અલકમલકની વાતોઃ તુર્કીનું કુસ્કોય ગામ જ્યાં સીટી વગાડીને વાર્તાલાપ થાય છે…

0
506
Photo Courtesy: turkeyetc.wordpress.com/

તુર્કી દેશમાં ગાઈરસન (Giresun) નામનો પ્રાંત. આ પ્રાંતના કનાકસી જિલ્લામાં કુસ્કોય (Kuskoy) નામનું એક ગામ આવેલું છે. આ ગામ ડુંગરાળ પ્રદેશથી છવાયેલું છે અને ત્યાંના લોકો એકમેક સાથે સીટી વગાડી જુદા જુદા પક્ષીઓના અવાજ દ્વારા સંદેશવ્યવહાર કરે છે. દુર્લભ એવા ઉત્તરીય તુર્કીમાં ગ્રામજનો દ્વારા સંદેશવ્યવહારના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી અસામાન્ય અને ખૂબ જ કાર્યક્ષમ સીસોટીની ભાષાને કુસ ડીલી (kus dili) કહેવાય છે અને આ એક પક્ષી ભાષા છે એટલે કે બર્ડ લેન્ગ્વેજ!

Photo Courtesy: turkeyetc.wordpress.com/

કુસ્કોય શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘પક્ષીઓનું ગામ’ (બર્ડ વિલેજ). ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકો એકમેકને જોઈ શકે નહીં, આ કારણે ગાઈરસન પ્રાંતના લગભગ 10,000 લોકો વાતચીત કરવા માટે વ્હિસલિંગની ઉચ્ચ વિકસિત અને ઊંચી પિચ સિસ્ટમનો ઉપયોગ કરે છે.  જ્યાં મોટાભાગે તેઓ એકબીજાને જોઈ શકતા નથી. આ પક્ષીભાષાને Intangible Cultural Heritageની યુનેસ્કોની સૂચિમાં પ્રવેશ મળ્યો છે. યુનેસ્કોએ તાત્કાલિક સંરક્ષણની જરૂરિયાત મુજબ કાળા સમુદ્રના ગ્રામજનોની આ પક્ષીભાષા સ્વીકારી છે.

કુસ્કોય એ લગભગ 400 લોકોનું ગામ છે જ્યાં ચા અને અખરોટની ખેતી કરવામાં આવે છે. ગામના 80% થી વધુ રહેવાસીઓ સંદેશવ્યવહારની આ અવિશ્વસનીય પદ્ધતિનો અભ્યાસ અને રોજબરોજના જીવનમાં ઉપયોગ કરે છે.

આ ગામના ચૂંટાયેલા વડા મુહતરે નામના એક વ્યક્તિ છે. જે કહે છે, “અમને ખૂબ સંતોષ છે કે અમારી પક્ષીભાષા હવે વિશ્વ સંસ્કૃતિના ધરોહરનો એક ભાગ છે. તેનાથે એક સ્વપ્ન સાકાર થયું હોય એવું અમને લાગે છે અને આ બીજી અવનવી ભાષાઓ માટે પ્રેરણારૂપ બનશે. કુસ્કોય ગામ આ પ્રથા ચાલુ રાખવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. અમારા વાર્ષિક ‘બર્ડ લેંગ્વેજ ફેસ્ટિવલ’ દ્વારા આ ભાષાને જીવંત રાખવાની કોશિશ ચાલુ છે. મોબાઇલ ફોનની અમારી આ સીટી પરંપરા પર ચોક્કસ અસર પડી છે, પરંતુ અમે અમારી સંસ્કૃતિને જીવંત રાખવાનો પણ એટલો જ પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે સન 2014થી જિલ્લા અધિકારીઓએ પ્રાથમિક શાળામાં આ ભાષા શીખવવાનું શરૂ કર્યું છે.”

