલે ટ્રાફિકનો ધસારો જોયો, જેમાં મુખ્યત્વે રાયન રમકડા રમતો અને તેના રિવ્યુ આપતો દેખાતો. એક વિડીયોમાં રાયન એક સાથે સો રમકડાંની સમીક્ષા કરે છે, જેનું શીર્ષક છે 100+ cars toys GIANT EGG SURPRISE OPENING.

જાન્યુઆરી, 2016 માં, તેણે 1 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા. એક વર્ષ પછી, તેની પાસે 5 મિલિયનથી વધુ હતા. 2017માં રાયનના માતાપિતાએ પોકેટવોચ (PocketWatch) નામની બાળકોની મિડીયા કંપની સાથે કરાર કર્ય, જેની સ્થાપના ૨૦૧૬માં ક્રિસ વિલિયમ્સ અને એલ્બી હેચ નામના બે અમેરિકન નાગરિકોએ 2016 માં કરી હતી. પોકેટવોચ કંપની રાયનની યુટ્યુબ ચેનલો માટે માર્કેટિંગ અને વેપારીકરણ કરે છે. શરૂઆતમાં રાયનની યુટ્યુબ ચેનલનું નામ આપ્યુ – Ryan ToysReview.

2018 માં, પોકેટવોચ અને વાઇલ્ડવર્કસના સહયોગથી, રાયના માતાપિતાએ આઈફોન અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર બાળકો માટે Tag with Ryan નામની એપ્લિકેશન બનાવી. 2019 માં, રાયન ટોયઝરીવ્યુ અને પોકેટવાચે નાન બાળકો માટે Ryan’s Mystery Playdate શીર્ષકવાળી 20-એપિસોડની એક ટેલિવિઝન શ્રેણી પણ બનાવી. 1 નવેમ્બર, 2019 ના રોજ, આઉટરાઇટ ગેમ્સ નામની કંપનીએ Race With Ryan નામની વિડિયોગેમ પ્લેસ્ટેશન-4, એક્સબોક્સ-1, નિન્ટેન્ડો સ્વીચ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટે પ્રકાશિત કરી.

પહેલા જ વર્ષે ટ્યુબફિલ્ટર કંપનીએ કરેલા સર્વેમાં સતત 40 મા અઠવાડિયામાં યુ.એસ.એ. માં સૌથી વધુ જોવાયેલી યુટ્યુબ ચેનલ તરીકે “રાયન ટોયઝ રીવ્યુ” ને શામેલ કરેલો. રાયનની લોકપ્રિયતા અપ્રતિમ અને અવિશ્વસનીય છે. તે વિડીયોમાં હંમેશા હસતો હોય, કોઈ અપશબ્દો નહીં, કોઈ ઉપદેશ નહીં, “આ રમકડું બીજા કરતા કેમ સારું છે,” એવું કોઈ વિશ્લેષણ નહીં, ફક્ત રમકડાં રમવાના અને જે તે રમકડાંની સમીક્ષા કરવાની.

ઘણા વિડીયોમાં રાયન રમકડાં સાથે રમવાની સિવાય અન્ય વસ્તુઓ પણ શામેલ કરે છે જેમ કે વાળ કાપતા, હોટેલમાં છૂપાછૂપી રમતા અને તેના ભાઈ-બહેનોની જન્મદિવસની પાર્ટીમાં નાચતા પણ બતાવ્યા છે. તેની માતાએ ટ્યુબફિલ્ટરને એક ઈન્ટરવ્યુમાં કહેલું, “અમે દરરોજ નવા વિડીયો પોસ્ટ કરીએ છીએ, અને અમે સામાન્ય રીતે અઠવાડિયામાં બે થી ત્રણ વખત એક જ સાથે બે થી ત્રણ વિડીયો ફિલ્માવીએ છીએ. રાયનના પ્રિ-સ્કૂલના સમયપત્રક સાથે દખલ ન થાય એટલે મોટા ભાગના ફિલ્માંકન સપ્તાહના અંતમાં (શનિવારે અને રવિવારે) કરીયે છીએ, અને તે પછી જ્યારે સ્કૂલમાં હોય ત્યારે વિડીયોનું એડિટીંગ અને બીજા ફેરફાર કરીયે છીએ.”

ફોર્બ્સ મેગેઝિનના સૌથી વધુ પૈસા મેળવનારા યુટ્યુબ ઉદ્યોગ સાહસિકોની યાદીમાં જણાવાયું છે કે રાયન એક જ વર્ષમાં કરોડપતિ બની ગયો. 1 જૂન, 2016 અને 1 જૂન, 2017 ની વચ્ચે તેણે 11 મિલિયન ડોલર (1.1 કરોડ ડોલર) ની આવક મેળવીને આઠમો ક્રમાંક મેળવ્યો હતો. તેના 30 સૌથી વધુ લોકપ્રિય વિડીયોમાંથી, અડધાથી વધુ વિડીયોના શીર્ષકમાં “સરપ્રાઇઝ” શબ્દ શામેલ છે: જેમ કે GIANT EGG SURPRISE, HUGE EGGS SURPRISE TOYS CHALLENGE, BALLOON POP SURPRISE,  SURPRISE TOYS Giant Ball Pit Challenge…

રાયનની લોકપ્રિયતા રમકડા બનાવનારી કંપનીઓને ઘણો ફાયદો કરાવી આપે છે. જો કોઈ વિડીયોને 10 મિલિયન થી 20 મિલિયન સુધીના વ્યૂ મળે, તો તેના રિટેલ વેચાણ પર મોટો પ્રભાવ પડે છે. રમકડાં બનાવનારી કંપનીઓ રાયન દ્વારા સમીક્ષા કરેલા તમામ રમકડા માટે ચૂકવણી કરે છે. રાયનની સમીક્ષા પતી જાય પછી મોટાભાગના રમકડા તેઓ દાનમાં આપી દે છે.

રાયન આજે યુટ્યુબનો એક સિતારો છે. દુનિયાભરના બાળકો આજે રાયનને ઓળખે છે. તેના કેટલાક યુવા ચાહકો (બાળકો) માટે, રાયન ફક્ત ઇન્ટરનેટ સેલિબ્રીટી નથી પણ તેમનો મિત્ર છે.

સંદર્ભઃ

https://www.washingtonpost.com/news/morning-mix/wp/2017/12/11/6-year-old-made-11-million-in-one-year-reviewing-toys-on-you-tube/

https://www.forbes.com/sites/natalierobehmed/2018/12/03/highest-paid-youtube-stars-2018-markiplier-jake-paul-pewdiepie-and-more/

https://www.forbes.com/sites/maddieberg/2019/12/18/the-highest-paid-youtube-stars-of-2019-the-kids-are-killing-it/

 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here