બ્રિટન અને અમેરિકા ઉપરાંત ભારતના પુણેમાં આવેલી એક કંપની પણ હાલમાં કોરોના વિરોધી રસી બનાવવામાં વ્યસ્ત છે અને તેના કહેવા અનુસાર બહુ જલ્દીથી તે આ રસી ભારતીયો માટે ઉપલબ્ધ કરાવશે.

પુણે: મહારાષ્ટ્રના શહેર પુણેથી એક સારા અને રાહત પમાડતા સમાચાર આવ્યા છે. અહીંની સિરમ ઇન્સ્ટીટ્યુટમાં કોરોના વિરોધી રસી તૈયાર થઇ રહી છે અને જો આ ઇન્સ્ટીટ્યુટની યોજના સફળ રહી તો આ વર્ષમાં જ ભારતમાં જ આ રસી ઉપલબ્ધ થઇ શકે તેવા સંજોગો ઉજળા બન્યા છે.
સિરમ ઇન્સ્ટીટ્યુટના અદર પુનાવાલાએ જણાવ્યું છે કે હાલમાં આ રસીની ટ્રાયલ ચાલી રહી છે પરંતુ તેમ છતાં તેમણે એક ધંધાકીય જોખમ લેતા રસીનું એડવાન્સ પરીક્ષણ સફળ થાય તે પહેલાં જ તેનું ઉત્પાદન શરુ કરી દેવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
પુનાવાલાના કહેવા અનુસાર મે મહિનાના અંત સુધીમાં જ તેઓ આ રસીનું ઉત્પાદન શરુ કરી શકશે અને પરીક્ષણ જો સફળ રહ્યું તો તેમનો પ્રયાસ રહેશે કે તેઓ આ વર્ષના સપ્ટેમ્બર અથવાતો ઓક્ટોબર સુધીમાં તેને ભારતના બજારમાં ઉપલબ્ધ કરાવી દેશે.
અદર પુનાવાલાના જણાવ્યા અનુસાર કોરોના વિરોધી આ રસીની ભારતમાં કિંમત રૂ. 1000 જેટલી રહેશે. બ્રિટન અને અમેરિકામાં પણ કોરોના વિરોધી રસી પર પરીક્ષણ થઇ રહ્યું છે પરંતુ પુનાવાલાના જણાવ્યા અનુસાર તેમણે પોતાને ત્યાં થતા પરીક્ષણની સફળતાની રાહ જોયા વગર જ ઉત્પાદન શરુ કરવાની યોજના બનાવી દીધી છે જેથી પરીક્ષણની સફળતા બાદ જલ્દીથી આ રસી ભારતીયો માટે ઉપલબ્ધ કરાવી શકાય.
આ રસીના પરીક્ષણ તેમજ ઉત્પાદન માટે અદર પુનાવાલાએ લગભગ 500 થી 600 કરોડનું રોકાણ કર્યું છે અને આવનારા બે થી ત્રણ વર્ષમાં તેઓ માત્ર કોરોના વિરોધી રસી બનાવવા માટે જ એક ખાસ ફેક્ટરી સ્થાપવા જઈ રહ્યા છે.
શરૂઆતમાં સિરમ ઇન્સ્ટીટ્યુટ કોરોના વિરોધી રસીના દર મહીને 40 થી 50 લાખ ડોઝ ઉત્પાદિત કરશે અને બાદમાં તેને વધારીને 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી પહોંચાડી દેશે. શરૂઆતમાં આ રસી માત્ર ભારતીયો માટે જ ઉપલબ્ધ હશે પરંતુ બાદમાં તેને વિદેશોમાં નિર્યાત પણ કરવામાં આવશે.
eછાપું