અલકમલકની વાતોઃ ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર ધારાસભ્ય – શબનમ મૌસી

0
239

તમને ‘અમર અકબર એન્થની’ ફિલ્મનું ‘તય્યબઅલી પ્યાર કા દુશ્મન હાયે હાયે’ ગીત યાદ છે? અને ‘કુંવારા બાપ’ ફિલ્મનું ‘સજ રહી ગલી મેરી મા…’ ગીત યાદ છે? આ બંને ગીતમાં બે સામ્યતાઓ છે. બંને ગીતમાં એક વ્યંઢળોનું ગ્રુપ દેખાય છે અને તે ગ્રુપમાં એક ‘શબનમ’ નામનો વ્યંઢળ નાચે છે.

ભારતમાં વ્યંઢળોની દશા દુઃખદાયક છે. સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તે રીતે તેઓને ઘણી વખતે શરમથી જ જીવવું પડે છે. આપણા સમાજમાં વ્યંઢળ લોકોને એક અકળામણ તરીકે જોવામાં આવે છે. તેમાંથી મોટા ભાગનાને વેશ્યાગૃહોમાં નૃત્યાંગના તરીકે અથવા તો સિગ્નલ પર ભીખ માંગતા કરી મૂકાય છે. કેટલાક લોકો ફિલ્મ અથવા ફેશન ઉદ્યોગમાં પોતાને માટે યોગ્ય નોકરી શોધવા નીકળી પડે છે.

આજે વાત કરવી છે એવા એક વ્યંઢળની જેણે બધા અવરોધો સામે લડીને ભારતવર્ષના પહેલા ટ્રાન્સજેન્ડર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. સન 1998 માં કોંગ્રેસના શાસન દરમિયાન મધ્યપ્રદેશના સોહાગપુર મત વિસ્તારમાંથી ટ્રાન્સજેન્ડર શબનમ મૌસી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને સન 2003 સુધી તેમનો મત વિસ્તાર જાળવી રાખ્યો હતો. તેમની વાર્તા પ્રેરણાદાયી છે.

શબનમ બાનોનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં એક દીકરા તરીકે થયો હતો. તેમનું અસલી નામ ચંદ્રપ્રકાશ હતું. પિતા પોલીસ અધિક્ષક હતા છતાં પરિવારે ચંદ્રપ્રકાશને જન્મ પછી તરત જ વ્યંઢળ સમુદાયને સોંપી દીધો. જેમ મોટો થયો તેમ ચંદ્રપ્રકાશ શબનમ નામે ઓળખાવા લાગ્યો. બાળપણમાં જ શબનમને ખબર હતી કે તેનું આગળનું જીવન કઠિન હશે. તે જાણતી હતી કે તે મોટાભાગના અન્ય લોકોથી જુદી છે. પરંતુ તે સમયે તફાવત સમજવો મુશ્કેલ હતો. એક બાળક તરીકે, શબનમ હંમેશાં વિચારતી કે તેના માતાપિતાએ તેને કેમ આ રીતે તરછોડી દીધી. શબનમને પોતાની પરિસ્થિતિનો વિચાર આવે ત્યારે એમ થતું કે ‘હું એક હિજડા તરીકે મોટો થયો છું, તે શબ્દ મને કાંટાની જેમ વીંધે છે’.

જેમ જેમ શબનમ મોટી થઈ, તેણે સંજોગોનો ભોગ ન બનવાનું નક્કી કર્યું. પોતાનો કોઈ દોષ ન હોવા છતાં તેને સમાજથી દૂર કરી દેવાઈ હતી, પરંતુ તેણે પાછા લડવાનું નક્કી કર્યું. એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના હોવાને કારણે ભીખ માંગવા અથવા કોઈ વિચિત્ર નોકરી કરવા કરતા શબનમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને સદભાગ્યે ‘અમર અકબર એન્થની’, ‘કુંવારા બાપ’ અને ‘જનતા કા હવાલદાર’ જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ મળી. શબનમ હવે ‘શબનમ મૌસી’ તરીકે ઓળખાવા લાગી.

લોકો દ્વારા ટ્રાન્સજેન્ડર્સ સાથે જે રીતે વર્તન કરવામાં આવતું તેના વિશે શબનમ મૌસી હંમેશાં કડવાશ અનુભવતી. તેણીને હંમેશાં એવું લાગતું હતું કે ભારત સરકારે વ્યંઢળો માટે કંઈ કર્યું નથી. તેણીએ એ પણ નિરીક્ષણ કર્યું છે સરકાર એસ.ટી.,એસ.સી. અને ઓબીસી માટે કામ કરે છે પણ વ્યંઢળોની અવગણના કરે છે. આથી, શબનમ મૌસીએ અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાને સામેલ કર્યા. તેણીએ તેમના લોકોના કલ્યાણ માટે કામ કર્યું અને જનતા સાથે સમાજિક વ્યવહાર વધાર્યો.

