24મી એપ્રિલે રજુ થયેલી નેટફ્લિક્સની ફિલ્મ Extraction અત્યારે નેટફ્લિક્સ ઇન્ડિયામાં પહેલા નંબર પર છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં થોર તરીકે જાણીતા થયેલા ક્રિસ હેમ્સ્વર્થની આ લેટેસ્ટ ફિલ્મની વાર્તા ભારતમાં આકાર લે છે અને એનું ઘણુંખરું શૂટિંગ નવેમ્બર 2018માં અમદાવાદમાં થયેલું હતું. એ સમયે “ઢાકા” તરીકે જાણીતી અને અત્યારે Extraction વિષે એક નાનકડો રીવ્યુ.

રીવ્યુ: Extraction
ભાષા: અંગ્રેજી, હિન્દી, બંગાળી.
રિલીઝ: 24 એપ્રિલ 2020
નિર્દેશક: સામ હાર્ગ્રેવ
કલાકારો: ક્રિસ હેમ્સ્વર્થ(ટાયલર રેક), રુદ્રાક્ષ જયસ્વાલ(ઓવી મહાજન જુનિયર), પંકજ ત્રિપાઠી(ઓવી મહાજન સિનિયર), રણદીપ હૂડા(સંજુ), ગોલશિફતેહ ફરહાની(નિક), પ્રિયાંશુ પાઇન્યુલી(આમિર આસિફ), ડેવિડ હાર્બર(ગાસ્પર)
રન ટાઈમ: 117 મિનિટ્સ(1 કલાક 57 મિનિટ્સ)
રેટિંગ: 18+ (હિંસા, લોહી અને ડ્રગના ઉપયોગના લીધે)
સ્ટ્રીમિંગ લિંક: નેટફ્લિક્સ https://www.netflix.com/title/80230399
કથાસાર
ભારતીય માફિયા ઓવી મહાજન સિનિયર અત્યારે જેલમાં બંધ છે. અને આ વાતનો ફાયદો લઇ બાંગ્લાદેશી ડ્રગ માફિયા આમિર આસિફ ઓવી મહાજન સિનિયરના પુત્ર ઓવી મહાજન જુનિયરનું અપહરણ કરે છે, અને એને છોડવાના બદલામાં મોટી રકમની માંગણી કરે છે. આમિર આસિફને એક પણ રૂપિયો દીધા વગર બાળ ઓવી મહાજનને છોડાવવાની જવાબદારી ટાયલરને સોંપવામાં આવે છે અને ટાયલર, નિક અને એની ટિમ ઢાકા ઓવીને છોડાવવા નીકળી પડે છે. બાળકને છોડાવીને પાછા ફરતા વખતે ખબર પડે છે કે ટાયલર અને એની ટિમ સાથે દગો થયો છે અને એક પછી એક ટાયલર સિવાય એના બધા સાથીદારો મરી જાય છે
આ તરફ આ અપહરણને પોતાની ઈજ્જતનો સવાલ ગણીને આસિફ આખા ઢાકાને લોકડાઉન કરી દે છે, જેથી ટાયલર અને ઓવી ભાગી ન શકે. આ તરફ નિક ઢાકાની બીજી તરફ ટાયલર અને ઓવીને બચાવવાનો બંદોબસ્ત કરે છે. પણ ત્યાં સુધી પહોંચવા ટાયલર અને ઓવીને આસિફના ગુંડાઓ અને બાંગ્લાદેશની પોલીસથી બચીને ભાગવાનું હોય છે.

આ બધાથી બચવા ટાયલર એના એક જુના મિત્ર ગાસ્પરનો સાથ લે છે. ગાસ્પર ટાયલર અને ઓવીને પોતાના ઘરે લઇ જાય છે જ્યાં ઓવી અને ટાયલર એકબીજા વિષે વધારે જાણે છે. ટાયલર જયારે અફઘાનિસ્તાનમાં હોય ત્યારે તેનો છ વર્ષનો છોકરો લિમ્ફોમિયાથી મૃત્યુ પામ્યો હોય છે. અને ઓવી પોતે એના પિતાના કાળા કામોથી કંટાળ્યો હોય છે. આ તરફ ગાસ્પરે આસિફ સાથે ઓવી બાબતે ડીલ કરી છે એવું ખબર પડતા ગાસ્પર અને ટાયલર વચ્ચે હાથાપાઈ થઇ જાય છે અને ગાસ્પર જયારે ઓવી તરફ આવે છે ત્યારે સ્વબચાવમાં ઓવી ગાસ્પરને મારી નાખે છે.
બીજે દિવસે સવારે કોઈ રીતે ઓવી ઢાકાના બ્રિજ સુધી પહોંચી જાય છે પણ ત્યાં આસિફના ગુંડાઓ અને બાંગ્લાદેશ પોલીસ વિરુદ્ધ ટાયલર, નિક અને ફ્રેન્ડ્સની જોરદાર લડાઈ જામે છે. બાકીની વાર્તામાં ઘણા સ્પોઈલર હોવાથી આપણે અહીં જ અટકીએ.