46 વર્ષીય મુઆઝેઝ કોસેક (Muazzez Kocek) તુર્કીના પોન્ટિક પર્વતોમાં આવેલા આ કુસ્કોય ગામમાં એક શ્રેષ્ઠ સીટી વગાડનારી (વ્હિસલર) માનવામાં આવે છે. તેણીની સીટી તે વિસ્તારના વિશાળ ચાના ક્ષેત્રો અને અખરોટના બગીચાઓ પર સાંભળી શકાય છે. જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયિપ એર્દોગન (Recep Tayyip Erdogan) સન 2012 માં કુસ્કોયની મુલાકાતે આવ્યા ત્યારે મુઆઝેકે જ તેમનું અભિવાદન ગર્વથી સીટી વગાડીને કરેલુ. પક્ષીભાષામાં તે બોલેલી – અમારા ગામમાં આપનું સ્વાગત છે!

આ ભાષાની કેટલીક ખાસિયતો છે. જેમ કે આ ભાષા સંપૂર્ણ ટર્કિશ શબ્દભંડોળને વૈવિધ્યસભર-પિચ ફ્રીક્વન્સીઝ અને સંગીતમય લીટીઓમાં રૂપાંતરિત કરે છે. સેંકડો વર્ષોથી, આ સીટીવાળો સંદેશવ્યવહાર આ પ્રદેશના ખેડૂત સમુદાય માટે ખૂબ જ અસરકારક અને મદદરૂપ રહ્યો રહ્યો છે. આ ભાષા લાંબા અંતરથી જટિલ વાર્તાલાપને મંજૂરી આપે છે અને પશુઓને પણ ભેગા કરવામાં મદદરૂપ થાય છે. આ ભાષા એક માઇલ અથવા વધુ દૂર સાંભળી શકાય છે.

તમારે તમારા પાડોશીમાંથી કોઈને કંઈ પૂછવાની જરૂર પડે – જેમ કે કાલે મકાઈની લણણી કરવામાં મને મદદ કરી શકશો? કે પછી કોઈના ઘરે મરણ થાય અને અંતિમ સંસ્કાર હોય, તો કુટુંબ આખી ખીણમાં સીટી વગાડીને સમાચારો વહેતા કરે. એકમાત્ર પ્રેમનો એકરાર અને પ્રેમની વાતો આ ભાષામાં ન કરી શકાય કારણ કે પ્રેમની અંંગત વાતો આખું ગામ સાંભળી શકે. સંશોધનકારો અને ભાષાવિજ્ઞાનીઓ લાંબા સમયથી માન્યતા છે કે ભાષાનું અર્થઘટન મોટે ભાગે મગજના ડાબા ગોળાર્ધમાં થાય છે અને સંગીત, લય, ગીત વગેરે જમણી બાજુએ હોય છે. પરંતુ આ ભાષા એવું સૂચવે છે કે બંને ગોળાર્ધનો ઉપયોગ કરીને આ સીટીની ભાષા સમજવા મગજમાં પ્રક્રિયા કરવામાં આવે છે.

સન 1997 થી, કુસ્કોય ગામ વાર્ષિક પક્ષી ભાષા, સંસ્કૃતિ અને આર્ટ ફેસ્ટિવલના યજમાન બનીને હોસ્ટિંગ કરી રહ્યું છે, જ્યાં આખો સમુદાય પક્ષીભાષાની પ્રેક્ટિસ અને સ્પર્ધા માટે એકત્રીત થાય છે. વિજેતાઓ જાહેર કરનાર ન્યાયાધીશોની પેનલ સમક્ષ ક્યા પ્રકારની સીટી વગાડવી તે અંગેની હરિફાઇના સૂચનો મળે છે અને સીટીઓથી આખો ડુંગરાળ પ્રદેશ ગૂંજી ઊઠે છે. કુસ્કોય ગામમાં કોઈ હોટલ નથી, માટે વધુ પ્રવાસીઓ હોસ્ટ કરવાની આશામાં સ્થાનિકો જૂની શાળાઓના નવીનીકરણ પણ કરી રહ્યા છે.