છેવટે સ્વતંત્રતાના ચાલીસ વર્ષો બાદ, ભારતમાં 1994 માં વ્યંઢળોને તેમના મતના અધિકારનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી. શબનમ મૌસીને લાગ્યું કે સમાજમાં અસ્તિત્વમાં રહેલા સામાજિક અનિષ્ટોથી છૂટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો રાજકારણના મેદાનમાં પ્રવેશ કરવો. આ જ કારણે સન 1998 માં શબનમ મૌસીએ એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને મધ્યપ્રદેશના શાહદોલ જિલ્લાના સોહાગપુર મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડી. અન્ય ઉમેદવારોએ તેણીને તે સમયે ઉપેક્ષા કરી પરંતુ પોતાના આનંદી સ્વભાવ અને ન્યાયીપણા પ્રત્યેની કરુણાએ હજારો હૃદય જીતી લીધા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેના એજન્ડામાં પોતાના મતક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગરીબી અને ભૂખ સામે લડવું શામેલ હતું. તેણીએ વ્યંઢળો સાથે કરવામાં આવતા ભેદભાવ સામે પણ હિમાયત કરી. એચ.આય.વી. (એઇડ્સ) અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ શબનમ મૌસીએ કર્યો.

ચૂંટણી દરમિયાન ગામેગામ ફરી અને લોકો સાથે મળી, આ કારણે અભણ હોવા છતાં શબનમ મૌસી 12 વિવિધ ભાષાઓમાં બોલી શકે છે. તેણીના પ્રયત્નો, હિંમત અને સાચા ઇરાદાને કારણે ચૂંટણી જીતીને તે સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર ધારાસભ્ય બની. મધ્યપ્રદેશના આખા વ્યંઢળ સમુદાયે તેણીના વિજયની ઉજવણી કરી. પોતાની વિજય રૅલીમાં શબનમ મૌસી બોલીઃ મધ્યપ્રદેશમાં રાજકીય માહોલ ખરાબ છે. મંત્રીઓ સમાજને કોઈ મદદ કરતા નથી. તેથી લોકોએ વિચાર્યું હશે ‘નર કો દેખ લિયા, નારી કો દેખ લિયા, અબ હિજડે કો ભી દેખ લેતે હૈ’.

શબનમ મૌસીએ વિધાનસભાના સભ્ય તરીકે હિંદીમાં શપથ લીધા ત્યારે વિધાનસભાના અન્ય સભ્યોએ તેણીની પ્રશંસા કરી. આ વિજય તેણીનો એકલીનો નહોતો, તે માનવતાનો વિજય હતો. ટ્રાન્સજેન્ડર્સને એલિયન્સ માની બેઠેલા મોટા માથાઓને ઠપકો હતો. પાંચ વર્ષ લોકોને સેવા કરીને પોતે રાજકારણમાંથી બહાર આવી ગઈ. પરંતુ શબનમ મૌસીએ ફરીથી 2012 માં રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી (આર.વી.પી.) ના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી. આ વખતે તેણીએ કાનપુર (ઉત્તર પ્રદેશ)થી ચૂંટણી લડી હતી.

આ વખતે તેણીએ પગપાળા અભિયાન ચલાવ્યું અને ‘શબનમ મૌસી આયી હૈ, નયી રોશની લાયી હૈ’ જેવા સ્વયં-રચિત ગીતો ગાઈને લોકોને પ્રભાવિત કર્યા. ‘હમ ચાહે જૈસે ભી હૈં પર ઉન ચોરોં સે તો અચ્છે હી હૈં’ આવું કહીને તેણીએ ભાજપાના રઘુનંદનસિંહ ભદૌરીયાને હાર આપી હતી.ધારાસભ્ય તરીકે, શબનમ મૌસીએ પોતાના લોકો માટે સખત મહેનત કરી. શબનમ મૌસીએ અન્ય વ્યંઢળોને પણ રાજકારણમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમને પ્રેરણા આપી અને પરંપરાગત પાત્રો (જેમ કે નર્તકો, ભિખારી અને વેશ્યા)માંથી તેમને દૂર કરવાનો માર્ગ બતાવ્યો.

શબનમ મૌસીની જીવન કથાએ લોકોને પ્રેરણા આપી છે અને યોગેશ ભારદ્વાજ નામના ફિલ્મ નિર્માતાએ તેણીના નામ પર સન 2005 માં ‘શબનમ મૌસી’ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં ‘શબનમ મૌસી’નું પાત્ર આશુતોષ રાણાએ ભજવ્યું છે. આ ફિલ્મ વ્યવસાયિક રીતે સફળ નહોતી થઈ અને ખૂબ નિષ્ઠુર હોવાના કારણે તેની ટીકા પણ કરવામાં આવી હતી. છતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક નવો વિષય રજૂ કરવા બદલ અને વ્યંઢળોની દુર્દશાને પ્રકાશિત કરવાના નિર્દેશકના પ્રયત્નોની પ્રશંસા થઈ.

શબનમ મૌસી આ વિશ્વને રહેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેણીના માર્ગને અનુસરીને, સંસદમાં વ્યંઢળ જૂથે 2003 માં “જીતી જીતાઈ પોલિટિક્સ (જેજેપી)” નામની પોતાની પાર્ટી બનાવવાનું નક્કી કર્યું. આ પાર્ટીએ આઠ પાનાનું ચૂંટણીપત્ર પણ બહાર પાડ્યું છે, જેમાં તેઓ મુખ્ય રાજકીય પક્ષોથી અલગ હોવાના રૂપરેખાનો દાવો કરે છે. શબનમ મૌસી હવે સક્રિય રાજકારણમાં સામેલ નથી રહી છતાં તેણીએ ભારતને એચ.આય.વી. અને એઇડ્સ મુક્ત બનાવવા માટેની ઝુંબેશ ચાલુ રાખી છે.

સંદર્ભઃ

https://www.indiatvnews.com/politics/national/shabnam-mausi-india-first-eunuch-hijra-politician-mla-inequality-18963.html

https://en.wikipedia.org/wiki/Shabnam_Mausi

 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here