અલકમલકની વાતોઃ અફઘાનિસ્તાનના ગેરેજ મિકેનિકની કવિતાઓ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં છપાઈ

0
401

‘કવિનું કામ પ્રેમ, ફૂલ, નદી, ઝરણા, આકાશ જેવા વિષયો પર કવિતા લખવાનું નથી. કવિનું કામ છે લોકોની પીડા અને દુર્દશા વિશે લખવાનું’ – આ શબ્દો છે મતિઉલ્લાહ તુરાબ (Matiullah Turab) નામના એક અફઘાન કવિના. આ એક એવો કવિ છે જે વ્યવસાયે એક ગેરેજમાં કામ કરનારો મિકેનિક છે પણ તેની પશ્તૂન કવિતાઓનો પ્રભાવ અને ભાવાર્થ તેને અમેરિકાના જગપ્રસિદ્ધ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સુધી લઈ ગયો.

વેલ્ડીંગ કરેલા લોખંડના લાંબા સળિયા અને પટ્ટીઓ ધાતુ કાપવાના કટરથી કપાઈને તેના ટૂકડા નીચે પડતા જાય છે. બેકગ્રાઉન્ડમાં બીજા મિકેનિક અન કારીગરો એરણ પર ગરમ લોઢાને ઘાટ આપી રહ્યા છે. એક જનરેટરનો અવાજ આખા ગેરેજને ખૂણે ખૂણે પ્રસરી ગયો છે. એક ડીઝલ ટ્રકનું રિપેરીંગ કામ ચાલુ છે. આવા કર્કશ ઘોંઘાટ વચ્ચે પણ મતિઉલ્લાહ તુરાબ કવિતા લખી શકે છે. એવી કવિતાઓ જે માનવ હ્રદયમાં સોંસરવી ઊતરી જાય.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવનારા રંગબેરંગી ટ્રક, બસ અને બીજા વાહનોની મરામત કરીને મતિઉલ્લાહ તુરાબ પોતાની રોજી રોટી કમાય પણ મનની શાંતિ માટે કવિતાઓ લખી જાણે છે. આ ભાઈને કુદરત અને પ્રેમ કે રોમાંસ માં કોઈ રસ નથી. તેને રસ છે ફક્ત અને ફક્ત માનવીના દુઃખમાં, પીડામાં!

તુરાબ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતના એક નાના ગામમાં જન્મેલો, અફઘાનના ધોરણો પ્રમાણે નબળા એવા એક ખેડૂત પિતાને ત્યાં ઉછરેલો. જુવાનીમાં તે ગામના કવિઓ પાસે શીખવા જતો. 1979 માં સોવિયત આક્રમણ પછી, તુરાબ તેના પરિવાર સાથે પાકિસ્તાન સ્થળાંતરિત થયો. પણ લગભગ બે દાયકા પછી પોતાની પત્ની સાથે અફઘાનિસ્તાન પાછો ફર્યો. તાલિબાનના શાસનમાં, તેણે તેના કાર્યનું એક પુસ્તક પ્રકાશિત કરવાની હિંમત કરી. આ એક ગંભીર ભૂલ હતી. તાલિબાનોએ તેને ખૂબ જ ખરાબ રીતે માર્યો પછી તેણે ફક્ત કવિતાઓ ગાવાનું શરૂ કર્યુ.

સન 2013ના ઑગસ્ટ મહિનામાં આ કવિની કવિતાઓ અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’માં છપાઈ. તે વખતે મતિઉલ્લાહ ભાઈ 44 વર્ષના હતા. તેની કવિતાના શબ્દો અમેરિકન, તાલિબાન, અફઘાન સરકાર અને પાકિસ્તાન વિશે, યુદ્ધ અને તેના અપરાધીઓ વિશે અફઘાન લોકોમાં ફેલાયેલી નફરતને વાચા આપે છે. એક કવિતાના શબ્દો છેઃ

યુદ્ધ વેપારમાં ફેરવાઈ ગયું છે
માથાઓ એવી રીતે વેચાય છે
જાણે તેમનું વજન કપાસના રૂ જેવું હોય,
અને સ્ટેજ પર એવા ન્યાયાધીશો બેઠા છે
જે લોહીનો સ્વાદ ચાખે છે, અને પછી કિંમત નક્કી કરે છે

જનાબ મતિઉલ્લાહની કવિતાઓના વિડીયો અને ઓડિયો ક્લિપ દુનિયાભરમાં વાઈરલ થયેલા છે. ખાસ કરીને તેના સાથી વંશીય પશ્તૂન લોકોમાં, જે લોકોએ તુરાબને નિષ્ઠાપૂર્વક પોતાનો નેતા અને ચેમ્પિયન બનાવ્યો છે. તેની હિઝાબ-એ-ઇસ્લામી નામના ઇસ્લામવાદી રાજકીય પક્ષની નિકટતા લોકોને ગમે છે. , ભાગ આતંકવાદી જૂથ – સાથેની તેમની નિકટતાએ અન્ય લોકોને છૂટા કર્યા છે. મતિઉલ્લાહ તુરાબનું સામાજિક જોડાણ ઓછું અને વિભાજનશીલ હોવા છતાં, તેની કવિતામાં એક મોટી અપીલ છે. તુરાબે સામાન્ય અફઘાન લોકો માટે પોતાની કમાણી દાન આપવા માટે અનામત રાખેલી છે, આ એવા લોકો છે જેમણે સરકારી ભ્રષ્ટાચાર અને નિરાશાને નજીકથી જોયું છે.

