રાહત: આવતીકાલથી ટ્રેનો ચાલુ થશે પરંતુ નિયમો જાણવા જરૂરી

0
295

લાંબા સમય ચાલેલા લોકડાઉન બાદ ભારતીય રેલવે હવે ફરીથી પોતાની સેવાઓ શરુ કરવા જઈ રહી છે, પરંતુ આ સેવાનો લાભ લેવા માટે તેણે કેટલાક નિયમો પણ બનાવ્યા છે જેને જાણવા અત્યંત જરૂરી છે.

ભારતીય રેલવે આવતીકાલથી ટ્રેન સેવા પુનઃ શરુ કરી રહી છે પરંતુ આ સેવા કેવી રીતે અને ક્યાં ઉપલબ્ધ થશે તે માટે કેટલાક નિયમો જાણવા જરૂરી છે. સહુથી પહેલા તો આવતીકાલથી કુલ 15 જોડી ટ્રેન એટલેકે ત્રીસ ટ્રેન, રિટર્ન જર્ની સાથે શરુ થવા જઈ રહી છે.

આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટેનું રિઝર્વેશન આજે સાંજે 4 વાગ્યાથી શરુ થશે. આ રિઝર્વેશન માત્ર IRCTC ની વેબસાઈટ પર જ કરવામાં આવશે અને જે-તે રેલવે સ્ટેશન પરની આરક્ષણ સેવા સદંતર બંધ રહેશે.

ઉપરોક્ત 15 જોડી ટ્રેનો નવી દિલ્હી સ્ટેશનેથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ્, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી માટે દોડાવવામાં આવશે. આ ટ્રેનો વિશેષ ટ્રેનો હશે જેથી આ માર્ગો પર સામાન્યતઃ દોડતી ટ્રેનો કરતા તેના રોકાવાના સ્ટેશનો અને સમય અલગ અલગ હશે.

આ ટ્રેનો ચલાવ્યા બાદ ભારતીય રેલવે દેશના અન્ય રેલમાર્ગો પર પણ વિશેષ ટ્રેન દોડાવશે પરંતુ આ કોચની ઉપલબ્ધ સંખ્યા પર નિર્ભર કરશે. હાલમાં 20,000 જેટલા રેલવે કોચ કોરોના કેર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત હાલમાં દેશભરમાં રહેલા શ્રમિકોને પોતપોતાના વતન જવા માટે પણ ખાસ શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને તેમાં પણ કોચની સંખ્યા ઘણી છે.

જેમ અગાઉ જણાવવામાં આવ્યું તેમ રેલવે સ્ટેશને એક પણ રિઝર્વેશન કાઉન્ટર ખુલ્લું નહીં રહે અને પ્લેટફોર્મ ટીકીટ પણ ઉપલબ્ધ કરવામાં નહીં આવે. માત્ર પ્રવાસની ટીકીટ સાથે રાખનાર વ્યક્તિને જ સ્ટેશનની અંદર પ્રવેશ આપવામાં આવશે.

સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે પણ યાત્રીએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે અને પ્રસ્થાન અગાઉ તેને સ્ક્રીનીંગમાંથી ફરજીયાત પસાર થવું પડશે અને જે યાત્રીને કોરોનાનું લક્ષણ નહીં હોય તેને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here