જ્યારે મોબાઈલ અને સેલફોન ટેકનોલોજી આ ભાષાના અદ્રશ્ય થવા માટે ફાળો આપી રહી છે, ત્યારે તેનો બચાવ માટે શ્રીમાન સિવેલેક (Mr. Civelek) નામના વ્યક્તિ ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને આ પક્ષીભાષા શીખવે છે, તેઓ ઇસ્લેક દિલી સેઝ્લી (Islık Dili Sözlüğü) નામની મોબાઈલ એપ અથવા વ્હિસલ લેંગ્વેજ ડિક્શનરીનો ઉપયોગ કરે છે. જ્યારે આ એપ્લિકેશન પ્રકાશિત થઈ, ત્યારે સિવેલેકે તુર્કીમાં વ્યાપક માધ્યમોનું ધ્યાન કેન્દ્રીત કર્યુ અને તેના રાષ્ટ્રીય ટેલિવિઝન પર તેને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું. સિવેલેક એવું વિચારે છે કે નવ વર્ષની વય એ આ ભાષા શીખવાની શરૂઆત કરવા માટેની આદર્શ ઉંમર છે અને તેના વિદ્યાર્થીઓને તેમની જીભ કેવી રીતે વાળવી અને તેમના શ્વાસને કેવી રીતે કાબૂમાં રાખવો તે અંગે તેઓ સૂચના આપે છે.

ઓટ્ટોમન સામ્રાજ્ય દરમિયાન, આશરે 500 વર્ષ પહેલાંના સંદેશવ્યવહારનો આ પ્રકાર કાળા સમુદ્રના વિસ્તારોમાં વ્યાપક હતો, પરંતુ છેલ્લા 50 વર્ષથી તેને તકનીકી પ્રગતિની અસરનો સામનો કરવો પડ્યો છે. આજકાલ સેલ્યુલર મોબાઇલ સિસ્ટમોના વિકાસમાં ઝડપી વધારો થયો છે. આવી ગંભીર પરિસ્થિતિ હેઠળ આ સાંસ્કૃતિક વારસો લૂપ્ત થઈ રહ્યો છે. સદીઓથી આ ભાષા, દાદા-દાદીથી માતાપિતા સુધી, માતાપિતાથી બાળક સુધી આગળ વધતી આવી છે. જોકે હવે, તેના ઘણા નિપુર્ણ વક્તાઓ, જેઓ તેમની જીભ, દાંત અને આંગળીઓનો ઉપયોગ કરીને આ ભાષા બોલે છે, તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે અને શારીરિક રીતે નબળા પડી રહ્યા છે. યુવાનો હવે કાં તો આ ભાષા શીખવામાં રસ નથી ધરાવતા, અથવા પોતાના શબ્દભંડોળને નવા શબ્દોથી અપડેટ કરવાના નવા માર્ગો શોધવામાં રુચી નથી ધરાવતા.

તુર્કી એ વિશ્વના મુઠ્ઠીભર દેશોમાંનો એક છે જ્યાં આવી સિટીની ભાષાઓ યથાવત છે. વાતચીત કરવાની આવી જ સમાન રીતોનો ઉપયોગ કેનેરી આઇલેન્ડ્સ, ગ્રીસ, મેક્સિકો અને મોઝામ્બિકમાં પણ થાય છે. યુટ્યુબ પર kuskoy turkey whistling સર્ચ કરીને આ ભાષા બોલનારાના વિડીયો સાંભળજો, જલસો પડી જશે!

સંદર્ભઃ

https://www.npr.org/sections/parallels/2015/09/26/443434027/in-a-turkish-village-a-conversation-with-whistles-not-words

https://www.hindustantimes.com/travel/offbeat-destinations-bird-language-spoken-in-this-turkish-village-now-on-unesco-list/story-PT6yDhl4jrak83NdWzfgEP.html

https://www.nytimes.com/2019/05/30/arts/in-turkey-keeping-alive-a-language-of-whistles.html

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here