15 ઓક્ટોબર 1923 થી 18 માર્ચ 1928! કુલ ચાર વર્ષ અને પાંચ મહિના! 44 હજાર માઈલ્સ (અંદાજે 70 હજાર કિલોમીટર)ની સફર! ત્રણ મિત્રો અને સાઈકલનો સથવારો ! શૌર્ય, હિંમત અને દ્રઢતાની રોમાંચક કથા! આ કથા છે ત્રણ પારસી યુવાન મિત્રોની, જેમના નામ હતા જલ બાપસોલા (Jal P. Bapasola), રુસ્તમ ભુમગારા (Rustom B. Bhumgara) અને આદિ હકીમ (Adi Hakim)! ત્રણેય મિત્રોએ મળીને અગણિત મુશ્કેલીઓ આવી હોવા છતાં પોતાના લક્ષ્ય પત્યે કેન્દ્રિત રહીને સાયકલ પર અકલ્પનિય વિશ્વપરિભ્રમણનું સાહસ કર્યું અને ફક્ત પોતાનું જ નહીં પરંતુ ભારતવર્ષનું પણ ગૌરવ વધાર્યુ.
આ વાતની શરૂઆત 1920માં થઈ. લગભગ વીસેક જેટલાં પારસી યુવાનો તે વખતે Bombay Weightlifting Clubના સભ્યો હતા. તેમાંથી છ યુવાનોએ એક દિવસ એક ફ્રેંચ વ્યક્તિનું ભાષણ સાંભળ્યું. આ વ્યક્તિ યુરોપથી પગપાળા હિન્દુસ્તાન આવેલો. આ છ યુવાનો (જલ બાપસોલા, રુસ્તમ ભુમગારા, આદિ હકીમ, ગુસ્તાદ હાથીરામ, કેકે પોચપાનાવાલા અને નરિમાન કાપડિયા)નું ગરમ લોહી ઉકળ્યું. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ વિચારીને છએ છ પારસી યુવાનો સાઈકલ લઈને દુનિયાની સફર કરવા નીકળી પડ્યા.
સફર દરમિયાન છ માંથી એકને કોઈ અંગત કારણને કારણે પાછું હિન્દુસ્તાન આવવું પડ્યું, અને બીજા બે યુવાનો અમેરિકાની રહેણીકરણી જોઈને ‘મોહિત’ થઈ ગયાં અને ત્યાં જ રોકાઈ ગયાં. ફાઈનલી, જલ, રુસ્તમ અને આદિ આ ત્રણ યુવાનો સફરને પૂર્ણ કરીને બોમ્બે સાડા ચાર વર્ષ પછી બોમ્બે પાછા ફર્યા.
બોમ્બેથી નીકળતી વખતે આ મિત્રોએ Raleigh Cycle નામની ઈંગ્લેન્ડની કંપનીનો સંપર્ક કર્યો. આ કંપનીને છ યુવાનો માટે સાઈકલ સ્પોન્સર કરવાની વિનંતી કરી પરંતુ કંપનીએ તે નકારી. સાઈકલવીરો જ્યારે ઈંગ્લેન્ડ પહોંચ્યા ત્યારે એ જ કંપનીએ સામેથી નિવેદન કર્યું કે તેઓ તેમની સાઈકલ લઈને આગળનો સફર આરંભે. ત્રણ યુવાનો સાથે વાત કરતી વખતે કંપનીના માલિકે જાહેરમાં કહ્યું કે અમને વિશ્વાસ જ નહોતો કે તમે આ રીતે આગળ વધશો પરંતુ તમારી ખંત જોઈને અમારું હ્રદય પરિવર્તીત થયું છે.
યુવાનોની આ યાત્રા સરળ નહોતી. સાઈકલ ચલાવતા તેઓને ઘણી મુશ્કેલીઓ નડી. આલ્પ્સની પર્વતમાળામાં 5200 મીટરની ઊંચાઈ સુધી 15 કિલોની સાઈકલ ખભે ઊંચકીને લઈ જવી પડી. રસ્તામાં આઠ વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. સહારાના કાંટાળા રણમાંથી પસાર થવા, સાઈકલના બંને પૈડાઓ પર ઘાસના થર લગાડવા પડતા કારણ કે કાંટાથી ટાયર પંક્ચર થઈ જતાં. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા સુધી પહોંચતા તેમને 9 મહિના લાગ્યા. અમેઝોનના જંગલમાં મચ્છરના ત્રાસથી મલેરિયાના રોગી બન્યા.
