ગઈકાલે વડાપ્રધાને ભારતના અર્થતંત્રની ગાડી પાટે ચડાવીને તેને ફરીથી દોડાવવા માટે જે આર્થિક પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી તે માંગ કરતા બમણું હોવા છતાં પણ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.

અમદાવાદ: કોંગ્રેસ પક્ષ છેલ્લા છ વર્ષથી જબરા ગૂંચવાડામાં છે. તે માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં જ વ્યસ્ત છે પરંતુ આ વિરોધ કરવા દરમ્યાન એ ભૂલી જાય છે કે તેણે વિરોધ ખરેખર શેનો કરવાનો છે.
ગઈકાલે પોતાના રાષ્ટ્રજોગા સંબોધનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળ દરમ્યાન અને બાદમાં ભારતને આત્મનિર્ભર કરવાના પ્રયાસરૂપે રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું હતું જે દેશની GDPના લગભગ 10% થવા જાય છે. પરંતુ કોંગ્રેસ પક્ષને નરેન્દ્ર મોદીની કોઇપણ જાહેરાતનો વિરોધ કરવાની આદત હોવાથી ગઈકાલે પણ તેણે એક મોટો ભાંગરો વાટ્યો હતો.
મધ્ય પ્રદેશ કોંગ્રેસે ગઈકાલના વડાપ્રધાનના સંબોધન બાદ તુરંત જ Tweet કરી હતી કે GDPના માત્ર 10% જેટલું પેકેજ તો બહુ ઓછું કહેવાય, તેમણે ઓછામાં ઓછું GDPના 50% જેટલું પેકેજ તો આપવું જ જોઈતું હતું. પરંતુ મધ્ય પ્રદેશ કોંગ્રેસ કદાચ એ સમાચાર વાંચવાનું ભૂલી ગઈ હતી જેમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉપનેતા આનંદ શર્માએ મોદી સરકાર પાસે GDPના 5-6 ટકા જેટલું પેકેજ આપવાની માંગણી કરી હતી.
આનંદ શર્માએ એક વિડીયો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,
આ એક અસાધારણ સમય છે અને તેની સામે લડવા માટે અસાધારણ પગલાંઓ લેવા જરૂરી છે. આથી વડાપ્રધાને કેટલાક હિંમતભર્યા પગલાં લેવા જોઈએ અને એક એવું આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ જે લોકડાઉન બાદ આપણા અર્થતંત્રને પુનઃજીવિત કરવામાં મદદ કરે. અમે એવી આશા કરીએ છીએ કે એ આર્થિક પેકેજ ભારતની GDPના પાંચથી છ ટકા જેટલું હોય.
વડાપ્રધાનની ગઈકાલની જાહેરાત કોંગ્રેસના સમયમાં RBI ગવર્નર રહી ચુકેલા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી જેમની વારંવાર સલાહ લે છે તે રઘુરામ રાજન દ્વારા માંગ કરવામાં આવેલા રૂ. 65000 કરોડના પેકેજ કરતાં પણ ખૂબ વિશાળ છે.
જ્યારે રાહુલ ગાંધીએ એક લાઈવ વિડીયો ચેટમાં રાજનને પૂછ્યું હતું કે ગરીબોને મદદ કરવા માટે સરકારે કેવું પેકેજ જાહેર કરવું જોઈએ ત્યારે તે સવાલના જવાબમાં રઘુરામ રાજને કહ્યું હતું કે,
લગભગ 65,000 કરોડની જરૂર પડશે કારણકે આપણી GDP 200 લાખ કરોડની છે અને તેમાંથી 65,000 કરોડ અલગ કરવા કોઈ મોટી રકમ નથી, આથી આપણે એટલું તો કરી જ શકીએ છીએ.
રઘુરામ રાજન સાથેની ચર્ચા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ આ જ રકમને દોહરાવી હતી. આનંદ શર્મા અને રઘુરામ રાજન (જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે) દ્વારા માંગ કરવામાં આવેલી માંગણી કરતા બમણી રકમના પ્રોત્સાહક પેકેજની જાહેરાત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હોવા છતાં કોંગ્રેસ તેનો વિરોધ કરતી જોવા મળી રહી છે તે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.
eછાપું