રામાયણ: 33 વર્ષે પણ અકબંધ સિરિયલે તોડ્યા તમામ રેકોર્ડ્સ

0
723
Photo Courtesy: amarujala.com

પ્રસાર ભારતી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગત મહીને રામાયણ સિરિયલને એક જ એપિસોડ માટે એટલા બધા દર્શકો મળ્યા હતા કે તેણે જુના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.  

Photo Courtesy: amarujala.com

નવી દિલ્હી: રામાનંદ સાગરની રામાયણ સહુથી પહેલા વર્ષ 1987માં ઓન એર થઇ હતી પરંતુ તેમ છતાં આજે 33 વર્ષ બાદ પણ તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. એક તાજા આંકડા અનુસાર રામાયણ સિરિયલે દૂરદર્શન પરના તેના હાલના પુનઃપ્રસારણ દરમ્યાન પાછલા તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે એટલુંજ નહીં પરંતુ તેણે એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

પ્રસાર ભારતીની એક Tweet અનુસાર રામાયણ સિરિયલે એક જ દિવસમાં અધધધ કહી શકાય એવા 7.7 કરોડ દર્શકો મેળવ્યા છે. આ તો માત્ર એક જ દિવસના આંકડા છે પરંતુ આ સિરિયલે તેના પુનઃપ્રસારણના પ્રથમ એપિસોડથી જ પોતાના દર્શકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે.

રામાયણ સિરીયલના પ્રસારણને કારણે દૂરદર્શનને પણ ખૂબ ફાયદો થયો છે અને તેના રેટિંગ્સ પણ ખૂબ ઉપર ગયા છે. DD National જે આ સિરિયલને પ્રસારિત કરે છે તેને 18 થી 24 એપ્રિલ સુધીમાં 1.64 બિલીયન ઈમ્પ્રેશન્સ મળ્યા હોવાનું ટેલિવિઝન રેટિંગ એજન્સી BARC દ્વારા કહેવામાં આવ્યું છે. DD National બાદ સન ટીવી બીજા સ્થાને રહ્યું છે જેને 1.12 બિલીયન ઈમ્પ્રેશન્સ મળ્યા છે.

રામાયણનું પુનઃપ્રસારણ દેશભરમાં અમલમાં મુકવામાં આવેલા સાર્વત્રિક લોકડાઉનને કારણે 28 માર્ચથી શરુ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનું પ્રસારણ દરરોજ સવારે અને રાત્રે 9 વાગ્યે કરવામાં આવ્યું હતું જેમાં બંને સમયે નવા એપિસોડ્સ પ્રસારિત કરવામાં આવતા હતા. આ સમયથી જ હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ (GEC) માં તે સહુથી વધુ જોવાતો ટીવી શો બની ગયો હતો.

રામાયણના પ્રથમ એપિસોડને 38 મિલિયન દર્શકો મળ્યા હતા જે એ જ સાંજના એપિસોડમાં વધીને 45 મિલિયન થઇ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે તેને સવારે 40 મિલિયન દર્શકો મળ્યા હતા અને એ જ સાંજે 51 મિલિયન દર્શકો મળ્યા હતા જેથી તેને એક જ દિવસમાં કુલ 91 મિલિયન દર્શકો મળ્યા હતા.

પરંતુ, 16મી એપ્રિલે માત્ર રાત્રીના 9 વાગ્યાના એપિસોડને જ 77 મિલિયન દર્શકોએ જોયો હતો અને આથી તેણે દુનિયાભરમાં સહુથી વધુ જોવાયેલા ટીવી શોનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.

જ્યારે રામાયણ શરુ થવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો ત્યારે ઘણાએ એ વખતની ટેક્નોલોજી અને વાર્તા કહેવાની રીત આજની પેઢી અને દર્શકો સ્વીકારશે કે કેમ તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ઉપરોક્ત આંકડાઓએ આ તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here