રીવ્યુ
આ ફિલ્મનાં નિર્દેશક સામ હાર્ગ્રેવ હોલીવુડના એક જાણીતા સ્ટન્ટ કો-ઓર્ડીનેટર છે અને 2012ની એવેન્જર્સ થી કેપ્ટન અમેરિકા: સિવિલ વોર સુધી કેપ્ટન અમેરિકા બનતા ક્રિસ ઇવાન્સના સ્ટન્ટ ડબલ(સ્ટન્ટ કરતી વખતે કોઈ એક્ટર ના બદલે એના જેવોજ દેખાતો બીજો પ્રોફેશનલ સ્ટન્ટમેન) તરીકે કામ કરી ચુક્યા છે અને કેપ્ટન અમેરિકા સિવિલ વોરના સ્ટન્ટ કો-ઓર્ડીનેટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. એક સ્ટન્ટ કો-ઓર્ડીનેટરના માથે કોઈ સ્ટન્ટ સ્ક્રીન પર કેવો દેખાય છે, અને એમાં ક્યારે ઓરીજીનલ એક્ટરને દેખાડવા અને ક્યારે સ્ટન્ટ ડબલને દેખાડવા એ નક્કી કરે છે. એક સારા સ્ટન્ટ કો-ઓર્ડીનેટરના લીધે ફિલ્મમાં એ સ્ટન્ટ ખુબ સારા લગતા હોય છે. કેપ્ટન અમેરિકા:ધ વિન્ટર સોલ્જર અને કેપ્ટન અમેરિકા: ધ સિવિલ વોરમાં આજ સુધી માર્વેલ સિનેમેટિક યુનિવર્સના બેસ્ટ સ્ટન્ટ્સ દેખાડવામાં આવેલા છે, અને આ બંનેમાં સામ હાર્ગ્રેવનો મોટો ફાળો છે.
અને આ વાત Extraction માં પણ બહુ સારી રીતે દેખાય છે. આ ફિલ્મના સ્ટન્ટ જોરદાર છે. આ ફિલ્મની બધીજ એક્શન લગભગ રિયલ લાગે એવી અને માણવાલાયક છે. ટાયલર જયારે ઓવી ને છોડાવે છે એ સીન, કાર ચેઝ સીન (જે ડિરેક્ટર સામ હાર્ગ્રેવે એક બીજી કારની પાછળ પટ્ટેથી લટકાઈને 60 કિમિની સ્પીડે જાતે શૂટ કર્યો છે), એ પછી બિલ્ડિંગમાં દેખાડતો ફાઇટ સીન, એક એવો સ્ટન્ટ જેમાં ક્રિસ હેમ્સ્વર્થ બાળકોની ગેંગનો મુકાબલો પણ કરે છે અને એના હાથમાંથી હથિયાર છોડાવે છે, સાંકડી બજારમાં ચાલુ ટ્રાફીકે થતો છૂરીબાજીનો સીન અને ક્રિસ હેમ્સ્વર્થ અને ડેવિડ હાર્બર વચ્ચે ઘરમાં થતી ફાઇટ અને ફિલ્મના અંતે બ્રિજ પરના સીન, આ બધા સીનની સ્ટન્ટ ડિઝાઇન અને એની ફાઇનલ પ્રોડક્ટ ખરેખર જોવા લાયક થઇ છે અને એ સામ હાર્ગ્રેવની કુશળતા દેખાડે છે. ઉપરાંત આમાંના એક પણ સીન તમને નિરાશ નહિ કરે.
ફિલ્મની ડીટેઈલિંગ પણ જોરદાર છે. ઉપર કહ્યા એમાંના મોટાભાગના સ્ટંટનું શૂટિંગ અમદાવાદમાં થયેલું છે. આ શૂટિંગ માટે ક્રિસ હેમ્સ્વર્થ, સામ હાર્ગ્રેવ અને ટિમ નવેમ્બર 2018 થી દોઢ બે મહિના અમદાવાદમાં રહી હતી. એ સમયના છાપાઓમાં રણદીપ હૂડા અને ક્રિસ હેમ્સવર્થની ફાઇટ ના શૂટિંગ વિષે પણ સમાચારો છપાયા હતા. આ અમદાવાદમાં દુકાનોના બોર્ડ, પોલીસની ગાડીઓ બીજા વાહનો સહીતનું ઢાકા પણ બહુ ઇફેક્ટીવલી ઉભું કર્યું છે.
પણ આ ફિલ્મની વાર્તા ઠીકઠાક છે. ફિલ્મનાનું એક મોટું સ્પોઈલર ફિલ્મની પહેલી પાંચ મિનિટમાં જ ખબર પડી જાય છે. અને તમે કલાકારોનું લિસ્ટ અને કથાસાર થોડો ધ્યાનથી વાંચ્યો હશે તો તમને પણ એનો થોડો ઘણો અંદાજો આવી ગયો હશે. આ સ્પોઈલર બાદ કરતા આખી ફિલ્મની વાર્તા ખુબજ પાતળી, નબળી અને પ્રેડિક્ટેબલ છે. પણ ફિલ્મની એક્શન જોતી વખતે આ કોઈ વસ્તુ તમારા ધ્યાનમાં નહિ આવે.
MCU ની સારામાં સારી ફિલ્મો આપનાર જો રૂસ્સોનું સહલેખન અને ક્રિસ હેમ્સ્વર્થ જેવા સ્ટાર ની ફિલ્મ ઊંચા લેવલ ની હશે એવી આશા હતી જે સ્ટોરી સિવાય બધે સારી નીવડી છે. જો તમને વધારે પડતી એક્શન ન ગમતી હોય કે હિંસા અને લોહિયાળપણાથી ચીડ હોય તો આ ફિલ્મ તમારા માટે નથી. એક શ્રેષ્ઠ એક્શન ફિલ્મ તરીકે આ ફિલ્મ જોશો તો ખુબ મજા આવશે.
શક્તિ ઇઝ ઓલવેઝ વિથ યુ….
eછાપું
Great, It increased my excitement level to watch it.