દિનપ્રતિદિન સરકાર, રાજનેતાઓ, ધર્મગુરુઓ અને મીડિયા દ્વારા અફઘાનિસ્તાન પર થતા અન્યાય વિશે લખેલી કવિતાઓ મુજીબ મશાલ (Mujib Mashal) નામના એક શખ્સ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થઈને ન્યુયોર્ક ટાઈમ્સ સુધી પહોંચી છે. બીજી એક કવિતામાં તુરાબ લખે છેઃ

ઓ વિશ્વના ધ્વજ ધારકો,
સલામતીના નામે તમે અમને ખૂબ વેદના આપી છે
તમે શાંતિ અને સલામતીનો પોકાર કરો છો,
અને તમે બંદૂકો અને દારૂગોળો રવાના કરો છો.

કામચલાઉ બેન્ચ પર બેસીને, પોતાની ટોપી સહેજ નમેલી રાખીને, ચીંથરા જેવા કપડાં પહેરેલો તુરાબ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ના એક ઈન્ટરવ્યુમાં કહે છેઃ

“અફઘાનિસ્તાનમાં કોઈ અસલી રાજકારણી નથી. જ્યાં સુધી હું જાણું છું, રાજકારણીઓને લોકોના ટેકાની જરૂર હોય છે, અને આમાંથી કોઈ રાજકારણી પાસે નથી. મારા માટે તે વ્યવસાયના શેરહોલ્ડરો જેવા છે. તેઓ ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે. તાલિબાન પણ કોઈ સમાધાન નથી. તે જૂના દિવસો ગયા જ્યારે તાલિબાનના શાસનની રીત કામ કરતી હતી. આ ગેરેજ જુઓ છો. આ જ મારું જીવન છે, તમે અહીં જુઓઃ લોખંડને તોડવાનું, કાપીને ટૂકડાં કરવા, વેલ્ડીંગ કરવું આ જ રોજનું કામ છે. હું હજી પણ મારી જાતને કવિ નથી માનતો.”

મતિઉલ્લાહ ખાસ કરીને સરકારી અધિકારીઓ સાથે નિર્દયતાથી વર્તે છે. સરકારની મજાક ઉડાવતા તુરાબ કહે છે” “સરકારે લોકોના ઝભ્ભામાં ત્રણ ખીસા હોય છે – એક અફઘાનિઓને ભેગા કરવા, બીજું ડોલર ભેગા કરવા અને ત્રીજું પાકિસ્તાની રૂપિયા ભેગા કરવા!”

અફઘાનિસ્તાનમાં તુરાબની માંગ ઘણી વ્યાપક છે. તે પોતાના ગામ ખોસ્તમાં ઘરે રહેવાનું પસંદ કરે છે, છતાં એક સામાન્ય મિકેનિક કરતાં તુરાબ વધુ પ્રવાસ કરે છે. ગામેગામના લોકો તેના લોકો તેના દુર્લભ અને વ્યક્તિગત વાંચન પર ઉમટી પડે છે. તેની કવિતાઓથી પ્રભાવિત થઈને મતિઉલ્લાહ તુરાબને અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇએ કાબુલના રાષ્ટ્રપતિ મહેલમાં આમંત્રણ આપ્યું હતું. તુરાબ કહે છે – રાષ્ટ્રપતિને મારી કવિતા ગમી અને મને કહ્યું કે મારો ઉત્તમ અવાજ છે.

તુરાબને વાંચતા કે લખતા નથી આવડતુ. પોતાની સહી કરતા પણ નથી આવડતું પણ શબ્દોની સરવાણી તેના મગજમાં રોજેરોજ ફૂટતી રહે છે. આપણે ત્યાં હિંદી વ્રજભાષી એક દુહો છેઃ

બાની કે પ્રભાવ સે, લેખની કે પરાક્રમ સે, સદીયોંકે સોયે હુએ ભાવોંકો જગાતે હૈ;

જિંદા કરતે હૈ જાન, મુર્દાદિલોમેં ડાલ, જબ હમ કાવ્યધારા સુધા બરસાતે હૈં;

તારે નહીં જાતે, જહાં શશી નહીં જાતે, જહાં રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે હૈ…

સંદર્ભઃ

https://www.nytimes.com/2013/08/19/world/asia/an-afghan-poet-shapes-metal-and-hard-words.html

મતિઉલ્લાહ તુરાબની કવિતાઓ યુટ્યુબ પર ઉપલબ્ધ છેઃ https://www.youtube.com/results?search_query=matiullah+turab

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here