તેઓ 60 ડીગ્રી સેન્ટિગ્રેડની ગરમીમાં, -20 ડીગ્રી સેન્ટિગ્રેડની કડકડતી ઠંડીમાં, ખાધાપીધા વગર, આલ્પાઈન વિસ્ફોટના સમયે, ચાંચિયાઓના પ્રદેશમાંથી, જંગલી પ્રાણીઓ અને સાપ-અજગરવાળા જંગલોમાંથી, આદિવાસીઓના ગામડામાંથી, મોતને એકાદ ઈંચ દૂરથી જોઈને પણ પોતાના સફરને આગળ ધપાવી. તેમણે સમુદ્રનો રસ્તો ટાળ્યો એટલે ઘણાં અઘરાં રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું.
આ ત્રણેય મિત્રોએ વિશ્વ પરિભ્રમણ કર્યુ એ વાત તો પ્રસંશનીય છે જ પણ તે સાથે જ તેમણે ઘણાં રેકોર્ડ્સ પણ કાયમ કર્યા – જેમ કે પર્શિયા (ઈરાન), મિસોપોટેમિયા, સિરીયા અને સેનાઈના રણ પાર કરનાર , કોરિયા જેવા દેશ (જે દુનિયા માટે એક બંધ પુસ્તક જેવો હતો)ની મુસાફરી કરનાર, 16 કલાકમાં 275 કિલોમીટરની સફર કરનાર, વર્ષના સૌથી ખરાબ સમયમાં આલ્પ્સની પર્વતમાળાને પાર કરનાર, ચીનના ખડકાળ અને યુદ્ધભૂમિમાંથી પસાર થનાર આ ત્રણેય સૌ પ્રથમ સાઈકલવીરો બન્યા.
જ્યારે પાછા ફર્યા ત્યારે તેમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, માનવ સ્વભાવની સમજણ અને જીવન વિશેનો અભિગમ બદલાઈ ગયો હતો. તેમની આ રોમાંચક યાત્રાને આદિ હકીમે એક પુસ્તક રૂપે રજૂ કરી, જેનું નામ હતું – With Cyclists around the world. આ પુસ્તકનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કારણ કે પુસ્તકની પ્રસ્તાવના જવાહરલાલ નહેરુએ લખેલી છે, જેમાં લખેલું છેઃ
I ENVY THE YOUNG MEN WHO HAVE MADE THIS BOOK. I too have some of the red blood which seeks adventure; something of the wanderlust which even drives one forward. But fate and circumstances have prevented me from satisfying it in the ordinary way – I seek adventure in other ways. And I envy those who like our young friends have girdled the globe and tasted adventure to the full. I hope other young men will read this brave record and that it will fire their imagination and make them do great deeds.
(હું આ પુસ્તક લખનાર યુવાન પુરુષોની ઇર્ષ્યા કરું છું. મારી પાસે પણ એવું લાલ રક્ત છે જે સાહસ માંગે છે; મારામાં પણ આ રીતે ભટકવાની ઈચ્છા છે. પરંતુ ભાગ્ય અને સંજોગોએ મને સામાન્ય રીતે સંતોષતા શીખવ્યું છે – હું બીજી રીતે સાહસ શોધું છું. અને હું તે લોકોની ઈર્ષ્યા કરું છું જેમને આપણા આ યુવા મિત્રો ગમે છે. તેઓએ વિશ્વ પરિભ્રમણ માટેની કમર કસી અને સંપૂર્ણ સાહસનો સ્વાદ ચાખ્યો છે. હું આશા રાખું છું કે અન્ય યુવાનો આ બહાદુરીભર્યા પુસ્તકની વાંચશે અને પોતાની કલ્પનાને આગળ વધારીને આવા જ મહાન કાર્યો કરશે.)
ત્રણેય પારસી મિત્રોની સંપૂર્ણ યાત્રા 26 પ્રકરણોમાં લખાયેલી છે જેમાં હિન્દુસ્તાનના પશ્ચિમી ઘાટ, ગ્વાલિયર, બલુચિસ્તાન, પર્શિયા, સિરીયા, જોર્ડન, ઈટાલી, ઓસ્ટ્રિયા, જર્મની, નેધરલેન્ડ્સ, પેરિસ, બ્રિટન, ન્યુયોર્ક, જાપાન, કોરિયા, મંચુરીયા, ચીન, બર્મા, બંગાળ, મદ્રાસ અને બોમ્બે જેવા દરેક પ્રકારના શહેરોનો ઉલ્લેખ છે. દરેક દેશમાં તેમને થયેલા સારા નરસા પ્રસંગોનું વર્ણન કરેલું છે.
આ પુસ્તક એક વાર વાંચવા મળે તો વાંચજો!
સંદર્ભઃ
eછાપું
જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ચિત્રલેખા વિકલી માં હપ્તાવાર આ વાત છપાયેલી.