સંકટ: ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચાવવા બોમ્બે હાઈકોર્ટમાં PIL

0
278
Photo Courtesy: maharashtratoday.co.in

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં આવી ગયા છે. તેમણે છ મહિનાની અંદર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનું હતું પરંતુ કોરોનાએ જે રીતે દેશભરમાં ભરડો લીધો છે તેને કારણે તે શક્ય બન્યું નથી.

Photo Courtesy: maharashtratoday.co.in

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ભયમાં છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો બની ગયા પરંતુ તેઓ હજી સુધી વિધાનસભાના બંનેમાંથી એક પણ ગૃહમાં સભ્ય બન્યા નથી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા હોવા ઉપરાંત લેજીસ્લેટીવ એસેમ્બલી પણ છે. મહા વિકાસ આઘાડીની મૂળ યોજના ઉદ્ધવ ઠાકરેને નિયમાનુસાર છ મહિનાની અંદર અંદર પાછલે બારણેથી લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય બનાવી દેવાની હતી.

પરંતુ માર્ચ મહિનાથી જ દેશભરમાં કોરોનાની ખતરનાક બીમારી ફેલાઈ અને ભારતના ચૂંટણી પંચે દેશમાં થનારી તમામ ચૂંટણીઓને અચોક્કસ મુદ્દત સુધી મુલતવી કરી દીધી. આ કારણસર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજવાનું શક્ય બન્યું નથી.

નિયમ એવો છે કે ચૂંટાયા વગર કોઈ વ્યક્તિ મંત્રી, મુખ્યમંત્રી કે પછી વડાપ્રધાન બને તો છ મહિનાની અંદર અંદર તેણે કોઇપણ એક ગૃહમાં ચૂંટાઈને આવવું જરૂરી છે અને જો એમ શક્ય ન બને તો એ વ્યક્તિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડે. ચૂંટણી પંચના કોરોનાની બીમારી દેશમાં હળવી ન થાય ત્યાં સુધી કોઇપણ ચૂંટણી ન યોજવાના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી ગઈ છે.

ઉદ્ધવ ઠાકરેએ 27 મે સુધીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના કોઇપણ એક ગૃહના સભ્ય બનવું જરૂરી છે, પરંતુ હવે ચૂંટણી થઇ શકે તેમ નથી. આથી મહારાષ્ટ્રના પ્રધાનમંડળ દ્વારા રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તેમના કોટામાંથી ઉદ્ધવ ઠાકરેને લેજીસ્લેટીવ એસેમ્બલીમાં મનોનીત કરવાની બે થી ત્રણ વખત વિનંતી કરી છે પરંતુ રાજ્યપાલ કોશ્યારીએ તેનો કોઈજ જવાબ આપ્યો નથી.

ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ 29 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમને આ અંગે ઘટતું કરવાની વિનંતી કરી હતી. તો ગઈકાલે રાજ્યપાલે ચૂંટણી પંચને મહારાષ્ટ્ર લેજીસ્લેટીવ એસેમ્બલીની ખાલી પડેલી 9 બેઠકો માટે શક્ય હોય તેટલી જલ્દીથી ચૂંટણી યોજવાની વિનંતી કરીને દડો ચૂંટણી પંચની કોર્ટમાં નાખી દીધો હતો.

મહારાષ્ટ્રના રાજ્યપાલની ગઈકાલની વિનંતીથી એ સાબિત થાય છે કે તેમને ઉદ્ધવ ઠાકરેને પોતાના કોટામાંથી મનોનીત કરવાની કોઈજ ઈચ્છા નથી. ઉપરાંત જો મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ સંજોગો ઉભા થવાનું કારણ આપીને જો ચૂંટણી પંચ લેજીસ્લેટીવ એસેમ્બલીની ચૂંટણી જાહેર કરે તો અન્ય રાજ્યો તેનો વિરોધ કરી શકે છે જ્યાં આ પ્રકારે ચૂંટણીઓ થવી બાકી છે.

બીજી તરફ હાલમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં લોકડાઉન ઉપરાંત કર્ફ્યું પણ અમલી છે, આથી જો માત્ર મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યોને ફક્ત મત આપવા માટે મુંબઈ આવવાની છૂટ આપવામાં આવે તો રાજ્યના સામાન્ય નાગરિકો પર પણ ખોટો દાખલો બેસે તેમ છે. ઉપરાંત, ચૂંટણી આયોજીત થાય તો પણ તેના અમલ માટે મોટી સંખ્યામાં સ્ટાફની પણ જરૂર પડે અને તેને કારણે કોરોનાનું સંક્રમણ વધે તેની શક્યતાઓ પણ છે.

યાદ રહે, મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જે 10,000  ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓ સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. પરંતુ હવે ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે એક સમાજસેવી મેદાનમાં આવ્યા છે.

સુનિલ અરોરા નામક એક સમાજસેવીએ પોતાના વકીલ એસ બી તાલેકર વતી બોમ્બે હાઈકોર્ટમાં PIL ફાઈલ કરી છે જેમાં તેમણે હાઈકોર્ટને વિનંતી કરી છે કે તે ગવર્નર કોશ્યારીને ઉદ્ધવ ઠાકરેને લેજીસ્લેટીવ એસેમ્બલીમાં મનોનીત કરવાનો હુકમ આપે. અરોરાનું માનવું છે કે રાજ્યપાલ ભગત સિંહ આ બધું ભાજપના ઈશારે કરી રહ્યા છે જેથી ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ભાંગે.

જો 27 મે સુધીમાં ઉદ્ધવ ઠાકરેને જો રાજ્યપાલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં મનોનીત નહીં કરે તો રાજ્યમાં સરકારીતંત્ર પડી ભાંગશે  તેમ પણ આ PILમાં લખવામાં આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટે આ PIL પર સુનાવણી 5 મે પર નિર્ધારિત કરી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here