પરિવર્તન: કોરોનાએ લોકોની ગુગલ સર્ચ કરવાની માનસિકતા બદલી નાખી

0
274

કોરોના મહામારીએ ભારતમાં હાહાકાર જ નથી મચાવ્યો પરંતુ તેણે ભારતીયોની ગુગલ સર્ચ કરવાની આખી આદત જ બદલી નાખી હોવાનું ગુગલ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓથી સાબિત થયું છે.

બેંગ્લોર: ભારતમાં કોરોના મહામારીની એન્ટ્રી પહેલા લોકો જે બાબતો ગુગલ સર્ચમાં કરતા હતા તે કોરોનાની એન્ટ્રી બાદ અને ખાસકરીને લોકડાઉન બાદ સાવ બદલાઈ ગઈ છે. એમ કહીએ તો ખોટું નથી કે કોરોનાએ ભારતીયોની ગુગલ સર્ચ કરવાની રીત સમુળગી બદલી નાખી છે.

આજકાલ લોકો કરીયાણાની હોમ ડિલીવરી, કોરોના વાયરસ ઇન્શ્યોરન્સ કે પછી UPI પર ઓનલાઈન વ્યવહારો કેમ કરવા એ અંગે વધુ સર્ચ કરી રહ્યા છે નહીં કે અન્ય વિષયો પર. જો કે એવું નથી કે લોકો માત્ર કોરોનાને લગતી જ બાબતો સર્ચ કરી રહ્યા છે, ગુગલના What is India Searching for રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત સર્ચ ઉપરાંત ભારતીયો હોરર મુવીઝ અને બેસ્ટ તેલુગુ મુવીઝ 2020ને ગત વર્ષ કરતા અનુક્રમે 950% અને 450% વધુ સર્ચ કરી રહ્યા છે.

પોતાની નજીક આવેલી કરીયાણાની દુકાન, ઓનલાઈન ગ્રોસરી ડિલીવરી કે પછી નજીક આવેલી રેશનની દુકાનની સર્ચમાં પણ અનુક્રમે 550%, 350% અને 300% વધારો જોવા મળ્યો છે. કોરોનાને કારણે લોકોમાં આરોગ્ય અંગેની જાગૃતિ પણ વધી હોય એવું લાગી રહ્યું છે કારણકે ‘immunity’ (રોગપ્રતિકારક શક્તિ) શબ્દ આ વર્ષે 500% વધુ વખત સર્ચ થયો છે.

આ ઉપરાંત વિટામીન C અને કોરોના ઇન્શ્યોરન્સ શબ્દને 150% તેમજ અધધધ કહી શકાય તેટલા 1,230% વધુ સર્ચ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે હજી ગયા વર્ષ સુધી જે બાબતોની જાણકારી મેળવવી ખાસ મહત્ત્વ નહોતી ધરાવતી તેનું મહત્ત્વ હવે અતિશય વધી ગયું છે.

તો બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ‘ક્લાસ ઓનલાઈન’ અને ‘ટીચ ઓનલાઈન’ શબ્દોની સર્ચ 300% અને 148% વધી છે. તો કોરોનાનો ચેપ પોતાને ન લાગે તે માટે ઓનલાઈન નાણાકીય વ્યવહારો કેવી રીતે કરવા તે માટે લોકો ‘UPI’ શબ્દની સર્ચ છેલ્લા બે મહિનામાં IMPS કરતા ત્રણ ગણી અને NEFT કરતા 1.5 ગણી કરી ચૂક્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે UPI શબ્દની સર્ચ સહુથી વધુ એટલેકે 79% નોન મેટ્રો શહેરમાં થઇ છે જે દર્શાવે છે કે હવે કોરોનાને કારણે નાના શહેરોમાં પણ લોકોને ઓનલાઈન પેમેન્ટ તરફ વળવાની ઈચ્છા થઇ છે. તો કોરોના થવાનું ટેન્શન તેમજ લોકડાઉનમાં ઘરે પુરાઈ રહેવાથી ઉભી થઇ શકનારી માનસિક તાણને પહોંચી વળવા માટે ‘feel good movies’ ની સર્ચ આ વર્ષે 204% વધી છે.

આ રીતે કોરોનાએ માત્ર લોકોનું ઓફલાઈન જીવન જ નથી બદલી નાખ્યું પરંતુ તેમના ઓનલાઈન વ્યવહારો પર પણ મોટી અસર કરી છે તેમ ગુગલના નવા આંકડાઓ સાબિત કરે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here